Shatdal

ગાંધીજીએ કરેલા બ્રહ્મચર્યના અંતિમ પ્રયોગોનું 'નગ્ન સત્ય'!

By GS Team
29 Sep 202613 mins read
ગાંધીજીએ કરેલા બ્રહ્મચર્યના અંતિમ પ્રયોગોનું 'નગ્ન સત્ય'!
  • અનાવૃત-જય વસાવડા
  • ગાંધીજી પોતાના બ્રહ્મચર્યવ્રતની કસોટી કરવા માંગતા હતા. એ માનતા કે ભારતમાં તો અમુક સાધુઓ આજીવન નગ્ન ફરે છે. સ્ત્રીઓને નિહાળે છે, એમની જોડે ચાલે છે, પસાર થાય છે. પણ એ એટલા નિષ્ઠાવાન તપસ્વી હોય છે કે એમને લિંગ ઉત્થાન એવા સાહજિક સ્પર્શ કે દર્શનથી થતું નથી. ગાંધીના શબ્દોમાં એમનામાં કોઈ કામવિકાર જાગતો નથી. એ નિસ્પૃહ રહે છે. ગાંધીએ પોતાની તપસ્યાને જાતે જ કસોટીમાં મુકવાનો પ્રયોગ કરેલો

ગાં ધીએ એક એવો પ્રયોગ જતી જિંદગીએ આયખાની પોણી સદી વટાવીને પત્નીના અવસાનના બે વર્ષ બાદ શરુ કર્યો કે બીજા તો ઠીક ખુદ જવાહરલાલ નેહરુ અને સરદાર પટેલે એકમતે એનો પ્રખર વિરોધ કર્યો. એ બેઉએ લેખિત ચેતવણીઓ આપી કે આવનારા સમયમાં આ બાબતને લીધે લોકો ગેરસમજ કરશે અને ગાંધીજીની વિશ્વસનીયતા પર ભયાનક જોખમ ઉભું થશે. પણ ગાંધીએ ધૂની વિજ્ઞાનીની માફક પોતાનો પ્રયોગ પડતો મૂકવાને બદલે ચાલુ રાખ્યો.
એ પ્રયોગ હતો કા જેના વિષે આજે પણ ગાંધીવિરોધીઓ ચટાકા લઈને ટીકા કર્યા કરે છે એવો પોતાના બ્રહ્મચર્યની કસોટી કરવાનો પ્રયોગ. એ પણ પોતાની પ્રપૌત્રીઓ કહેવાય એવી મનુ અને આભા ગાંધી સાથે. ૧૯૨૮માં જન્મીને ૧૯૬૯માં અવસાન પામેલા મનુબહેન ગાંધીજીના કાકા તુલસીદાસના પૌત્ર જયસુખલાલ ગાંધીના દીકરી. ૧૯૨૭માં જન્મીને ૧૯૯૫માં આભાબહેન મૂળ ચેટરજી પણ પછી ગાંધીજીના ગ્રાન્ડ નેવ્યુ કનુ ગાંધીના પત્ની.
ગોડસેએ ગાંધીને ગોળી મારી ત્યારે અડખેપડખે ગાંધીની 'લાકડી' બનીને બેઉ ટેકો આપી ચાલતા હતા એ. જેની આજે પણ પૂરી ઓળખ વિના કેટલાક લાળટપકાઉ વિકૃતો મજાક ઉડાવે છે. એ ઉપરાંત ગાંધીજીના અંતિમ દિવસોની નોંધ રાખનાર સચિવ પ્યારેલાલના બહેન ડૉ. સુશીલા નાયર. જેમણે પોતાના ભાઈનો પ્રેમપ્રસ્તાવ તરુણી મનુ સમક્ષ રાખેલો એવું મનુબહેને ગાંધીહત્યા સુધી નિયમિત લખેલી ડાયરીઓ પ્રકાશિત થઇ છે એમાં પણ છે. ૧૯૧૪માં જન્મીને ૨૦૦૧માં ગુજરી ગયેલા સુશીલા નાયર તો એ જમાનામાં અમેરિકાની જોન હોપકિન્સ યુનિવર્સીટીમાં ભણેલા ડોક્ટર.
