ફૂલને સ્પર્શી હવા તો થાય શું ? તરબતર થઇ મહેકને પ્રસરાવશે

- યહી હે જિંદગી-મહેશ યાજ્ઞિક
- ખરેખર હું નસીબદાર છું. સાસરામાં છું તોય પિયરથી વધારે પ્રેમભાવ મળ્યો છે. આટલી સુખ-સાહ્યબી તો મારા મોસાળમાં પણ નહોતી.'
ત્રી જે માળે રહેતાં વીણાબહેન શાકની ખરીદી કરીને આવ્યાં અને વજનદાર થેલા ગ્રાઉન્ડ ફ્લોરના ઓટલા પર મૂકીને જ બેસી ગયાં. 'હાશ ! બે ઘૂંટડા પાણી પીવડાવી દે, બેટા !' ઓટલા પર બેસીને અલકા મેથી ચૂંટતી હતી, એની સામે જોઇને એ બબડયાં. અલકાની પાસે બેઠેલો એનો સાત વર્ષનો દીકરો રંગીન પેન્સિલથી કાગળ ઉપર કંઇક દોરી રહ્યો હતો. અલકા ઊભી થઇને પાણી લેવા ગઈ. વીણાબહેનનો પૌત્ર નીચે આવીને શાકના થેલા ઊંચકીને ઉપર લઇ ગયો. શાક ઉપર પહોંચી ગયું એટલે વીણાબહેન હવે આરામથી બેઠાં.
અલકા પાણી લઇને આવી. ભારે શરીરને લીધે વીણાબહેન ત્રીજે માળથી બહુ ઓછી વાર નીચે ઉતરતાં હતાં. વળી, સ્વભાવમાં પંચાતની આદત. પાણી પીધા પછી એમણે બળાપો કાઢ્યો. 'આ વરસાદના બહાને મૂવા શાકવાળાએ ભાવ વધારી દીધા છે. ચાર દાડાનું શાક અને ડઝન કેળા લીધાં, એમાં નવસો રૂપિયા નિચોવી લીધા !'
ખાલી ગ્લાસ પાછો લઇને અલકા હસી પડી. ગ્લાસ બાજુ પર મૂકીને એણે વીણાબહેનની પાસે બેસીને મેથી ચૂંટવાનું કામ
ચાલુ રાખ્યું.
મોંઘવારીના બળાપા પછી વીણાબહેને અલકા સામે જોઇને જિજ્ઞાસાથી પૂછ્યું. 'હમણાં છેલ્લા અઠવાડિયાથી તારા ઘેર તાળું હતું. ક્યાં ફરી આવ્યા ? તારા સસરા પણ દેખાતા નથી.'… અલકા મેથીમાં મગ્ન હતી એટલે એમણે ફરીથી પૂછ્યું. 'આબુ કે ઉદેપુર - કઇ બાજું ફરી આવ્યા ?'
'બીજે તો ક્યાં જવાય, માસી ?' અલકાએ શાંતિથી જવાબ આપ્યો. 'વેરાવળ મારા જેઠને ત્યાં ગયા હતા. બાપા તો ત્યાં જ રોકાઈ ગયા. એ હમણાં ત્યાં જ રહેવાના છે.'
