Shatdal

કપાલીઓ સ્મશાનમાં શું કરતા?

By GS Team
8 Sep 20265 mins read
કપાલીઓ સ્મશાનમાં શું કરતા?
  • કનૈયાલાલ મુનશીએ 'જય સોમનાથ' નવલકથામાં સાક્ષાત્ શેતાન જેવા દેખાતા કાપાલિકનું ખોફનાક વર્ણન કર્યું છે…
  • તેને માથે ગંદી સફેદ લટકતી જટા હતી. તેને ગળે ખોપરીઓનો હાર લટકતો હતો. તેની જાંઘ પર અને પગે નાનાંમોટાં હાડકાંની માળાઓ હતી. તેના હાથમાં કોઈ મોટા જાનવરના પગનું હાડકું હતું. તેના બન્ને નસકોરાં પર મોટો કાપ હતો. તેનો ઉપલો હોઠ કપાઈ ગયેલો હોવાથી અંદરથી મોટા દાંતની હારનું કારમું દર્શન થતું હતું. એટલું જ નહિ પણ તે કારમું મુખ અકલ્પ્ય ભયજનકતાથી હસતું હતું.
    કનૈયાલાલ મુનશી
  • 'જય સોમનાથ' એટલે કનૈયાલાલ માણેકલાલ મુનશી રચિત ગુજરાતી ભાષાની અમર કૃતિ. આ ઐતિહાસિક નવલકથાના અંશો આપણે સ્કૂલમાં ગુજરાતીના પાઠયપુસ્તકમાં ભણ્યા છીએ. ગઝનીના સુલતાન મહેમુદે સોમનાથના મંદિર પર કરેલી ચડાઈ એ ૧૯૩૭માં લખાયેલી આ ઐતિહાસિક નવલકથાના કેન્દ્રમાં છે. મુનશી પ્રસ્તાવનામાં લખે છે:
    ં'એ સમયે પ્રભાસપાટણ આખા ભરતખંડમાં પાશુપતનું કેન્દ્ર હતું… પાશુપતની મતની એક મુખ્ય શાખા કાપાલિકોની છે… એની પ્રક્રિયા કમકમા ઉપજાવે એવી છે. ખોપરીમાં ખાવું, ચિતાની ભસ્મ શરીરે ચોળવી, ત્રિશુળ ધારણ કરવું, દારુ રાખવો અને સ્મશાનવાસી દેવોની ભૂમિની ભક્તિ કરવી એ મોક્ષ મેળવવાનાં એનાં સાધનો છે… પાશુપત મતના કેન્દ્ર એવા પ્રભાસમાં આ શાખાઓની પ્રક્રિયાના ઉલ્લેખો જરા આકરા લાગશે, પણ તે વગર અગિયારમી સદીનું પ્રભાસનું દર્શન અવાસ્તવિક જ ગણાય.'
    નવલકથાની પ્રારંભમાં જ કનૈયાલાલ મુનશીએ એક ભયાનક કાપાલિક, એના ભયાનક મનસુબા અને પાટણના રાજા ભીમદેવ સાથેના સંઘર્ષ તેમજ મોતનું જબરદસ્ત વર્ણન કર્યું છે.
    આગળ વાંચતા પહેલાં આ દશ્યનો સંદર્ભ જરા સમજી લો: સોમનાથના મંદિરના હકડૈઠઠ ભરાયેલા સભામંડપમાં મોડી સાંજે નૃત્યાંજલિનો કાર્યક્રમ આયોજિત થયો છે. ગામેગામથી આવેલા શ્રદ્ધાળુઓ, રાજાઓ, મઠાધિપતિ ગંગ સર્વજ્ઞા અને એમના શિષ્યોની હાજરીમાં દેવદાસીપુત્રી ચૌલા શિવજીની આરાધના રુપે અદભુત નૃત્ય પ્રસ્તુત કરે છે. આવેગમય નૃત્ય સમાપ્ત થાય છે ત્યાં જ વાવડ મળે છે કે ગરજનનો હમ્મીર (એટલે કે આપણે જેને મહમૂદ ગઝનવી તરીકે ઓળખીએ છીએ એ અફઘાનિસ્તાની આક્રાંતા) ગણતરીના દિવસોમાં સોમનાથનું ધામ તોડવા માટે આવી ચડવાનો છે. પાટણના રાજા ભીમદેવ અને સર્વજ્ઞા વચ્ચે મસલત થાય છે. મધરાત વીતી ગઈ છે. પાટણ પાછા રવાના થતાં પહેલાં ભીમદેવ સોમનાથના દર્શન કરવા ફરી એક વાર મંદિર તરફ વળે છે. હવે જેમાં કાપાલિકનું વર્ણન છે તે હિસ્સો વાંચો.
    ઓવર ટુ કનૈયાલાલ માણેકલાલ મુનશી…

