સોનું બનવા ભઠ્ઠીમાં તપવું પડે

- ટોપર કે મેડલ જીતતી મોટાભાગની પ્રતિભા ગરીબ અને ગ્રામીણ વર્ગની જ કેમ?
- વિવિધા-ભવેન કચ્છી
- જે સંતાનો પાસે ગુમાવવા માટે કંઈ નથી હોતું, તેમની પાસે મેળવવા માટે આખું આકાશ હોય છે
એ શિયન ગેમ્સમાં ભારતનો કોઈ ખેલાડી મેડલ જીતે ત્યારે મેડલ કરતાં પણ તેની પાછળની કહાની આપણને વધારે સ્પર્શી જાય છે. કોઈનો પિતા ખેડૂત હોય, કોઈ મજૂર હોય, કોઈના પરિવારની આવક બહુ સામાન્ય હોય, તો કોઈએ ગામના ધૂળિયા મેદાનથી પોતાની સફર શરૂ કરી હોય. આ વખતે નીરુ ધંડાની ગાથા આ સમગ્ર વાસ્તવિકતાનું જાણે પ્રતીક બની ગઈ. હરિયાણાના જીંદ જિલ્લાના સાંગતપુરા ગામની નીરુ ધંડા ગરીબી રેખા નીચે જીવતા પરિવારની દીકરી છે. પરિવાર પાસે ટીવી કે સ્માર્ટફોન પણ નથી. માતાને પોતાની દીકરીએ એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હોવાની ખબર રસ્તામાં કોઈના ફોન પરથી પડી! અને જે રમત માટે અત્યંત ખર્ચાળ સાધનોની જરૂર પડે છે એવી શૂટિંગમાં નીરુએ શરૂઆત પોતાની ગનથી નહીં, ઉધારની ગનથી કરી હતી. ૨૦૨૬ની એશિયન ગેમ્સમાં તેણે મહિલાઓની ટ્રેપ શૂટિંગમાં વ્યક્તિગત ગોલ્ડ અને ત્યારબાદ મિક્સ્ડ ટ્રેપ ટીમમાં પણ ગોલ્ડ જીત્યો.
નીરુનો સંઘર્ષ માત્ર ભાવુક કરી નાખે એવી ઘટના નથી; તે આપણને એક મોટો સામાજિક પ્રશ્ન પૂછે છે- ભારતમાં રમતગમતથી લઈને NEET, JEE Advanced, UPSC અને બીજી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સામાન્ય, ગરીબ કે ગ્રામ્ય પરિવારના બાળકો વારંવાર કેમ ઝળકી ઊઠે છે? કેમ આપણે સફળતાની કહાનીઓમાં ખેડૂતના દીકરા, મજૂરની દીકરી કે નાના શહેરના વિદ્યાર્થીને વધારે સાંભળીએ છીએ, જ્યારે મોટા શહેરોના પૈસાદાર પરિવારોમાંથી આવનારા સફળ વિદ્યાર્થીઓની પ્રેરણા ગાથા પ્રમાણમાં ઓછી ચર્ચાય છે.
સૌ પ્રથમ એક સ્પષ્ટતા જરૂરી છે. એવું કહેવું યોગ્ય નથી કે મોટા ભાગના સફળ ઉમેદવારો કે ખેલાડીઓ અને સેલિબ્રિટી ગરીબ જ હોય છે. ખાસ કરીને NEET, JEE કે UPSC માટે એવો એક જ સર્વવ્યાપક આંકડો ઉપલબ્ધ નથી કે જેમાં ગરીબ કે પૈસે ટકે સંપન્ન સફળ વિદ્યાર્થીઓના આંકની અલગ તારવણી થતી હોય. રમત જગતની વાત કરીએ તો 'ઇન્ડિયન એક્સપ્રેસ'ના વિશ્લેષણ પ્રમાણે આશરે ૬૫ ટકા મેડલિસ્ટ એવા પરિવારોમાંથી આવ્યા હતા જેમની વાર્ષિક આવક પાંચ લાખ રૂપિયાથી ઓછી હતી અને લગભગ ૩૩ ટકા મેડલિસ્ટ ગ્રામ્ય ભારતમાં જન્મેલા-ઉછરેલા હતા. એટલે સંઘર્ષ અને સામાજિક-આર્થિક પૃષ્ઠભૂમિની આ વાત માત્ર લોકપ્રિય માન્યતા નથી; ભારતીય રમતગમતમાં તેનો નોંધપાત્ર સામાજિક આધાર પણ જોવા મળે છે.