'અલી, તારા સસરા તો રિટાયર્ડ માસ્તર છે ને ?' 'હાઈસ્કૂલના પ્રિન્સિપાલ હતા.' અલકાએ એમની ભૂલ સુધારી. 'મારા સાસુ દેવલોક પામ્યાં ત્યારે એ અઠ્ઠાવન વર્ષના હતા. બે વર્ષની નોકરી બાકી હતી. અમે એમને કહ્યું કે બાપા, બહુ વર્ષ નોકરી કરી. હવે રાજીનામું આપીને ગામડું છોડીને અમારી સાથે રહેવા આવી જાવ. ત્યાં તાલુકા લેવલનું ગામ છોડીને અહીં અમદાવાદ આવીને શાંતિથી રહો. ખોટું નહીં બોલું. મારા જેઠે પણ ખૂબ આગ્રહ કરીને કહેલું કે વેરાવળ આવી જાવ, પણ એમણે બેમાંથી એકેય ભાઈની વાત ના માની. સરકારે રિટાયર કર્યા ત્યાં સુધી નોકરી કરી. પછી અમારે ત્યાં આવ્યા. આજકાલ કરતા દસ વર્ષ થઇ ગયાં, આ દસકામાં મારા જેઠે કેટલીય વાર એમને બોલાવ્યા, પણ એમને અહીં અમારી સાથે ફાવી ગયું હતું. છ મહિના પહેલા મારા જેઠ જેઠાણી અહીં આવ્યાં હતાં ત્યારે બાપાને આગ્રહ કરતી વખતે ગળગળાં થઇ ગયાં હતાં. મારા જેઠે તો પૂછ્યું કે બાપા, હું તમારો દીકરો નથી ? મારે ત્યાં રહેવા કેમ નથી આવતા ? એમણે આવું કહ્યું ત્યારે બાપાએ વચન આપેલું કે આ દિવાળી પછી તારા ઘેર રહેવા આવીશ.'
લગીર અટકીને અલકાએ વીણાબહેન સામે જોયું. 'એમણે વચન પાળ્યું. અનિકેતને કહ્યું કે લાભપાંચમની મારી સોમનાથ મેલની ટિકિટ કરાવી દે. અનિકેતે મોટાભાઈને ફોન કર્યો ત્યારે એમણે પ્રેમથી આગ્રહ કર્યો કે તમે બધા પણ બાપાની સાથે જ આવો. પાંચ-છ દિવસ સાથે રહીને જલસા કરીશું. એટલે કાર્યક્રમ બનાવી નાખેલો. અમે ફરી આવ્યા. વેરાવળથી દીવ અને બધે ફરવા ગયા. બિટ્ટુને તો મારા જેઠની દીકરીઓ સાથે દીવના દરિયામાં તોફાન કરવાની ખૂબ મજા આવી.'
'બહાર ફરવાની તો મજા જ આવે ને ?' વીણાબહેને હસીને કહ્યું. 'તું તો ઘરકૂકડીની જેમ બારેય મહિના ઘરમાં જ ગોંધાઈ રહે છે.'
'ફરવાની હોંશ તો થાય, પણ ઘરની પિરિસ્થિતિ તો વિચારવી પડે ને ?' ફિક્કું હસીને અલકાએ એમની સામે જોયું. 'તમે જ કહો, માસી ! દેવું કરીને ઘી થોડું પીવાય ?'
'તારી વાત સાવ સાચી, પણ પાંચ-છ દિવસ પિયરમાં ફરી આવવાનું. ત્યાં કોઈ ખર્ચો થોડો થાય ?'
