Shatdal

ક્યારે સોફ્ટ લોન્ચ કરવું? ક્યારે હાર્ડ લોન્ચ?

By GS Team
25 Aug 20262 mins read
ક્યારે સોફ્ટ લોન્ચ કરવું? ક્યારે હાર્ડ લોન્ચ?
  • નેટ-બોલી

સો ફ્ટ લોન્ચ (Soft Launch) અને હાર્ડ લોન્ચ (Hard Launch) એ જેન-ઝી દ્વારા વપરાતા એવા 'કોર્પોરેટ શબ્દો' છે, જેનો ઉપયોગ માણસો વર્ષોથી કરતા આવ્યા છે. તે છે નવા સંબંધની જાહેરાત કરવામાં.
સોફ્ટ લોન્ચ એટલે કે તમારા પ્રેમી, પ્રેમિકા અથવા કહો કે પ્રિય પાત્રનો ચહેરો કે ઓળખ છતી કર્યા વિના ફક્ત ઈશારો કરવો કે ભાઈ. મારી લાઇફમાં હવે 'કોઈક છે'! કેવી રીતે આ વાતનો સંકેત આપવો? ઇન્સ્ટાગ્રામ પર કોફીના બે કપનો ફોટો મૂકવો, બે વ્યક્તિઓ માટેના ડિનરનો ફોટો, કોઈનો અજાણ્યો હાથ, ખભો અથવા એવો ફોટો જેમાં પાર્ટનરનો ચહેરો છુપાયેલો હોય. આનો સીધો અર્થ એ થાય છે: 'યેસ્સ… મારી લાઇફમાં કોઈ છે તો ખરું, પણ એ કોણ છે તે તમને હમણાં નહીં કહું!'
ઉદાહરણ: રિયાએ એકબીજાના હાથ પકડેલો ફોટો પોસ્ટ કરીને પોતાના બોયફ્રેન્ડને સોફ્ટ લોન્ચ કર્યો. હાર્ડ લોન્ચ આનાથી બિલકુલ ઊલટું છે. હાર્ડ લોન્ચ એટલે સંબંધની સ્પષ્ટ, ખુલ્લેઆમ, સત્તાવાર જાહેરાત કરવી. સામાન્ય રીતે આમાં કપલ ફોટો મૂકવો, પાર્ટનરને ટેગ કરવો અને બધાને જણાવી દેવું કે જુઓ, આ જ છે મારો બોયફ્રેન્ડ (કે ગર્લફ્રેન્ડ)! અથવા આ જ છે એ વ્યક્તિ જેવી સાથે મારી સગાઈ થઈ છે, જેની સાથે મારાં લગ્ન થવાનાં છે.
ઉદાહરણ: મહિનાઓ સુધી ભેદી ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ મૂક્યા પછી આખરે નૂપુર-સિદ્ધાર્થે પોતાના સંબંધને હાર્ડ લોન્ચ કર્યો.
આ શબ્દો
આવ્યા ક્યાંથી?
મજાની વાત એ છે કે આ બંનેમાંથી કોઈ પણ શબ્દ મૂળ પ્રેમ કે રિલેશનશિપ્સ માટે બન્યો નહોતો. બિઝનેસમાં સોફ્ટ લોન્ચ એટલે કોઈ નવી પ્રોડક્ટ, સવસ, રેસ્ટોરન્ટ જેવી જગ્યાને મોટા પાયે લોન્ચ કરતા પહેલાં, શાંતિથી મર્યાદિત લોકો સમક્ષ રજૂ કરવું કે જેથી કંપનીને ફીડબેક મળે, બધું બરાબર છે કે નહીં તે ચકાસી શકે.
સોશિયલ મીડિયા યુઝર્સે આ જ માર્કેટિંગના નિયમને ડેટિંગમાં લાગુ કરી દીધો: નવો બોયફ્રેન્ડ યા ગર્લફ્રેન્ડ = નવી પ્રોડક્ટ!
આ શબ્દનો ઉપયોગ ૨૦૧૦ના દાયકાના મધ્યભાગમાં સોશિયલ મીડિયા પર શરૂ થયો હતો. સંભવત: ૨૦૧૬ના એક ટ્વિટમાં 'રિલેશનશિપ સોફ્ટ લોન્ચ'નો પહેલો સ્પષ્ટ ઉલ્લેખ જોવા મળ્યો હતો. ૨૦૨૦ની આસપાસ વાયરલ પોસ્ટ્સ અને ટિકટોક-ઇન્સ્ટાગ્રામ કલ્ચરને કારણે તે ખૂબ જ પોપ્યુલર બન્યો.
હવે તો લોકો પાસે સંબંધોની પણ એક લોન્ચિંગ સ્ટ્રેટેજી હોય છે:
કોઈ લોન્ચ નહીં? સોફ્ટ લોન્ચ? હાર્ડ લોન્ચ? બ્રેક-અપ? પ્રોડક્ટ ડિસકન્ટિન્યુડ?
અને હા, આ શબ્દો હવે ફક્ત પ્રેમસંબંધો પૂરતા મર્યાદિત નથી રહ્યા. લોકો નવી નોકરી, બિઝનેસ, પ્રોજેક્ટ કે પોતાના જીવનના નવા તબક્કાની સત્તાવાર જાહેરાત કરતાં પહેલાં તેની નાની ઝલક આપીને સોફ્ટ લોન્ચ કરે છે.
યાદ રહે, સોફ્ટ લોન્ચ એટલે માત્ર વાત છુપાવવી નહીં, પણ નિયંત્રિત રીતે, થોડીક જ દર્શાવવી. તમે જાણીજોઈને લોકોને એટલી જ માહિતી આપો છો જેથી તેમને ખબર પડે કે તમારી લાઇફમાં કોઈ આવ્યું છે, પણ સાથે જ તેની ઓળખ ગુપ્ત રાખો છો. ધેટ્સ ઓલ!