Shatdal

આપણી દરેક વાતને કોઈ સાચી ઠેરવીને સમર્થન આપે તો?

By GS Team
8 Sep 20266 mins read
આપણી દરેક વાતને કોઈ સાચી ઠેરવીને સમર્થન આપે તો?
  • તારી અને મારી વાત-હંસલ ભચેચ
  • સારો સંબંધ એ નથી જેમાં બે લોકો ક્યારેય એકબીજાને દુ:ખ ન પહોંચાડેય સારો સંબંધ એ છે જેમાં દુ:ખ પહોંેચ્યા પછી પણ બન્ને પાછા વાતચીત કરી શકે

'ત મને ગુસ્સો ક્યારે આવે?!' હું પૂછું. અને, જવાબ મળે જ્યારે કોઈ મારી વાત ના માને ત્યારે', 'મને કોઈ કંઈ કહી જાય ત્યારે' અથવા 'મારું ધાર્યુ ના થાય ત્યારે'
આ મારા ક્લિનિકમાં થતો રોજીંદો સંવાદ છે. આવો જવાબ સાંભળીને મને કાયમ પૂછવાનું મન થતું હોય છે કે કોઈ હંમેશા તમારી વાત કેમ માને?! દરેક બાબતમાં તમારી સાથે સંમત કોણ થાય?! કોઈએ તમને કંઈ કહેવાનું નહીં એવું હંમેશા કઈ રીતે બને?! હંમેશા તમારું ધાર્યું કેવી રીતે થાય?! પણ, હું આવા પ્રશ્નો પૂછતો નથી કારણ કે મોટાભાગની વ્યક્તિઓ આ બાબતમાં પોતાને સાચા ઠેરવવા દલીલો ઉપર ઉતરી આવતી હોય છે. આ લોકોને એવા હજૂરિયાઓ કે ચમચાઓની જરૂર છે કે જે તેમની દરેક બાબત, પસંદગીઓ કે અભિપ્રાયો બિરદાવતા રહે. આજના સમયમાં લોકો એવા માણસોની શોધમાં છે કે જે એમનો વિરોધ ના કરે, તેમની લાગણીઓને માન્યતા આપે અને તેમના વિચારો સાથે સહમત થાય. એમાં વળી એમની સેવામાં આજકાલ 'ડિજિટલ હજૂરિયા' હાજર થઈ ગયા છે. જેમ કે, ચેટ જીપીટીને તમે કંઈ કહો અને તે તરત કહે, 'બિલકુલ સાચું! અદભુત વિચાર! તમે તો કમાલ કરી!' સાંભળવામાં મજા આવે છે, કોઈ આપણને સમજે છે તેવું લાગે છે, આપણા વિચારોને સંમતિ મળે છે.
આ ઓછું હોય એમ, આજના સમયમાં એક વિચિત્ર ઘટના બની રહી છે. સોશિયલ મીડિયા અને ડિજિટલ દુનિયાએ આપણને એવી જગ્યાઓ શોધી આપેલી છે જ્યાં આપણા જેવા વિચારો ધરાવતા લોકો જ આપણને મળે. આપણે જે માનીએ છીએ એ જ માનનારા લોકો, જે પસંદ કરીએ એ જ પસંદ કરનારા લોકો, જે વિચારીએ એ જ વિચારનારા લોકો! આપણને જે ગમે છે તે જ આપણી સામે આવતું રહે અને આપણને વ્યસ્ત રાખે. આ બધાની એક આડસર એ થઈ છે કે ધીમે ધીમે આપણું મન અસંમતિ કે અસહમતિથી અસ્વસ્થ થવા લાગે છે. જે આપણી સાથે કોઈપણ બાબતે અસંમત થાય છે તેના તરફ આપણને અકળામણ કે અણગમો થાય છે અને ક્યારેક ગુસ્સો પણ આવે છે. આપણે એ સમજદારી પણ ગુમાવી દઈએ છીએ કે જીવન કોઈ ઇકો ચેમ્બર નથી કે દર વખતે આપણા વિચારો, માન્યતાઓ કે પસંદગીઓનો પડઘો પડે જ! એક જ ઘરમાં જ રહેતા બે વ્યક્તિઓની દુનિયા અલગ હોઈ શકે છે. એકને વહેલી સવારે ઊઠવું ગમે, બીજાને મોડું સૂવું. એકને પૈસા બચાવવા ગમે, બીજાને ખર્ચવા. એકને વાત તરત ઉકેલવી ગમે, બીજાને થોડો સમય જોઈએ. આવા મતભેદો સમસ્યા નથી, રોજિંદા જીવનનો એક ભાગ છે.
