હતું એક તો શહેર અજાણ્યું સાવ પરિચય ઝાંખો તોય મળ્યો એક દીવો ઝલમલ મનને ફૂટી આંખો

- યહી હે જિંદગી-મહેશ યાજ્ઞિાક
- પોતાની પીડાની - વ્યથાની કથા ઉશ્કેરાટ સાથે ઝનૂનથી સંભળાવવા માટે કલ્યાણી તત્પર હતી. માંડ મળેલી તક ગૂમાવવા માટે એ તૈયાર નહોતી.
સા ત માળના ફલેટ આમ તો એક વર્ષ અગાઉ બન્યા હતા, પરંતુ એમાના મોટા ભાગના ફલેટ ઈન્વેસ્ટરો દ્વારા જ ખરીદાયેલા હતા એટલે સાતમે માળ ચારમાંથી માત્ર એક ફલેટમાં એક દંપતી રહેતું હતું.
છઠ્ઠે માળ પણ એવી જ દશા હતી. ત્રણ ફલેટ ખાલી હતા. એક ફલેટમાં સૌરભ અને કલ્યાણી રહેતા હતા. વાતાવરણમાં ઠંડક હતી, પરંતુ સૌરભ અને કલ્યાણીના મનમાં ઉકળાટ હતો.
''આજે મારું મગજ ઠેકાણે નથી…'' હાથમાં છાપું પકડીને સૌરભ બાલ્કનીમાં બેઠો હતો. એની સામે જોઈને કલ્યાણી બબડી. ''અધૂરામાં પૂરું આજે લિફટ પણ બંધ છે એટલે નીચે શાક લેવા ગઈ એમાંય ટાંટિયાની કચૂંબર થઈ ગઈ. તમે તો આરામથી અખબાર વાંચો છો…''
આટલું કહીને કલ્યાણી રસોડામાં ગઈ. ગેસ ઉપર ચાની તપેલી મૂકી અને બીજા બર્નર ઉપર દૂધ ગરમ કરવા મૂક્યું. ચા બની ગઈ એટલે તપેલી ઢાંકીને એણે દૂધનો ગેસ મોટો કર્યો. દૂધનો ઉભરો લઈને એણે હાથમાં સાણસી લીધી. મગજ ઠેકાણે નહોતું. હાથ યંત્રવત્ કામ કરતા હતાં. તપેલી ઊંચકીને પ્લેટફોર્મના છેડે પાણીની માટલી પાસે એ મૂકવા જાય એ અગાઉ હાથમાંથી સાણસી છટકી ધડામ દઈને તપેલી નીચે પડી. કલ્યાણીની ચીસ સાંભળીને સૌરભ ત્યાં આવ્યો. રસોડાના બારણાં પાસે ઊભા રહીને એણે નીચે નજર કરી. ફરસ ઉપર ઢોળાયેલું દૂધ જોઈને એ પાછો બાલ્કનીમાં જતો રહ્યો. ધૂંધવાયેલી કલ્યાણી ચૂપચાપ કામ પતાવતી રહી.
''જમવાનું ટેબલ ઉપર મૂક્યું છે. ઈચ્છા થાય ત્યારે જમી લેજો…'' સૌરભની સામે નજર કર્યા વગર આટલી જાણ કરીને કલ્યાણી બાથરૂમમાં કપડાં ધોવા જતી રહી.
કલ્યાણી ટીવી ચાલુ કરીને સોફા ઉપર બેઠી હતી. ''મારી વાત સાંભળ…'' જમીને ઓફિસે જતા અગાઉ સૌરભ એની પાસે ઊભો રહ્યો. ''બાપાના એક ખાસ અંગત મિત્ર શાંતિકાકા પાલનપુર રહે છે. ગઈ કાલે ઓફિસમાં એમનો ફોન આવેલો. મેં એમને એડ્રેસ સમજાવી દીધું છે. આજે કદાચ એ અમદાવાદ આવશે તો આપણા ઘેર આવશે…''
એણે પત્ની સામે હાથ જોડયા. ''એ બિચારા વડીલને આપણા ઝઘડાનો ખ્યાલ નથી. એમને ખબર પડી જશે તો આખી વાત બા-બાપા સુધી પહોંચી જશે અને મોટો ઈશ્યુ થઈ જશે…'' એ કરગર્યો. ''પ્લીઝ, એ આવે ત્યારે શાંતિથી બધું સંભાળી લેજે.''
