Shatdal

ઇથરની વરાળથી શરૂ થયેલી એનેસ્થેસિયાની સફર આજે તબીબી વિજ્ઞાનની કરોડરજ્જુ

By GS Team
13 Oct 20267 mins read
ઇથરની વરાળથી શરૂ થયેલી એનેસ્થેસિયાની સફર આજે તબીબી વિજ્ઞાનની કરોડરજ્જુ
  • સેલિબ્રેશન-ચિંતન બુચ
  • 16 ઑક્ટોબર
  • વિશ્વ એનેસ્થેસિયા દિવસ
  • ઓપરેશન થિયેટરમાં મશીનોની મદદ જેટલી મહત્ત્વપૂર્ણ છે, એટલી જ મહત્ત્વપૂર્ણ છે એનેસ્થેસિયાના નિષ્ણાતની સમજ, તાલીમ અને સતર્કતા

ઓ પરેશન થિયેટરમાં દર્દી આંખો બંધ કરીને સૂતો છે અને સર્જન તેના શરીર પર શસ્ત્રક્રિયા કરી રહ્યા છે. બહાર બેઠેલા પરિવારજનોના મનમાં એક જ પ્રાર્થના હોય છે… 'ઓપરેશન સફળતાપૂર્વક પૂરું થાય અને તેમનો સ્વજન હેમખેમ પાછો આવે'. પરંતુ આ દરમિયાન ઓપરેશન થિયેટરની અંદર એક એવા તબીબની નજર સતત દર્દી પર હોય છે, જે માત્ર તેને પીડાથી બચાવતો નથી, પરંતુ તેના શ્વાસ, હૃદયના ધબકારા, બ્લડપ્રેશર અને શરીરની અન્ય મહત્ત્વપૂર્ણ ક્રિયાઓ પર પણ નજર રાખે છે. આ તબીબ એટલે એનેસ્થેસિયોલોજિસ્ટ.
સામાન્ય રીતે લોકો માને છે કે એનેસ્થેસિયા એટલે દર્દીને બેભાન કરવાની દવા આપી દેવી. પરંતુ હકીકત એથી ઘણી વધારે ઊંડી અને રસપ્રદ છે. દર્દીને બેભાન કરવો એ એક તબીબી પ્રક્રિયાનો ભાગ છે, જ્યારે તેને સુરક્ષિત રાખવો એ સતત સતર્કતા, અનુભવ, જ્ઞાન અને સમયસર નિર્ણય લેવાની ક્ષમતાની કસોટી છે. સર્જનનું ધ્યાન ઓપરેશનની દરેક નાજુક હિલચાલ પર હોય છે, ત્યારે એનેસ્થેસિયોલોજિસ્ટ દર્દીનું શરીર સર્જરી અને દવાઓને કેવી રીતે પ્રતિસાદ આપે છે તેના પર નજર રાખે છે. દર્દી ભાનમાં ન હોય ત્યારે પણ તેની સુરક્ષા માટે આ તબીબની જાગૃતિમાં એક ક્ષણનો પણ વિરામ ન હોઈ શકે.
આજે હૃદયની જટિલ સર્જરીથી લઈને અંગ પ્રત્યારોપણ, અકસ્માતમાં ઘાયલ થયેલા દર્દીની સારવાર અને પ્રસૂતિ દરમિયાન પીડા ઘટાડવા સુધી એનેસ્થેસિયાની ભૂમિકા અત્યંત મહત્ત્વપૂર્ણ બની છે. પરંતુ એક સમય એવો હતો, જ્યારે સર્જરીનો અર્થ જ અસહ્ય પીડા સાથે જોડાયેલો હતો. આધુનિક એનેસ્થેસિયાની શોધે તબીબી વિજ્ઞાનને એવી દિશા આપી કે જેમાં દર્દીને પીડાથી રાહત આપીને જટિલ શસ્ત્રક્રિયાઓ કરવી શક્ય બની. આ પરિવર્તન માત્ર એક નવી દવાની શોધ નહોતું; તે માનવજાતને પીડામાંથી રાહત આપવાની દિશામાં એક ઐતિહાસિક પગલું હતું.
