For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

સ્નોલીગોસ્ટર : ચાલાક અને સિદ્ધાંતવિહોણો માણસ, ખાસ કરીને રાજકારણી!

Updated: Feb 6th, 2024

સ્નોલીગોસ્ટર : ચાલાક અને સિદ્ધાંતવિહોણો માણસ, ખાસ કરીને રાજકારણી!

- શબ્દસંહિતા-પરેશ વ્યાસ

- ઇસપ કથાઓમાં એવું કહ્યું છે કે આપણે નાના ચોરને ફાંસી પર ચઢાવીએ છીએ અને મોટા ચોરને ચૂંટી કાઢીએ છીએ.

બિ હારીલાલ નીતિશ કુમાર નીતિવંત તો છે! જુઓને, નિશ્ચિત સમયાંતરે સાથી પક્ષ બદલી નાંખે છે. અને એ પ્રોસેસમાં બિહારનાં મુખ્યમંત્રી તરીકેની પોતાની ખુરશી સહીસલામત રાખે છે. તેઓ સમજી ગયા કે લલ્લુ-પંજુ સાથીદાર હોય તો ધંધો ચાલે નહીં. લલ્લુ-પંજુ એટલે લાલુજી અને તેજસ્વીજી- એવું માનવું નહીં. 'લલ્લુ-પંજુ' એટલે અપ્રસ્તુત અને નકામો માણસ. રાજકારણમાં કોઈ માણસ નકામો હોતો નથી. કોઈ માણસ આમ સાવ અપ્રસ્તુત હોય, એવું પણ નથી. આપણે ત્યાં કહેવત છે કે સંઘર્યો સાપ પણ કામનો. એટલે એમ કે દુનિયામાં કોઈ ચીજ નકામી નથી. સમય પર સૌ રાજકારણીઓ સંઘરેલા સાપ જેવા હોય છે. કામ લાગે છે! 

શબ્દજ્ઞાાની શશી થરૂરે નીતિશ કુમારને સ્નોલીગોસ્ટર(Snollygoster) શબ્દથી નવાજ્યા. નીતિશ કુમાર માટે વર્ષ ૨૦૧૭માં પણ આ જ શબ્દ તેઓએ ટ્વીટ કર્યો હતો, જ્યારે તેઓએ લાલુ પ્રસાદ યાદવનો સાથ છોડી ભાજપનો સાથ લીધો હતો. હવે વર્ષ ૨૦૨૪માં તેઓએ  લખ્યું કે નહોતી ખબર આ શબ્દ બીજી વાર ટ્વીટ (હવે એક્સ) કરવો પડશે. થરૂરે જો કે આ શબ્દ વર્ષ ૨૦૧૯માં પણ ટ્વીટ કર્યો હતો, જ્યારે મહારાષ્ટ્રમાં અજીત પવારનાં ટેકાથી બહુમતી વિહોણા દેવેન્દ્ર ફડનવીસ કામચલાઉ મુખ્યમંત્રી બની બેઠાં હતા. તેઓએ તો કાચીંડાનો વિડીયો પણ પોસ્ટ કર્યો હતો અને લખ્યું હતું કે સ્નોલીગોસ્ટર માટે રંગ બદલતો કાચીંડો રોલ મોડેલ છે! લાલૂજીનાં દીકરાએ નીતિશ કુમારને 'ગિરગિટ રત્ન' અને 'પલટીસ કુમાર' તરીકે નવાજ્યા છે. સ્નોલીગોસ્ટર જેવા અર્થનો શબ્દ છે 'આયારામ ગયારામ'. જો કે અહીં તો ચાલૂરામ શબ્દ વધારે યોગ્ય લાગે છે. જે ચાલૂ રહેવામાં જબરી ક્ષમતા ધરાવે એ ચાલૂરામ. સસ્તા, સારા અને ટકાઉ!

