સ્વાર્થ વગર અપાયેલું દાન તે જ શ્રેષ્ઠ દાન!

- ગુફતેગો- ડો.ચંદ્રકાન્ત મહેતા
- ઈશ્વર તો સમદર્શી છે તેને મન અમીર-ગરીબનો કે દાતા-અદાતાનો ભેદ નથી. એ તો ભાવનો ભૂખ્યો છે. તેની કૃપા તો સૌ પર સરખી જ વરસતી રહે છે.
પ્રશ્ન : શું દાન કરવાથી ઈશ્વરકૃપા મળી શકે ?
પ્રશ્નકર્તા : રક્ષિત શાહ, ૪, નમ્રતા એપાર્ટમેન્ટ રમણનગર, મણિનગર, અમદાવાદ.
પ્રશ્નકર્તાએ કોઈ મંદિરમાં વાંચેલું કે 'યથાશક્તિ દાન આપીને પ્રભુનો રાજીપો મેળવો.' તેથી તેમના મનમાં પ્રશ્ન થયો કે શું દાન કરવા સક્ષમ હોય તે જ પ્રભુનો પ્યારો હોઇ શકે ?
ગીતામાં કૃષ્ણે 'તું મારો થા' એમ કહ્યું છે પણ 'દાન આપીને મારી કૃપા મેળવ' એવું નથી કહ્યું. દાન એટલે નજરાણુ, દાન એટલે બક્ષિસ, ધર્મબુધ્ધિથી પુણ્યાર્થે કોઈ વ્યકિતને અથવા ગરીબને આપી દેવું તે દાન, મંદિરમાં દાન પેટીમાં નાખેલું દ્રવ્ય - એ દાન. આમ તો દાન શબ્દના પંદરેક અર્થો થાય છે પણ આપણે અહીં મંદિરમાં કે કોઈ જરૂરિયાતમંદને, કે કોઈ સંસ્થા કે ટ્રસ્ટમાં આપેલા દાન વિષે ચર્ચા કરીશું.
ભગવત્ગોમંડલમાં દાનની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે. તેમાં મુખ્ય વાત કરવામાં આવી છે કે ન્યાયપૂર્વક પોતાને પ્રાપ્ત થયેલી વસ્તુ બીજાને અર્પણ કરવી તે. અહીં 'ન્યાયપૂર્વક' શબ્દ મહત્વનો છે. મતલબ કે પરસેવો પાડીને શુધ્ધ માર્ગે કમાએલું ધન. કોઈપણ વસ્તુ પરનો પોતાનો અધિકાર ઉઠાવી બીજાનો હક ઉત્પન્ન કરવો તે દાન. પોતાનું કર્તવ્ય સમજીને દેશ કાળ અને પાત્રનો વિચાર કરીને નિષ્કામ ભાવે અન્ન, વિદ્યા, વસ્ત્ર, દવા, રક્ત અને શરીરનો કોઇપણ ભાગ આપવો તે જ ખરું દાન છે.
ભગવતગીતામાં સાત્વિક, રાજસી અને તામસી એમ ત્રણ પ્રકારના દાનનો ઉલ્લેખ છે. આ ત્રણેમાં સાત્વિક દાન અતિ ઉત્તમ ગણાય છે. દાનના સામાન્ય પ્રકારોમાં જ્ઞાનદાન, વિદ્યાદાન, બ્રહ્મદાન, સદાચાર દાન, કીર્તિદાન, ધર્મદાન, અહિંસાદાન, ઉપદેશદાન, ધનદાન, ભૂમિદાન, મંદિરદાન, પ્રાણદાન, વિવાહ દાન અને અભયદાન વગેરેનો સમાવેશ થાય છે.
શાસ્ત્રોમાં સૌથી વધુ ભાર દાન કરવાની પાત્રતા ઉપર મૂકવામાં આવ્યો છે. જે ધન બીજાને પીડા કરીને પ્રાપ્ત કરવામાં ન આવેલું હોય તે જ દાનપાત્ર. વળી જે દાન લેવાને યોગ્ય હોય છતાં પણ દાન ન લે તે સ્વર્ગનાં અધિકારી બની શકે છે, તેમ કહેવાયુ છે.
