Shatdal
સલ્કિંગ અંકલ: નારાજ ફૂફા
By GS Team
22 Sep 20264 mins read

- શબ્દસંહિતા-પરેશ વ્યાસ
- રિસામણાં વારંવાર અને લાંબા સમય સુધી ચાલે, તો તે ઈમોશનલ બ્લેકમેલ કહેવાય. એનાથી સંબંધ કમજોર થાય
शादी चाहे कितनी भी आलीशान कर लों, टेंट चाहे विदेश से मंगवा लो और खाना फाइव स्टार रख लो… पर जब तक ब्याह में एक फूफा मुंह फुलाकर कोने में न बैढे, तब तक हमारे देश में शादी संपन्न मानी ही नहीं जाती ।
- सुरेंद्र शर्मा
પ્ર ધાનમંત્રીએ દિલ્હીની શ્રીરામ કોલેજમાં યુવાનોને સંબોધન કરતા કહ્યું કે દુનિયામાં બે પ્રકારનાં લોકો હોય છે. એક એવા જે દેશની તાકાત વધારે છે, અને બીજા એવા જે લગ્નપ્રસંગમાં નારાજ ફૂફા જેવું વર્તન કરે છે-જેઓ દરેક બાબતમાં ખામીઓ શોધે છે, હંમેશાં મોઢું ફુલાવીને ફરે છે અને દરેક નવી પહેલનો વિરોધ કરે છે. નારાજ ફૂફા માનસિકતા ધરાવતા લોકો પાસે દેશની દરેક મોટી સિદ્ધિ પર બોલવા માટે એક જ કાયમી ડાયલોગ હોય છે : આની શું જરૂર છે? આ જ તકિયા કલામ તેઓએ વડોદરામાં દોહરાવ્યો. પછી બ્રિક્સ સંમેલનની કોંગ્રેસનાં પૂર્વ મંત્રી પી. ચિદમ્બરમએ ટીકા કરી. કહ્યું કે છેલ્લાં બે ત્રણ સંમેલનમાં કોઈ દેખીતો ફાયદો થયો હોય એવું લાગતું નથી એનાં પ્રતિભાવ રૂપે ભાજપના પ્રમુખ નીતિન નબીને ચિદમ્બરમને નારાજ ફૂફાનો ઈલ્કાબ આપ્યો. હવે નારાજ ફૂફા રાજકીય સૂત્ર બની ચૂકયું છે. સત્તાધારી પક્ષને પોતાની ટીકા થાય એ ગમતું નથી. સાચી ટીકા પણ નહીં. ટીકાકારને ઉતારી પાડવા માટે આ તકિયા કલામ હવે બોલતા રહેશે. પણ અમને લાગે છે કે કોંગ્રેસને સાચી ટીકા કરતા આવડતી નથી. જુઓને રાહુલ ગાંધીએ એક્સ પર શું લખ્યું? 'ભારતમાં ૮૦% લોકો નોન-વેજ છે. નોન-વેજ વાનગીઓ સ્વાદિષ્ટ હોય છે'. હવે બ્રિક્સ સંમેલનમાં રાહુલ ગાંધીને ટીકા કરવા દેખાઈ દેખાઈ તો વેજ વાનગીઓ. બીજેપીએ ફરીથી નારાજ ફૂફા શબ્દો દોહરાવ્યા અને કહ્યું કે કોંગ્રેસ નારાજ ફૂફા મેન્ટાલિટીને ઇન્ટરનેશનલ કક્ષાએ લઈ ગઈ છે. ખાવાના મેન્યૂની ટીકાની જગ્યાએ કોઈ સાચી ટીકા કરી હોત, જેમ કે સંમેલનમાં રશિયા પાસે હજી સસ્તું તેલ ન મેળવી શક્યા કે ચીન પાસે કૈલાસ માનસરોવર યાત્રીઓની સુખસુવિધાની કોઈ ગેરંટી ન લઇ શક્યા- એવું ય કહી શક્યા હોત. કોંગ્રેસની આ નારાજ ફૂફા માનસિકતા છે. ઇંગ્લિશમાં એનડીટીવી સલ્કિંગ અંકલ(Sulking Uncle) એવું કહે છે પણ 'નારાજ' શબ્દનો તરજૂમો તરીકે 'સલ્કિંગ' આમ તો ઠીક છે પણ એ પરફેક્ટ તરજૂમો નથી.