વીણાબહેનની સલાહ સાંભળીને અલકાના ચહેરા પર ઉદાસી પથરાઈ. 'મારા પિયરની વાત તમને ખબર નથી, માસી ! આઠ વર્ષની થઇ એ જ વખતે પપ્પાને ગૂમાવેલા. છત્રીસ વર્ષની ઉંમરે જ માસિવ હાર્ટએટેક આવી ગયેલો.' અવાજમાં લાગણીની ભીનાશ ભળે અને મૂળ વાત ભૂલીને એ ત્રીસ વર્ષ પાછળ પહોંચી ગઈ. 'એ આઠ વર્ષમાં એમણે મારા ઉપર જે પ્રેમ વરસાવેલો, એવો તો કોઈ બાપે દીકરીને નહીં આપ્યો હોય. હું બહુ તોફાની હતી એટલે મમ્મી રસોઈ બનાવે ત્યાં સુધી રોજ સવાર-સાંજ દોઢ દોઢ કલાક મને ફરવા લઇ જતા. એમના સાંનિધ્યમાં જે સમય પસાર કર્યો એણે તો મારી જિંદગીમાં પાયાના પથ્થરનું કામ કર્યું છે. એ ઉંમરની બીજી કોઈ છોકરી પાસે ના હોય એવો વૈભવ મેં એમની પાસેથી મેળવ્યો…'
ભૂતકાળના એ દ્રશ્યો જાણે આંખ સામે સજીવન થઇ રહ્યાં હોય એમ અલકા ભાવુક બનીને બોલતી હતી. 'અમારા ઘરની પાસે એક બગીચો હતો. સાવ નાનકડી હતી ત્યારે એ મને કાખમાં તેડીને લઇ જતા. પછી ડગુમગુ ચાલતા શીખી ત્યારે મારી આંગળી પકડીને એમણે મને ચાલતા શીખવ્યું. બગીચાની લીલીછમ લોન ઉપર એમણે મને દોડતી કરી. માસી, ચકલી, કાબરથી માંડીને મોર સુધીના બધા પક્ષીઓ સાથે એમણે ઓળખાણ કરાવી. ફૂલ અને પાનના વિવિધ આકાર અને રંગોના વૈભવની જાણકારી પણ આપી. લગીર પણ કંટાળ્યા વગર મારા એકના એક પ્રશ્નોના જવાબ આપવાની અસીમ ધીરજ એમનામાંહતી. એમના સ્કૂટરની આગળ ઊભી રહું એ પળે તો આખી દુનિયાની સાહ્યબી જાણે મારી મુઠ્ઠીમાં હોય એવો ગર્વ થતો હતો…' લગીર અટકીને આગળ બોલતી વખતે એના અવાજની ભીનાશ વધુ ઘેરી બની. 'એમનું અવસાન થયું ત્યારે મારામાં અક્કલ નહોતી. મમ્મીના ખોળામાં માથું મૂકીને રાત્રે સૂતી વખતે હું પૂછતી કે પપ્પા ક્યાં ગયા ? બારીમાંથી દેખાતા આકાશના ટૂકડા સામે આંગળી ચીંધીને ભીની આંખે મમ્મી કહેતી કે એ ત્યાં સ્વર્ગમાં ગયા છે. ચમકતા તારાઓ સામે તાકીને હું કહેતી કે મારે પણ ત્યાં પપ્પા પાસે જવું છે. મારા હોઠ ઉપર તરત એની હથેળી ઢાંકીને મમ્મી કહેતી કે તારે ત્યાં જવાની બહુ વાર છે. ભગવાન જેને બોલાવે એ જ ત્યાં જઇ શકે. એ છતાં હું જીદ કરતી કે મારે પપ્પા પાસે ત્યાં જવું છે. અંતે, મને વળગીને એ રડતી એટલે હું પણ રડતી…''
લગીર અટકીને એણે બે ઘૂંટડા પાણી પીધું. પછી વીણાબહેન સામે જોયું. 'મોસાળથી સાસરે આવી. મારા સસરા નિવૃત્ત થયા પછી અમારી સાથે રહેવા આવ્યા ત્યારે બાળપણની એ યાદ સજીવન થઇ ગઈ. એવી જ વાત્સલ્ય નિતરતી આંખો અને એવો જ લાગણીભીનો અવાજ. જાણે ફરીથી મારા પપ્પા જ મારી સાથે રહેવા આવ્યા હોય એવું મને લાગ્યું. ક્યારેય મેં એમને સસરા સ્વરૂપે નથી જોયાં. હું એમને બાપા જ કહું છું. મારા પપ્પા મને લઇ જતા હતા, એ જ રીતે એમણે અમારા બિટ્ટુની જવાબદારી સંભાળી લીધી. સવારે મંદિર જાય કે સાંજે બાગમાં જાય ત્યારે બિટ્ટુ એમની સાથે જ હોય. આજે બિટ્ટુ એની સ્કૂલમાં મારી જેમ જ પહેલો નંબર લાવે છે એનું કારણ એના દાદા !'