દાન સાથે દાનત શબ્દ પણ સમજી લેવા જેવો છે. દાનત શબ્દ ફારસીના 'દિયાનત' શબ્દ પરથી બનેલો છે. જેનો અર્થ થાય છે - અંત:કરણની છૂપી સ્વાર્થ વૃત્તિ. પોતાને માટે લેવા કે ખાવાની મનમાં ઈચ્છા, મનનું વલણ, વૃત્તિ કે અંતરનો ભાવ અને મનની લાગણી. શુધ્ધ દાનતથી એટલે કે કોઈપણ પ્રકારની ગણતરી કે સ્વાર્થ વગર અપાયેલું દાન તે જ શ્રેષ્ઠ દાન ! 'જેવી દાનત તેવી બરકતમાં પણ આ જ ભાવ
સમાયેલો છે. જવી સારી માઠી ચિત્તવૃત્તિ હોય તેવા જ લાભાલાભ થાય, મતલબ કે 'કરે તેવું પામે'. દાનમાં દાનદ્રષ્ટિ એટલે કે જેને દાન આપવામાં આવે છે તેના તરફની વૃત્તિનું પણ મહત્વ છે. દાનધર્મ એટલે પર હિતાર્થે પોતાની વસ્તુનો ત્યાગ. જૈનધર્મમાં દાનના અંતરાયો એટલે કે વિઘ્નોની ચર્ચા પણ જોવા મળે છે.
મંદિરો, દેવસ્થાનો, કલાકેન્દ્રો, હોસ્પિટલો વગેરે ઠેકાણે લોકો દાન આપે છે. આવા દાનો સાથે શરત કે દાનના નિયમો જોડાય ત્યારે તેનું મહત્વ ઘટી જાય છે. દાન સાધન નથી, સાધ્ય છે એટલે કે સમાજ તેમ જ ભગવાનના ઉપકારોનો બદલો વાળી આપવાનો નિષ્કામભાવે પ્રયત્ન છે. મંદિરો, દેવાલયો અથવા આશ્રમોને દાન આપતાં પહેલાં માણસે વિવેકદ્રષ્ટિ વાપરવી જોઈએ. સત્પ્રવૃત્તિ માટે જ દાનનો ઉપયોગ થશે અને ધાર્મિક સ્થળના અધિષ્ઠાતાઓ કે સેવાભાવી સંસ્થાઓના સંચાલકો દાનનો ઉપયોગ પોતીકાંઓ માટે કરશે નહીં, અંગત સુવિધાઓ કે ભોગવિલાસ માટે કરશે નહીં. એની ખાતરી કર્યા બાદ જ દાન આપવું જોઈએ. દાન લેનાર પરોપકાર વૃત્તિને વરેલો હોય તે જરૂરી છે.
ભર્તૃહરિએ કહ્યું છે તેમ દાન, ભોગ અને વિનાશ - આ ત્રણ ગતિઓ ધનની છે જે આપતો પણ નથી અને પોતાનું ધન અંગત સુખ માટે વાપરતો પણ નથી એની ત્રીજી ગતિ એટલે કે નાશ થાય છે. પરોપકારથી પુણ્ય મળે, પણ દાન આપીને તમે પરોપકારી ન બની શકો, તો ઈશ્વરકૃપા ન મળે.
- એવો તર્ક બેબુનિયાદ છે. ઈશ્વર તો સમદર્શી છે, તેને મન અમીર-ગરીબનો કે દાતા અને અ-દાતાનો ભેદ નથી. એ ભાવનો ભૂખ્યો છે એટલે કે શુધ્ધ અંત:કરણથી તમે તુલસીપત્ર અર્પો કે લાખ્ખોનું દાન કરો એ બન્ને વસ્તુનો ભેદ ઈશ્વર જોતો નથી. એટલે દાન ન કરનાર તરફ નારાજગી દાખવે એવી ક્ષુદ્રતા ભગવાન ધરાવતો હોય તો એ ભગવાન શાનો ?