અને ગાંધીજીના આજે પણ વિવાદાસ્પદ લાગતા પ્રયોગ એ કે આ આમ તો ઘરની દીકરીઓ ગણાય એવી નાનપણથી આશ્રમમાં સાથે રહેલી, જેલમાં સાથે રહેલી અને કસ્તૂરબાની કેરટેકરની ભૂમકા ભજવતી યુવતીઓ સાથે વસ્ત્રો કાઢીને દિગંબર અવસ્થામાં સૂવાના પ્રયોગો કરીને પોતાનું બ્રહ્મચર્ય કસોટીમાં મુક્યું ! જી હા, આજની નજરે વિકૃત કે કામુક લાગી શકે એવી વાત છે. પણ ઢાંકપિછોડો કરીને ગાંધીએ એ છુપાવી નહિ. અમુક આશ્રમવાસીઓ નારાજ થઇ જતા રહ્યા તો પણ થોડા સપ્તાહ આ પ્રયોગો એમણે ચાલુ રાખ્યા. અલબત્ત પાછળથી આ ત્રણે સ્ત્રીઓ સ્વતંત્ર મિજાજની લેખિકા પણ રહી. એ કોઈને એમાં અજુગતું કે અપવિત્ર નહોતું લાગ્યું.
કોઈએ શોષણ કે એમનો કોઈ સાધન તરીકે ઉપયોગ થયો હોવાની ફરિયાદ નથી કરી. મનુબહેને તો ગાંધીને પિતા નહિ પણ 'માતા' ગણાવી કહેલું કે 'બહારથી જોનારને જે વિચિત્ર લાગે તે, હું તો મોટી જ એમની જોડે થયેલી એટલે એમનો સ્વભાવ ને ઉદ્દેશો બધું સારી રીતે સમજતી હતી. દુનિયા શું કહે એની મને ત્યારે પણ પરવા નહોતી ને પછી પણ નથી.' મનુબહેન લખે છે, 'બાપુ મારી માતા છે, એમણે તો મને મોટી કરી છે. તેઓ 'બ્રહ્મચર્ય'ના પોતાના પ્રયોગો દ્વારા મારા આધ્યાત્મિક અને નૈતિક ઉત્થાનમાં સહાયતા કરી રહ્યા છે અને તે તેમના ચરિત્રનિર્માણની વ્યાપક યોજનાનો એક ભાગ છે અને તેમના પ્રયાસોની નૈતિકતા વિરુદ્ધના તમામ આક્ષેપો નિંદનીય છે.'
મનુને જો કે 'સ્ત્રી પુરુષ મર્યાદા' જેવું પુસ્તક લખનાર ગાંધીવાદી કિશોરલાલ ઘ. મશરૂવાળાએ ખીજાઈને માયા કહેલા. વીણા, લીલાવતી અને કંચન નામની યુવતીઓ પણ એકાદ વખત આ પ્રયોગમાં જોડાયેલી. પ્રભાવતી (જયપ્રકાશ નારાયણના પત્ની) પણ બાપુની સેવામાં સહાયક. કોઈ માલિશ કરે તો કોઈ પગ દબાવે. સ્નાનમાં પણ પાર્ટીશન આડું હોય ને આંખો બંધ હોય છતાં આ છોકરીઓની હાજરીનો છોછ નહોતો.
પણ આખરે આવો આજની આંખે કેટલાકને ગંદો લાગે પણ એમાં ભાગ લેનાર સ્ત્રીઓને આજીવન કોઈ ફરિયાદ નહોતી એવો પ્રયોગ હતો શું? ગાંધીજી પોતાના બ્રહ્મચર્યવ્રતની કસોટી કરવા માંગતા હતા. એ માનતા કે ભારતમાં તો અમુક સાધુઓ (જૈન અને અખાડાના) નગ્ન આજીવન ફરે છે. સ્ત્રીઓને નિહાળે છે, એમની જોડે ચાલે છે, પસાર થાય છે. પણ એ એટલા નિષ્ઠાવાન તપસ્વી હોય છે કે એમને લિંગ ઉત્થાન એવા સાહજિક સ્પર્શ કે દર્શનથી થતું નથી. ગાંધીના શબ્દોમાં એમનામાં કોઈ કામવિકાર જાગતો નથી. એ નિસ્પૃહ રહે છે. ગાંધીએ પોતાની તપસ્યાને જાતે જ કસોટીમાં મુકવાનો પ્રયોગ કરેલો.
