કિસ્મતની લાઠીમાં અવાજ નથી હોતો

- રજનીગંધા-વિભાવરી વર્મા
- સરપંચ બહુ કપટી હતો. એની નજર રઘલાની જમીન ઉપર હતી અને સરપંચના દીકરાની નજર રઘલાની બૈરી ઉપર હતી
'અ લ્યા રઘલા ! તારો મોટોભાઈ તો મરી ગયો!' 'હેં ?'
'હા ! તે એના માથામાં કડીયાળી ડાંગ મારી હતી ને ? એ લથડિયાં ખાતાં ખાતાં ખેતરમાંથી ગામમાં પહોંચ્યો..અને બરોબર પોલીસથાણાની સામે જ જઈને મરી ગયો !'
રઘલાની આંખોની સામે અંધારાં છવાઈ ગયાં ! આ શું થઈ ગયું ?
રઘલાને એના મોટાભાઈ ભુવન સાથે વારંવાર ઝગડા થતા રહેતા હતા, ઝગડાનું એક કારણ તો એ હતું કે ભુવન કંઈ કામકાજ કરતો નહોતો. ખેતરમાં મદદ કરવાનું તો બાજુએ રહ્યું. ઉપરથી એ દર વખતે ખેતીની કમાણીમાંથી અડધો ભાગ માગતો હતો.
રઘલો થોડા ઘણા પૈસા આપી પણ દેતો હતો પણ ઝગડાનું બીજું કારણ એનાથી વધારે ગંભીર હતું. ભુવનની બૈરી ચાર વરસ પહેલાં મરી ગઈ હતી. ત્યારથી એ રઘલાની પત્નીની પાછળ પડયો હતો.
શરૂશરૂમાં રઘલાની બૈરીએ ભાવ નહોતો આપ્યો પણ પછી એ પોતે જ રઘલાના પૈસે ભુવન જોડે શહેરમાં જઈ જઈને રંગરેલીયાં મનાવતી થઈ ગઈ હતી.
આજે સાંજે એ જ વાત ઉપર ખેતરમાં બહુ મોટો ઝગડાં થઈ ગયો. ભુવને ગાળાગાળી કરવા માંડી, રઘલાએ પણ ખરીખોટી સંભળાવવા માંડી. પણ ભુવને અચાનક ખેતરમાં પડેલી કોદાળી ઉપાડીને રઘલા ઉપર હૂમલો કર્યો!
રઘલો બબ્બે વાર મરતાં મરતાં બચી ગયો. પણ ભુવનને માથે ભૂત સવાર હતું. એની લાલઘુમ આંખો અને ફાટી ગયેલો મિજાજ શાંત પડે એમ લાગતું નહોતું. એ બે હાથ વડે કોદાળી ઊંચકીને ઘસી આવ્યો.
એ જ ક્ષણો રઘલાએ પોતાની ડાંગ ઉપાડીને ભુવનના માથે ઝાંકી દીધી હતી ! ભુવન હજી લથડી રહ્યો હતો. છતાં તે કોહાળી વડે હૂમલો કરવા આગળ વધતો જ ગયો.
હવે રઘલાએ એને અટકાવવા માટે ડાંગના બે ચાર ઘા ઝીંક્યા સિવાય બીજો ઉપાય જ નહોતો.
રઘલાએ કચકચાવીને માત્ર બે જ ફટકા ભુવનના માથે માર્યા ! એ પછી ભુવનના પગ લથડવા લાગ્યા. એના વાળમાંથી લોહી નીતરી રહ્યું હતું.
'ઉભો રહેજે, રઘલા ! તું અહીં જ ઉભો રહેજે.' એમ કહેતો તે ગામ ભણી જતાં રહ્યો હતો.
પણ રઘલાને શું ખબર કે ભુવન બરોબર પોલીસથાણાની સામે જ મરી પરવાર્યો હશે?
'અલ્યા વિચાર શું કરી રહ્યો છે ? પોલીસ તને શોધતી અહીં જ આવી રહી છે ! જેલમાં ચક્કી ના પીસવી હોય તો ફટાફટ ભાગી નીકળ અહીંથી !'
એ વાતને પુરાં વીસ વરસ વીતી ચૂક્યાં હતાં. રઘલો પોતાના ગામથી ભાગતો ભાગતો છેક દક્ષિણ ભારતના કર્ણાટકમાં એક નાનકડા ગામમાં પહોંચી ગયો હતો. અહીં એક જમીનદારને ત્યાં એ ઘરના નોકર તરીકે નોકરીએ લાગ્યો હતો. ધીમે ધીમે રઘલાએ પોતાની ઇમાનદારી અને મહેનત વડે જમીનદારનો વિશ્વાસ જીતી લીધો હતો.