આજથી લગભગ બે સદી પહેલાં સર્જરી કરાવવી એ દર્દી માટે હિંમતની કસોટી સમાન હતી. અસરકારક એનેસ્થેસિયાની સુવિધા ઉપલબ્ધ ન હોવાથી સર્જનોએ શક્ય તેટલી ઝડપથી ઓપરેશન પૂરું કરવું પડતું. દર્દીને પકડી રાખવા માટે બીજા લોકોની મદદ લેવી પડતી અને પીડા ઓછી કરવા માટે દારૂ, અફીણ કે અન્ય પદાર્થોનો ઉપયોગ કરવાનો પ્રયાસ થતો. પરંતુ આ ઉપાયો પીડાને વિશ્વસનીય રીતે નિયંત્રિત કરી શકતા નહોતા. દર્દીની ચીસો, ગભરાટ અને શરીરની અનૈચ્છિક હિલચાલ વચ્ચે શસ્ત્રક્રિયા કરવી પડતી. જટિલ ઓપરેશનમાં સર્જનને પૂરતો સમય મળવો પણ મુશ્કેલ બનતો. આવી સ્થિતિમાં એક સવાલ તબીબી જગતને સતત સતાવતો હતો- શું દર્દીને અસહ્ય પીડાથી બચાવીને પણ શસ્ત્રક્રિયા કરી શકાય?
આ સવાલનો જવાબ શોધવાના પ્રયાસો અનેક તબીબોએ કર્યા. આ સફરમાં ૧૬ આક્ટોબર, ૧૮૪૬નો દિવસ ઇતિહાસમાં યાદગાર બની ગયો. અમેરિકાના બોસ્ટન શહેરની મેસેચ્યુસેટ્સ જનરલ હોસ્પિટલમાં ડેન્ટલ સર્જન વિલિયમ થોમસ ગ્રીન મોર્ટને ઇથરની વરાળ દ્વારા એનેસ્થેસિયા આપવાનું જાહેર નિદર્શન કર્યું. સર્જન ડૉ. જૉન કોલિન્સ વૉરેન ગિલ્બર્ટ એડવર્ડ એબોટ નામના દર્દીની ગરદન પાસેની જન્મજાત રક્તવાહિની અને લસિકાતંત્ર સંબંધિત બીમારીની શસ્ત્રક્રિયા કરી રહ્યા હતા. ઇથરની મદદથી દર્દીને પીડાની અનુભૂતિથી રાહત આપવાનો આ પ્રયોગ તબીબી જગતમાં એક મહત્ત્વપૂર્ણ વળાંક સાબિત થયો. આ ઐતિહાસિક ઘટનાની યાદમાં દર વર્ષે ૧૬ આક્ટોબરે વિશ્વ એનેસ્થેસિયા દિવસ ઉજવવામાં આવે છે.
પરંતુ એનેસ્થેસિયાના ઇતિહાસની કહાની માત્ર મોર્ટનથી શરૂ થતી નથી. અમેરિકાના ડા. ક્રોફર્ડ વિલિયમ લોંગે ૧૮૪૨માં ઇથરનો ઉપયોગ કરીને શસ્ત્રક્રિયા કરી હતી, જ્યારે ડેન્ટલ સર્જન હોરેસ વેલ્સે નાઇટ્રસ ઑક્સાઇડના ઉપયોગ દ્વારા પીડા ઘટાડવાના પ્રયોગો કર્યા હતા. આમ, એનેસ્થેસિયાની શોધનો શ્રેય એક જ વ્યક્તિને આપવો યોગ્ય નથી. મોર્ટનના જાહેર નિદર્શનથી આ પદ્ધતિને વ્યાપક ઓળખ મળી અને તબીબી જગતમાં તેનો પ્રસાર ઝડપી બન્યો. ત્યાર બાદ અનેક તબીબો અને વૈજ્ઞાનિકોએ એનેસ્થેસિયાની દવાઓ, તેને આપવાની પદ્ધતિઓ અને દર્દીની સુરક્ષા માટેનાં સાધનો વિકસાવવામાં યોગદાન આપ્યું.
