Shatdal

બ્રિટનનાં ચોરોની સાંકેતિક ભાષા

By GS Team
25 Aug 20264 mins read
બ્રિટનનાં ચોરોની સાંકેતિક ભાષા
  • હરતાં ફરતાં-વિક્રમ વકીલ

બ્રિટનમાં જિપ્સીઓની સંખ્યા ૫૦,૦૦૦ની છે અને મોટે ભાગે તેઓ ચોરીના ધંધા કરે છે. બ્રિટનના કૅન્ટ પ્રાંતની પોલીસે જિપ્સીની સંકેતની ભાષા પણ શોધી કાઢી છે. કોઈ પણ ઘરમાં ચોરી કરવા જતાં પહેલાં તે ઘરવાળાની પ્રથમ પૂરી તપાસ કરવામાં આવે છે. તે તપાસ કરનારા જિપ્સી નિષ્ણાતો ચોરી કરતા નથી. ચોરી કરવાનું કામ ચોરીના ઉસ્તાદોને સોંપાય છે. ચોરી માટે નિષ્ણાતોએ ઘર પર જે સંકેતવાળાં નિશાન મૂક્યાં હોય તે જોવા જેવાં છે. ગોળાકારમાં પાંચ મીડાં હોય તો એ ઘરમાં ખૂબ મલીદો છે તેમ સૂચવે છે. બે લંબચોરસ દોર્યા હોય તો ઘરનો માલિક બીકણ છે તેમ સૂચવે છે. પુસ્તક જેવું ચિત્ર ઘરની દીવાલ પર દોર્યું હોય તો તે ઘરની સ્ત્રી માયાળુ છે અને ચોરીને બદલે બીજી રીતે તેને ફસાવી શકાય છે તેમ સૂચવે છે. ઘર પર ચોકડી મારી હોય તો જલદીથી ચોરી કરવાનું સૂચવે છે. અંગ્રેજી અક્ષર 'ડી'ની અંદર ટપકું કર્યું હોય તો એ ઘરમાં ચોરી કરવાનું જોખમી છે તેમ સૂચવે છે. એક મોટું મીંડું કરીને તેના પર ચોકડી કરી હોય તો એ ઘરમાં ચોરી કરવા જેવું કંઈ નથી તેમ સૂચવે છે. ઘર ઉપર અડધા લંબચોરસમાં ત્રિકોણ હોય તો એ ઘરમાં એલાર્મ બેસાડેલા છે તેવી ચેતવણી મળે છે. એક બતક જેવું ચિત્ર દોર્યું હોય તો એ ઘરમાં તાજી ચોરી થયાનું સૂચવે છે.

પુસ્તકો - લેખકો વિશે અવનવું
કયા પુસ્તકનું સૌથી વધુ વેચાણ થયું છે? જવાબ : બાયબલને બાદ કરતાં બેન્જામિન સ્પોકનાં પુસ્તક 'પાકેટ બુક આફ બેબી ઍન્ડ ચાઇલ્ડ કેર'ની અત્યાર સુધીમાં ૨ કરોડ ૩૨ લાખ અને ૮૫,૦૦૦ નકલો વેચાઈ છે. ચોથો નંબર ધી ગીનેસ બુક આફ વર્લ્ડ રેકોર્ડનો આવે છે. તેની ૧ કરોડ ૬૪ લાખ અને ૫૭,૦૦૦ નકલો વેચાઈ છે. હૅરૉલ્ડ રોબિન્સની નવલકથા કેટલી વંચાઈ છે? જવાબ : હૅરૉલ્ડ રોબિન્સની વાર્તાની ૨૦ કરોડ નકલો વેચાઈ છે અને અલિસ્ટર મેક્લિનની ૧૫ કરોડ. જગતનો સૌથી મહેનતુ લેખક કોણ? જવાબ : સોળમી સદીનો સ્પેનિશ લેખક લોપ દે વેગા. તેણે ૨,૨૦૦ પુસ્તકો લખ્યાં છે. ઍલૅક્ઝાન્ડર ડુમાસે ૧,૫૦૦ ગ્રંથો લખ્યા છે. કઈ એક જ નવલકથાની સૌથી વધુ નકલો વેચાઈ છે? જવાબ : મેરીઓ પુઝોની 'ધી ગૉડ ફાધર'ની ૧ કરોડ ૨૧ લાખ ૪૦,૦૦૦ નકલો વેચાઈ છે. જગતમાં સૌથી વધુ અનુવાદો કયા લેખકોનાં થયાં છે? જવાબ : લેનિનનાં પુસ્તકોના ૪૬૮ ભાષામાં, વૉલ્ટ ડિઝનીના ૨૮૫ ભાષામાં, અગાથા ક્રિસ્ટીની વાર્તા ૧૮૫ ભાષામાં, જુલે વર્નનાં પુસ્તકોના ૧૭૨ ભાષામાં, કાર્લ માર્ક્સનાં પુસ્તકોના ૧૩૬ ભાષામાં અને બાર્બરા કાર્ટલન્ડની વાર્તાના ૧૩૫ ભાષામાં અનુવાદ થયાં છે.


