કાણી નાવ અને અફાટ સમુદ્ર!

- ક્ષણ-ક્ષણાર્ધ-પ્રવીણ દરજી
- આજે શિક્ષણ એવા વળાંક પર આવીને ઊભું છે કે તેણે જન્માવેલી સમસ્યાઓનો કોઈ હાથવગો ઉપાય જ જણાતો નથી.
હ વે શિક્ષણ વિશે વાત કરવાનું બને છે ત્યારે મૂંઝવણ તો થાય છે જ, સાથે ભોંઠપ પણ અનુભવું છું. થાય છે કે શિક્ષણની બધી દિશાએથી જે વરવી સ્થિતિ દેખાય છે તેની સામે આંગળી ચીંધીએ તો તે કોની સામે ચીંધીએ છીએ ? દોષ દઈએ તો કોને દઈએ ? આવી શિક્ષણની દુ:સહ સ્થિતિ માટે આપણે સૌ ઓછેવત્તે અંશે જવાબદાર છીએ. પરિણામે ગઈકાલ કે આજના શિક્ષણની વાત કરતા હોઈએ ત્યારે વાતનો વળ તો છેવટે શિક્ષક પાસે જ આવીને અટકે છે. અન્ય બધાં બળો કદાચ એકબીજાને ખો આપી કે પરસ્પર દોષનો ટોપલો મૂકી હાશકારો અનુભવે, પોતાને નિર્દોષ લેખે પણ શિક્ષક તેમાંથી છૂટી શકે તેમ નથી. રોબો કલાસ કે રોબો ટીચર આવશે ત્યારે કે પછી નવી-નવી-નવી અનેક શિક્ષણનીતિઓ આવશે ત્યારે પણ શિક્ષકનું અસ્તિત્વ તો છે અને રહેશે જ.
એટલે જ જરા રૂપક વાપરીને મોંઘમમાં કહું તો આપણે બધા દરિયો પાર કરવા ભેગા થયા છીએ. પણ જેમાં બેઠા છીએ એ નાવ કાણી છે, કાણી જ રહેવાની છે. અંદર ભરાતા પાણીને ઉલેચ્યા કરવાનું છે, નાવમાં બેઠેલા સૌએ. જો તેમ નહીં કરીએ તો પાણી ભરાયેલી નાવ આપોઆપ દરિયામાં ડૂબી જશે. નાવના આપણે સૌએ દરિયો તો પાર કરવો છે જ, નિશ્ચિત કાંઠે તો પહોંચવું જ છે, કાંઠા પર અને કાંઠા પારની નયનરમ્ય પ્રકૃતિનાં દર્શન કરવાં છે, ખુલ્લા આકાશનાં રૂપો અને અકલિત ઘરાનું સૌંદર્ય પણ માણવું છે. મુક્તપણે નભોવિહાર કરતાં પંખીઓને પણ નિહાળવાં છે અને તેમના મધુર ગાનને પણ સાંભળવું છે અને સાથે નગરો, ગામો એ બધું પણ નીરખવું છે. તેમાંનું સ્થાપત્ય કે વિશેષતાઓને, કલાનેય અંકે કરવાં છે અને એ સાથે પાર વિનાના માનવોને પણ જોવાં છે, તેમની રહેણીકરણી, તેમના રીતરિવાજો, તેમના સંસ્કાર, તેમની વર્તણૂંક, તેમની ભાષા, તેમનાં જ્ઞાન, તેમના વ્યવહારો, તેમનાં શીલ સુધી પણ પહોંચવું છે. કહો કે આપણી યાત્રા દીર્ઘ છે, અતિ દીર્ધ છે. પણ એ યાત્રા જ આપણો પુરૂષાર્થ છે, એ યાત્રા જ આપણી ગતિ છે, એ યાત્રા જ આપણી ઉપલબ્ધિ છે, એ યાત્રા જ આપણો આરામ અને આપણો આનંદ ઉભય છે. મારે મન એવી કાણી નાવનો મુસાફર તે બીજો કોઈ નહીં, કેવળ અને કેવળ શિક્ષક છે. બધું બદલાય, બધું