મોબાઇલ મચડવાનું બંધ કરો... ગો, ટચ ગ્રાસ!

- નેટ-બોલી
'ટ ચ ગ્રાસ' એટલે મોબાઇલ અને ઇન્ટરનેટની દુનિયામાંથી બહાર આવો, ફોન બાજુ પર મૂકો અને અસલી જીવનનો અનુભવ કરો!
આ સોશિયલ મીડિયા પર વપરાતો શબ્દપ્રયોગ છે. જ્યારે કોઈ વ્યક્તિ સોશિયલ મીડિયા, ઓનલાઇન ગેમિંગ કે ઇન્ટરનેટ પર ચાલતી ગરમાગરમીમાં એટલી બધી ખોવાઈ જાય કે તેને આસપાસની વાસ્તવિક દુનિયાનું ભાન જ ન રહે, ત્યારે તેને કહેવામાં આવે છે 'ગો… ટચ ગ્રાસ!' એટલે કે, 'ભાઈ, હવે ફોન મૂક અને બહારની દુનિયામાં પણ થોડું ધ્યાન આપ!'
આ શબ્દપ્રયોગ
કેવી રીતે કરાય?
'તું ચાર કલાકથી એક્સ (ટ્વિટર) પર દલીલો જ કર્યા કરે છે. હવે જરા ફોન મૂક અને ગો… ટચ ગ્રાસ!'
'આખું વીકએન્ડ રીલ્સ જોવામાં કાઢી નાખ્યું. નાઉ આઇ નીડ ટુ ગો આઉટ એન્ડ ટચ ગ્રાસ.'
'એને લાગે છે કે ઇન્ફ્લુએન્સર્સના વીડિયો જોઈને તેને સંબંધો વિશે બધું જ સમજાઈ ગયું છે. કોઈ એને કહે કે હવે જરા વાસ્તવિક દુનિયામાં જીવવાનું શીખ. ગો, ટચ ગ્રાસ!'
આ શબ્દપ્રયોગ મિત્રો વચ્ચે મજાકમાં પણ વપરાય છે. પરંતુ ક્યારેક તે ટોણો મારવા માટે પણ વપરાય છે - ખાસ કરીને જ્યારે કોઈ વ્યક્તિ ઇન્ટરનેટની દુનિયામાં એટલી ખોવાઈ ગઈ હોય કે વાસ્તવિકતાથી દૂર થઈ ગઈ હોય.
આ શબ્દપ્રયોગ ક્યાંથી આવ્યો?
આ શબ્દપ્રયોગની ચોક્કસ શરૂઆત ક્યાં થઈ એ જાણી શકાયું નથી. જોકે, ૨૦૧૫ની આસપાસ ટ્વિટર અને ઓનલાઇન ગેમિંગની દુનિયામાં તેનો ઉપયોગ થવા લાગ્યો હતો. ઇન્ટરનેટ પર સતત સમય વિતાવતા અને નાની-નાની વાતે ઓનલાઇન ઝઘડતા લોકોને ટોણો મારવા માટે તેનો ઉપયોગ થતો.
૨૦૨૦-૨૧માં કોરોના મહામારી દરમિયાન આ શબ્દપ્રયોગ વધુ લોકપ્રિય બન્યો. લોકડાઉનને કારણે લોકોનો સ્ક્રીન સામેનો સમય વધ્યો હતો. ધીમે ધીમે આ શબ્દપ્રયોગ માત્ર ટોણો મારવા પૂરતો મર્યાદિત ન રહ્યો, પરંતુ ઓનલાઇન દુનિયાથી થોડો વિરામ લઈને બહાર ફરવા, લોકોને મળવા અને જીવનને નવેસરથી માણવાની સલાહ આપવા માટે પણ વપરાવા લાગ્યો.
એક મજાની વાત! આ શબ્દપ્રયોગમાં જ તેની મજાક છુપાયેલી છે. સ્ક્રીન પર ગમે એટલી દુનિયા જોઈ લો, પણ ઘાસને ખરેખર સ્પર્શ કરવા માટે તો બહાર જવું જ પડે!… અને વિડંબના જુઓ. કોઈ વ્યક્તિ આખી ત્રીસ મિનિટ ઓનલાઇન રહીને બીજાઓને સમજાવતી હોય કે તેમણે હવે 'ગ્રાસ ટચ' કરવું જોઈએ!




