જીત જેવી જીત પણ દેવી જ છે જ્યાં દાનમાં ત્યાંય ઊતરવું પડે છે યુદ્ધના મેદાનમાં

- યહી હે જિંદગી-મહેશ યાજ્ઞિક
- વસંતભાઈ પહેલા આવા નહોતા. પેલી વંતરીને પરણ્યા પછી એ બદલાઈ ગયા. કોણ જાણે એ ડાકણે કેવો જાદૂ કર્યો કે વસંતલાલ પાણી પણ એને પૂછીને પીવે છે!
બ ધા ચાર રસ્તા પર નવરાત્રિના રાસ-ગરબા માટે પાર્ટી પ્લોટની જાહેરાતના વિશાળ હોર્ડિંગ્ઝ હતાં, છતાં એની સામે નજર કર્યા વગર જયેશ બાઈક ચલાવી રહ્યો હતો. વિદાય લેતી વર્ષાઋતુના છેલ્લા ચમકારાની જેમ અટકી અટકીને ઝરમર વરસાદ વરસી રહ્યો હતો.
શોપિંગ સેન્ટરના પાર્કિંગમાં એણે બાઈક મૂકી દીધી. નીચેના માળ પર બધા શોરૂમ્સ હતા. ઉપરના માળ પર ઓફિસો હતી. આખો ચોથો માળ ઓર્થોપેડિક હોસ્પિટલનો હતો. ત્યાં જવા માટે જયેશ લિફ્ટમાં ઘૂસ્યો.
ગઈકાલે સાંજે રમણિકને અકસ્માત થયો હતો. સ્ટાફના બીજા બધા તો દિવસ દરમિયાન વારાફરતી આવીને ખબર કાઢી ગયા હતા. જયેશની વાત અલગ હતી. એના માટે રમણિક માત્ર સહકર્મચારી નહોતો, નાનપણનો મિત્ર હતો. ગામડાની ધૂળિયા શેરીમાં સાથે ધીંગામસ્તી કરીને બંને મોટા થયાં હતાં. શાળાજીવન સમયે સાથે લેશન કરતા હતા. એકબીજાના ઘેર અધિકારપૂર્વક જમી શકાય એવી પાક્કી દોસ્તી હતી.
સેમિ સ્પેશ્યલ રૂમમાં બે દર્દીની જોગવાઈ હતી, પણ અત્યારે રમણિક એકલો હોવાથી મોકળાશ હતી. 'ઊભા ઊભા આવીને ખબર પૂછીને ભાગવાને બદલે તું શાંતિથી બેસાય એ રીતે આવીશ એવી ખાતરી હતી. મેં હમણાં જ સૌમિલને કહ્યું કે 'તારો જયેશકાકો હવે ગમ ેતે ઘડીએ પડશે.' રમણિકનો પુત્ર સૌમિલ દસમા ધોરણમાં હતો. એ પોતાના અભ્યાસના પુસ્તકો સાથે લઈને હોસ્પિટલમાં રોકાયો હતો.
જયેશ રમણિક સામે જોઈ રહ્યો. બંને પગના નળા ભાંગી ગયા હતા, એટલે પૂરા પ્લાસ્ટરથી ઢંકાયેલા હતા. પગ બાંધીને લટકાવેલા હતા. અકસ્માત બહુ વિચિત્ર રીતે થયો હતો. રમણિકનું સ્કૂટર ફંગોળાઈ ગયું હતું અને ટ્રકની આગળનું પૈડું રમણિકના બંને પગ ઉપર ફરી વળ્યું હતું. બાકી આખા શરીરે કોઈ ઇજા નહોતી થઈ.
'સાચું કહું, જયલા ? તારી જ રાહ જોતો હતો. તું આવી ગયો એટલે મને ધરપત થઈ.' રમણિકે સૌમિલ સામે જોયું. 'સૌમુ, હવે જયેશકાકા બેઠા છે. તારે ફ્રેશ થવું હોય તો અડધો કલાક આજુબાજુમાં આંટો મારી આવ.'