એમનું માનવું હતું કે વસ્ત્રોમાં તો તમે છુપાવી શકો મનમાં વાસનાને લીધે અંગો સળવળી ઉઠે, એ પણ ખરી પવિત્રતાની પરાકાષ્ઠા એ કહેવાય કે એકાંત હોય, રાત હોય, યુવાન સ્ત્રી બાજુમાં જ સુતી હોય અને અમુક વખતે એ અનાવૃત પણ હોય ને છતાં પણ તમારા મનમાં કોઈ વાસના ના જાગે. એટલે ચિત્ત શુદ્ધ હોય એટલું જ નહિ, બોડી પણ કોઈ આપોઆપ ઉત્તેજના અનુભવતા સિગ્નલ્સ ના ઝીલે અને તમે ફૂલ ઇન કન્ટ્રોલ છો કે ભૌતિક સુખોથી પર સંપૂર્ણ આધ્યાત્મિક થઇ ગયા છો, એની આથી મોટી કોઈ સાબિતી ના હોઈં શકે. બાકી બધું તો જૂઠ ને દંભ કહેવાય. શબ્દોથી છેતરી પણ શકો મોટી વાતો કરીને. પણ શરીર જૂઠું ના બોલે. અને ગાંધીજી અને આ ટેકણલાકડી જેવી યુવતીઓ મુજબ ગાંધીજી આ અંતિમ પ્રયોગની શબ્દશ: ઉઘાડી કસોટીમાંથી પાસ થયેલા. એમનામાં કોઈ વિકાર બચ્યો નહોતો.
જો કે, આવી કસોટીના ક્લાઈમેક્સ પાછળનો ઈતિહાસ લાંબો છે. ૧૮૮૩માં ગાંધીના લગ્ન થયેલા. એક સાંસારિક યુવક જેવું જ જીવન હતું. એમાં સિગ્મંડ ફ્રોઈડ જેવા મનોવિજ્ઞાનીને રસ પડે એવી ઘટના એમના જીવનમાં બનેલી જેનો ઉલ્લેખ આત્મકથા 'સત્યના પ્રયોગો'માં પણ છે. પિતાનું અવસાન થયું એ વખતે અન્ય ઓરડામાં જુવાન પત્ની સાથે મોહનદાસ સમાગમરત હતા. આ ઘટના એમને બહુ શરમજનક લાગી. અને એનો છૂપો ગિલ્ટ એમના મનમાં ઘર કરી ગયો.
કોઈ સ્વજનનું અવસાન થયું હોય ત્યારે કોઈ મીઠાઈ ખાતા હો કે ફિલ્મ જોતા હો ને પછી એ વખતે તો ગમતી વ્યક્તિ છેલ્લા શ્વાસ લેતી હતી એ ખબર પડે ને પાછળથી એ ફિલ્મ જોવી કદી બહુ ગમે નહિ કે એ મીઠાઈ અરુચિ પેદા કરે એવું બને એટલી જ સ્વાભાવિક વાત છે. મૃત્યુ અને સેક્સ બેઉ જીવનના પરમ પ્રાકૃતિક સત્યો છે. એકમાં દુ:ખ છે, એકમાં સુખ છે પણ એકમેકના વિરોધી નથી. કોઈ વાર આવી સિચ્યુએશન થાય તો એમાં કોઈ ગુનો નથી એવું કોઈ પણ સમજદાર કાઉન્સીલર કહી શકે.
