ટેરાકોટા ઘરેણાં ડીઝાઈનર સ્મૃતિ

- વામા-વિશ્વ- અનુરાધા દેરાસરી
- બાળકોને નાનપણથી સાંસ્કૃતિક પરંપરાના સંસ્કાર આપવામાં આવે તો જરૂર તેના અંકુર વયસ્ક થતા ફૂટે છે.
ટેરાકોટા બનાવટની જ્વેલરી એટલે લાલ રંગની ચીકણી, ગ્લેસવાળી માટીમાંથી બનતા ઘરેણાં. હડપ્પા અને મોહેજો ડેરોની સંસ્કૃતિના અવશેષોમાં આ માટીના ટેરાકોટા પ્રકારના ઘરેણા મળી આવ્યા છે. વચ્ચેના સમયમાં, આ પ્રકારની ફેશન ઓછી થઇ ગઈ હતી. હવે, આધુનીકતાના પવને પાછી ખાસ કરીને યુવતીઓમાં અને પીઢ મહિલાઓમાં આ ફેશન પ્રચલિત કરી છે. તામિલનાડુની એસ.સ્મૃતિએ નાની ઉંમરે ટેરાકોટા જ્વેલરી બનાવવાનું બીજ રોપ્યું, તે આજે 'શિખા ક્રીએશન'ના બ્રાન્ડિંગ નામ હેઠળ વટવૃક્ષ બની ચૂક્યું છે. ખાસ કરીને યુએસએ, જર્મની, મલેશીયા, સ્વીત્ઝર્લેન્ડ જેવા વિદેશના દેશોમાં તેની વધારે માંગ છે.
સ્મૃતિની જીવનસફર ખાસ એ વાત પર પણ ફોકસ કરે છે કે ઘરમાં આધુનીકતા સાથે બાળકને પરંપરાના સંસ્કારભર્યું વાતાવરણ આપવામાં આવે તો, બાળકમાં પરંપરાના સંસ્કારો જરૂર રોપાય છે. એસ. સ્મૃતિના શબ્દોમાં જ જોઇએ, 'અમારા ઘરમાં રીવાજ હતો કે કોઈપણ પ્રસંગ, જન્મદીન વગેરે હોય તો બજારમાંથી મોંઘી ગીફ્ટો લાવવાની નહીં. પરંતુ જાતે વસ્તુઓમાંથી અને પોતાની સર્જનાત્મકતાથી બનાવેલી ગીફ્ટો જ અપાતી. હું ચોથા ધોરણમાં હતી ત્યારથી બજારમાંથી ગ્લેસપેપર, મીરર વગેરે લાવી ભેટો કલાત્મક રીતે બનાવતી. આ રીતે ભારતીય કલાના બીજ મારામાં રોપાયા, અને મને પરંપરાગત આર્ટ તરફ મને આકર્ષણ થયું. થોડી સમજણી થતા દરેક વેકેશનમાં હું જુદી જુદી કલાના ક્લાસ ભરતી.'
મેં નવમાં ધોરણનાં વેકેશનમાં ટેરાકોટા જ્વેલરી બનાવવાના બે દિવસ વર્કશોપના ક્લાસ ભર્યા અને મને ઘેર આ ટેરાકોટા જ્વેલરી બનાવવાનો શોખ જાગ્યો. મેં નાના પેન્ડન્ટ, વગેરે બનાવ્યા અને સુંદર ઘરેણા બનતા, મેં ટેરાકોટા ડીઝાઈનર તરીકે ઇનટરપ્રીનર બનવાનું નક્કી કર્યું, ટેરાકેરા જ્વેલરી મારા શોખમાંથી મારી પેશન બની, ગઇ આ રીતે સ્મૃતિની ટેરાકોટા જ્વેલરીની શરૂઆત થઈ.
પરંતુ એ સમયે સ્મૃતિની ઉપર ૧૫ વર્ષની જ હતી. ઘરમાં પિતા પ્રોફેસર હતા અને માતા પણ સ્નાતક હતી. આથી શિક્ષણ એ જ જીવનનો અંતિમ ગોલ અને વાતાવરણ હતું. આથી સ્મૃતિના પિતાજીએ દલીલો કરી કે ભણવું તો પડેજ, છોકરીઓ ઇન્ટરપ્રીનર કેવી રીતે બની શકે. તું જો ટેરાકોટા જ્વેલરીની ડિઝાઈનર બની જાય તો ભણવામાં ધ્યાન ના રહે, ૧૦મું ને ૧૨મું ધોરણ તો ખૂબ અગત્યના વર્ષો છે વગેરે વગેરે.
સ્મૃતિએ ૧૨ ધોરણ સુધી સારો અભ્યાસ કર્યો, અને સ્નાતક અભ્યાસમાં ફેશન ડીઝાઈનનો કોર્સ લીધો. હવે તેની પેશનની પાંખો થોડી ખુલી હતી.
સવારે કોલેજ જઈ, બપોરે ઘેર આવી તે પોતાની ટેરાકોટા ડીઝાઈનીંગના ઘરેણા બનાવવાની પેશન પૂરી કરી સ્ટોર્સમાં પોતાની ટેરાકોટા જ્વેલરી બનાવી અને વેચવા માટે મૂકવાનો વિચાર દર્શાવ્યો. શરૂઆતમાં દુકાનદારે ખૂબ દલીલો કરી પરંતુ અંતે સ્મૃતિએ દુકાનદારને સમંત કર્યા ્ને તેની ટેરાકોટા જ્વેલરી વેચવા મૂકાઈ જેમાં પેન્ડન્ટ, યરીંગ્સ, ફ્રીજમેગ્નેટ પેડ જેવી નાની વસ્તુઓ હતી.