પુસ્તકો વ્યવસ્થિત મૂકીને સૌમિક બહાર ગયો એ પછી રમણિકે જયેશ સામે જોયું. 'પેલો એજન્ટ ઑફિસમાં આવ્યો અને તમે બધાએ મેડિક્લેઈમની પોલિસી લીધી ત્યારે મેં મૂર્ખામી કરેલી. પછી લઈશ એમ વિચારીને એ વીમો લીધો નહીં, પણ હવે ભાલે ભરાણા પછી પારાવાર પસ્તાવો થાય છે. આ સૌમિલના ટયૂશનના પૈસાય માંડ માંડ ચૂકવ્યા. જે કંઈ બચત હતી તે વત્તા સ્ટાફની ક્રેડિટ સોસાયટીની લોન - એ બધુંય ફ્લેટના રિપેરિંગમાં નાખી દીધેલું…' એનો ગંભીર અવાજ વધુ ગંભીર બન્યો. 'ઓફિસના દેસાઈસાહેબ આ ડૉક્ટરના કંઈક સગા થાય છે. એમણે કાલે રાત્રે વાત કરી દીધેલી એટલે એડવાન્સ પૈસા ભરવા નથી પડયા, પણ દસ દિવસ પછી રજા આપશે ત્યારે બધા પૈસા ચૂકવવા પડશે.' એણે લાચાર પણ આશાભરી નજરે જયેશ સામે જોયું. 'બધું થઈને લગભગ નેવું હજાર આપવા પડશે. બધો આધાર તારા ઉપર છે. તારે ગમે તેમ કરીને આટલી જોગવાઈ કરવી પડશે.'
જયેશ વિચારમાં ડૂબી ગયો. રમણિકે એના દીકરાને બહાર મોકલ્યો એ પળે જ જયેશને ખ્યાલ આવી ગયો હતો કે રમણિક પૈસાની વાત કરશે.
'એક કામ કર…' રમણિક સામે જોઈને જયેશે જવાબ આપ્યો. 'તું વસંતભાઈને વાત તો કરી જો.'
જવાબ આપવાના બદલે જયેશે જાણે સળગતું લાકડું અડાડી દીધું હોય એમ રમણિક ભડક્યો. 'અલ્યા, બધી ખબર છે તોય ખોટી સલાહ કેમ આપે છે ?' ઉશ્કેરાટથી એ બબડયો. 'હરીફરીને બે ભાઈ છીએ. સગ્ગો મોટો ભાઈ બંગલામાં રહે છે, કારમાં ઘૂમે છે અને હું ? હાઉસિંગના ફ્લેટમાં રહીને ખખડી ગયેલું સ્કૂટર વાપરું છું. નોકરી મળી એટલે આપણું ગામ છોડીને અમદાવાદ આવી ગયો. એ પછી એ વસંતિયો અને એની વંતરીએ બાપાને પટાવી પટાવીને ફોલી ખાધી. ત્રણ વર્ષ પછી બાપા દેવલોક પામ્યા એટલે હું ગામડે ગયો ત્યાં સુધીમાં તો એ ધણી-ધણિયાણીએ બધુંય એમના નામે કરી નાખ્યું હતું !'
સહેજ અટકીને એણે ઉમેર્યું. 'એક્સિડન્ટ થયો કે તરત સ્ટાફના કોઈકે ફોન કરેલો એટલે એ બંને હોસ્પિટલમાં આવીને દસ મિનિટ રોકાયા. સવારે ઓપરેશન થયું ત્યારેય વસંતિયો એની વંતરીને લઈને આવેલો. લોકલાજે આવવું પડે એટલે મોઢું દેખાડવા એ બંને પધારેલા… જયલા ! આપણા સ્ટાફના એકેએક માણસે ઇવન પટાવાળા કાંતિએ પણ કહેલું કે કંઈ કામકાજ હોય તો કહેજો. ભલે કહેવા ખાતર કહ્યું હશે, તોય બધાએ એટલો વિવેક તો દેખાડયો. અને આ ભાઈ-ભાભી ?…'
રમણિકના અવાજમાં ઉશ્કેરાટ ભળ્યો. 'હાથ હલાવતાં ત્રાહિતની જેમ આવ્યાં ને જતાં રહ્યાં ! મને, મારી બૈરીને કે સૌમિલને મદદ કરવા માટે કંઈ પૂછ્યું પણ નહીં !'
