For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ભાવકો ભૂલા પડે ભુલેશ્વરમાં .

Updated: Apr 23rd, 2024

ભાવકો ભૂલા પડે ભુલેશ્વરમાં                              .

- રસવલ્લરી-સુધા ભટ્ટ

ના જાને કિસ રૂપમેં

નારાયણ મિલ જાય

ઇશ્વર સર્વવ્યાપી છે. વિધવિધ સ્વરૂપે તે સંવેદનશીલ માનવીને દર્શન દે છે. કવચિત્ માનવરૂપે ક્યારેક અન્ય જીવ-જંતુમાં કે પછી પ્રાકૃતિક તત્ત્વોમાં અથવા તો બ્રહ્માંડની સચરાચર સૃષ્ટિમાં પ્રતીક બનીને આવે છે એ સર્વશક્તિમાન. સાનંદાશ્ચર્ય તો ત્યારે થાય કે જ્યારે કલાસૃષ્ટિમાં આપણને વિધાતા કે વિધાત્રીના હોવાનો અહેસાસ થાય. શું ચિત્ર, શિલ્પ, સાહિત્ય, નૃત્ય, નાટય કે સ્થાપત્યમાં પણ આપણને દૈવી તત્ત્વોનાં દર્શન થાય ? અલબત્ત હા... સહૃદયી માનવના હૃદયની અંતરતમ્ સૃષ્ટિમાં ગોપાયેલ પેલા પરમ તત્ત્વની ઉપસ્થિતિને કારણે તે સાચા અર્થમાં આસ્તિક-આસ્થાળુ કે શ્રદ્ધાળુ બની જાય છે અને તેને પથ્થરમાં પણ પ્રાણનો સંચાર થતો અનુભવાય છે. એમાંય જ્યારે કોઈ કલાકૃતિ હૃદય-મનના તાર રણઝણાવી જાય ત્યારે પેલું પ્રાણનું પ્રગટવું એક ઉત્સવ બની જાય. પૂણેથી સોલાપુર રોડ પર યવત પાસે પચાસ કિ.મી. પાર કરી ભુલેશ્વર ધામમાં આવી જ ગયા છીએ, એનાં શિખરો-ગુંબજો, નંદી અને કૂર્મ સાથે પરિચય મેળવીને ગર્ભગૃહ સુધી પહોંચી જ ગયા છીએ, તો ચાલોને અંતરાલને પાર કરી પ્રદક્ષિણા પથ પર પગ માંડીએ, ચર્મચક્ષુ અને દિવ્યચક્ષુને સાબદા કરી દઈએ અને હા...દ્રષ્ટિને મળતી ''ન ભૂતો-ન ભાવિષ્યતિ'' એવી મિજબાનીને માણતાં માણતાં ખીચોખીચ ભરેલી દીવાલો ઉપરનાં કૌતુકને નિહાળી ન્યાલ થઈ જઈએ !

ભૂલો પડી ભવરણે ભટકું ભવાની

વનાચલના શીતળ વાયુના સ્પશર્થી પુલકિત થઈને ભક્તો વનસ્પતિને અડીને આવતી સુગંધિત લહેરીથી તરબોળ થઈ ભટકતાં ભટકતાં જાણે કે કોઈ કાલ્પનિક દિવ્ય નગરીમાં આવી પહોંચ્યા હોય તેમ તેમને અનુભવાય. પંખીડાંનાં કલશોર સાંભળતાં સાંભળતાં આઠમી સદીના શાસ્ત્રીય પ્રસ્તર શિલ્પોની ભવ્યતામાં ડૂબકી માર્યાનો અનુભવ પણ થાય. અરે ! દૂરથી દેખાતી સમૃદ્ધિની ઝાકમઝોળ નજીકથી અતિ સુંદર લાગે છે. વળી, છત્રપતિ શિવાજીના સમયની ગૌમુખી પણ અહીં છે. મંદિર ફરતે ખૂણે પડતી દીવાલોની શ્રેણી અનંત ભાસે ! વચ્ચે વચ્ચે ચોરસ અને ગોળ સ્તંભો પાસે ઘડીક તારામૈત્રક કરવાનું મન થાય. તો વળી, સપ્તમાતૃકાનાં શિલ્પોના ખોળામાં ભગવાનરૂપે યક્ષ બિરાજ્યાનો અહેસાસ થાય. પૂજારીજી વિજયજીના જ્ઞાનને અનુસરીએ તો પ્રત્યેક ભીંતે ચોંસઠ 