કલ્પના કરો, કે તમારી સાથે રહેતી વ્યક્તિ તમારી લગભગ દરેક વાત સાથે સંમત થાય છે.
તમે કહો, 'મને લાગે છે કે હું સાચો છું.' સામેનો માણસ કહે, 'હા, તું સાચો છે.'
તમે કહો, 'એણે મારી સાથે ખોટું કર્યું.' જવાબ મળે, 'બિલકુલ, એની જ ભૂલ છે.'
તમે કહો, 'મારે આવું કરવું જ જોઈએ.' સામેનો અવાજ આવે, 'હા, તારો નિર્ણય એકદમ સાચો છે.'
મનને આવા સંવાદો સારા લાગે છે, તમારી દરેક વાતમાં 'હા' પુરાવતો સાથી મળે તો જીવન કેટલું સુખમય થઈ જાય?! પરંતુ, એક ક્ષણ વિચારો, જો કોઈ આપણને દરેક વાતમાં સાચા જ ઠેરવતું રહે તો?! શું એ આપણને ખરેખર વિકસિત થવામાં મદદ કરે છે કે માત્ર આપણને ખુશ રાખે છે?! મારું આ બાબતમાં દ્રઢ માનવું છે કે જે માણસ હંમેશાં આપણને સાચા ઠેરવતો હોય કે આપણી 'હા'માં 'હા' ભણતો હોય તે કદાચ આપણને હંમેશાં વિકસાવતો નથી. ક્યારેક આપણને એવો માણસ પણ જોઈએ છે જે પ્રેમથી કહે, 'મને તારી લાગણી સમજાય છે, પરંતુ અહીં તું કદાચ ખોટો છે.' કારણ કે, સહમતિ આપણને આરામ આપે છે, જ્યારે અસહમતિ ઘણીવાર આપણને વિચારવા માટે મજબૂર કરે છે. સંબંધની પરિપક્વતા માત્ર સહમતિ કે સંમતિમાં નથી આવતી, ઘણીવાર સાચો સંબંધ એ છે જ્યાં કોઈ આપણી સાથે અસંમત થાય, એનો મત અલગ હોય અથવા જ્યાં અસહમતિને પણ એટલું જ મહત્વ અપાતું હોય. આ સમજ ભાવનાત્મક પરિપક્વતા-ઈમોશનલ મેચ્યોરિટીનો ભાગ છે. આપણું દુ:ખ કોઈ સમજે, આપણો ગુસ્સો કોઈ યોગ્ય માને, આપણા નિર્ણયને કોઈ સમર્થન આપે વગેરે અપેક્ષાઓ સહજ છે, ખોટી નથી પરંતુ તેને જ આપણે પ્રેમ માની લઈએ તે ખોટું છે.
આપણે આજે ભાવનાત્મક સ્વીકૃતિ એટલે કે ઈમોશનલ વેલિડિટીની વાત ખૂબ કરીએ છીએ, અને તે જરૂરી પણ છે. કોઈ દુ:ખી હોય ત્યારે તેને તરત સમજાવવાને બદલે પહેલાં તેની લાગણી સમજવી જોઈએ. 'તું જે અનુભવે છે એ સાચું છે' આ શબ્દો ઘણીવાર માણસને લાગણીઓની સુરક્ષા આપે છે. પરંતુ લાગણીને માન્યતા આપવી અને તે લાગણી સાથે સંકળાયેલા વિચારોને સંમતિ આપવી બંને એક વાત નથી. માતા કહે, 'મારો દીકરો મારી વાત નથી સાંભળતો એટલે એને મારી કદર જ નથી'. જો આપણે માત્ર તેની લાગણીને માન્યતા આપીએ તો કહીશું, 'હા, આજકાલના બાળકો એવા જ છે.' પરંતુ કોઈ સમજદાર વ્યક્તિ કદાચ કહેશે, 'તમને એની વર્તણૂકથી દુ:ખ થયું છે, એ સમજાય છે. પરંતુ કદાચ એનો અર્થ એવો નથી કે એને તમારી કદર નથી.' પહેલું વાક્ય આપણને સાંત્વના આપે છે, જ્યારે બીજું આપણને વિચારતા શીખવે છે. અને સંબંધોમાં બંનેની જરૂર છે.
