Shatdal
એક હતા બા, સૌના બા...
By GS Team
29 Sep 20263 mins read

- શબ્દ સૂરને મેળે-રાજેશ વ્યાસ 'મિસ્કીન'
- એક જ વ્યક્તિ એક જ કવિતા જેટલી વાર વાંચે એટલી વાર એનો જુદો જ આસ્વાદ થતો હોય છે
એક હતાં બા
એક હતાં બા.
'વોકર'ના સહારે ચાલે
ધીમું ધીમું.
એક વાર એકદમ
એ સફાળા દોડવા લાગ્યાં
શ્વાસભેર
જાણે મનમાં વાળી ગાંઠ
પિયા મિલન કો જાના.
પાછું વળીને તો જોયું જ નહીં.
અમે જોતાં રહી ગયા -
હોસ્પિટલના આ બિછાને
એમને શ્વસતાં કેવું જોરથી !
વાત્સલ્યમૂર્તિ બા.
ચિંતા એમને સહુ વાતની
'કુણ' આયું… 'કુણ' ગયું
સહેજ અમથા અવાજે
સાદ દેતાં, સફાળા બેઠાં થઈ જતાં.
આજે આસપાસ આટઆટલા અવાજો.
પણ તમે તો સાવ સ્થિત પ્રજ્ઞા.
ભજનમગ્ન…
તમારા એ પ્રિય
''વૈકુંઠ નહીં રે આવું''ની ધૂનમાં.
આ 'આઈ.સી.યુ'માં સતત ચાલતો
કાર્ડિયોગ્રામ
સાઉન્ડ સિસ્ટમનું જાણે કોઈ
ગહન ઈક્વિલાઇઝર !
તમે સૌને મળતાં
- નહીં કે અમે !
આજે તમને મળવા
બધાં, બધાં જ આવી ચડયાં,
મળવા દીધું બહુ હેતથી,
સૌ તમને મળી ગયા - નહીં કે તમે.
અમે તો વર્તમાનમાં વ્યસ્ત.
મસ્ત.
તવ ભવ્ય મુખરેખા વિશે
ચિરંજીવ
અતીતની એ ગરિમા, નખશિખ.
એ હતાં બા, સૌનાં બા. - પ્રબોધ ર. જોશી
ક વિતાની શરૂઆત થાય છે વાર્તાની જેમ જે બાએ વાર્તાઓ કહીને મોટા કર્યા એ બા હવે વાર્તા બની ગઈ છે. હું સ્પષ્ટ માનું છે કે શબ્દો એ કવિતા નથી. શબ્દો તો કવિતાને પ્રગટ થવા માટે જૅચબી ઊભી કરી આપતા હોય છે. અવકાશ રચી આપતા હોય છે અને એ અવકાશમાં પ્રત્યેક ભાવક પોતાના ગજાની પાંખો જેટલું ઊડી લેતો હોય છે. અને એટલે જ કવિતાનો કોઈ પણ આસ્વાદ ક્યારેય અંતિમ આસ્વાદ નથી હોતો. અરે એક જ વ્યક્તિ એક જ કવિતા જેટલી વાર વાંચે એટલી વાર એનો જુદો જ આસ્વાદ થતો હોય છે. અનુભવતો હોય છે.
બા હવે વાર્તા બની ગઈ છે. એટલા માટે જ પહેલી પંક્તિ ઇશારો કરે છે એક હતા બા. ઉમ્મરની સાથે પગ કામ કરતા બંધ થયા છે. બા વોકરના સહારે ધીમું-ધીમું ચાલી શકે છે પણ એકવાર અચાનક સફાળા થઈને દોડવા લાગ્યા, શરીરથી નહીં મનથી. એ દોડ મૃત્યુ તરફની હતી. એક જ શ્વાસે બા દોડયા છે. સમગ્ર કવિતાની અંદર પ્રત્યેક પંક્તિએ સતત જુદા-જુદા વળાંક આવ્યા કરે છે. ચાલી ન શકનારા બા દોડયા છે. શ્વાસભેર દોડયા છે, મનમાં ગાંઠ વાળીને દોડયા છે, પાછું વળીને જોયા વગર દોડયા છે. ક્યાં ? પિયા મિલન કો જાના… આ પંક્તિઓ મૂકીને જાણે મીરાંબાઈ કે પેલો પરમનો સંદર્ભ રચી આપ્યો છે. બા જે ઝડપથી દોડયા છે આખું કુટુમ્બ જાણે જોતું જ રહી ગયું. બા એટલું ઝડપથી દોડયા કે હોસ્પિટલના બિછાના ઉપર ખૂબ ઝડપથી શ્વાસો લેતા-લેતા એ સૂતા હતા.
બા એટલે જ વાત્સલ્યમૂર્તિ. કુણ આયું ? કુણ ગયું ? આ અવાજમાં વતનની સુગંધ, વાત્સલ્ય, પ્રત્યેક વ્યક્તિની ચિંતા (ર્ભહબીહિ) કાળજી દેખાય છે અને કોઈ પણ આવે કે જાય ત્યારે એ સફાળા બેઠા થઈ જાય છે. કવિતામાં બે વખત સફાળા શબ્દ આવ્યો છે. બા અચાનક જે સફાળા દોડવા મંડયા હતા એ બા જીવનભર કુટુમ્બના પ્રત્યેક વ્યક્તિની આવ-જા વખતે સફાળા બેઠા થઈ જતા હતા પણ આજે હોસ્પિટલમાં આટઆટલા અવાજો વચ્ચે પણ એ બેઠા નથી થતા સ્થિતપ્રજ્ઞાની જેમ સૂઈ રહ્યા છે.
મારું વનરાવન છે રૂડું કે ગોકુળ નહીં રે આવું… બાનું પ્રિય ભજન. બાને હંમેશા આ જ ભજન ગાતા સાંભળ્યા છે. આજે એ બા આઈ.સી.યુ.માં સૂતી છે અને કાર્ડિયોગ્રામ સતત લેવાઈ રહ્યો છે. કવિ તાજા ભૂતકાળમાં સરી પડે છે. બા ઘરમાં બેઠી-બેઠી આવતા-જતા સૌને મળતી-બોલાવતી હતી. અને સૌ પોતપોતાની ઉતાવળમાં ન મળવા જેવું મળતા હતા. આજે હોસ્પિટલમાં સમગ્ર પરિવાર દોડીને મળવા આવી ચડયો છે. બધાને બા મળવા દે છે. પણ બા આજે ન મળવા જેવું મળી રહી છે. બાના અંતિમ દર્શન વખતે બાની ભવ્ય મુખરેખા દેખાય છે. ભૂતકાળની એ જ ગરિમા નખશીખ જળવાયેલી છે. હૃદયમાં કદી નાશ ન પામે એવી ચિરંજીવ છબીઓ સચવાયેલી છે. એક બા હતી એ સૌની બા હતી. પ્રત્યેકની મા એ સૌની મા હોય છે. પ્રત્યેક માતાની વાતમાં સૌને પોતાની મા જ દેખાતી હોય છે. આથી જ કવિતાની અંતિમ પંક્તિ એ હતાં બા… સૌના બા… અહીં કવિતા પૂરી નથી થતી. અહીંથી આ કવિતા બા જીવનમાં ક્યાં-ક્યાં પથરાયેલી છે, છુપાયેલી છે. તેની સાથે જોડી આપે છે.