પરંતુ અહીંથી વધુ રસપ્રદ પ્રશ્ન શરૂ થાય છે- શું ગરીબી સંતાનને સફળ બનાવે છે?
જવાબ છે- ગરીબી પોતે સફળતાનું કારણ નથી. ગરીબી તો લાખો બાળકો માટે અવરોધ છે. યોગ્ય પોષણ, સારું શિક્ષણ, કોચિંગ, પુસ્તકો, ટેક્નોલોજી અને રમતની સુવિધાઓના અભાવે અનેક પ્રતિભાઓ શરૂઆતના તબક્કે જ પાછળ રહી જાય છે. એટલે ગરીબીનું રોમેન્ટિસાઇઝેશન કરવું ખોટું છે. પરંતુ ગરીબીમાંથી બહાર આવીને સ્પર્ધાના મેદાન સુધી પહોંચેલા કેટલાક બાળકોમાં એવી માનસિકતા વિકસે છે જે તેમને સફળતામાં મદદ કરે છે- અને આ વાત સમાજશાસ્ત્રીય રીતે
વધુ રસપ્રદ છે.
ગરીબ અથવા સામાન્ય પરિવારના બાળક માટે શિક્ષણ ઘણી વખત માત્ર શિક્ષણ રહેતું નથી; તે પરિવારનું જીવન બદલવાનો માર્ગ બની જાય છે. શહેરના સંપન્ન પરિવારના બાળક માટે IIT, AIIMS કે સરકારી નોકરી કારકિર્દીના અનેક વિકલ્પોમાંથી એક હોઈ શકે. ખેડૂતના દીકરા માટે ડાક્ટર બનવું આખા પરિવારની પેઢી બદલવાનું સ્વપ્ન બની શકે છે.
ગ્રામીણ અને ગરીબ વિસ્તારમાં સફળતા એક વ્યક્તિ સુધી સીમિત રહેતી નથી.
ગામમાં એક છોકરો IIT જાય એટલે આખા ગામમાં બીજા દસ બાળકો કહે છે, 'આપણે પણ
જઈ શકીએ.'
એક છોકરી પોલીસ અધિકારી બને એટલે બીજી દીકરીના માતા-પિતાની કલ્પનાની સીમા થોડીઘણી આગળ વધે છે.
એક પરિવારની પહેલી પેઢી કોલેજ જાય એટલે બીજી પેઢી માટે કોલેજ અજાણી જગ્યા રહેતી નથી.
એક છોકરી મેડલ જીતે એટલે તે બધાનું તે સ્વપ્ન બની જાય.
સમાજશાસ્ત્રમાં તેને પેઢીથી પેઢી સામાજિક-આર્થિક ઉર્ધ્વ ગતિના સંદર્ભમાં જોઈ શકાય.
આ તફાવત 'આકાંક્ષા'નો છે. સમાજશાસ્ત્ર અને અર્થશાસ્ત્રના સંશોધનમાં પણ આકાંક્ષા અને શૈક્ષણિક સિદ્ધિ વચ્ચેનો સંબંધ જોવા મળ્યો છે.
જ્યારે બાળક અને તેના પરિવારને લાગે છે કે શિક્ષણથી જીવનની દિશા બદલાઈ શકે છે, ત્યારે અભ્યાસનું મહત્વ માત્ર પરીક્ષા પાસ કરવા પૂરતું રહેતું નથી. તે ભવિષ્યની આશા બની જાય છે.
શહેરના સંપન્ન પરિવારના બાળકના પણ માતા-પિતા મહેનત કરતા હોય છે, પરંતુ ક્યારેક એ મહેનત દેખાતી નથી. ઓફિસમાં જતો પિતા, કારમાં આવતો ડ્રાઇવર, તૈયાર ભોજન, મોંઘી ફી, અલગ રૂમ, ઝડપી ઇન્ટરનેટ-આ બધું બાળકને જીવનની સામાન્ય સ્થિતિ લાગે છે.
ગામના બાળકને પિતાની પાંચ વાગ્યાની બસ, ખેતરમાંનું કામ, માતાનું બચત કરેલું નાણું, ભાઈએ છોડેલું પોતાનું સ્વપ્ન-આ બધું
દેખાય છે.