પણ એ આજે. એ વખતે આવું બધું સાહિત્ય પણ ખાસ લખાતું નહોતું. ભારતીય સમાજ ઇસ્લામ અને વિક્ટોરિયન ખ્રિસ્તીઓ અને શ્રમણ તપસ્વીઓના નિગ્રહને લીધે મર્યાદાની બાબતમાં એકદમ રૂઢિચુસ્ત હતો. આજની નજરે આ પ્રયોગોની સ્ત્રીઓ ઓલમોસ્ટ માઈનોર લાગે. પણ એ વખતે તો નાની ઉંમરે વિવાહ આસપાસ સાવ સામાન્ય હતા. ઈનફેક્ટ સહમતી ને સેક્સમાં એજનો અંગ્રેજો કાયદો જ લોકમાન્ય ટીળક જેવા આર્થોડોક્સ હિંદુ હાર્ડલાઈનર સામે લડીને એટલે લઇ આવેલા (થેન્ક્સ ટુ વિઠ્ઠલભાઈ પટેલ, સરદારના મોટા ભાઈ) કે દસ વર્ષની એક કન્યાએ એના વયસ્ક પતિએ પરાણે ભોગવવા જતા જીવ ગુમાવેલો!
ખેર, ગાંધીજીના મનમાં ઉઝરડો રહી ગયો ને ધાર્મિક વાચન માટે એમના અનુરાગને લીધે બ્રહ્મચર્યની ભારતમાં પાછળથી સેક્સનિગ્રહની વ્યાખ્યામાં એમના મગજમાં જડબેસલાક બેસી ગઈ. અરે, આજે પણ ઘણા સ્માર્ટ કે હોશિયાર યુવક યુવતીઓ આ મોબાઈલયુગમાં પણ ઊંડા અભ્યાસ વિના ગુરુઓ ઠસાવી દે છે એમ સેક્સથી દૂર રહેવાને બ્રહ્મચર્ય ગણી લે છે. જયારે ગાંધીને પ્રિય એવા મહાભારતમાં તો અનેક પત્નીઓ સંતાનો ધરાવતા કૃષ્ણ પણ ઉતરાનાં ગર્ભના શિશુને જીવંત કરવા પોતે બ્રહ્મચારી હોવાનું કહે છે! મતલબ, આ વ્યાખ્યા પછી રૂઢ થઇ ગઈ. મૂળ સનાતન સંસ્કૃતિનો હિસ્સો નહોતી.
મહાત્મા ગાંધી પોતાની આત્મકથામાં નિખાલસતાથી લખે છે કે, 'વૈવાહિક જીવનના શરૂઆતના ૫ વર્ષોમાં અમે બંને (પત્ની કસ્તૂરબા) માંડ છ મહિના સાથે રહ્યા હોઈશું. આ દરમિયાન હું શાળામાં પણ માત્ર કસ્તૂરબા વિશે જ વિચારતો રહેતો હતો. રાત્રે તેની સાથે મુલાકાતની વાત હરવખત મારા મગજમાં ચાલતી રહેતી હતી. આ જ દરમિયાન જ્યારે મારા પિતા બિમાર પડયા ત્યારે તેમની દેખરેખ રાખતી વખતે પણ મારા મનમાં માત્ર સંભોગની વાતો જ ચાલતી રહેતી હતી.'
આ આસક્તિ તો યૌવનસહજ છે. હોર્મોન્સ કામ કરતા હોય એ ઉંમરે. પણ ગાંધીજીને એ કોયડા તરીકે સતાવવા લાગી હોવી જોઈએ. આરંભના લગ્નજીવનમાં યૌન સંબંધો પ્રત્યે અત્યંત આકર્ષણ અનુભવતા મહાત્મા ગાંધીએ દક્ષિણ આફ્રિકામાં રહેતા ત્યારે ચાર સંતાનો બાદ ૩૮ વર્ષની ઉંમરે દરમિયાન વર્ષ ૧૯૦૬માં બ્રહ્મચર્યનું વ્રત લઈ લીધું. કદાચ કસ્તૂરબાનો મત જુદો હશે. પણ એ સમયે સ્ત્રીઓ પોતાની વાતો આ મામલે ખુલીને કહી નહોતી શકતી. એમ તો, ઘણા પરિવારોમાં આજે પણ આ જ સ્થિતિ છે. એમાં આ તો પાછો પ્રભાવી પતિ! ક્રોધી પણ ખરો ને હઠાગ્રહી તો કોઈને ગાંઠે નહિ એવો.