ત્યારે વપરાતું ઇથર આજે ઇતિહાસનો ભાગ બની ગયું છે, પરંતુ તે સમયની દ્રષ્ટિએ તે ક્રાંતિકારી સાબિત થયું હતું. ઇથર એક ઝડપથી બાષ્પીભવન પામતું અને અત્યંત જ્વલનશીલ રાસાયણિક પ્રવાહી છે. તેની વરાળ શ્વાસ દ્વારા શરીરમાં પહોંચે ત્યારે મગજ અને ચેતાતંત્ર પર અસર કરે છે. યોગ્ય નિયંત્રણ હેઠળ તેનો ઉપયોગ દર્દીને એનેસ્થેસિયા આપવા માટે થતો હતો. જોકે, તેની જ્વલનશીલતા અને દર્દીના શ્વાસ તથા ચેતનાની સ્થિતિ પર દેખરેખ રાખવાની મુશ્કેલીઓને કારણે તેનો ઉપયોગ જોખમમુક્ત નહોતો. આજે એનેસ્થેસિયાના નિષ્ણાતો વધુ અદ્યતન દવાઓ, નિયંત્રિત ઉપકરણો અને સતત મોનિટરિંગની મદદથી દર્દીની સુરક્ષા જાળવવાનો પ્રયાસ કરે છે.
એનેસ્થેસિયા વિશેની બીજી એક મહત્ત્વપૂર્ણ વાત એ છે કે દરેક દર્દીને સંપૂર્ણપણે બેભાન કરવાની જરૂર હોતી નથી.
જનરલ એનેસ્થેસિયામાં દવાઓની મદદથી દર્દીને નિયંત્રિત રીતે બેભાન કરવામાં આવે છે, જેથી તે સર્જરી દરમિયાન સામાન્ય રીતે પીડા અનુભવે નહીં કે પ્રક્રિયાની યાદ ન રહે. પરંતુ કેટલીક સર્જરીમાં શરીરના ચોક્કસ ભાગને સુન્ન કરીને પણ પીડા નિયંત્રિત કરી શકાય છે. આ પદ્ધતિને રીજનલ એનેસ્થેસિયા કહેવામાં આવે છે. સ્પાઇનલ એનેસ્થેસિયાનો ઉપયોગ કેટલીક પ્રસૂતિઓ અને શરીરના નીચેના ભાગની શસ્ત્રક્રિયામાં થાય છે. એપિડયુરલ દ્વારા પ્રસૂતિ દરમિયાન થતી પીડા ઘટાડવામાં મદદ મળી શકે છે. જ્યારે લોકલ એનેસ્થેસિયામાં શરીરના નાના વિસ્તારની સંવેદના અટકાવવામાં આવે છે, જેમ કે દાંતની સારવાર દરમિયાન કરવામાં આવે છે.
કઈ પદ્ધતિ પસંદ કરવી તે દર્દીની ઉંમર, શારીરિક સ્થિતિ, કઈ સર્જરી કરવાની છે, અગાઉની બીમારીઓ, દવાઓની એલર્જી અને અન્ય જોખમી પરિબળોને આધારે નક્કી થાય છે. એટલે ઓપરેશન પહેલાં એનેસ્થેસિયોલોજિસ્ટ દ્વારા કરવામાં આવતું મૂલ્યાંકન માત્ર ઔપચારિકતા નથી. દર્દીને હૃદયરોગ, ડાયાબિટીસ કે ફેફસાંની તકલીફ છે કે નહીં, તે કઈ દવાઓ લે છે, અગાઉ એનેસ્થેસિયા દરમિયાન કોઈ મુશ્કેલી થઈ હતી કે નહીં, આવી વિગતો જાણવી અત્યંત જરૂરી છે. દર્ર્દી અને પરિવારના મનમાં રહેલા સવાલોનું નિરાકરણ કરવું પણ આ પ્રક્રિયાનો મહત્ત્વપૂર્ણ ભાગ છે.