મ ધરાત્રી વીતી ગઈ હતી… એ (પાટણનો યુવાન રાજા ભીમદેવ) વસ્ત્રશસ્ત્ર સજી તૈયાર હતો. પણ જવાની વાર હતી. ભૂખ્યા પુરાયેલા સિંહની માફક આમતેમ અધીરાઈથી ડગ ભરતાં તેના પગ મંદિર તરફ વળ્યા. જતાં એક વાર સોમનાથમાં દર્શન કરી આશિષ શા માટે ન માગવી ?
…એ સભામંડપમાં ધીમે ધીમે આવ્યો …તે ગર્ભદ્ધાર પાસે આવ્યો. ગર્ભગૃહમાં ઘીની થોડીક દીવીઓ ઝાંખી બળતી હતી.
તે મહાદેવજી પર દષ્ટિ રાખી ગર્ભદ્વાર પાસે જતો હતો અને તેની નજરે થાંભલાની ઓથે ઊભેલી એક આકૃતિ પડી. તરત તેના હોશકોશ ઊડી ગયા અને પથ્થરના પૂતળાની માફક તે સ્થિર થઈ ગયો.
થાંભલાને અડેલી ઊભેલી આકૃતિ ભયંકર હતી. તેને માથે ગંદી સફેદ લટકતી જટા હતી. તેને ગળે ખોપરીઓનો હાર લટકતો હતો. તેની જાંઘ પર અને પગે નાનાંમોટાં હાડકાંની માળાઓ હતી. તેના હાથમાં કોઈ મોટા જાનવરના પગનું હાડકું હતું. તેના બન્ને નસકોરાં પર મોટો કાપ હતો. તેનો ઉપલો હોઠ કપાઈ ગયેલો હોવાથી અંદરથી મોટા દાંતની હારનું કારમું દર્શન થતું હતું. એટલું જ નહિ પણ તે કારમું મુખ અકલ્પ્ય ભયજનકતાથી હસતું હતું.
ભીમ થરથર ધુ્રજી ઊઠયો. પહેલા તો એને લાગ્યું કે સાક્ષાત ભૈરવ અહીંયા શિવમંદિરની રક્ષા કરવા ઊભો હતો. પણ ધ્યાનથી જોતાં એને ખાતરી થઈ કે આ કોઈ કાળમુખા સંપ્રદાયનો હતો. ભૈરવ તો દેવદૂત, ગમે તેવો ભયંકર પણ દૈવી આ તો જીવતો, હડહડતો કપાલી. ભીમદેવનાં રૂવેરૂવાં ભયથી ઊભાં થઈ ગયાં. તેને ત્યાંથી નાસી જવાનું મન થયું. પણ તેના પગ ત્યાંથી ખસ્યા જ નહિ.
ભીમદેવે કપાલી કોની સામે જોઈ હસતો હતો તે જોવા ગર્ભગૃહમાં નજર કરી. લાલ, મદિરામસ્ત, ભયાનક આંખો એકીટશે અમાનુષી એકાગ્રતાથી જોઈ રહી હતી - ગર્ભગૃહમાં કંઈક પડયું હતું.
ફૂલનો ઢગલો પડયો હોય તેમ પહેલાં લાગ્યું. પછી તેમાં તેણે એક માનવીની શરીરરેખા ભાળી સુરેખ ખભો, નાના નાજુક હાથ, ઘાટીલા નિતંબદ્વયની રેખાઓ પર તેણે દષ્ટિ નાખી અને જેમ હૈયાનો હાર તૂટે તેમ તેને ઓળખાણ પડી. આ તો પેલી ચૌલા - મહાદેવજીની નર્તકી - હતી.
તે માથું ભોંયે ટેકવી પ્રાર્થતી હતી. તેનું એક પણ અંગ હાલતું નહોતું. તે મરી ગઈ હતી? ભીમદેવને પોતાના હ્ય્દયનો દીપક હોલવાતો લાગ્યો. અને આ કપાલી એને આમ શા માટે જોયા કરતો હતો?
એ પણ સ્તબ્ધ થઈ ઊભો. એની આંખો પણ ચૌલાના ઊંધા પડેલા શરીર પર ચોટી ગઈ.
થોડીવારે ચૌલાનું માથું હાલ્યું. એ જીવતી હતી ? શું એને આ કપાલી અહીંયા લાવ્યો હતો ? શું એને જ માટે તે વાટ જોતો હતો ? ન એ ખસ્યો, ન ચૌલા ખસી, ન કપાલી ખસ્યો. પછી ચૌલા બેઠી થઈ ને કર જોડી પ્રાર્થના કરી રહી. અને પછી તે એકદમ દડાની માફક ઊછળી. સૂવર્ણનાદી ઉત્સાહ-ટપકંત હાસ્તથી તે દેવને પલાળી રહી. તે હસી, પગ વડે તેણે બે-ત્રણ તાલ આપ્યા, ને લડાવતે કોડભર્યે અવાજે તે બબડી : 'મારા નાથ, તમારી - હું તમારી.' તે પાછી ફરી. હસતી, મદમસ્ત નયનો નચાવતી તે ગર્ભદ્વારમાંથી બહાર નીકળીને દક્ષિણ તરફ ગઈ.
ભીમદેવ પાછળ હઠયો. કપાલી પણ થાંભલા પાછળ ભરાઈ ગયો અને જાણે વસંતનું પંખીડું હોય તેમ ચૌલા ઉત્સાહભેર કૂદતી કૂદતી ચાલી ગઈ.
તરત કપાલી થાંભલાઓમાં લપાતો સંતાતો પાછળ પડયો.
ભીમ ગરજનનો યવન અને ભગવાનનાં દર્શન બંને ભૂલી ગયો.
એનું હૈયું પણ પેલા વસંતના પંખીડા પર જઈ ચોંટયું હતું. તે પણ કપાલીની પાછળ ગયો.
કપાલી કેમ પાછળ પડયો હતો ?
સંકેતથી ? - તો છુપાતો કેમ હતો?
કંઈ કારણે ? - તો શું ?
એણે સાંભળ્યું હતું કે કપાલીઓ ત્રિપુરસુંદરીના મંદિરમાં અજાણ બાલિકાઓને ઉપાડી લાવીને વધેરતા, કે સ્મશાનમાં લઈ જઈ તેમના રુધિરથી ભૈરવને તૃપ્ત કરતા. પણ આ તો સોમનાથની નર્તકી ! એને એ ભય શો ?
કપાલી આગળ જતી ચૌલા પર દષ્ટિ રાખી ચાલતો હતો.
(આવતા બુધવારે પૂરું)