કદાચ એમના ગમતા રશિયન લેખક લિયો ટોલ્સટોયના પગલે ચાલીને પરણ્યા બાદ બ્રહ્મચર્ય વ્રત લીધાના બરાબર એક વર્ષ પછી એટલે કે ૧૯૦૭માં સમાચારપત્ર 'ઇન્ડિયન ઓપિનિયન'માં પોતાના વાચકોને ગાંધીજી લખે છે કે 'આ દરેક વિચારશીલ ભારતીયનું કર્તવ્ય છે કે તે લગ્ન ન કરે. જો લગ્નના સંબંધમાં તે અસહાય હોય, તો તે પોતાની પત્ની સાથે સંભોગ ન કરે. પતિ-પત્નીએ માત્ર બાળકો પેદા કરવાના ઉદ્દેશ્યથી જ યૌન સંબંધો બનાવવા જોઈએ.' મહાત્મા ગાંધીએ પોતાના આશ્રમમાં બ્રહ્મચર્યના કેટલાક આકરા નિયમો નિર્ધારિત કરી રાખ્યા હતા, જેના અનુસાર પતિ-પત્નીએ પણ એકાંતમાં ન રહેવું જોઈએ. જો તેમને કામુકતા અનુભવાય ત્યારે ઠંડા પાણીથી સ્નાન કરવું જોઈએ. આશ્રમના છોકરાઓ અને છોકરીઓ પવિત્રતા સાથે એકસાથે ન્હાઈ અને સૂઈ શકતા હતા, પરંતુ કોઈપણ સેક્સ્યુઅલી રોમેન્ટિક વાતો માટે દંડપાત્ર હતા. ઈનફેક્ટ, ગાંધીજીની આ યૌન કુંઠા એમની જોડેના અનેક આગેવાનોએ સાદગી ને પવિત્રતાના નામે અપનાવી એમાં આઝાદ ભારત આ મામલે નેહરુ જેવા વડાપ્રધાન મળ્યા હોવા છતાં દંભીસ્તાન જ બનીને રહ્યું. અને હજુ એની અસરો દિમાગમાંથી જતી નથી આ દેશના.
ડિસેમ્બર ૧૯૩૫માં અમેરિકન બર્થ કંટ્રોલ કાર્યકર્તા અને સેક્સ એજ્યુકેટર માર્ગારેટ સેંગર મહાત્મા ગાંધીને ખાસ મળવા આવેલા. સેંગર ભારતના ૧૮ શહેરોના પ્રવાસે હતા, જ્યાં તેઓ ગર્ભનિરોધ અને મહિલાઓની મુક્તિ અંગે ડૉક્ટરો સાથે ચર્ચા કરી રહ્યા હતા. ગાંધીજીના કાર્યક્ષમ સચિવ મહાદેવ દેસાઈએ આ નેતા અને કાર્યકર્તા વચ્ચેની મહારાષ્ટ્રમાં થયેલી બેઠકની વિગતવાર નોંધ કરી છે.
'બંને આ વાત પર સહમત દેખાયા કે મહિલાઓ મુક્ત થવી જોઈએ, અને સ્ત્રી પોતાના ભાગ્યની ખુદ નિર્માતા હોવી જોઈએ.' પરંતુ મિસિસ સેંગર, જેમણે ૧૯૧૬માં ન્યૂ યોર્કમાં પ્રથમ યુએસ ફેમિલી પ્લાનિંગ સેન્ટર ખોલ્યું હતું, તેમનું માનવું હતું કે ગર્ભનિરોધક (કોન્ટ્રાસેપ્ટિવ્સ) એ મુક્તિ મેળવવાનો સૌથી સુરક્ષિત રસ્તો છે. ગાંધીજીએ વિરોધ કરતા કહ્યું કે સ્ત્રીઓએ તેમના પતિઓ સામે પ્રતિકાર કરવો જોઈએ, જ્યારે પુરુષોએ 'પશુવત્ કામવાસના' પર અંકુશ મેળવવાનો પ્રયાસ કરવો જોઈએ. તેમણે પોતાના મુલાકાતીને કહ્યું કે સેક્સ માત્ર પ્રજનન માટે જ હોવું જોઈએ.' પણ સેંગરે ગાંધીજીને કહ્યું કે 'મહિલાઓની લાગણીઓ પણ પુરુષો જેટલી જ ઊંડી અને કામોત્તેજક હોય છે.