જે ત્યાગ દેખાય છે, તેનું મૂલ્ય ગામડાનું સંતાન ઘણી વખત વધારે અનુભવે છે કેમ કે તેને તેઓની વર્તમાન સ્થિતિ બદલવી છે. શહેરના સુખી સંતાનની સામે આવું કોઈ પ્રેરકબળ નથી હોતું.
અભાવ અને ગરીબીમાં ઉછેર પામેલ સંતાનની પાસે એક શક્તિ એ પણ છે-જેને અછતમાંથી વિકસતી સર્જનાત્મકતા કહી શકાય.
આને 'જુગાડ' પણ કહી શકાય.જે છે તેમાંથી કામ ચલાવવાની અને ઉપલબ્ધ સાધનને મહત્તમ ઉપયોગમાં લેવાની ટેવ.
જોકે અહીં ફરી સાવચેતી જરૂરી છે. આનો અર્થ એ નથી કે ગરીબ પરિવારના સંતાનો સગવડ મેળવતા જ નથી. આજના ભારતમા સરકારી યોજનાઓ, મફત કોચિંગ, શિષ્યવૃત્તિ, મફત હોસ્ટેલ અને ઓનલાઈન શિક્ષણ જેવી સવલાતો પણ ઘણા વિદ્યાર્થીઓને સ્પર્ધાની મુખ્ય ધારા સુધી પહોંચાડે છે.રમત જગતમાં પણ આ વાત લાગુ પડે છે.ગામડું હવે માત્ર 'પ્રતિભાનું ભંડાર' નથી; ધીમે ધીમે તે પ્રતિભા શોધવાનું ક્ષેત્ર પણ બની રહ્યું છે.
જો કે એ યાદ રાખવાની પણ જરૂર છે કે જે સફળ થાય છે તેની જ કહાણી આપણને દેખાય છે.
હજારો ગરીબ બાળકો અત્યંત મહેનત કરે છે છતાં પરીક્ષામાં સફળ થતા નથી. પરંતુ ગરીબ પરિવારનો એક બાળક સફળ થાય ત્યારે તે પ્રસાર પામે છે.
આથી 'મહેનત કરનાર ગરીબ બાળક સફળ થાય છે' એ સાચું છે, પણ 'ગરીબ બાળકો જ સફળ થાય છે' એ સાચું નથી.
પ્રશ્ન 'ગામડું કે શહેર?'નો નથી.
પ્રશ્ન 'ગરીબી કે સંપત્તિ?'નો પણ નથી.
પ્રશ્ન છે-બાળકને મળેલી પરિસ્થિતિ તેને કેટલું અર્થપૂર્ણ લક્ષ્ય આપે છે અને તે લક્ષ્ય માટે તે કેટલો સતત પ્રયત્ન કરવાની આંતરિક તૈયારી ઊભી કરે છે.
એક ગરીબ પરિવારનું બાળક કહે, 'મારે ડોક્ટર બનવું છે', અને આખું ઘર તેની પાછળ ઊભું રહે.
એક સંપન્ન પરિવારનું બાળક કહે, 'મારે પણ ડોક્ટર બનવું છે', અને માતા-પિતા કોચિંગ, શિક્ષક, ટેક્નોલોજી અને તમામ સુવિધા આપે.
બન્નેમાં કોણ સફળ થશે તે માત્ર પૈસા નક્કી કરતા નથી.
અંતે પરીક્ષાના રૂમમાં બાળક એકલું હોય છે.
મેદાનમાં ખેલાડી એકલો હોય છે.
એશિયન ગેમ્સની ફાઇનલમાં શુટિંગ સ્પોર્ટ્સની સ્પર્ધામાં નિશાન લગાવતી નીરુ ધંડા કે તિરંદાજ કુમકુમની પાછળ આખા દેશની આશા હતી, પરંતુ નિશાન તેઓએ જ લગાવવાનું હતું.
અને કદાચ આ જ કારણ છે કે ભારતના ગામડાંમાંથી આવતા આવા યુવાનો આપણને વારંવાર એક ઊંડો પાઠ આપે છે- સાધનો ઓછા હોય તો પણ લક્ષ્ય નાનું હોવું જરૂરી નથી.
આના પરથી એવો અર્થ કાઢવો સૌથી મોટો અન્યાય હશે કે ગરીબી બાળકોને સફળ બનાવે છે અને તેમને સુવિધા આપવી જરૂરી નથી.