અલકા ભાવાવેશમાં બોલતી હતી. વીણાબહેન ધ્યાનથી સાંભળતાં હતાં.
'મારા સસરા ખરા અર્થમાં દેવપુરુષ અને કર્મયોગી. ઘરમાં એમની હાજરીનો જરાયે ભાર ના લાગે. બે ટાઈમ ચા જોઇએ બાકી, જમવામાં કોઈ માથાકૂટ નહીં. સાંજે જમવામાં માત્ર ભાખરી અને દૂધ. મારા સાસુ ગુજરી ગયા અને એ પછી બે વર્ષ એ એકલા રહ્યા ત્યારે જાતે રસોઈ બનાવતા હતા. ક્યારેક એમને મન થાય ત્યારે એમની એ આવડતનો અમને લાભ આપે. ગરમાગરમ શીરો કે ક્યારેક મસ્ત વઘારેલી ખીચડી બનાવે ! આવા સસરા તો નસીબદારને મળે…'
સસરાની વાત ઉપરથી અલકા જેઠ ઉપર આવી. 'માસી, મારા જેઠ તો ખરા અર્થમાં મોટાભાઈ જ છે. વેરાવળમાં એ ખાસ્સું કમાય છે એ સાચું, તો ય બાપાની મિલકતમાંથી પોતાનો ભાગ જતો કરે એવો ભાઈ આજના જમાનામાં ક્યાં જોવા મળે ? બાપા રિટાયર થઇને અહીં રહેવા આવ્યા પછી ગામનું મકાનવેચી દીધેલું. એ વખતે અમારે આ ફ્લેટના રિનોવેશન માટે પૈસાની જરૂર હતી એના મોટાભાઈને ખ્યાલ હતો. વગર માગ્યે જ એમણે કહી દીધું કે બાપા તારી સાથે રહેવાના છે એટલે આ તમામ વહીવટ તારી પાસે જ રાખ, મારે કોઈ જરૂર નથી.'
સહેજ અટકીને એણે વીણાબહેન સામે જોયું. 'તમે તો દુનિયા જોયેલી છે, માસી, એટલે ખ્યાલ હશે કે ભાઇ-ભાઈ વચ્ચે આવી વાત ભલે થાય પણ દેરાણી-જેઠાણી વચ્ચે તો આવા મુદ્દે તલવાર જ ખેંચાય. મારી જેઠાણીએ હસતા મોઢે સંમતિ આપેલી ત્યારે મને નવાઈ લાગેલી. ખરેખર, મારી જેઠાણીનો સ્વભાવ લાખ રૂપિયાનો. પંદર વર્ષ પહેલા પરણીને આ ઘરમાં આવી છું, પણ એમણે ક્યારેય જેઠાણીપણું નથી બતાવ્યું. એકાદ વાર પણ મોટા અવાજે બોલવાનું થયું હોય એવું મને યાદ નથી. એમના ઘરે જઇએ ત્યારે જાણે સગી મોટી બહેન હોય એમ મને સાચવે. હું નબાપી, મા સાથે મોસાળમાં ઉછરેલી ગરીબ ઘરની છોકરી અને સામે એ કરોડપતિ બાપની એકની એક દીકરી. તોય જરાયે અભિમાન નહીં. લગીરેય મોટાઈ ના દેખાડે. અહીં આવે ત્યારે મારી હારોહાર કામમાં જોતરાઈ જાય. અમારા બિટ્ટુ ઉપર પણ એને અપરંપાર હેત. બહાર ફરવા જાય ત્યારે યાદ કરીને અમારા ત્રણેય માટે કંઇકને કંઇક ખરીદીને લાવે…'
અલકાના અવાજમાં સંતોષ છલકાયો. 'માસી, ખરેખર હું નસીબદાર છું. સાસરામાં છું તોય પિયરથી વધારે પ્રેમભાવ મળ્યો છે. આટલી સુખ-સાહ્યબી તો મારા મોસાળમાં પણ નહોતી.'