સમય જતાં જમીનદારની બન્ને દીકરીઓ ભણીગણીને વિદેશમાં પરણીને સેટલ થઈ ગઈ. આ બાજુ જમીનદાર વૃદ્ધ થતો ચાલ્યો હતો એટલે તેણે પોતાની તમામ જમીન, ખેતી, વેપાર વગેરેની સંપૂર્ણ જવાબદારી રઘલાને સોંપી દીધી હતી.
રઘલો હવે રઘુ શેઠ બની ગયો હતો. એ ભૂતકાળને સંપૂર્ણપણે ભૂલાવી ચૂક્યો હતો. પરંતુ તકદીરનું ચક્ર હંમેશા અણધારી રીતે ફરતું હોય છે.
એક દિવસે એક ગરીબ માણસ એના બંગલાની બહાર હાથ જોડીને ઉભો હતો. એ વાંકીચૂકી હિન્દીમાં બોલતો હતો.
'સાયેબ, ચાર દિવસ કા ભૂખ્યા હું… કોઈ કામકાજ હોવે તો કોને..'
અચાનક રઘલાને એની બોલીમાં ગુજરાતીની ઝલક સંભળાઈ ! તેણે તરત જ પૂછ્યું.
ગુજરાતથી આવો છો ? કિયા ગામના છો ?
'જસદણ !'
રઘૂશેઠ ચમક્યા ! આ તો મારું જ ગામ ! એ માણસને અંદર બોલાવ્યો, નવડાવ્યો… ખવડાવ્યું પીવડાવ્યું. પછી પૂછ્યું : 'તારા ગામમાં તું કોઈ રઘલાને ઓળખતો હતો ? '
'કયો રઘલો ? એ જ ? જેણે એના મોટાભાઈના માથામાં ડાંગ મારીને મારી નાંખ્યા હતા ? અને પછી પોતે રેલ્વેના પાટા પર જઈને આપઘાત કરી લીધો હતો ?'
'આપઘાત ? 'રઘુ શેઠ ચોંક્યા. 'રઘલાએ આપઘાત કર્યો હતો ?'
હવે શું કહું શેઠ ? ગામનો સરપંચ બહુ કપટી હતો. એની નજર રઘલાની જમીન ઉપર હતી અને સરપંચના દીકરાની નજર રઘલાની બૈરી ઉપર હતી. જેવી એમને ખબર પડી કે રઘલા અને ભુવન વચ્ચે મારામારી થઈ છે અને ભુવન લોહી દદડતા માથા સાથે ગામમાં આવી રહ્યો છે ત્યારે -
'ત્યારે શું ?'
'ત્યારે સરપંચના માણસોએ એને મારી નાંખ્યો હતો ! પોલીસ થાણામાં એમણે ફરિયાદ નોંધાવી હતી કે ભુવનનો ખૂની રઘલો છે ! જે ભાગી ગયો છે!'
'પછી રઘલો પકડાઈ ગયો ?'
'ક્યાંથી પકડાય ? કહે છે કે સરપંચે જ કોઈ દારૂડીયા જેવા મુફલિસને ટ્રેનના પાટા નીચે ધકેલી દીધો હતો !'
'શું વાત કરે છે ?'
'હાસ્તો ! આખું ગામ જાણે છે !'
સરપંચે પોલીસોને પૈસા ખવડાવીને ચોપડે એવું લખાવી દીધું કે રેલ્વેના પાટે આત્મહત્યા કરનારો રઘલો જ છે ! પછી તો રસ્તો સાફ હતો ને ?
'કેવો રસ્તો ?'
'અરે, રઘલાની બૈરીને સરપંચના દીકરાએ પોતાની બીજી પત્ની બનાવી લીધી ! એ બહાને રઘલાની જમીન પણ એની થઈ ગઈ !'
'અને રઘલાની બૈરી ? એ તો જલસા કરતી હશે નહીં ?'
'ઘૂળ જલસા ? જેવી જમીન પોતાના નામે થઈ કે તરત જ સરપંચની આખી ચાલ ફરી ગઈ ! એને ઘરમાંથી કાઢી મૂકી ! આજે બિચારી નોકરાણીની જેમ રઘલાના ખેતરમાં ઝુંપડી બાંધીને જેમતેમ જેમતેમ દહાડ કાઢે છે.'
રઘુશેઠને ધીમે ધીમે સમજાયું કે જે સ્ત્રીને માટે પોતે પોતાના ભાઈને માથે લાઠી ફટકારી દીધી હતી એવી જ એક લાઠી વિધાતાની પણ ફરી વળી હતી !
કહે છે ને, જ્યારે કિસ્મતની લાઠી વાગે છે ત્યારે એનો અવાજ કોઈને સંભાળાતો નથી.




