સેવાના સંકલ્પ પાછળની કહાણી

- ટોપ્સીટર્વી-અજિત પોપટ
- બંનેએ રીચમન્ડની શીપનહેમ હોસ્પિટલમાં સેવા આપવાનો નિર્ણય કર્યો. સામે ચાલીને હોસ્પિટલને અરજી મોકલી.
ડૉ ક્ટરને વોર્ડનો રાઉન્ડ પૂરો કરીને બહાર આવતાં જોઇને બાંકડા પર બેઠેલો કોઇ પેશન્ટનો સંબંધી ઊભો થયો. ડૉક્ટર નજીક આવતાં નમસ્તે કરીને એણે કહ્યું. હેલ્લો ડૉક્ટર ટ્રેવિસ… હજુ એ વ્યક્તિ આગળ કંઇ બોલે એ પહેલાં ડૉક્ટર મીઠ્ઠું મલક્યા. પછી સામી દિશામાં આંગળી ચીંધીને કહ્યું, સૉરી જેન્ટલમેન, ડૉક્ટર ટ્રેવિસ તો જુઓ સામેથી આવી રહ્યા છે…. હું ડૉક્ટર ટ્રેવન છું. અમેરિકાના વર્જિનીયા સ્ટેટની રાજધાની રીચમન્ડમાં આવેલી એક પ્રતિતિ શીપનહેમ હોસ્પિટલમાં આવી ઘટના લગભગ રોજ એકાદવાર બનતી હોય છે. એનું કારણ જેસ્પર ભાઇઓ છે. બંને ડૉક્ટર આઇડેન્ટિકલ ટ્વીન્સ એટલે કે એકસરખા ચહેરામહોરા અને સ્વભાવ ધરાવતા માજણ્યા સગ્ગા ભાઇઓ છે.
કોઇ હિન્દી કોમેડી ફિલ્મના દ્રશ્ય જેવી આ ઘટના છે, ખરું ને ? પણ કાલ્પનિક નથી.
રીચમન્ડનાજ અત્યંત ગરીબ વિસ્તાર વેસ્ટ એન્ડમાં પારાવાર ગરીબી વચ્ચે આ બંને ઊછર્યા છે. ન તો પીવાનું ચોખ્ખું પાણી મળતું કે ન તો બે ટંક સારું ભોજન પામતા. સતત સંઘર્ષ વચ્ચે મોટા થયા. આ બંને પોતાના હસમુખા અને મિલનસાર સ્વભાવના કારણે સ્થાનિક વસતિમાં ખૂબ લોકપ્રિય હતા. એમના એક કાકા આ પરિવારને યથાશક્તિ મદદ કરતા. ટ્રેવિસ અને ટ્રેવન બંને ભણવામાં હોંશિયાર રહ્યા. આ બંને બારેક વર્ષના હતા ત્યારે એમના આધારરૂપ કાકાને સાધારણ લાગતો તાવ આવ્યો. હોસ્પિટલમાં દાખલ કર્યા પરંતુ કાકાને ખરેખર શું થયું છે એનું ચોક્કસ નિદાન થઇ શક્યું નહીં અથવા તો તેમની યોગ્ય સારવાર થઇ નહીં. કદાચ એનું કારણ એ પણ હશે કે આ મરીઝ ગરીબ વિસ્તારમાંથી આવેલો અને સારવાર પાછળ બહુ ખર્ચ કરવાની એની ત્રેવડ નહોતી. એ રીબાઇ રીબાઇને મૃત્યુ પામ્યો. વળી આ દર્દી બિનગોરો હતો. યૂરોપ અમેરિકામાં ઘણા ગોરા ડૉક્ટરોને આજે પણ બિનગોરા લોકો માટે એક પ્રકારની સૂગ છે. બિનગોરા લોકોને આ ગોરાઓ ઊતરતા ગણતા આવ્યા છે.