'તારું મન સાફ છે એટલે તારું આ સુખ ઉપરવાળો સાચવશે…' આશીર્વાદ આપીને વીણાબહેન ઊભા થયાં અને સીડી તરફ વળ્યાં.
વીણાબહેન એમના ઘેર જઇને સોફા ઉપર બેઠાં. એ પછી થોડી વારે ટિપોઇ પર પડેલો મોબાઈલ રણક્યો. વીણાબહેને હાથ લંબાવીને મોબાઈલ ઉપાડયો.
'મમ્મી, આજે ફરી એ કાળકામાતાએ કકળાટ કર્યો…' મહેસાણા પરણાવેલી એમની દીકરીનો દર મહિને એકાદ વાર આ રીતે સાસુ, નણંદ કે જેઠાણીની ફરિયાદ કરતો ફોન આવતો. આજે એણે સાસુની ફરિયાદ કરીને બખાળો કર્યો.
'અનુબેટા, મારી વાત ધ્યાનથી સાંભળ…' આજે વીણાબહેનનો બોલાવાનો રણકો બદલાઈ ગયો. 'તું આ રીતે વારંવાર ફરિયાદ કરે છે એ મને નથી ગમતું. એ તારી સાસુ છે. આ ઉંમરે એમનો સ્વભાવ નહીં બદલાય એ હકીકત સ્વીકારી લે. એમના સ્વભાવમાં કંઇક તો સારપ હશે ને ? બસ, એના ઉપર ધ્યાન આપ. એમની એ સારી બાજુ યાદ રાખીને મારી સાથે બોલતી હોય એ જ રીતે એમને બોલાવ. મારી સાથે જેવું વર્તન કરે છે એવો જ વ્યવહાર એમની સાથે કર. તારી મોટીબેન સુધા જોડે તું કઇ રીતે બોલે છે ? બસ, એવી જ રીતે તારી જેઠાણી સાથે પ્રેમથી બોલવાનું શીખી જા. આવું કરીશ તો મને ફોન કરવાની જરૂર નહીં પડે. શરૂઆતમાં તને થોડી તકલીફ પડશે, બેટા, એ છતાં એમના ચહેરામાં મારો અને સુધાનો ચહેરો ગોઠવીને વ્યવહાર કરીશ, તો વાંધો નહીં આવે. સાસુ અને જેઠાણીના દોષ શોધવાથી તો તું દુઃખી જ થઇશ. ઝઘડા કરીને જિંદગીમાં ઝેર ઘોળવાને બદલે થોડુંક જતું કરીને શાંતિ રાખીશ તો જીવવાની વધુ મજા આવશે.'
એમના અવાજમાં લગીર સખ્તાઈ ભળી. 'એક મહિનો આવી ટ્રાય કર અને મને ફોન ના કરતી. એ તારી સાસુ કે જેઠાણી નથી, પણ મમ્મી ને મોટીબેન છે એમ સમજીને શાંતિથી રહેવાનો પ્રયત્ન કરીશ તો તારી ધારણાથી યે સારું પરિણામ આવશે એ મારી ગેરંટી !'
વીણાબહેન બોલતાં હતાં. આજે પહેલી વાર દીકરીને એ આવી સલાહ કઇ રીતે આપી રહ્યાં હતાં એ એમને ખુદને ય સમજાતું નહોતું ! સારપ અને હકારાત્મક અભિગમના પ્રભાવથી એ દીકરીને સાચી સલાહ આપી રહ્યાં હતાં.
(શીર્ષક પંક્તિ : લેખક)




