Shatdal

મહામાયા લગાડે મહામંદિરનું સ્થાપત્ય

By GS Team
13 Oct 20265 mins read
મહામાયા લગાડે મહામંદિરનું સ્થાપત્ય
  • રસવલ્લરી-સુધા ભટ્ટ

અહીં છત્રીનો ઉચ્ચાર 'છતરી' છે જે એક સ્થાપત્ય છે
જ્યારે જ્યારે ભારત દેશના ભવ્ય ભૂતકાળને વાગોળીએ ત્યારે ત્યારે એ સમયના સમાજ સમસ્તની સમજ ઉપર આપણને માન થઈ જાય. રાજનીતિના અનુસંધાને રાજાશાહી યાદ આવે. ઈતિહાસમાં સંગ્રહાયેલી ઘટનાઓ, એ સમયની મુશ્કેલીઓ અને મહાજનોની દીર્ઘદ્રષ્ટિને કારણે મળેલા ઉકેલોને જો આજે તપાસીએ તો આ સાંપ્રત સમયની ટેકનોલોજી વામણી લાગે. રાજા-મહારાજાઓ ન માત્ર શાસન કરતાં, પરંતુ જનહિત અને રૈયતના સુખદુ:ખની તેઓ પરવા કરતા અને જનતાના પિતા તરીકેનું વાત્સલ્યપૂર્ણ પાત્ર તેઓ ભજવતા. હા, શાસકોની માંહોમાહ્યની સ્પર્ધાઓને કારણે ઊભી થતી વિસંગતતાઓને કારણે રાજકારણ ખળભળી ઉઠતું એમાં કોઈ બેમત નથી પણ રાજાઓ-મહારાજાઓની છાપ સમગ્ર રીતે જોઈએ તો તેઓ પ્રજાવત્સલ રહેતા અને સૌના શ્રેય સારુ શક્ય એટલું બધું જ કરી જતાં. એમાં વિવિધ કળાઓ પ્રત્યેના એમના અભિગમની નોંધ લેવી પડે. જનમાનસને અનુકૂળ વિવિધ ધર્મોને તેઓ સાચવી લેતા અને એને અનુરૂપ સ્થાપત્યો, શિલ્પો, ચિત્રો, છતરીઓ, સંગીત અને અન્ય લોકકળાઓને તેઓ પ્રોત્સાહન આપતા. એક સમયે ધાર્મિક સ્થળો માત્ર શ્રધ્ધાસ્થાન જ ન રહેતાં એક મિલન સ્થળ બની રહેતાં. ઉત્સવોના મંચનું રૂપ ધારણ કરી લેતા અને તીર્થયાત્રા મસે નાગરિકો પણ ખાસ્સું અટન કરતા. આ મુદ્દે રાજસ્થાન પ્રથમ ક્રમાંક મેળવી જાય એટલાં પર્યટન સ્થળોનાં નિર્માણ ત્યાં થતાં આવે છે. વર્તમાન સમયમાં પણ ભારતની સંસ્કૃતિના વારસા - તેની પરંપરાના તેઓ ચાહક છે અને કળાની જાળવણીમાં એમની કોઈ જોડ નથી.
જલંધરનાથજી મંદિર - મહામંદિર અને અસંખ્ય છતરીઓ
'સૂર્યનગરી' અને 'બ્લ્યૂસિટી' તરીકે જાણીતા જોધપુર શહેરનો માન-મરતબો હજુય બરકરાર છે. તેના કિલ્લાઓ, મહેલો, મંદિરો અને છતરીઓ ભલે સેંકડો વર્ષો પહેલાં બન્યાં પણ આજેય એના માન-સન્માન તાજા રહ્યાં છે. નગરથી માત્ર બે કિ.મી.ના અંતરે, મંડોરબાગ જવાના રસ્તે અહીં એક અદ્ભુત - અદ્વિતીય મંદિર છે જેના નામમાં જ જાણે કે જોધપુરના જાદુ જેવી વિશેષતા છે તે છે જલંધરનાથજી મંદિર - મહામંદિર ! અલબત્ત, ધીરે ધીરે માત્ર 'મહામંદિર' તરીકે પ્રસિદ્ધ થયેલા આ મંદિરમાં ભૂતકાળમાં પંજાબના જલંધરના મહારાજા માનસિંહ સારો એવો સમય રોકાયેલા. દરમ્યાન તેઓ અંગ્રેજો સામે પડેલા. તેમણે મુસીબતમાં ફસાયેલા લોકોને આ સ્થળે શરણ આપ્યાં. ક્ષત્રિય બનીને એમની રક્ષા કરી. સૌના આતિથ્ય સત્કાર કર્યા અને મંદિર પરિસરમાં છતરીઓ બંધાવવામાં પણ સહકાર આપ્યો, તેથી વિશાળ એવા આ મંદિરના 'મહામંદિર' નામ સાથે એમનું નામ જોડાયું. પ્રસ્તુત મંદિર