''કેમ ? આબરૂ જવાની બીક લાગે છે ? ઘાંટા પાડીને મારા બા-બાપા સુધીની ગાળો બોલતી વખતે આ વિચાર નથી આવતો ?'' હડહડતા ધિક્કાર અને કડવાશથી આટલું કહ્યા પછી કલ્યાણીના અવાજમાં આત્મગૌરવનો રણકાર ભળ્યો. ''ઘેર આવેલા મહેમાનને કઈ રીતે સાચવવા એ સંસ્કાર છે મારામાં. ધ્યાન રાખીશ, પૂરેપૂરી કાળજી રાખીશ, એ છતાં દાઝેલી છું એટલે બળતરામાં બબડાટ થઈ પણ જાય… એની કોઈ ખાતરી નથી.''
વધુ દલીલ કર્યા વગર સૌરભ નીકળી ગયો.
જમી લીધા પછી રસોડું અવેરીને કલ્યાણી સોફા ઉપર આડી પડી. ટીવીની ચેનલો મચડીને કંટાળો આવ્યો એટલે એણે આંખો બંધ કરી. રાત્રે ઝઘડા પછી ઊંઘ નહોતી આવી એ કસર અત્યારે પૂરી કરવાની હતી.
ડોરબેલના અવાજથી એ ઝબકીને જાગી. ઘડિયાળમાં જોયું સાડા ચાર વાગ્યા હતા. સાડી વ્યવસ્થિત કરીને એણે બારણું ખોલ્યું. સિત્તેરેક વર્ષના દૂબળા-પાતળા વૃદ્ધે સફેદ ઝભ્ભો-લેંઘો પહેર્યો હતો. પાંખા થયેલા સફેદ વાળ, વિશાળ કપાળ, પોપટની ચાંચ જેવું તીણું નાક અને આ ઉંમરે પણ પારદર્શક પાણીદાર આંખો. એ વડીલના હાથમાં ભરતકામવાળી કાપડની થેલી હતી.
''આવો…'' બારણાં પાસેથી અંદર ખસીને કલ્યાણીએ એ વડીલને આવકાર આપ્યો. ''તમારી રાહ જોઈને જ બેઠી હતી. એમાં આંખ મળી ગઈ… પધારો…'' એણે સોફા તરફ ઈશારો કર્યો.
સહેજ સંકોચ સાથે એ વૃદ્ધ સોફામાં બેઠો. હાથમાં હતી એ થેલી બાજુમાં મૂકીને એણે આખા ઓરડામાં નજર ફેરવી.
''એ ઓફિસથી એકાદ કલાકમાં જ આવી જશે. તમે અહીં આવવાના છો એની એમને ખબર છે એટલે વહેલા આવી જશે.'' એ વડીલનો સંકોચ દૂર કરવા કલ્યાણીએ ઉમેર્યું. ''આરામથી બેસો, છેક પાલનપુરથી અમદાવાદમાં અમારું ઘર શોધતાં શોધતાં આવ્યા છો એટલે નિરાંતે બેસો. આપણે ક્યારેય રૂબરૂ મળ્યાં નથી, પણ તમારું નામ અજાણ્યું નથી. મારા સસરા અને મિસ્ટર વારંવાર તમારો ઉલ્લેખ કરતા હોય છે. એને લીધે તમને ઓળખું છું. આમ પણ ચાનો ટાઈમ થઈ ગયો છે મારી ચા પીવાની ઈચ્છાય મરી પરવારી હતી. નસીબજોગે તમે આવી ગયા એ સારું થયું. અહીં ટિપોઈ ઉપર બધાં છાપાં પડયા છે. તમે શાંતિથી વાંચો, ત્યાં સુધીમાં ચા બની જશે.''
''એક મિનિટ મારી વાત સાંભળીશ, બેટા ?'' ડોસો બોલ્યો.
''ચા-નાસ્તો કરીને મારી કથા સાંભળી લો. એ પછી તમે જે કહેશો એ બધુંય પ્રેમથી સાંભળીશ.'' આટલું કહીને એ વૃદ્ધ સામે મોં મલકાવીને કલ્યાણી રસોડામાં ઘૂસી ગઈ.
એ વૃદ્ધ અખબારોમાં ડૂબી ગયો. રસોડામાં ઉકળતી ચા સામે તાકીને કલ્યાણી મનોમન વિચારતી હતી. આવી સોનેરી તક ફરીથી નહીં મળે. સાસુ-સસરા જોડે સીધી જીભાજોડી કરવાને બદલે આ ઉપાય વધારે સારો છે. સાસુ-સસરા જોડે ઝઘડવાની જરૂર નથી. મારે જે કહેવાનું છે એ આ ડોસાને કહી દેવાનું. એને લીધે સંદેશો પહોંચી જશે. ડોસો ચાલાક લાગે છે. તીર સીધું નિશાન ઉપર જ વાગશે… મારે સીધો ઝઘડો કરવાની જરૂર નથી.