ઓપરેશન શરૂ થાય ત્યારથી એનેસ્થેસિયોલોજિસ્ટની જવાબદારી સતત વધી જાય છે. દર્દીના હૃદયના ધબકારા, બ્લડપ્રેશર, શ્વાસ અને લોહીમાં ઑક્સિજનનું પ્રમાણ પર નજર રાખવામાં આવે છે. જરૂર પડે ત્યારે શ્વાસની નળી મૂકીને વેન્ટિલેટરની મદદથી શ્વાસ જાળવવામાં આવે છે. જટિલ સર્જરીમાં લોહીની ખોટ, શરીરના તાપમાનમાં ફેરફાર અને પ્રવાહીના સંતુલન પર પણ ધ્યાન આપવું પડે છે. એનેસ્થેસિયાની દવાઓથી બ્લડપ્રેશરમાં ફેરફાર થઈ શકે છે અથવા શ્વાસની કામગીરીને અસર થઈ શકે છે. કોઈ અણધારી સ્થિતિ સર્જાય તો એનેસ્થેસિયોલોજિસ્ટે તાત્કાલિક નિર્ણય લઈને જરૂરી પગલાં લેવાં પડે છે. આથી ઓપરેશન થિયેટરમાં મશીનોની મદદ જેટલી મહત્ત્વપૂર્ણ છે, એટલી જ મહત્ત્વપૂર્ણ છે એનેસ્થેસિયાના નિષ્ણાતની સમજ, તાલીમ અને સતર્કતા.
સર્જરી પૂરી થઈ જાય એટલે એનેસ્થેસિયોલોજિસ્ટનું કામ પૂરું થઈ જતું નથી. દર્દી ર્ ધીમે ધીમે ભાનમાં આવે ત્યારે તેનો શ્વાસ, ચેતનાની સ્થિતિ, પીડા અને અન્ય સંભવિત તકલીફો પર નજર રાખવામાં આવે છે. એનેસ્થેસિયાની અસર ઓછી થતી વખતે ઊબકા, ઊલટી કે પીડા જેવી સમસ્યાઓ થઈ શકે છે, જેને નિયંત્રિત કરવા માટે યોગ્ય સારવાર આપવામાં આવે છે. દર્દીની સ્થિતિ પ્રમાણે તેને રિકવરી રૂમમાં રાખવામાં આવે છે અથવા વધુ સઘન દેખરેખની જરૂર હોય તો આઇસીયુમાં ખસેડવામાં આવે છે. એટલે દર્દી ઓપરેશન પહેલાંની તૈયારીથી લઈને સર્જરી પછીની પુન:પ્રાપ્તિ સુધી એનેસ્થેસિયાની ટીમની દેખરેખ હેઠળ રહી શકે છે.
આજે એનેસ્થેસિયોલોજિસ્ટની ભૂમિકા ઓપરેશન થિયેટરથી પણ ઘણી આગળ વધી ગઈ છે. ગંભીર રીતે બીમાર દર્દીઓની સઘન સારવાર, અકસ્માતમાં ઘાયલ થયેલા દર્દીઓની તાત્કાલિક સંભાળ, પ્રસૂતિ દરમિયાન પીડાનું નિયંત્રણ અને લાંબા સમયથી પીડા સહન કરતા દર્દીઓની સારવારમાં પણ તેમની વિશેષ કુશળતા જરૂરી બને છે. ઘણી વખત દર્દીને જીવનરક્ષક સારવાર આપતી ટીમમાં એનેસ્થેસિયાના નિષ્ણાતો મહત્ત્વપૂર્ણ જવાબદારી સંભાળે છે. આધુનિક તબીબી વિજ્ઞાનમાં સર્જરી જેટલી જ મહત્ત્વપૂર્ણ બની છે દર્દીની સમગ્ર શારીરિક સ્થિતિને સ્થિર રાખવાની પ્રક્રિયા, અને આ ક્ષેત્રમાં એનેસ્થેસિયોલોજિસ્ટનું યોગદાન અનિવાર્ય છે.