મેદસ્વિતા અને કેન્સરને સંબંધ ખરો?
૩૦થી પણ વધારે વર્ષોથી સંશોધકોની માન્યતા હતી કે શારીરિક વજન અને કેન્સર એકબીજા સાથે સંકળાયેલા છે. હવે તેઓ આ કેવી રીતે સંકળાયેલા છે તે પુરાવાઓ સાથે રજૂ કરી રહ્યા છે. સંશોધકોનું કહેવું છે કે મનુષ્યના શરીરમાં રહેલો વધારાનો મેદ સુષુપ્તાવસ્થામાં પડી રહેતો નથી પરંતુ તે મનુષ્યની શારીરિક વ્યવસ્થામાં એવા ફેરફારો કરવામાં કાર્યશીલ થઈ જાય છે જેથી મનુષ્યશરીરમાં ખાસ પ્રકારનું કેન્સર વિકાસ પામે. નવું સંશોધન દર્શાવે છે કે મેદના કોષો આપણી રક્તવાહિનીમાં હોર્મોન્સ સહિત વૃદ્ધિ પામતા બીજાં તત્ત્વોનું પૃથક્કરણ કરવામાં કાર્યશીલ રહે છે. ત્યાર બાદ આ તત્ત્વો શરીરના બીજા ચપળ કોષોને ઝડપથી વૃદ્ધિ પામવાનો સંકેત આપે છે અને પછી સામાન્ય ગતિ કરતાં વધારે ઝડપથી વિભાજિત થઈ જાય છે. અટલે કે કોષોના નિયમનમાં પરિવર્તન આવે છે અને અસ્તવ્યસ્ત બનેલા કોષોમાં ઝડપથી કેન્સર વિકાસ પામવાની શક્યતા વધી જાય છે.


પિતાની ખાલ સાચવનાર પુત્ર!
ઓસ્ટ્રેલિયાના કાર્લ વ્હીટેકર નામના માણસે એક ખાલ મઢાવીને પોતાના ડાયનિંગ ટેબલ પર રાખી છે. અને એ ખાલ બીજા કોઈની નહીં, પણ પોતાના સગા પિતાની. કારણ એ જ કે કાર્લના પિતા બેરીના શરીર પર સાપ, ગરુડ, મોબાઇક જેવા આધુનિક છૂંદણાં હતાં અને તે કાયમ માટે જાળવી રાખવાની બેરીની અંતિમ ઇચ્છા હતી. બેરી મરણ પામ્યો. ઉત્તર ક્વીન્સલેન્ડમાં વસતો કાર્લ એક ચામડાની ટેનરીમાં ગયો. પિતાની ખાલ ઉતારાવી અને એ ટેનરીમાં તેને ટેન કરાવી. હવે એ છૂંદણાં એણે પ્રદર્શનમાં મૂક્યાં છે. કાર્લ કહે છે કે ડાઇનિંગ ટેબલ પર બેસે છે એવા જ કેટલાક મહેમાનો ડઘાઈ જાય છે. પણ વાસ્તવમાં મારા પિતા પ્રત્યેનો મારો આ આદર છે, પ્રેમ છે. કારણ કે મારો બાપ મારો સૌથી નજીકનો મિત્ર હતો.


પ્રાકૃત ભાષાના સૌથી વધુ જાણકારો પાટણમાં
જૈનોના મોટા ભાગના ગ્રંથો પ્રાકૃત ભાષામાં લખાયા છે. પ્રાકૃત ભાષા સંસ્કૃત ભાષાને મળતી આવે છે અને ગુજરાતમાં પ્રાકૃત ભાષાના સૌથી વધુ જાણકારો પાટણમાં છે. અમદાવાદ જેવા મોટા શહેર કરતાં પણ પાટણમાં પ્રાકૃત ભાષા શીખનારા વધુ છે, છતાં પ્રાકૃત ભાષા લઈને પોસ્ટ ગ્રેજ્યુઅટ થનારાઓની સંખ્યા ઘટતી જાય છે, કારણ કે નોકરી મેળવવા માટે તેની કોઈ કિંમત નથી. હવે ખાસ કરીને જૈન છોકરીઓ જ પ્રાકૃત ભાષા શીખે છે. પ્રાકૃત ભાષા ધર્મના ગ્રંથો સમજવામાં ઉપયોગી છે.