તીર્થયાત્રીઓનું પ્રિય થાણું છે કારણકે અહીં આંતર ચેતનાના તરંગોનો અદ્વિતીય અનુભવ થાય છે, હકારાત્મકતા જાગે છે. મંદિરનું 'મનમોહન' સ્વરૂપ રસિકોને આકર્ષે છે. ૧૮૧૨માં મહારાજા શિવસિંહે બંધાવેલા આ મંદિરની સંરચના પૂર્ણ થતાં દસ વર્ષોનો સમય લાગેલો. લાલાશ પડતા ગુલાબી ઝાંયવાળા રેતિયા પથ્થરના આ શ્રી સ્થળમાં પારંપરિક શિવ મહાત્મ્ય ગૂંજે છે. કાળા પથ્થરની બનેલી શિવજીની વિશાળ મૂર્તિ શિલ્પ સ્થાપત્ય વિશ્વમાં નામના ધરાવે છે. એની ભવ્યતાનો કોઈ પાર નથી. નાગરિકોને મળેલી આ ઉત્તમ ભેટ ઓચ્છવનું મુખ્ય કેન્દ્ર છે. અતિ આકર્ષક એવી આ ભૂમિ પર બે રાજ્યોનો પ્રભાવ અને પ્રતાપ છે અને હા… મંદિર રચનાનો ખર્ચ હતો - ૨૫ લાખ રૂપિયા !
મંદિર સ્થાપત્યના અંગો ઉપર અલંકારો
અતિ વિશાળ એવા આ સંકુલમાં મુખ્ય મંદિર, અન્ય નાનાં મંદિરો અને બેશુમાર છતરીઓનું સામ્રાજય છે. અહીં પ્રાંગણમાં યોગ, ધાર્મિક વિધિઓ અને કાર્યક્રમોનાં આયોજનો થાય છે. અનેકવાર જિર્ણોદ્ધાર ઉપર પણ ધ્યાન દેવાયું છે. ભાવિકો દેશભરમાંથી અહીં ઉમટી પડે છે. મુખ્ય મંદિરનું પ્રવેશદ્વાર અનૂઠું છે. બે ચોરસ સ્તંભો ઉપરનાં સામસામાં મદલો એક મેકને આંબીને રચે છે રૂડી ભાત-અસ્સલ તોરણ જોઈ લો ! આરંભે જ અહીં મંદિરનો શુભ અંશ ઊભો હોય એવું લાગે ! ભીતર પ્રવેશે વિશાળ પરસાળે ડગ માંડતાં પહેલાં અગાશીએ નજર જાય. કઠેડા કને નાનનાના ગુંબજો કળશ ધારણ કરીને ગુંબજ સાંકળ બનાવે. ઉપર વળી અલંકૃત સૌથી મોટો ગુંબજ શિરે કળશ ધારણ કરીને શોભે. હા, એની ઉપરને પગથિયે મુખ્ય શિખર નાગર શૈલીનું ભાસે. તેને પણ નાના ગુંબજોએ બથ ભરી છે. વળી મંદિરમાં મહામંદિરનો નઝારો નજરે ચડે અને અસંખ્ય સ્તંભોની હારો ઉપર ગોળ મદલો બન્ને બાજુએ ઝૂકતા લાગે. તેથી પ્રવેશ દ્વારો ગૉથિક શૈલીના લાગે. એ કલાકૃતિઓસમ દ્વારો મંડપ અને ગર્ભગૃહ તરફ દોરી જાય ઉત્સુકોને. ચોર્યાસી સ્તંભોને જરા 'ઝુમ' કરીને જોઈએ ? અરે ! એ જ આપણને 'હાઉક' કરીને ગળે વળગાડે ! ચોરસ કુંભી ઉપર કમળ પાંખડી- નીચે તરફ અને ઉપર તરફ ખીલી છે ! સામસામા સ્તંભો એકમેક સાથે ગોળ કમાનોથી સંકળાયેલા છે, ગોળ સ્તંભો ઉપર તરફ પાતળા થતા જાય અને ઊભી ઉપસેલી રેખાઓ પડઘી પાડે - ખાંચેદાર બનાવે. સ્તંભો ઉપર પ્લાસ્ટર છે જેના 'ફિનિશિંગ' ને કારણે આરસપહાણ જેવું કંઈક લાગે. અરે ! એની ઉપર તો કોડી, શંખ અને ચૂનાનો લેપ છે. ગર્ભગૃહ દ્વાર નકશીદાર અને જાળીદાર અને બારસાખ અલંકૃત ! દીવાલો સ્તંભોની જેમ નકશી-કોતરણીને શોભાવે. ફૂલચક્ર, વેલ, ફૂલલકીર, કિનારીઓ સાચવે ને પુષ્પપમરાટ ફેલાવે. ભગવાન અને કલાકાર સૌને નમન !
લસરકો :
પવિત્ર બ્રહ્માંડને અકલ્પ્ય રીતે મનમાં જોડે એવા શિલ્પોમાં જામી ગયેલી યોગ મુદ્રાઓની ભવ્યતાની ભીતર શ્વસે છે એક અમાપ ઊંડાણ !!

