મને સ્વર્ગ-નર્ક બતાવો!

- ઝાકળ બન્યું મોતી-કુમારપાળ દેસાઈ
ચી નના સંત નાનુશિંગે તત્ત્વચિંતક તરીકે સમગ્ર દેશમાં વિખ્યાત હતા. સંસારના કે અધ્યાત્મના પ્રશ્નોની જિજ્ઞાસા લઈને અનેક વ્યક્તિઓ એમની પાસે માર્ગદર્શન લેવા માટે આવતી હતી. આ દાર્શનિક સંત, એમની દર્શન-દ્રષ્ટિથી પ્રશ્નોનો ઉત્તર આપતા હતા.
એક વાર ચીનના સેનાપતિના ચિત્તમાં એક વિચાર આવ્યો. એને થયું કે જેને સહુ સ્વર્ગ કહે છે તે કેવું હશે ? નરકની પરિસ્થિતિ કેવી હોય ? તે જાણવા મળે ખરી ?
પોતાની આ જિજ્ઞાસા લઈને ચીનનો પરાક્રમી સેનાપતિ સંત નાનુશિંગે પાસે આવ્યો. એણે સંતને પ્રશ્ન કર્યો કે મારે સ્વર્ગ અને નર્કની પરિસ્થિતિ જાણવી છે.
સંતે કહ્યું, 'ભાઈ, પહેલાં તું જરા શાંતિથી બેસ, તારો પરિચય આપ, ત્યારબાદ બધી વાત કરીશ.'
સેનાપતિએ સ્વ-પરિચય આપતાં કહ્યું, 'હું આ દેશનો સર્વોચ્ચ અને શક્તિશાળી સેનાપતિ છું. આજસુધીમાં કેટલાંય યુધ્ધો ખેલ્યો છું અને એમાં ભવ્ય વિજય હાંસલ કર્યો છે. તલવારબાજીમાં મારી સ્પર્ધા કરે તેવો આખા ચીનમાં બીજો કોઈ નહીં જડે. મારું પરાક્રમ અજોડ અને અદ્વિતીય છે. મારા શૌર્યનાં ગીતો ચોમેર ગવાય છે.'
સેનાપતિ પરિચય પૂરો કરે, તે પહેલાં તો સંત ખડખડાટ હસવા લાગ્યા. એમણે કહ્યું, 'અરે ! તમે દેશના સેનાપતિ છો ? સાવ અશક્ય. તમે તો સાવ કાયર લાગો છો. સમરાંગણ ખેલવું એ કોઈ બચ્ચાના ખેલ નથી. તલવાર ચલાવવી એ કંઈ તમારું કામ નથી. તમે તો ઘરઆંગણે બેસીને શાકભાજી સમારનારા લાગો છો. તમારા ચહેરા પર ક્યાં છે શૌર્યનું તેજ ? તમારો ચહેરો તો સાવ મુફલિસ ભિખારી જેવો છે.' સંતનો એક એક શબ્દ સેનાપતિને દઝાડતો હતો.
સેનાપતિનો ગુસ્સો ઊકળી ઊઠયો. ચહેરો ક્રોધથી લાલઘૂમ બની ગયો. પિત્તો ગુમાવતાં મ્યાનમાંથી તલવાર બહાર કાઢીને સંત પર પ્રહાર કરવા તૈયાર થઈ ગયો.
આ જોઈને સંત હસવા લાગ્યા અને કહ્યું, 'આ તલવાર સાચી છે કે બનાવટી ? લોખંડની તલવાર ઉઠાવવાની તાકાત તમારાં બાવડાંમાં દેખાતી નથી. આમ તલવાર લઈને સેનાપતિનો રોફ જમાવતા શું ફરી રહ્યા છો ? ફેંકી દો એને. મારા પર પ્રહાર કરવાની તમારામાં ક્યાં છે શક્તિ, તે આટલા બધા ક્રોધિત થાવ છો ?' આ શબ્દો સાંભળીને સેનાપતિના કોપનો જ્વાળામુખી ફાટી નીકળ્યો. એ પ્રહાર કરવાની તૈયારી કરતો હતો, ત્યાં જ સંતે કહ્યું, 'સેનાપતિ, આ જ છે તમારા પ્રશ્નનો ઉત્તર. આ ક્રોધ એ જ નર્ક છે.'
દાર્શનિક સંત નાનુશિંગેના આ શબ્દોએ સેનાપતિને શાંત પાડી દીધો. એમણે તત્કાળ પોતાની તલવાર મ્યાન કરી. વિનમ્ર બનીને પોતાના ક્રોધિત વર્તન બદલ સંતની ક્ષમા માંગી.
આ જોઈને સંતે કહ્યું, 'સેનાપતિ, આ વિવેકશીલતા એ જ સ્વર્ગ છે.'
સેનાપતિને પોતાના પ્રશ્નનો ઉત્તર મળી ગયો. સંતના ચરણસ્પર્શ કરીને એણે વિદાય લીધી.
સ્વર્ગ અને નર્ક ક્યાંય બહાર રહેલાં નથી. એ માનવીના મનની વૃત્તિમાં વસે છે. ક્રોધ એ નર્ક છે અને વિવેક એ સ્વર્ગ છે !