એણે ચિડાઈને જયેશ સામે જોયું. 'આવો એમનો વ્યવહાર છે, તોય તું એમની પાસે હાથ લંબાવવાનું કહે છે? જયલા, મારી વાત સાંભળ. મૂવા આ ટાંટિયા કપાવી નાખવા પડે તોય હું એમનું ડાચું નહીં બોલાવું. મારેય નાક જેવું છે. મારું બૈરું વટનો કટકો છે. એનેય આ બંનેનો પૂરો પરિચય છે એટલે હું મરતો હોઉં તો પણ એ એમના આશરે ના જાય. તારા જેવા દોસ્તારોની મદદ હકથી માગે, પણ એમનો ઉંમરો
ના ચડે.'
એક સાથે આટલું બોલવાનો થાક લાગ્યો હોય એમ એ અટક્યો. થોડી વાર પછી એમના ચહેરાની તંગદિલી હળવી થઈ. 'તું તો અમારા બંને ભાઈઓ સાથે રમેલો છે. વસંતભાઈ પહેલા આવા નહોતા. પેલી વંતરીને પરણ્યા પછી એ બદલાઈ ગયા. કોણ જાણે એ ડાકણે કેવો જાદૂ કર્યો કે વસંતલાલ પાણી પણ એને પૂછીને પીવે છે ! નાનાભાઈની દશા એમનાથી અજાણી નથી. મનથી તો એ મદદ કરવા ઇચ્છતા હોય, પણ પેલી રૂપસુંદરી રજા
આપે તો ને ?
વસંતલાલનો રિમોટ એ વંતરીના હાથમાં છે. લાખ્ખો રૂપિયાનો આસામી છે અત્યારે એ તોય મારા માટે નેવું હજાર આપવાની એમનામાં હિંમત નથી. પેલીથી ફફડે છે. એની સામે મોઢું ખોલવાની તાકાત નથી, એટલે લાચાર થઈને જીવ
બાળતા હશે.'
રમણિકે નિરાશાથી માથું ધૂણાવ્યું. લટકતા બંને પગ સામે નજર કરી. એ પછી લાચાર નજરે જયેશ સામે જોયું. 'મારી વાત સાંભળી લે. એ વસંત અને વીણાને વાત નથી કરવાનો. ધાર્યું હોત તો હોસ્પિટલ આવ્યા ત્યારે એમણે મને કે મારી બૈરીને વિવેક ખાતરેય પૂછી શક્યા હોત ને ? પણ એમણે પૂછ્યું નથી એટલે આપણે સમજી લેવાનું. જયલા, તારી ક્રેડિટ સોસાયટીની લોન ચાલુ નથી એટલે કાલે જ અરજી આપી દે. અહીંથી રજા આપે એ અગાઉ ગમે તેમ કરીને પણ તારે નેવુંહજારની જોગવાઈ કરવાની છે. બેન્કમાં એફ.ડી. પડી હોય ને એના ઉપર લોન મળે એવું હોય તો એવી રીતે મેળ પાડજે.'
સૌમિલ બહારથી આવીને પાછો ભણવા બેસી ગયો એટલે આર્થિક ચર્ચા અટકી. એકાદ કલાક બેસીને જયેશ ઊભો થયો. રમણિકના ખભે હાથ મૂકીને એણે ધરપત આપી કે ચિંતા ના કરતો, કામ પતી જશે.
બહાર ઝરમર વરસાદ શરૂ થઈ ગયો હતો. જયેશ ઘેર જઈને જમ્યો અને ટીવીની સામે બેઠો એ જ વખતે ડોરબેલ રણકી. જયેશે ઊભા થઈને બારણું ખોલ્યું.
બહાર વરસાદનું જોર વધ્યુ ંહતું. ધોધમાર વરસાદ વચ્ચે વસંતભાઈ અને એમના પત્ની વીણાબહેનને આવેલા જોઈને જયેશને
નવાઈ લાગી.