બદલો, શિક્ષણ-શિક્ષકને ય બદલો પણ શિક્ષકની જે મૂળ પોથી છે તેના અક્ષરો કોઈ બદલી શકે તેમ નથી. શિક્ષકે શિક્ષક રહેવું હોય તો એ મૂળ પોથીને જતન કરીને બચાવવી પડશે. એ પોથીના અક્ષરો કહે છે કે શિક્ષક એટલે નિરંતરની જ્ઞાનોપાસના, એ શિક્ષક એટલે સદૈવની પ્રામાણિકતા, એ શિક્ષક એટલે નિત્યની નિષ્ઠા, એ શિક્ષક એટલે બાળ-વિદ્યાર્થી ચાહના, એ શિક્ષક એટલે નર્યું નીતરતું વાત્સલ્ય, એ શિક્ષક એટલે પ્રેમ, સ્મિત, અનાકુલતા, એ શિક્ષક એટલે વિધાયક અવાજ છેડયા કરતી બંસી, એ શિક્ષક એટલે વર્ગ અને વર્ગ બહારની પણ નરી અધ્યયનશીલતા. એક શિક્ષક એટલે અનેક માતાઓ અને ધર્મગુરૂઓનો સરવાળો કરીએ તેનાથીય અધિકો એવો મમતાભર્યો, સદ્તત્ત્વ ભર્યો ચહેરો, એક શિક્ષક એટલે પથદર્શક, વિદ્યાર્થીનો હિતચિંતક એક શિક્ષક એટલે રેતીમાં પણ વહાણ ચલાવી શકે તેવો કૌશલપુંજ, એ શિક્ષક એટલે બધા પ્રકારના આસપાસના ઝંઝાવાત વચ્ચે પણ પોતાનો દીવો બુઝવા ન દે, એ દીવાને અખંડ પ્રકાશવંતો રાખે તેવો જાદુગર, એ શિક્ષક એટલે બાળક માત્રમાં રહેલી ચૈતન્ય રેખાઓને શોધી કાઢનાર કીમિયાગર. હું આ બધું કહું છું એમાં રખે અતિશયોક્તિ સમજતા. ઊલ્ટાનું ક્યાંક અલ્પોકિત જેવું હશે. કારણ કે હું અથવા કોઈ પણ સાચો વિચારશીલ માણસ હંમેશાં શિક્ષકને શીર્ષસ્થ સ્થાને બેઠેલો જુએ છે. એવા શિક્ષકની સમયે સમયે ઊંચી કિંમત અંકાયાનાં દ્રષ્ટાંતો પણ મળી આવે છે. એવા સાચકલા શિક્ષકો હજી આજેય આપણી વચ્ચે છે, હા, તેમની સંખ્યા ઓછી હશે પણ છે એ તો નિશ્ચિત બાબત છે. એવા થોડાક શિક્ષકોને સમાજ પ્રણામ-વંદન કરતો આવ્યો છે. તેમનાં વાણી-વર્તને સમાજને બદલવામાં મોટો ફાળો આપ્યો છે. મારિયા મોન્ટેસેરીનું દ્રષ્ટાંત કંઈ બહુ જૂનું નથી. ઈટલીમાં તેણે કેટલી મોટી ક્રાંતિ આણી હતી ! આઇન્સ્ટાઈન-શંકરાચાર્ય કે વિવેકાનંદ અથવા આપણા કૃષ્ણ જરા જુદી રીતે શિક્ષકો જ હતા. ચાણક્ય પણ એવો જ શિક્ષક હતો. આપણા ઋષિઓ તો તંતોતંત રુંવેરુંવે શિક્ષક હતા. તેમણે તો આખા ને આખા માણસનો હજારો વર્ષ પહેલાં પૂરો એક્સ-રે લઈને પંચકોશ-અન્નકોશ-પ્રાણકોશ-વિજ્ઞાનકોશ- આનંદકોશ અને મનોમન કોશને ભીતરથી ખોલી આપવાની બુનિયાદી વાત કહી હતી. ગાંધીજી પણ મોટા શિક્ષક હતા. તેમણે ય ગર્ભાધાનથી અંતિમ સંસ્કાર સુધીના કેળવણીનાં મર્મદલો આપણી સામે ઉઘાડી ને મૂક્યાં.
