પીડાદાયી ગાંઠની સુંદરતા!

- ઝાકળ બન્યું મોતી-કુમારપાળ દેસાઈ
ક રોડોમાં એક વ્યક્તિને થાય એવી ગંભીર પણ અતિ વિચિત્ર બમારી એક વ્યક્તિને લાગુ પડી. લાંબી તપાસને અંતે માલૂમ પડયું કે આ વ્યક્તિના શરીરમાં એક ગાંઠ થઇ છે અને એ ગાંઠને કારણે એ અકથ્ય વેદના અને અપાર મુશ્કેલીઓ સહન કરે છે. ગાંઠનું તાત્કાલિક ઑપરેશન કરાવવું જરૂરી હતું. ઘરનાં સૌ સ્વજનો ભેગાં થયાં. એમણે તપાસ કરી કે સમગ્ર બ્રિટનમાં આનું ઑપરેશન કરી શકે તેવો નિષ્ણાત સર્જન કોણ છે ? તપાસ કરતાં અનુભવીઓએ કહ્યું કે લંડનના કેનેથ વૉકરથી ચડિયાતો બીજો કોઈ સર્જન નથી. ડૉ. કેનેથ વૉકરની મુલાકાતનો સમય લેવામાં આવ્યો અને દર્દીને ઑપરેશન માટે હૉસ્પિટલમાં લાવવામાં આવ્યો.
સર્જન કેનેથ વૉકર પણ આ ઑપરેશન માટે ખૂબ ગંભીર અને સજાગ હતા. આજ સુધી એમણે અનેક ઑપરેશનો કર્યાં હતાં, પણ કરોડોમાં એકને થતી આવી ગાંઠનું ઑપરેશન કર્યું નહોતું. દર્દીનાં સગાં ઉદાસ હતાં અને નિકટનાં સ્વજનો રડી રહ્યા હતા, ત્યારે કેનેથ વૉકર આવા વિશિષ્ટ ઑપરેશનને માટે રોમાંચિત હતા. આ એક એવી સુવર્ણ તક હતી કે જેમાંથી એ જગતને એક નવી શોધ આપી શકે. આવું ઑપરેશન કરવાનું ભાગ્ય પણ ક્યાંથી મળે ?
દર્દીને ઑપરેશન થિયેટરમાં લઇ જવાયો. ડૉ. કેનેથ વૉકર માટે વ્યવસાયી જીવનની સુવર્ણ તક બારણે ટકોરા મારતી હતી. અત્યંત તકેદારી, ઝીણવટ અને જિજ્ઞાસા સાથે વૉકર ઑપરેશન કરતા હતા. એ ગાંઠને જાણે કોઈ શિલ્પી પથ્થરમાં કમનીય મૂર્તિ કોતરતો હોય એ રીતે સંભાળ અને ચીવટથી કાઢવા લાગ્યા. કેટલાય કલાકો સુધી આ ઑપરેશન ચાલ્યું. આખરે ગાંઠ છૂટી પડી. એને જોઇને ડૉ. કેનેથ વૉકર બોલી ઊઠયા,
''ઓહ ! આજ સુધીમાં કદી આવી ગાંઠ જોઈ નથી. કેટલી સુંદર છે !''
જીવલેણ ગાંઠની સુંદરતા ડૉક્ટરને આકર્ષે છે.
જે ગાંઠ દર્દીને પારાવાર પીડાકારક લાગતી હતી અને જે ગાંઠમાં દર્દીને મૃત્યુની ભયાનકતા દેખાતી હતી, એમાં ડૉક્ટરને સુંદરતા દેખાય છે.
આનો અર્થ જ એ કે જગત તો એનું એ જ છે, પણ માનવી કઇ દ્રષ્ટિથી એને જુએ છે એના પર આનંદ કે વિષાદનો આધાર છે. આથી માનવી જેને આનંદપ્રદ કે વિષાદજનક કહે છે, તેવું કશું નથી. એમાં ઉલ્લાસ કે વ્યથાના રંગો પૂરનાર તો માનવદ્રષ્ટિ છે.