એવો સમય પણ આવે છે જ્યારે પત્નીઓને પણ પોતાના પતિ જેટલી જ શારીરિક સંબંધ બાંધવાની ઇચ્છા હોય છે. બે એવા લોકો માટે, જેઓ પ્રેમમાં છે, સાથે ખુશ છે, આખી જીંદગીમાં બાળક જોઈએ એટલા પુરતું જ સાથે સુવાનું કુદરતે મનુષ્ય માટે નથી રાખ્યું. આ જગ્યાએ ગર્ભનિરોધક કામ આવે.'
પણ ગાંધીજીએ કહ્યું કે 'તેઓ તમામ પ્રકારના સેક્સને 'વાસના' માને છે. 'ભોગવિલાસની જિંદગીને અલવિદા' કહ્યા પછી પત્ની કસ્તૂરબા સાથેના તેમના સંબંધો 'આધ્યાત્મિક' બની ગયા હતા. સ્ત્રીઓએ પોતાના પતિઓ સામે પ્રતિકાર કરવાનું શીખવું જોઈએ. જો પશ્ચિમની જેમ ગર્ભનિરોધકનો આશરો લેવામાં આવશે, તો ભયાનક પરિણામો આવશે. સ્ત્રીઓ અને પુરુષો માત્ર સેક્સ માટે જ જીવતા થઈ જશે. એ બધા મગજથી ઓછા વિકસીત, અસ્થિર, માનસિક અને નૈતિક રીતે બરબાદ થઈ જશે' ગાંધીજી આવું ત્યારે જે કહેતા એ આજે પણ કેટલાય મંદબુધ્ધિઓ સાચે જ માને છે અને મર્યાદાની વાતો કહેતા બોલે પણ છે.
આજે પણ ઘણાને એટલી સાદી બાયોલોજી નથી ખબર કે પુરુષોને સેક્સના વિચાર વિના પણ ઇરેક્શન આવે એ નોર્મલ છે. ઈન્ફેક્ટ, સેક્સના વિચાર પણ કોઈ ખરાબ બાબત નથી. પ્રકૃતિની દેન છે. એ સમયના ભારતમાં નદીમાં સ્નાન એમ પણ સ્ત્રી પુરુષોનું થતું. કોઈ ફિમેલ નર્સ મેલ દર્દીને સ્પર્શ કરે સાફ કરવા તો એમાં કામુકતા નથી હોતી. દરેક વખતે સ્ત્રી ને પુરુષ ને વાસના કે આકર્ષણ જોડે રહીને થાય એવુ ન હોય. ઘણી વાર ઊલટું વધુ સાથે હો તો બિલકુલ ના થાય એવું બને.
ગાંધીજીએ માર્ગરેટ સેંગર સાથેની ચર્ચામાં છેલ્લે એટલું નમતું જોખ્યું કે 'પુરુષોના કિસ્સામાં સ્વેચ્છિક નસબંધી સામે કોઈ વાંધો નથી, કારણ કે પુરુષ આક્રમક છે', અને ગર્ભનિરોધકનો ઉપયોગ કરવાને બદલે, દંપતી માસિક ચક્રના 'સુરક્ષિત સમયગાળા' દરમિયાન સેક્સ કરી શકે છે.' આ વાતથી નારાજ સેંગર આશ્રમમાંથી અસંતુષ્ટ વિદાય થયા. પાછળથી તેમણે ગાંધીજીના 'કામુકતા અને અતિ-ભોગવિલાસના ભયાનક ધાર્મિક ડર' વિશે લખ્યું.