ઈશ્વરનો સ્વભાવ માતા જેવો છે. જેમ બાળક પાસે માતા બદલાની અપેક્ષા રાખ્યા સિવાય બાળકને વાત્સલ્યનો અધિકારી માને છે. તેમ ઈશ્વર પણ ભલાભૂંડાનો ભેદ રાખ્યા સિવાય સહુ તરફ સદ્ભાવ રાખે છે. એટલે રાજીપો રાખવા માટે એણે નિયમો બનાવ્યા નથી. દેવસ્થાનોમાં દાનના પ્રોત્સાહન માટે લખાતાં વાક્યો માણસને દાન આપવા પ્રેરણારૂપ છે. તેનું અક્ષરશ: પાલન ન કરવાથી ઈશ્વર કોપાયમાન થશે, એવું નથી.
માણસને ડરાવીને કે પ્રલોભનથી ધર્મ તરફ વાળવાના પ્રયત્નો ધર્મસ્થાનો કરે છે. પણ એવા પ્રયત્નો ઈશ્વરને મંજૂર નથી. ઈશ્વરને મન દાન એ સમાજધર્મની અદાયગી છે, સૃષ્ટિને માણસે સુંદર અને સુખી બનાવવાની વૃત્તિનો એક ભાવ છે એવા સત્કાર્યને સ્વર્ગપ્રાપ્તિ કે ઈશ્વરના રાજીપા સાથે જોડીને વિચારવું, માનવું કે મનાવવું એ ઈશ્વરની પવિત્ર ભાવનાનું
અપમાન છે.
ઈશ્વર તો સદાય રાજી જ રહે છે, તમે એને રાજી રાખો એવું સંતાન બની શકો છો ખરા ? દાન આત્માનંદ માટે હોવું જોઇએ, પરલોક સુધારવાના સ્વાર્થ માટે નહિ, અહંકાર-પ્રદર્શન માટે પણ નહીં.
ઈશ્વર સત્કાર્યથી અને ધર્માચરણથી પ્રસન્ન થાય છે એટલે પવિત્ર જીવન જીવવું એ પણ એકપ્રકારનું જીવનદેવતાને દાન જ છે. કબીરે કહ્યું છે તેમ 'જીવનની ચાદરને ડાઘ વગરની રાખી ઈશ્વરને અર્પણ કરવી' એનાથી મોટો કોઈ ધર્મ નથી. એટલે ગુપ્તદાન દ્વારા આત્મસંતોષ મેળવવો એ જ દાનનો મહાન ઉદ્દેશ હોવો જોઈએ.
આજે સાચા દાનીઓ દુર્લભ છે. સેંકડોમાં એકાદ શૂરવીર સાંપડે, હજારોમાં એકાદ પંડિત સાંપડે, દસહજારમાં એકાદ વક્તા મળે પણ દાતા તો મળે પણ ખરો કે ન પણ મળે.
અથર્વવેદ કહે છે સેંકડો હાથથી એકત્ર કરો અને હજારો હાથથી દાન કરો. પણ એનો અર્થ એવો નથી કે પોતાને ન પોસાતું હોય છતાં દાન કરવું. ઉચ્ચ મધ્યમ વર્ગ કે અમીરોને આવકના દસમા ભાગનું શું વીસમા ભાગનું દાન કરવાનું પોસાય.
પણ જેઓ પરસેવો પાડીને પેટિયું રળવા મજૂરી કરે છે તેઓનો એક રૂપિયો દાન હજારોના દાન બરાબર ગણી શકાય. મતલબ કે ઘર બાળીને તીરથ ન કરાય. દાનમાં અહંકારને તો લેશમાત્ર સ્થાન નથી.
ઘણાં લોકો જુદા-જુદા હેતુસર દાન કરતાં હોય છે. કીર્તિ માટે, પ્રતિષ્ઠા માટે, સ્વાર્થ માટે, ભવિષ્યની કોઇ ગણતરી માટે, મોટી કંપનીઓ કે રાજકીય પક્ષોને જરૂર પડે ત્યારે ખપ લાગે એ હેતુથી પણ દાન કરતાં હોય છે. આ દાન સાચા અને નિ:સ્વાર્થ દાનની કોટિમાં ન આવે.
દાન ઉત્તમ ધર્મ છે પણ ગરીબો પોતાની ગરીબી વધારી દાન કરે તે સલાહભર્યું નથી. ઈશ્વર તો પરસેવાની કમાણીમાંથી દાન કરેલા એક રૂપિયાથી પણ રાજી રાજી થઇ જાય છે.