'આ તમારા ભાઈનું મગજ એમના નાનાભાઈ માટે ખાટું થઈ ગયું છે…' વસંતભાઈ તરફ ઇશારો કરીને વીણાબહેને સીધી વાત શરૂ કરી દીધી. 'પણ મને તો દિયર માટે લાગણી હોય ને ? મેં એમને સમજાવ્યા. કહ્યું કે સ્વભાવ તોંકલો છે, એટલે રમણિકભાઈ ખોટી ટણીમાં રહે છે, એ છતાં એ તમારો નાનો ભાઈ છે…'
જયેશની સામે જોઈને વીણાબહેન સ્પષ્ટતા કરી રહ્યાં હતાં. 'બાપાની મિલકત અમે ધૂતી લીધી છે એવી ગેરસમજ એમના મગજમાં ઘર કરી ગઈ છે. એ મુદ્દે ચોખવટ કરવાને બદલે મનમાં ને મનમાં ડંખ રાખીને એ ધૂંધવાયા કરે છે. જયેશભાઈ, ઇશ્વર સાક્ષી છે કે અણહકનો એક રૂપિયો પણ અમે નથી લીધો. અમદાવાદ આવીને ધંધો કર્યો અને ધંધાની લાઈન ફળી એમાં ખૂબ કમાયા છીએ. એને લીધે રમણિકભાઈ એવું જ માની બેઠા છે કે આ બધું બાપાના માલમાંથી જ મળ્યું છે !' વીણાબહેનના અવાજમાં પારદર્શક નિખાલસતા સાથે લાગણી છલકાતી હતી. 'જયેશભાઈ, એમની શંકા દૂર કરવાની કોઈ જાદૂઈ લાકડી તો અમારી પાસે છે નહીં અને એ ટણી પકડીને બેસી રહ્યા છે…'
જયેશ સામેથી નજર હટાવીને વીણાબહેને વસંતભાઈ સામે જોઈને ઇશારો કર્યો.
વસંતભાઈએ બ્રીફકેસ ખોલીને પાંચસો-પાંચસોની નોટના બે બંડલ જયેશના હાથમાં પકડાવ્યા.
'જયલા, એનું થોબડું વાંચીને એની દશા પારખી લેવાની આવડત છે મારામાં. મોટોભાઈ છું ને ?…' વસંતભાઈએ જયેશને સમજાવ્યું. 'એને હું ઓળખું છું. ટણીમાં ને ટણીમાં એ ભૂખ્યો મરે તોય મને કહે નહીં એવો એ ઘનચક્કર છે. સ્ટાફના કોઈકની સાથે એ ક્રેડિટ સોસાયટીની વાત કરતો હતો, એ મારા કાને પડેલું. મેં જો એ જ વખતે આ લાખ રૂપિયા આપવાનું કહ્યું હોત તો એ વટનો માર્યો ગાજર ખાત… ધડ દઈને મને ના પાડી દેત.'
લગીર અટકીને એમણે આગળ સમજાવ્યું. 'હવે તારે શું કરવાનું છે સમજી લે. અમારું નામ વચ્ચે ના આવે એ રીતે જાણે તું જ એને ઉછીના આપતો હોય એમ આ રૂપિયા એ ડફોળને આપી દેજે. એને કહેજે કે પાછા આપવાની કોઈ ઉતાવળ નથી. બીજી એક ખાસ શરત કરીને એને કહેજે કે ટૂકડે ટૂકડે પૈસા પાછા આપવાના નથી, તારી પાસે લાખ રૂપિયા એક સાથે પાછા આપવાની જોગવાઈ થાય, ત્યારે જ એક સાથે પાછા આપજે…'
એમણે હસીને ઉમેર્યું. 'તું આવી શરત મૂકીશ એટલે લાખ રૂપિયાની જોગવાઈ કરવામાં એને વરસ કે દોઢ વરસ તો લાગશે જ. ત્યાં સુધીમાં એની ટણી પણ લગીર ઓછી થઈ ગઈ હશે. એ જ્યારે લાખ રૂપિયાની વ્યવસ્થા કરીને તને પાછા આપવા આવે ત્યારે તું ફોડ પાડીને કહી દેજે કે તારે આ પૈસા પાછા આપવાના નથી, આ તો વસંતભાઈએ જ તારા માટે આપ્યા હતા…!'
એ બોલતા હતા. બહાર વરસાદ ચાલુ હતો અને આ ઓરડામાં ભાતૃપ્રેમની હેલી વરસતી હતી. જયેશ એ વસંતિયા અને વંતરી સામે સુખદ આશ્ચર્યથી તાકી રહ્યો હતો.
(શીર્ષક પંક્તિ : લેખક)