ખેર, પોતાના કાકાને આ રીતે કરુણ સંજોગોમાં મરણ પામતા જોઇને આ બંને ભાઇઓએ મનોમન સંકલ્પ કર્યો કે અમે ડૉક્ટર થઇશું અને ગરીબ દર્દીઓની સેવા કરીશું. ભણવામાં તો બંને હોંશિયાર હતા જ. ભૂખ, તરસ, થાક જોયા વિના દિવસ રાત સતત અભ્યાસ કરતા રહ્યા. સદ્ભાગ્યે બંનેને ઉચ્ચ અભ્યાસ માટે સતત સ્કોલરશીપ મળતી રહી. પહેલાં સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં અન્ડરગ્રેજ્યુએશન સુધી અભ્યાસ કર્યો. ત્યારબાદ યુનિવર્સિટી ઓફ શિકાગો મેડિકલ સ્કૂલમાં એડમિશન લીધું. બંને વચ્ચે તંદુરસ્ત હરીફાઇ ચાલતી રહી. કયા વિષયમાં કોણ વધુ માર્કસ્ લાવે છે, કયા વિષયમાં કોણ સ્પેહ્યશ્યાલિટી મેળવે છે ? આમ અભ્યાસ ચાલતો રહ્યો. બંનેની ધગશ જોઇને અધ્યાપકો ખુશ હતા. મેડિકલ ક્ષેત્રે સ્નાતક થયા પછી બંને ભાઇઓએ મિશિગન યુનિવર્સિટીમાં ઇમર્જન્સી મેડિસિન એટલે કે તાકીદની પરિસ્થિતિમાં થતી સારવાર વિભાગમાં પોસ્ટ ગ્રેજ્યુશન કર્યું. બંને ભાઇઓ દરેક વિષયમાં અવ્વલ રહ્યા. એક તબક્કે યુનિવર્સિટીના વરિ અધ્યાપકો મૂંઝવણમાં હતા કે બંને ભાઇઓની ગુણવત્તા સમાન નીવડે તો ગોલ્ડ મેડલ કોને આપવો ?
આ બંને જબરદસ્ત કામિયાબીને વર્યા ત્યારે તેમના રીચમન્ડ શહેરના નિવાસસ્થાન અને આજુબાજુના વિસ્તારોમાં જોરદાર ઊજવણી થઇ. થોડાં વરસો લગી બંને જણે જ્યોર્જિયાની એક હોસ્પિટલમાં સેવા આપી. એક દિવસ ટ્રેવિસે ભાઇને સમજાવ્યો કે આપણે જે વિસ્તારમાં મોટા થયા ત્યાં આપણા જેવા સ્પેશ્યલિસ્ટ ડૉક્ટરોની તાતી જરૂર છે. આપણા કાકાનો કેસ યાદ છે કે ભૂલી ગયો ? ટ્રેવનને પણ એ કિસ્સો યાદ આવ્યો. બંનેએ રીચમન્ડની શીપનહેમ હોસ્પિટલમાં સેવા આપવાનો નિર્ણય કર્યો.
સામે ચાલીને હોસ્પિટલને અરજી મોકલી. હવે તો બંને પ્રસિદ્ધ થઇ ચૂક્યા હતા. હોસ્પિટલે તરત બંનેને તેડાવ્યા. રીચમન્ડના લોકોને ખબર પડી કે જેસ્પર ભાઇઓ શીપનહેમ હોસ્પિટલમાં જોડાઇ રહ્યા છે. ફરી એકવાર જાણે દિવાળી આવી હોય એવી જોરદાર ઊજવણી થઇ. ઘરે ઘરે મિષ્ટાન્ન રંધાયા. લોકોએ ફટાકડા ફોડીને જેસ્પર ભાઇઓને પોંખ્યા. રીચમન્ડના સરકારી અધિકારીઓએ પણ જેસ્પર . ભાઇઓનું જાહેર સન્માન યોજ્યું. આજે આખી હોસ્પિટલમાં બધાંને મોઢે આ બંને ભાઇઓનાં નામ છે. બંને સતત હસતા મોઢે ગમે તેવી ઇમર્જન્સીને પહોંચી વળે છે. છે ને મનમોહન દેસાઇની કોઇ મસાલા ફિલ્મ જેવી ઘટના ? ચાલુ વર્ષના એપ્રિલમાં બંને આ હોસ્પિટલમાં જોડાયા અને અત્યારે સૌથી લોકપ્રિય ડૉક્ટરોમાં તેમની ગણના થાય છે. આવીજ એક જોડી ઓહિયોમાં છે. એ બંને પણ આઇડેન્ટિકલ ટ્વીન્સ ડૉક્ટર છે પણ લેડિઝ છે. એમની વાત ભવિષ્યમાં ક્યારેક….




