Shatdal

તમારામાં કેવુંક Rizz છે?

By GS Team
11 Aug 20262 mins read
તમારામાં કેવુંક Rizz છે?
  • નેટ-બોલી
  • રિઝ એટલે, સાવ સાદી ભાષામાં કહીએ તો, મીઠી મીઠી વાતો કરીને સામેના પાત્રને આકર્ષવાની કળા. ઓનલાઇનની દુનિયાના આ શબ્દનો સંબંધ ચાર્મ સાથે છે, રોમેન્ટિક માહોલ સાથે પણ છે.

'રિ ઝ' (Rizz ) આજના ઇન્ટરનેટ કલ્ચરનો એક અતિ પોપ્યુલર શબ્દ છે. એક તો, એ શોર્ટ એન્ડ સ્વીટ છે, તે બોલવાની યંગસ્ટર્સને મજા પડે છે.
રિઝ એટલે, સાવ સાદી ભાષામાં કહીએ તો, મીઠી મીઠી વાતો કરીને સામેના પાત્રને આકર્ષવાની કળા. ઓનલાઇનની દુનિયાના આ શબ્દનો સંબંધ ચાર્મ સાથે છે, રોમેન્ટિક માહોલ સાથે પણ છે.
ભાષાશાની દ્રષ્ટિએ જુઓ તો, આ શબ્દ cha-RIZZ-ma (કરિશ્મા અથવા કરિઝ્મા) શબ્દના વચલા ચાર અક્ષરો Rizzને ઊંચકીને ભાગ બનાવવામાં આવ્યો છે. રિઝ માત્ર આધુનિક છટા, સારા દેખાવ કે રોમેન્ટિક ચેષ્ટા પૂરતો સીમિત શબ્દ નથી. તે નેચરલ કોન્ફિડન્સ, ચબરાકીભર્યું વાકચાતુર્ય, સહેલાઈથી વાતચીત કરવાની કળા પણ દર્શાવે છે.
સહેજે સવાલ થાય કે આ શબ્દ ક્યાંથી આવ્યો? આ શબ્દ સૌપ્રથમ ૨૦૨૧માં ન્યૂ યોર્કના ટ્વિચ નામના લોકપ્રિય સ્ટ્રીમર, કાઈ સેનાટ નામના યુટયુબર અને તેમના દોસ્તોએ વાપર્યો હતો. શરૂઆતના લાઈવ સ્ટ્રીમ્સ દરમિયાન રિઝ-રિઝ કરતા હતા. પછી એમના ફ્રેન્ડ્ઝ કન્યાઓને ઇમ્પ્રેસ કરી નાખવાની કોશિશ કરતા ત્યારે એમના 'ચાર્મ'નું રેટિંગ કરવા માટે મજાકમાં તેઓ રિઝ શબ્દ વાપરતા હતા. આજના ડિજિટલ યુગમાં જે રીતે નવા નવા શબ્દો વાઇરલ થાય છે તે પ્રમાણે આ શબ્દ પણ વાઇરલ થયો. સ્ટ્રીમિંગ પરથી તે ટિકટોક ક્લિપ્સમાં આવ્યો, ટિકટોકની ક્લિપ્સ પરથી તે ધીમે ધીમે મેઇનસ્ટ્રીમ ન્યુઝમાં વપરાવા લાગ્યો.
સ્પાઇડરમેનનો રોલ કરતા હોલિવુડ સ્ટાર ટોમ હોલેન્ડને જૂન ૨૦૨૩માં એક ઇન્ટરવ્યુ દરમિયાન પૂછવામાં આવ્યું, 'શું તમારામાં રિઝ છે?' ટોમે તરત જવાબ આપ્યો, 'ના, ભાઈ, ના. મારામાં સહેજ પણ રિઝ નથી!' પછી એણે હળવેકથી પોતાની તે વખતની ગર્લફ્રેન્ડ ઝેન્ડયાની વાત કાઢી. ઝેન્ડયા પણ હોલિવુડની સ્ટાર છે. આ બન્નેને આપણે સ્પાઇડરમેનની લેટેસ્ટ ફિલ્મ ઉપરાંત 'ધ ઓડિસી'માં જોયાં. ટોમ હોલેન્ડે કહ્યું કે, રિઝને કારણે નહીં, પણ અમે આ રિલેશનશિપને ખૂબ સમય આપ્યો, ઘણી ધીરજ રાખી, એટલે એકબીજાની નિકટ આવી શક્યાં.
આ વીડિયો ક્લિપ તમામ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ. રિઝ શબ્દને પોપ્યુલર કરવામાં ટોમ હોલેન્ડના આ વીડિયોએ મહત્ત્વની ભૂમિકા ભજવી છે. પછી તો ઓક્સફોર્ડ લેંગ્વેજિસ દ્વારા Rizzને સત્તાવાર રીતે '૨૦૨૩ વર્ડ ઓફ ધ યર' જાહેર કરવામાં આવ્યો!
રિઝ શબ્દને વાક્યમાં કેવી રીતે વપરાય?
સાવ સહેલું છે. રિઝને તમે નામના રૂપમાં અને ક્રિયાપદના રૂપમાં એમ બંને રીતે વાપરી શકો છો. જેમ કે,

  • અરે યાર, રાહુલને બહુ બોલવાની જરૂર જ પડતી નથી. એનામાં નેચરલ રિઝ છે. છોકરીઓ જાતે જ એના તરફ ખેંચાઈ આવે છે.
    બીજું ઉદાહરણ:
  • આ જો, રોહને કૉફી ઢોળી નાખી કે જેથી પેલી છોકરી 'ઓહ માય ગોડ…' કરતી એને ટિશ્યુ પેપર આપે. સાચ્ચે, જાણીજોઈને કૉફી ઢોળવી… ઇટ્સ અ વાઇલ્ડ રિઝ!
    તો કહો ચાલો, તમારી પર્સનારિટીમાં કેવુંક રિઝ છે?