  • સુધા ભટ્ટ

કળા, વીરગાથા અને આધ્યાત્મિકતાનો સુભગ સુમેળ

મંદિરની અંદર ભીંતો ઉપર યોગના ચોર્યાસી આસનોનાં ચિત્રો છે. દરેક આસનના નામ સાથે દેવીદેવતાઓનાં ચિત્રો અને સંગીતકારો તથા પૌરાણિક પાત્રોનાં ફ્રેસ્કો (રંગ અને જડતરવાળાં) ચિત્રો ભવ્ય આભા ઊભી કરે છે. દીવાલો ઉપર ઉત્કીર્ણ ચિત્રો યોગાચાર્યોને પણ માન અપાવે છે. આ એક માત્ર મંદિર અહીં એવું છે જેમાં મારવાડની કળા શ્વસે છે અને હૃદયસ્થ થઈ જાય છે. અંદર કમાનો સાથે ઊભેલી ભીંતો આ વિરાસતને શોભાવે છે. લાલ પથ્થર ઉપરનું કોતરકામ કલ્પનાતીત છે. ઝળહળતા એ રેતિયા પથ્થરની એ કમાલ છે. આ સ્થાપત્ય રત્ન દિવ્ય પ્રેરણા પ્રસરાવે છે. નખશિખ કલાત્મકતાએ સર્જનને ખોળે લીધું છે. અહીં મંત્રોચ્ચાર, વિધિપૂર્વકનાં બોલ, ઘંટના રણકાર અને દૈવી સંગીતનો ચમત્કાર છે. કલા, ધર્મ, શ્રધ્ધા અને સમર્પણનું આ રજવાડી પોત છે. જે ચળકે છે. આ મહામંદિર અને અન્ય દેવી- દેવતાનાં નાનાં મંદિરોની જુગતે જોડી છે પેલી છતરીઓ - જે પરિસરની શાન છે. નવયુગના 'ગઝીબો' જેવું આ સ્થાપત્ય અનેરું છે - જેના આત્મામાં વસે છે રાજાઓની અને યોધ્ધાઓની વીરતા ! અનેક કલાત્મક અંશો ધારણ કરી આ સંરચનાઓ રસિકોને આહ્વાન કરે છે. ઊંચું સ્તંભિત મુખ્ય પ્રવેશદ્વાર અન્ય કૃતિઓ કરતાં અલગ લાગે. કમાનો, ગુંબજ અને ચોરસ સ્તંભો તેની શાન છે. નકશી- કોતરણી, ભૌમિતિક ભાત અને ઢળતી કમળ પાંદડી જેવી પેરાફેટ સાદી છતરીઓને જાણે કે આલિંગન આપે છે. અપાર વૈવિધ્ય સાથેની આ ગોષ્ઠી માણવા જેવી ખરી હોંકે !