બાળકોના ઉછેરમાં પણ આ વાત ખૂબ મહત્વની છે. બાળક કહે, 'મારા મિત્રોએ મને રમતમાં લીધો નહીં, એટલે કોઈ મને પસંદ કરતું નથી.' જો આપણે કહીએ, 'હા, તારા મિત્રો બહુ ખરાબ છે,' તો બાળકને ક્ષણિક રાહત મળશે. પરંતુ જો આપણે કહીએ, 'તને ખરાબ લાગ્યું હશે. ચાલ, વિચારીએ કે ખરેખર શું થયું હશે,' તો આપણે તેને પોતાની લાગણી સાથે વિચારવાની ક્ષમતા પણ આપીએ છીએ.
જીવનમાં દરેક વખતે આપણને સમજતું વાતાવરણ મળવાનું નથી. કોઈ બોસ આપણને ના સમજે, કોઈ મિત્ર આપણી વાતનો ખોટો અર્થ કાઢે, જીવનસાથી આપણા દ્રષ્ટિકોણ સાથે સહમત ન થાય, સંતાન આપણું સૂચન ન માને, કોઈ આપણી વાતનો જવાબ પણ ન આપે, અને ક્યારેક તો આપણે સાચા હોઈએ છતાં પણ સામેની વ્યક્તિ આપણને સમજી ન શકે. આવા સંજોગોમાં જો આપણું ભાવનાત્મક સ્વાસ્થ્ય માત્ર 'લોકો મને સમજે'પર આધારિત હશે તો આપણે ખૂબ નાજુક-ફ્રેજાઇલ બની જઈશું અને નાની એવી બાબતોમાં તૂટી જઈશું કે ઇમોશનલી હર્ટ થઈ જઈશું.
લોકો કે સંબંધો હંમેશા આપણને સમજવા માટે નથી બન્યા. વાસ્તવમાં સંબંધો આપણને સમજવા, સમજાવવા, સહન કરવા, સમાધાન કરવા અને ક્યારેક અસહમત રહેવા, શીખવે છે. મારી દ્રષ્ટીએ, સારો સંબંધ એ નથી જેમાં બે લોકો ક્યારેય એકબીજાને દુ:ખ ન પહોંચાડે. સારો સંબંધ એ છે જેમાં દુ:ખ પહોંચ્યા પછી પણ બંને પાછા વાતચીત કરી શકે. સારો મિત્ર એ નથી જે દરેક વાતમાં આપણું સમર્થન કરે. સારો મિત્ર ક્યારેક આપણને એવો પ્રશ્ન પૂછે છે કે જે આપણે પોતાને પૂછવા તૈયાર નહોતા.
યાદ રાખજો, મનને સહમતિથી આરામ જરૂર મળે છે; પરંતુ આપણો સાચો વિકાસ તો પડકારથી જ થાય છે. એટલે હવેથી કોઈ આપણી સાથે અસહમત થાય ત્યારે તરત એ ન વિચારીએ કે 'આ માણસ મને સમજતો નથી.' કદાચ એ સમયે પોતાની જાતને પૂછીએ કે 'એની વાતમાં મારા માટે સાંભળવા જેવું કંઈ છે?'
પૂર્ણવિરામ
જે માણસ આપણને દરેક વાતમાં સાચા સાબિત કરે છે તે આપણને આરામ આપી શકે છે; પરંતુ જે માણસ આપણને પોતાની ભૂલ પણ પ્રેમથી દેખાડી શકે છે, તે કદાચ આપણને વધુ સારો માણસ બનાવી રહ્યો હોય છે.