આટલી વ્યાપક જવાબદારી હોવા છતાં એનેસ્થેસિયાના નિષ્ણાતોનું કામ ઘણી વાર પડદા પાછળ રહી જાય છે. દર્દી અને પરિવારજનોને સર્જનની કામગીરી દેખાય છે, પરંતુ દર્દીને સુરક્ષિત રીતે એનેસ્થેસિયા આપવાથી લઈને સર્જરી દરમિયાન તેની શારીરિક સ્થિતિ જાળવવા અને પછી તેને ભાનમાં લાવવા સુધીની પ્રક્રિયા ઘણી વખત તેમની નજરથી દૂર રહે છે. હકીકતમાં, સર્જનની કુશળતા અને એનેસ્થેસિયોલોજિસ્ટની સતત દેખરેખ વચ્ચેનું સંકલન જ જટિલ શસ્ત્રક્રિયાઓને સફળતાપૂર્વક પાર પાડવામાં મહત્ત્વપૂર્ણ બની શકે છે. કોઈ પણ એનેસ્થેસિયા સંપૂર્ણપણે જોખમમુક્ત નથી, પરંતુ દર્દીનું યોગ્ય મૂલ્યાંકન, તાલીમબદ્ધ નિષ્ણાતો, યોગ્ય સાધનો અને સતત દેખરેખ જોખમ ઘટાડવામાં મદદ કરે છે.
વિશ્વ એનેસ્થેસિયા દિવસ માત્ર એક ઐતિહાસિક શોધની ઉજવણી કરવાનો દિવસ નથી. તે એવા તબીબી નિષ્ણાતોના યોગદાનને યાદ કરવાનો પ્રસંગ છે, જેઓ દર્દીની પીડા ઘટાડવા અને તેની સુરક્ષા જાળવવા સતત કાર્યરત રહે છે. ઇથરની વરાળથી શરૂ થયેલી સફર આજે અદ્યતન દવાઓ, મોનિટરિંગ સાધનો અને ગંભીર દર્દીઓની સારવાર સુધી પહોંચી છે. આ પ્રગતિએ સર્જરીને વધુ વ્યવસ્થિત બનાવી છે અને અનેક જટિલ સારવારની શક્યતાઓ વિસ્તારી છે.
ઓપરેશન થિયેટરમાં દર્દી આંખો બંધ કરે છે, ત્યારે તેની સાથે પરિવારજનોની આશા અને પ્રાર્થના પણ જોડાયેલી હોય છે. સર્જન પોતાના કૌશલ્યથી શસ્ત્રક્રિયા કરે છે, જ્યારે એનેસ્થેસિયોલોજિસ્ટ દર્દીના શ્વાસથી લઈને હૃદયના ધબકારા સુધીની દરેક મહત્ત્વપૂર્ણ બાબત પર નજર રાખે છે. દર્દી ભાનમાં ન હોય, પરંતુ તેની સુરક્ષા માટે એક નિષ્ણાત સતત જાગૃત રહે છે. કદાચ એનેસ્થેસિયાના વિજ્ઞાનની સૌથી મોટી સિદ્ધિ આ જ છે- દર્દની પીડા ઘટાડવી, સર્જરીને શક્ય બનાવવી અને જીવનની સૌથી સંવેદનશીલ ક્ષણોમાં દર્દીની સુરક્ષાને પ્રાથમિકતા આપવી.