ના.
સમાજનું લક્ષ્ય એવું હોવું જોઈએ કે બાળકને સફળ થવા માટે ગરીબ રહેવું ન પડે.
જે ગુણ સંઘર્ષથી આવે છે- શિસ્ત, ધીરજ, જવાબદારી, ત્યાગ, સ્વનિર્ભરતા- એ ગુણ સમૃદ્ધ પરિવારોના બાળકોને પણ શીખવી શકાય.
અને જે સગવડો પૈસાથી મળે છે- સારો શિક્ષક, પુસ્તક, પોષણ, રમતનું મેદાન, ઈન્ટરનેટ, વૈજ્ઞાાનિક તાલીમ, માર્ગદર્શન-એ ગરીબ બાળકને પણ મળવી જોઈએ.
આ બે વિશ્વો ભેગા થાય ત્યારે જ ભારતની સાચી પ્રતિભા બહાર આવશે.
કારણ કે આજે ભારતની સૌથી મોટી સમસ્યા પ્રતિભાનો
અભાવ નથી.
સમસ્યા એ છે કે કેટલી પ્રતિભા શોધાઈ જ નથી.ચીન, જાપાન, અમેરિકા જેવા દેશ આ રીતે વિચારીને શિક્ષણ અને રમતની સિસ્ટમ અને કલ્ચર ઘડે છે.
આજના ભારત માટે સૌથી સુંદર સ્વપ્ન એવું હોવું જોઈએ કે આવતીકાલે કોઈ મેડલ જીતે ત્યારે તેના પરિવારની ગરીબી સમાચારનું મુખ્ય આકર્ષણ ન બને. કારણ કે ત્યાં સુધીમાં દેશે એવી વ્યવસ્થા ઊભી કરી હોય જ્યાં ગામડાના બાળકને તક મેળવવા માટે પહેલાં ગરીબી સામે યુદ્ધ ન કરવું પડે.
તે સીધો મેદાનમાં પ્રવેશે.
તેને સારો કોચ મળે.
તેને યોગ્ય પુસ્તક મળે.
તેને ઇન્ટરનેટ મળે.
તેને પોષણ મળે.
તેના માતા-પિતાને સંતાનના સપનાનો ખર્ચ પરિવાર તોડી નાખે એટલો ભારે ન પડે.
અને પછી મેડલ આવે ત્યારે આપણે એવું કહેવાની જરુર ન પડે કે - 'આ ગરીબ ઘરના બાળકનું સોનું છે' તેની જગ્યાએ આપણે એમ કહેતા હોવા જોઈએ કે 'આ ભારતની પ્રતિભાનું સોનું છે.'
યાદ રહે, શહેરી કે પૈસે ટકે સુખી પરિવારના સંતાનો પણ સ્પર્ધાત્મક પરીક્ષા અને રમત જગતમાં સફળતા મેળવતા જ હોય છે પણ અભાવ અને અછતમાં મળેલી સફળતા પ્રેરણા આપતી હોય છે તેથી મીડિયામાં અને સમાજમાં વધુ ચર્ચા જગાવે છે. આવી સ્ટોરીમાં રોચક તત્ત્વ પણ જોડાયેલું હોય છે તેથી વધુ પ્રસાર પામે છે.
જ્ઞાાન પોસ્ટ
જે યુવાનો પાસે ગુમાવવા માટે કંઈ નથી હોતું, તેમની પાસે મેળવવા માટે આખું આકાશ હોય છે. મોટા શહેરોના સુખી પરિવારોના બાળકો પાસે પહેલેથી જ બેસવા માટે સારું ઘર, કાર અને બિઝનેસ સેટઅપ હોય છે. તેમના માટે સફળતા એ એક વૈભવ કે વધારાની સિદ્ધિ હોય છે. પરંતુ ગરીબ કે ગ્રામીણ પૃષ્ઠભૂમિના યુવાન માટે સ્પર્ધાત્મક પરીક્ષા કે રમતગમત એ 'ગરીબીના દુષચક્રમાંથી બહાર નીકળવાની એકમાત્ર ચાવી' હોય છે. જ્યારે તમારી આજુબાજુ કોઈ વિકલ્પ નથી હોતો, ત્યારે તમારું મગજ એક જ દિશામાં લેસર બીમની જેમ કામ કરવા લાગે છે.