ટ્રેમાં ચા, ચેવડો અને બિસ્કીટ લઈને કલ્યાણી બહાર આવી.
''તેં આ ખોટી ધમાલ કરી, બેટા આની ક્યાં જરૂર હતી ?'' ચાનો કપ હાથમાં પકડીને ડોસાએ વિવેક બતાવ્યો.
''મારે તો તમને મારી કથા સંભળાવવાની જરૂર છે…'' વૃદ્ધની સામે જોયા વગર કલ્યાણીએ આક્રમક અંદાજમાં સીધી જ સટાસટી શરૂ કરી દીધી. ''મારી વાત ધ્યાનથી સાંભળો, વડીલ ! એ પછી તટસ્થ રહીને ન્યાય કરજો…''
વૃદ્ધના ચોંકી ઉઠેલા ચહેરા તરફ ધ્યાન દેવાની કલ્યાણીને અત્યારે સુધ નહોતી. પૂરા આક્રોશ સાથે એ બોલતી હતી.
''અમને અમારી જિંદગી અમારી રીતે જીવવાનો અધિકાર નથી ? વડીલ, તમને કહેવામાં વાંધો નથી. તમે અજાણ્યાં નથી. મારા મિસ્ટરની વાત ઉપરથી એટલી ખબર છે કે તમે ચાલાક છો, વ્યવહારકુશળ છો અને હોંશિયાર છો. વળી મારા સસરાના અંગત મિત્ર છો, તમારી સમજશક્તિ માટે માન છે મને. એને લીધે મને વિશ્વાસ છે કે તમને સાવ ટૂંકમાં કહીશ તો પણ તમને મારી દશાનો ખ્યાલ આવી જશે.''
એ ડોસો આશ્ચર્યથી કલ્યાણી સામે જોઈ રહ્યો હતો. પોતાની પીડાની - વ્યથાની કથા ઉશ્કેરાટ સાથે ઝનૂનથી સંભળાવવા માટે કલ્યાણી તત્પર હતી. માંડ મળેલી તક ગૂમાવવા માટે એ તૈયાર નહોતી.
''લગ્નને છ વર્ષ થઈ ગયાં એ છતાં એકેએક વાતમાં મારા મિસ્ટર એ ડોસા-ડોસીની સલાહ લેવા દોડે છે - એ શું શોભે છે એમને ? આ નવા ફલેટમાં પાણીનું માટલું ક્યાં મૂકવું એ પણ મારી સાસુ નક્કી કરે ! ફોન કરીને એ માવડિયો પૂછે અને ત્યાંથી એ ડોશી ઓર્ડર કરે. એમના આદેશને અમારે ફરજિયાત માથે ચડાવવાનો. વડીલ, આ ફલેટ લેવા માટે મારા દાગીના વેચી દીધાં, વાળ જેટલું દેવું કરવું પડયું. એ છતાં જમ જેવી મારી ત્રણેય નણંદોની એકેએક ફરમાઇશ અમારે પૂરી કરવાની. સાસુને મોતિયાનું ઓપરેશન કરાવ્યું ત્યારે એમણે કહ્યાં એટલા રૂપિયા આપેલા એમાં મને કોઈ વાંધો નહોતો, પણ નણંદ અને નણદોઈ એમનાં બાળકો સાથે સિંગાપુર ફરવા જાય, એમાંય અમારે મદદ કરવાની ? ઈશ્વર સાક્ષી છે, વડીલ ! પરણ્યા પછી ડોસા-ડોસી અને ત્રણેય નણંદોની પાછળ એટલું ઘસાયા છીએ કે અમે આબુ કે સાપુતારા સુધીય ફરવા નથી ગયાં, ને પેલી વંતરીને સિંગાપુર જવાના અમારે પૈસા આપવાના? આ ક્યાંનો ન્યાય?''
એક શ્વાસે આટલો ઉભરો ઠાલવીને કલ્યાણી લગીર અટકી. નાસ્તાની પ્લેટ સફાચટ કરીને ડોસો સ્તબ્ધ બનીને સાંભળતો હતો.