જોગણીઓનાં અપ્સરા સ્વરૂપનાં અલૌકિક શિલ્પોની ઓળખ થાય ત્યારે ભાવવિભોર મન અખિલ વિશ્વતણી જનેતા વિશ્વંભરીની સ્તુતિ લલકારે અને અગણિત માતૃકાઓનાં વૈવિધ્યપૂર્ણ સ્વરૂપોનાં દર્શન કરી કૃતકૃત્ય થઈ જાય. સળંગ ભીંતો પર આ દેવીઓનાં વિવિધ મુદ્રામાં સાક્ષાત્કાર થાય. હાઈ રિલીફમાં દેવીઓ સંગ દેવો અને અપ્સરાઓનો દરબાર ભરાયો હોય એવી ભવ્યતા એમાં કંડારાઈ છે. અપ્સરાઓનું સંગીતવૃંદ કાબિલેદાદ છે જેમાં દરેક દેવી ભિન્ન ભિન્ન વાદ્ય સાથે મોનોલિથિક કાળા પથ્થર પર જાદુ પ્રસરાવે છે. ઢોલ, મંજિરા, બાંસુરીના સૂર-તાલ કાન અને મનને મોહી લે.

અહીંની શાંતિ અનંત શક્યતાઓ થકી ભાવકોને સ્પર્શે

સ્થાપત્યની મિશ્ર શૈલીમાં અગણિત સ્ત્રી પાત્રો વિશિષ્ટ મુદ્રામાં અહીં લભ્ય છે તેમાં એક ખંડિત અપ્સરાની સાડીનો છેડો ખેંચતો વાંદરો સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. પૌરાણિક પ્રસંગોનાં અંકન પણ ધ્યાનાકર્ષક છે જેમાં દશરથ રાજા પરિવાર સહિત દેખા દે છે. રામ વનવાસની આજ્ઞા માંગે છે તે ઝીણાં શિલ્પો બોલકાં લાગે છે. મહાભારતના પાત્રો-ભીષ્મ, પાંડવો, શિખંડી તેમજ રથ પર સવાર યોધ્ધાઓ સાથેનાં યુદ્ધનાં દ્રશ્યો મળે. સમુદ્રમંથન સહિત દરવાજાની બાર સાખ અને આડી ઊભી અલંકૃત કાષ્ટ સ્તંભિકા જેવી કોતરણીમાં પણ પૌરાણિક પ્રસંગોથી અલંકૃત પીઠિકાઓ દ્રષ્ટિગોચર થાય છે. યક્ષકુલિકાઓ ક્યાંક શોભી રહી છે, તો, પિતાશ્રીના મંદિરનો ભાર ઉઠાવી રહેલા ગણેશજી પણ મોહક લાગે છે. અન્ય દેવી-દેવતાઓ ધ્યાનમુદ્રામાં બેઠાં છે અહીં લક્ષ્મી-વિષ્ણુની, મહાદેવ-પાર્વતીની પ્રતિમાઓ પણ છે ઈતિહાસ અને સ્થાપત્યની સમૃદ્ધિ વચ્ચે આ મંદિરમાં શિવ પરિવાર અહીં સ્ત્રી સ્વરૂપે દીવાલને શોભાવતા ઊંચા આસને દેખા દે છે. કમાનો અને ગોખલા વચ્ચે એ ગણેશનું વિનાયકી સ્વરૂપ આકર્ષક લાગે છે. દક્ષિણના સુચિન્દ્રમ્ મંદિરની જેમ આ મંદિરમાં પણ દેવો સ્ત્રીવેશમાં જોવા મળે છે ગાંધર્વો સહિત પ્રદક્ષિણા પથે ઉપલા ત્રણ ટાવરો દેખાય એવી હવા-ઉજાસની વ્યવસ્થા છે. જ્યાંથી સીધું આકાશદર્શન થાય, અહીં એક મહારાષ્ટ્રિયન સ્ત્રીનું રંગીન શિલ્પ છે જેમાં તેણે અનુરૂપ વસ્ત્રો અને પૈસાની પોટલી ધારણ કર્યા છે. સઘળે ખંડિત પ્રતિમાઓ છતાં અહીં કળા અખંડ રહી છે તેનો આનંદ.