યસ, આ વાત ત્યારે પણ વાહિયાત હતી, આજે પણ એટલો જ કોરો બકવાસ છે. પણ મહાત્માની ભૂલ ખોટી રીતે ભારતના ભાગલા લોકો ગણાવે છે એ નહિ પણ આ સેક્સ અને અધ્યાત્મિક ઉન્નતિ બાબતની દકિયાનૂસી ભ્રમણા હતી જે ખતરનાક રીતે વિચિત્ર લાગતા પ્રયોગો તરફ દોરી ગઈ અને ગાંધીજી ભલે દીકરીઓ ગણીને પોતાનું આત્મનિયંત્રણ ચકાસવા સૂતા પણ આ 'સેક્સલેસ થઇ જવું એટલે જ દિવ્ય આત્મા થઇ જવું' એ જૂઠાણું એમને ને એમના પછી પણ દેશને ગ્રહણ બનીને નડયા કર્યું છે.
અલબત્ત, એમનો આવી ચકાસણી પાછળનો હેતુ તો માનવતાવાદી હતો. થયેલું એવું કે પેલા બંગાળ બિહારના ભયાનક કોમી રમખાણો ને ડાયરેક્ટ એક્શન ટાઈપ કત્લેઆમની જે ઘટનાઓ બની પછી હિન્દુ મુસ્લિમો એકમેકના લોહીતરસ્યા શત્રુ બનતા જતા હતા એ એમણે ક્લોઝ અપમાં જોયેલું. કારણ કે, બીજા નેતાઓની જેમ સલામતીના કોચલામાં ભરાઈ રહેવાને બદલે એ એક જ એવા આગેવાન હતા જે ત્યાં લોકોની વચ્ચે ફરતા હતા. આખી જિંદગી કોમી એખલાસ અને એકતા માટે હોમી દીધા પછી પણ જરાક ઝાળ લાગી તો કોમવાદી ભડકો ભાગલા સુધી પહોંચ્યો. ભારતમાં કોમવાદી કટ્ટરવાદી હેવાનિયતભરી હિંસાહોળી સળગી ચૂકેલી.
ગાંધીજી રમખાણોને માત્ર રાજકીય પતન તરીકે જોતા ન હતા. એમને તો ભરોસો હતો કે અહિંસાના સાચા સાધક પાસે એક એવી આધ્યાત્મિક ઊર્જા હોય છે જે તમામ હિંસા અટકાવી શકે છે, પણ જો હિંસા થાય છે તો એમની વ્યકિગત સાધુતા અને પવિત્રતા ક્યાંક કાચી પડી છે, એવું એ માનવા લાગેલા. એમાં એમણે તારણ કાઢયું કે તેમની આધ્યાત્મિક 'અપૂર્ણતા' એ બ્રહ્મચર્યમાં સ્વપ્નદોષ (નાઈટ ડિસ્ચાર્જ) જેવી શિથિલતાનું પરિણામ હતી. જો પોતે આ પ્રયોગો દ્વારા કામવાસના પર સંપૂર્ણ વિજય મેળવી શકે, તો તેઓ હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચેના મતભેદોને અટકાવવા અને અખંડ ભારતને બચાવવા માટે જરૂરી સર્વોચ્ચ આધ્યાત્મિક શક્તિ ફરી મેળવી શકે.