હું જાણું છું કે આજે ઘણી બધી રીતે આપણો શિક્ષક ચિંતાગ્રસ્ત છે, વ્યસ્ત છે, ત્રસ્ત પણ છે. હા, એ મસ્ત ઓછો છે. આપણે એવી સ્થિતિનાં ચિંતા-ચિંતન કરવાં જોઈએ. ઉપાયો ખોળવા જોઈએ. પણ મેં ઉલ્લેખ્યું છે તેમ, મસ્ત શિક્ષકો થોડાક તો આપણી વચ્ચે છે જ, દીવાની વાટને તે સર્વઝંઝાવાત વચ્ચે સંકોરતા રહ્યા છે હજી તે શિક્ષણમાં જ જીવનનું રોકાણ કરવાના પ્રયત્નો કરે છે, શાળા-કોલેજ જ તેમનું, ટોલ્સટોયની જેમ, રાજપાટ છે, વધુ સાચું કહું તો મંદિર છે. એવા થોડાંક શિક્ષકો આપણા આજના સમયની આશા છે. એ લોકો કશાના ગરજુ નથી, કોઈ મોહજાળમાં તે હજી લપેટાયા નથી. તેઓનો શ્વાસ જ વિદ્યાર્થી છે, તેઓનું રહેઠાણ જ શાળા-સંસ્થા છે. તેવાઓ તંત્ર-યંત્રને ઓળંગી જઈ તેની બહાર નીકળીને પોતાની રીતનો ઇતિહાસ સર્જી રહે છે. તેઓના વર્ગ ખંડો બાળકો માટે જાદુથી ભરેલા છે, ત્યાં સાહસને કોઈ સીમા હોતી જ નથી, ત્યાં અપાર શક્યતાઓ છે, કશું તેઓને અવરોધી શકતું નથી. ત્યાં દરેક બાળક તેમના માટે તેજસ્વી છે, શક્યતા ભરપૂર છે, ચબરાક કે હોંશિયાર તો ભૂલ થાય, માણસને બાળક બધાં જ ભૂલને પાત્ર છે. પણ રબ્બરથી જેમ અક્ષર ભૂંસી નખાય તેમ ભૂલને ભૂલી કે ભૂંસી નાંખી નવું આરંભી દેવાનું હોય છે. બાળચેતનાને શિક્ષક એમ તરોતાજા રાખે છે, નવું કરવા પ્રેરી રહે છે. આજે શિક્ષણ એવા વળાંક પર આવીને ઊભું છે કે તેણે જન્માવેલી સમસ્યાઓનો કોઈ હાથવગો ઉપાય જ જણાતો નથી. એવા બળોની નાગચૂડથી શિક્ષણ ભીંસ અનુભવી રહ્યું છે ત્યારે આપણી શ્રદ્ધા કેવળ સાચા શિક્ષક પર જ ઠરે છે. આજે શિક્ષણની કારિકા અને સાચા સત્ત્વ વચ્ચે જે સંઘર્ષ છે તેનો વિચાર કરનારા સાચા શિક્ષણવિદો નહિવત્ જણાય છે ત્યારે શિક્ષક જ તેમાંથી માર્ગ કાઢી શકે તેમ છે. તાજેતરમાં કાશ્મીરી રુબલ નાગીએ કળા, સંસ્કાર, સમાજ, વર્તણૂંક અને શ્રમ સંદર્ભે નવા આયામો દાખવી શિક્ષણક્ષેત્રે મૂંગી ક્રાંતિની દિશા ચીંધી છે. વિશ્વની શ્રેષ્ઠ શિક્ષિકા તરીકે તેણે નામના પ્રાપ્ત કરી છે.
સાચા શિક્ષકો હજી દુર્લભ નથી….! તે ઇતિહાસ સર્જી શકે છે - ખસૂસ….