લસરકો

ભુલેશ્વરની પ્રત્યેક પ્રતિમા સળંગ પથ્થરનો જ એક ભાગ છે. મૂર્તિઓને કાપી-તોડી નાખી છે એનાં નિશાન ભીંત પર ઇતિહાસ સર્જે છે.

વીણા, ભેરી, મૃદંગં ચ ગીતં ચ નૃત્યં

તો, ભીંતોને અડીને ખૂણિયા બહાર નીકળ્યા હોય અને માથે છજા જેવું પણ દેખાય પિલર ઉપર. ચોરસ અને ગોળ કોતરેલા સ્તંભો એકમેકને નાનાં નાનાં મદલથી જોડતા હોય એવી રચનાઓ સાથે છજાની નીચે મ્હાલતી અપ્સરાઓ કેવી છે તે તો જુઓ ! ગળામાં હાર, કેડે કંદોરો, હાથે કંગન, પગે કડાં અને નખલીઓ, માથે ટીકો અને દામણી છેક કાન લગી - વળી કાનમાં ઝૂમણાં ને નાગ ગૂંચળું વાળી પડેલો હોય એવો ભરાવદાર અંબોડો, સમસ્ત કેશકલાપને શોભાવતું સેંથીનું સિંદૂર કેવી રીતે અપ્સરા સજાવે છે ? એક તો ત્રિભંગમાં ઊભી રહી છે ને ડાબા હાથે દર્પણમાં જોઈ જમણા હાથે સિંદૂર પૂરે છે - એને દર્પણ સુંદરી પણ કહેવાય હોં ! પાછી એ પથ્થર પર, પથ્થર થકી જ થયેલી ફ્રેઈમમાં ગોઠવાયેલી છે. માથે ઝીણાં વળાંકવાળી કમાન સમ ભાત અને હા ! ઝીણાં ઝીણાં મોતીડાં ને હીરાનાં આભૂષણોથી શોભતી-ખંડિત હોવા છતાં રૂડી રૂપાળી લાગતી એ અપ્સરાની સખી શું કરે છે ? તે ફણાવાળા નાગને બે હાથે ઊંચકી માથા પર ગોઠવતી લાગે છે. હા, એ પણ ત્રિભંગમાંજ ! એની પણ ફ્રેઈમ કમાનવાળી અને સ્તંભો પર ફૂલબુટ્ટી ભાત દેખાય. એની ઉપર બુટ્ટીઓની હારની પડદી. પાછા પથ્થર પર દીવડા હાઈરિલીફમાં ઝળહળે અને અપ્સરાનાં પાયે ઝાંઝર રણઝણ થાય. ભીંતની કિનારે કિનારે વળિયા ભાત રસિકોને ઘડીક ઊભાય રાખે, કેટલીક અપ્સરા પદ્માસનમાં દેખાય, તો દંડધારક પ્રતિમાના શિલ્પમાં ધૂમ્રસેરની જેમ મથાળે વેલ ચડતી હોય એવું ભાસે. સમાંતરે ભગવાનની મૂર્તિઓ, વ્યાલ (ડ્રેગન)ના મુખેથી બન્ને બાજુ ઉપર ચડતી ગોળ ફરતી વેલમાં વચ્ચોવચ્ચ પાછું ડ્રેગન અને તેને બન્ને ખૂણે કમળ બુટ્ટા શોભે.

Gujarat