ગુજરાતી લેક્સિકન અનુસાર 'સલ્કી' એટલે રિસાયેલું, ચિડાયેલું, ચડેલા મોંવાળું, અબોલ, ચીઢિયું, ધૂંધવાતું, ખિજાયેલું, ઉદાસ, ફુંગરાયેલું. અઢારમી સદીમાં એક જૂનો અને હવે બિન-વપરાશી શબ્દ 'સુલ્ક' જેનો અર્થ સુસ્ત, આળસુ અથવા વેચવામાં અઘરું એવો થતો હતો એની પરથી સલ્કિંગ શબ્દ આવ્યો હોવાનું મનાય છે. કોંગ્રેસની પ્રતિક્રિયા સલ્કિંગ એટલે ન કહી શકાય કારણ કે સલ્કિંગમાં માણસ રિસાયો છે અને બોલતો નથી. સલ્કિંગ કરતી વ્યક્તિ ચૂપ રહીને કે મોઢું બગાડીને સામેવાળી વ્યક્તિને સતત વિચારવા મજબૂર કરે છે કે તેનાથી શું ભૂલ થઈ છે. દાર્શનિક દ્રષ્ટિકોણથી, રિસાવું એ અતિશય ક્રોધ અને કશું જ ન કહેવાની તીવ્ર ઈચ્છાનું મિશ્રણ છે, જ્યાં વ્યક્તિ એવી અપેક્ષા રાખે છે કે સામેવાળી વ્યક્તિ તેના કહ્યા વગર જ તેના દુ:ખને સમજી લે. અને કોઈ પૂછે કે, તમને શું થયું છે? તો રિસાયેલી વ્યક્તિને વધુ ખોટું લાગે. તેને લાગે કે જો મારે મારી તકલીફ બોલીને સમજાવવી પડે, તો એ પ્રેમ જ શાનો? આવા રિસામણાં વારંવાર અને લાંબા સમય સુધી ચાલે, તો તે ઈમોશનલ બ્લેકમેલ કહેવાય. એનાથી સંબંધ કમજોર થાય. મને નથી લાગતું કે કોંગ્રેસ પક્ષ જ્યારે સરકારની મતલબી કે બેમતલબી ટીકા કરે ત્યારે એ સલ્કિંગ અંકલ એટિટયૂડ છે. હા, તમે એને મેલકન્ટેન્ટ (સ્ચનર્બહાીહા) અંકલ કહી શકો. કાયમી ફરિયાદી, સરકારી અમલથી અસંતુષ્ટ- એવો અર્થ થાય. અન્ય સમાનાર્થી શબ્દો ગ્રમ્બલિંગ(રોદણાં રડવા) અને ગ્રાઉચિંગ(ચીઢિયો) પણ છે. આમ જુઓ નારાજ ફૂફા એ ઈંગ્લિશમાં પણ નારાજ ફૂફા જ છે. ઇંગ્લિશ ડિક્સનરીઝ આ શબ્દને મોડો વહેલો અપનાવી લેશે, એની અમને ખાતરી છે.
આજે આપણે સલ્કિંગ શબ્દની વાત કાઢી છે તો અમને મુલ્લા નસરુદ્દીન યાદ આવે છે. મુલ્લા નસરુદ્દીન એક વાર રિસાઈને બેઠાં હતા. બપોરે, ચૂપચાપ, એક ખૂણામાં હાથ જોડીને, મોં ફુલાવીને, દીવાલ સામે એકીટશે જોતા હતા. બીબીએ જોયું અને પૂછયું : 'તમને શું થયું છે? કેમ આમ નારાજ ફૂફાની જેમ બેઠા છો?' નસરુદ્દીને બીબીની તરફ જોયું ય નહીં. એકલાંએકલાં બબડયા : 'આખા ગામના સૌથી જિદ્દી, અભિમાની અને ઉલ્લુનાં પઠ્ઠા સાથે હું ઉગ્ર દલીલો કરી રહ્યો હતો.' બીબીએ લાંબો શ્વાસ લીધો, તે મુલ્લાની આવી હરકતોથી સારી રીતે વાકેફ હતી. એ બોલી : 'મહેરબાની કરીને મને કહો તો ખરા કે એ ભયાનક માણસ છે કોણ?' રિસાયેલાં નસરુદ્દીને નાટકીય અંદાજમાં પોતાની છાતી તરફ આંગળી ચીંધીને કહ્યું, 'હું પોતે!' પત્નીએ આશ્ચર્યપૂર્વક કહ્યું : 'ઓહો, જિદ્દી,અભિમાની અને ઉલ્લુકા પઠ્ઠા તમે ખુદ છો? અને એટલે રિસાઈને બેઠા છો કારણ કે તમે તમારી પોતાની સાથે દલીલબાજી કરી રહ્યા હતા?' મુલ્લા નસરુદ્દીન વધારે ફુંગરાયા. વધારે મોં ચઢાવીને બેઠાં. બીબી બોલી : 'અચ્છા, તો એ તો કહો કે જીત્યા ?' નસરૂદ્દીને સંપૂર્ણ હાર સ્વીકારતા પોતાના બંને હાથ અધ્ધર કર્યા, 'મને કોઈ અંદાજ નથી! એટલે જ તો હું રિસાયો છું. એ ભાઈ મારી સાથે વાત કરવાની જ ના પાડે છે!' સલ્કિંગ એ ખુદથી રિસાવાની જ ક્રિયા છે. હું ખરેખર રિસાયો નથી. આ દુનિયા પરફેક્ટ નથી. અને એટલે ચૂપ રહીને હું એને સજા આપી રહ્યો છું. કોઈ સાથે બોલવું નથી, ખુદ સાથે પણ નહીં, એને ખુદા જ બચાવે.
શબ્દશેષ
'મારી પાસે અનુભવનો એ ફાયદો છે, જે મને કહે છે કે રિસાઈ જવાથી કાંઈ ઉકેલાતું નથી.' - કસાંડ્રા ક્લેર