અને ભાગલા તો એમની નામરજી છતાં થયા, ને બદનામી પણ મળી. જો કે, આજે કોઈને મીટૂ મૂવમેન્ટનું મન થાય પણ પોતાનાથી ૬૦ વર્ષ નાની સ્ત્રીઓએ એને સ્વીકૃતિ આપી હતી. આની પાછળ પણ એક સાયકોલોજી છે. સેલિબ્રિટી લાગતી વ્યક્તિઓ સાથે રહેવાનું કે એની નજીક જવાનું દરેક કાળમાં જગતભરની અનેક સ્ત્રીઓને ગજબ આકર્ષણ રહ્યું છે. એમાં ય વ્યક્તિ ધાર્મિક હોય તો તો એ વધી જાય છે. એમની કૃપાપાત્ર હોવામાં જ એક અલગ અહં સંતોષાય છે. ગાંધીજીની તો છાપ સંતપુરુષની. અને વાતમાં એકદમ મક્કમ. સ્ત્રીઓ સુચેતા હોય કે સરોજીની, મેડેલીન સ્લેડ હોય કે એની બેસન્ટ એમનાથી પ્રભાવિત રહેતી. પોતાના અંગત જર્મન મિત્ર હરમન કાલેનબાકને લખેલા એક પત્રમાં મહાત્મા ગાંધીએ સરલાદેવીને પોતાની આધ્યાત્મિક પત્ની કહેલા એ તો અલગ ચકચાર હતી!
પણ આ ગાંધી નિસર્ર્ગોપચારના ગપ્પા પરાણે બધા પાસે પળાવતા, એમ જ મહિલાઓ પોતાને પુરુષો માટે ફેશન કે હેરસ્ટાઈલ વધુ આકર્ષક બનાવે તેના વિરોધી હતા. પાછા એ બુરખાના પણ વિરોધી હતા કે એને લીધે હવા ઉજાસ શરીરને મળે નહિ! પણ આ એ જ ગાંધી હતા જેમણે હીરોઇક રીતે બનારસમાં સબડતી વિધવાઓને માનભેર સમાજમાં પ્રતિષ્ઠિત કરી, બોયઝ એન્ડ ગર્લ્સ કો એજ્યુકેશનની વકીલાત કરી. ગાંધીજીને લીધે આઝાદીની લડતમાં બેહદ બહોળી સંખ્યામાં મહિલાઓ જોડાઈ, અને સ્ત્રીઓ જાહેરસભામાં આવતી થઇ. ઘણી ભણી ને અનેક આગેવાન બની જાહેરજીવનમાં સક્રિય થઇ!
મો. ક. ગાંધી એક વાર નક્કી કરે તો દુનિયાના અભિપ્રાયો ગણકારવાને બદલે એની સામે જઈને ઉભા રહેવાનું જીગર હતું એનામાં. આજીવન પોતડી પહેરીને ફરવામાં કોઈની પરવા ના કરે ને બોડીગાર્ડ વગર મરવામાં પણ તો પછી લોકલાજ અને પ્રતિષ્ઠા ,માટે કશું છુપાવવું નહિ એનું કોર કેરેકટરિસ્ટીક હતું. આજના ચશ્મા ચડાવીને ભૂતકાળની બધી વાત માપી ના શકાય. મજા એ હતી કે ગાંધીજી પોતાની ખામીઓ કે પ્રવૃત્તિઓ બાબતે પારદર્શક હતા. બીજાની જેમ છુપાવતા નહિ મનમાં હોય તે. એમના પ્રયોગો વિષે પણ એમણે ખુલીને કહ્યું ને બીજાને કહેવા દીધું તો આટલું લખવાની સામગ્રી મળી. એ કોઈ બાળાઓના અત્યાચારી યૌનશોષણની એપ્સ્ટાઇન ફાઈલ્સ નહોતી કે કાંડકૌભાંડ છુપાવવા પડે. આખરે, ગાંધીજી પોતાની ઊંચાઈ અસામાન્ય વધારી ચુકેલા પણ એક મનુષ્ય હતા, જે સેકસના કુદરતી સવાલો સામે સરખા જવાબો નથી શોધી શકતો એ બહુ નોર્મલ ઘટના છે!
ઝિંગ થિંગ
'હવે આ છૂટા પડવું વધુ કઠિન લાગવા લાગ્યું છે, જે જગ્યાએ તું બેઠી હતી, તે જ તરફ જોઉં છું અને ખાલી જોઈને અત્યંત ઉદાસ થઈ જાઉં છું.' (૨૭ એપ્રિલ, ૧૯૨૦ના સરલાદેવી ચૌધરાનીને લખેલા પત્રમાં ગાંધીજી, દોહિત્ર રાજમોહન ગાંધીના પુસ્તક 'મોહનદાસ'માંથી)