શરૂઆતમાં રીસપોન્સ નકારાત્મક હતો. માંડ માંડ રૂ. ૫૦નો માલ વેચાયો. સ્મૃતિ નિરાશ ના થઈ. તેની માતાએ તેને હિંમત અને પ્રેરણા પૂરા પાડયા. તેમાંથી તેણે નાના ટેરાકોટાના ઘરેણા બનાવ્યા. થોડા સમય પછી બાજુના વિસ્તારમાંથી એક લગ્નમાં ટેરાકોટા ડીઝાઈનીંગ ઘરેણા માટે ઓર્ડર મળ્યો. આ ઓર્ડર ખૂબ સરસ રીતે ઉત્તમ ફીનીશીંગ સાથે સ્મૃતિએ પૂરો કર્યો.
સ્મૃતિના કાકા વ્યાપારી છે, તેમણે તેને માર્કેટીંગની વ્યૂહરચના શીખવી. સ્મૃતિને લાગ્યું કે તેણે તેના ડીઝાઈનીંગનો પ્રચાર કરવો પડે, આથી ઇનસ્ટાગ્રામપેજ (સોશીયલ મીડીયા) શરૂ કર્યું અને તેની પ્રોડક્ટસને 'શિખા ક્રીએશન' નામ આપ્યું.
ટેરાકોટા ડીઝાઈનીંગના ઘરેણામાં સૌ પ્રથમ લાલ માટીને (ક્લેને) તેના મોલ્ડસમાં મૂકવામાં આવે છે. પછી બે થી ત્રણ દિવસ સૂકાવવા દેવાય છે. પછી તેને તપાવવામાં આવે છે. જેથી પારખી શકાય કે તે તૂટશે નહિ, લાંબુ ટકશે, વોટરપ્રુફ છે કે નહિ તપાવ્યા પછી ઠંડી પડતા, તેના પર કુંદનસ્ટોન, જડતરપીસ વગેરે ચોડી અને તેને પેન્ટકરવામાં આવે છે, જે રંગ કરવો હોય તેના દ્વારા. આમ ટેરાકોટા ઘરેણાનો એક પીસ બનતા ૮થી ૧૦ દિવસ લાગે છે.
આ પ્રોસેસ માટે એસ. સ્મૃતિએ અનુભવ્યું કે વધારે કારીગર બહેનોની જરૂર પડશે. આથી તેણે પાસેના ગામની બહેનો જેમને આર્થિક જરૂરિયાત હતી. તેમનો સંપર્ક કર્યો અને તેમને ટેરાકોટા ડિઝાઈનીંગ ઘરેણા વગેરે બનાવવાની ટ્રેનીંગ આપી.
આજે શિખા ક્રીએશનમાં, સ્મૃતિ અને બીજી ૧૫ બહેનો કામ કરે છે. આ બહેનો ટેરાકોટા ઘરેણામાં, મોટા પેન્ડન્ટ્સ માળા, ચોર્કસ, મલ્ટીલેયર બીડસ ટેરાકોટા માળા બનાવે છે. ઉપરાંત યરીંગ્સની વેરાઇટીઝમાં, ડોમશેપ ઝુમખા, લાંબા લટકતા યરીંગ્સ, જીઓમેટ્રીક કોતરણીવાળા સ્ટડસ વગેરે બનાવે છે. હાથની બેંગલ્સની વેરાઇટીઝમાં બાજુબંધ, પહોળા બીડ્સવાળા કડા વગેરે બનાવે છે. આ ઉપરાંત ટેરાકોટાના વોલપીસ, વોલહેંગીગ્સ, ફ્રીજ મેગનેટસ, ક્રેર્ચસ, વગેરે મોટા પાયે બનાવે છે.
સ્મૃતિ આજે ૨૩ વર્ષની છે. ૧૫ વર્ષથી શરૂ કરેલો વ્યવસાય આજે ૨૩ વર્ષે પૂરબહારમાં ચાલી રહ્યો છે. ૫૦ રૂ. નફાની શરૂઆતથી આજે વાર્ષિક પચીસ લાખનો નફો કરે છે.
સ્મૃતિને પોતાનો શોખ, પેશનમાં ફેરવાયો તેનો તો આનંદ છે જ પરંતુ બીજી બહેનોને તે મદદ કરી શકી તેનો સંતોષ છે. આજ સુધીમાં તેણે ૩૦૦ બહેનોને ટ્રેનીંગ આપી છે. તે નાનપણથી સમાજને મદદ કરવા માગતી હતી. આજે ઘણી બહેનોને તેણે આર્થિક રીતે પગભર કરી છે.
સ્મૃતિ કહે છે જ્યારે કોઈ આપણને કહે કે, તેઓ આપણા કારણે સારું જીવન જીવી રહ્યા છે ત્યારે હું ખુશીથી ઝૂમી ઊઠું છું અને રાત્રે સૂતી વખતે મારા ચહેરા પર નિરાંતનું સ્મિત હોય છે.