''વડીલ ! હુંય ખાનદાન ઘરની દીકરી છું. વૃદ્ધ સાસુ-સસરા માટે ઘસાઈ છૂટવામાં મને કોઈ વાંધો નથી, પરંતુ કાયમ રિમોટ હાથમાં રાખીને એ નચાવે એમ નાચવાનો વાંધો છે. પરણેલી નણંદો વાર-તહેવારે આવીને સાડી લઈ જાય, એ એમનો અધિકાર આંખ-માથા ઉપર, પણ અમારી જિંદગીમાં એકેએક વાતમાં એ દાદાગીરીથી દખલ કર્યા કરે એ કઈ રીતે સહન થાય ? તમે તો સમજદાર છો. તમે જ કહો પરણેલી દીકરીઓ ભાઈના ઘરમાં કારણ વગર ચંચુપાત કરીને બખેડા કરે એ યોગ્ય કહેવાય ? નણંદોની દખલથી હું ગળે આવી ગઈ છું. તમે તો મારા સસરાના જિગરી દોસ્તાર છો એટલે આ બધું એમને તમારી રીતે સમજાવજો. આટલું કામ તો મારા માટે કરશોને ?''
બધો ઉભરો ઠાલવ્યા પછી વડીલનો પ્રતિભાવ જાણવા માટે કલ્યાણી એમની સામે તાકી રહી.
''જો બેટા, સાક્ષાત અન્નપૂર્ણા બનીને આ ભૂખ્યાં-તરસ્યાં બ્રાહ્મણનું પેટ ઠાર્યું એ તારી મહેરબાની…'' કલ્યાણી સામે બે હાથ જોડીને એ સોફા પરથી ઊભો થયો.
''બીજી વાત માફી માગવાની…'' એના અવાજમાં સંકોચ ભળ્યો. ''લિફટ બંધ હતી, એટલે સાત દાદરા ચડીને આવ્યો એટલે શ્વાસ ફૂલી ગયો હતો ને તરસથી ગળું સૂકાતું હતું…''
સાત દાદરા સાંભળીને કલ્યાણીને નવાઈ લાગી. ડોસાએ પોતાની થેલી હાથમાં લીધી. ''સાતમે માળ અનિલ અને વીણા રહે છે, એમને તો તું ઓળખે છેને ? એ અનિલ મારો મોટો દીકરો. હું તો મહેસાણામાં મારા દીકરાની સાથે રહું છું. ઉપર બીજા બધા ફલેટ બંધ હતા. એક દાદરો ઊતરીને આવ્યો ને તારું ઘર જોયું. લાચારીથી પાણી પીવા માટે ડોરબેલ દબાવી. હું કંઈ બોલું કે ખુલાસો કરું એ પહેલાં તો તેં તલવાર વીંઝવાનું શરૂ કરી દીધું ! તારો શબ્દેશબ્દ અંતરના ઉકળાટમાંથી સચ્ચાઈ થઈને સણસણતો હતો. બધું ધ્યાનથી સાંભળી લીધું, બેટા ! પુરાણો કે ભગવદ ગીતામાંથી પણ ના મળે એ જ્ઞાન તારા ભાષણમાંથી મળી ગયું !''
બારણાં પાસે જઈને એ અટક્યાં. ફરીથી કલ્યાણીની સામે બે હાથ જોડીને આભારવશ અવાજે બબડયાં. ''જાણે અજાણે તેં મારા ઉપર બહુ મોટો ઉપકાર કરીને મારી આંખ ઉઘાડી. ઘેર ઘેર માટીના ચૂલા જેવી જ દશા હશે એ હકીકત તેં મને સમજાવી દીધી ! મારેય બે દીકરીઓ છે, એટલે કે વીણાને પણ બે નણંદ છે, એમના ડખા માટે જ મારે આવવું પડયું છે. વીણા મારા માટે શું વિચારતી હશે એ હવે મારા મનમાં કાચ જેવું સ્પષ્ટ થઈ ગયું. ભોળાભાવે ભડભડ કરીને તેં મારા ઉપર ઉપકાર કર્યો છે. તારી ગેરસમજ થઈ પણ એને લીધે મારી આંખ ઉઘાડવામાં તું નિમિત્ત બની બેટા, સુખી થજે… !''
ફરી એક વાર કલ્યાણી સામે હાથ જોડીને એમણે સીડી તરફ પગ ઉપાડયા. ''હવે એ લોકો આવી ગયા હશે…'' એટલું બબડીને એ સીડી તરફ ધીમા પગલે આગળ વધ્યા. કલ્યાણી ઘરમાં સોફા ઉપર ફસડાઈ પડી.
(શીર્ષક પંક્તિ : લેખક)