સ્નોલીગોસ્ટર અમેરિકન ઇંગ્લિશનો શબ્દ છે. ઈંગ્લેન્ડની ડિક્સનરીઝમાં આ શબ્દ નથી. રાજકારણ હોય ત્યાં આ શબ્દને દૂર કરવો અઘરો છે. ના, ગુજરાતી લેક્સિકનમાં આ શબ્દ નથી. હોવો જોઈતો હતો.'સ્નોલીગોસ્ટર'નો અર્થ થાય છે : ચાલાક, ખંધો અને નીતિ કે સદાચારનાં સિદ્ધાંતવિહોણો માણસ. અમેરિકન હેરિટેજ ડિક્સનરી અનુસાર એવો માણસ, ખાસ કરીને રાજકારણી કે જે પોતાનાં અંગત ફાયદા અનુસાર જ કામ કરે, કોઈ માપદંડ કે આચારસંહિતા મુજબ નહીં. એક અવસરવાદી રાજકારણી માટે આ ઈનબિલ્ટ ક્વોલિફિકેશન છે. હેં ને?

ઓગણીસમી સદીમાં અમેરિકાનાં રાજ્ય મેરીલેન્ડનાં ગ્રામ્ય વિસ્તારમાં એક પૌરાણિક કાલ્પનિક પ્રાણી, જેનું અડધું શરીર પક્ષી અને અડધું શરીર સર્પ જેવું છે, ઝડપથી હરેફરે છે અને એ મરઘાં બતકાં અને નાના બાળકોનો શિકાર કરે છે, એવી માન્યતા હતી. આ પ્રાણીનું નામ હતું 'સ્નેલીગાસ્ટર'. મૂળ જર્મન શબ્દ સ્કેનેલ ગિસ્ટર. 'સ્કેનેલ'  એટલે ખૂબ ઝડપથી ચાલે તે અને 'ગિસ્ટર' એટલે ભૂત. સ્નોલીગોસ્ટર શબ્દ આ ઝડપી ભૂત પરથી આવ્યો હોવાનું મનાય છે. આમ તો આ શબ્દ ઝાઝો પ્રચલિત નહોતો પણ અમેરિકાનાં પૂર્વ પ્રેસિડન્ટ હેરી ટ્રુમેને પોતાનાં સને ૧૯૫૨નાં ચૂંટણી પ્રચારમાં રીપબ્લિકન પક્ષનાં રાજકારણીઓને 'સ્નોલીગોસ્ટર' કહ્યા અને કહ્યું કે તેઓએ બાઇબલ ન્યૂ ટેસ્ટામેન્ટ વાંચવું જોઈએ અને એ પ્રમાણે કામ કરવું જોઈએ. પત્રકારોએ ટ્રુમેનને આ શબ્દનો અર્થ પૂછયો. ટ્રુમેન બોલ્યાં : સ્નોલીગોસ્ટર એટલે બાસ્ટર્ડ, અનૌરસ કે છિનાળના પેટનું. પણ પત્રકારો સ્માર્ટ હોય છે. તેઓએ કાગારોળ મચાવી કે આવો તો કોઈ અર્થ છે જ નહીં. પત્રકારોની વાત સાચી નીકળી. પણ શબ્દ ચલણમાં આવી ગયો. ત્યાર બાદ સને ૧૯૮૦નાં દાયકામાં ન્યૂયૉર્ક ટાઈમ્સની કોલમ 'ઓન લેંગ્વેજ'નાં લેખક વિલિયમ સફાયરે આ શબ્દને જીવતો રાખ્યો પણ પછી સમય જતાં આ શબ્દ બોલાતો લખાતો બંધ થયો અને વર્ષ ૨૦૦૩માં અમેરિકાની પ્રતિષ્ઠિત મેરિયમ વેબ્સટર ડિક્સનરીએ આ શબ્દને દૂર કર્યો. પણ ફરીથી લેખક અને પોલિટિકલ કોમેન્ટેટર બિલ ઓરેલીએ પોતાનાં લખાણમાં અને પોતાની ટીવી કોમેન્ટ્સમાં આ શબ્દનો એકહથ્થુ ઉપયોગ ચાલુ રાખ્યો. આમ ફરીથી આ શબ્દ ચલણમાં આવ્યો. લોકો ફરીથી એનો ઉપયોગ કરવા લાગ્યા. અને ૨૦૧૭માં મેરિયમ વેબ્સટર ડિક્સનરીને આ શબ્દ પુનઃ દાખલ કરવાની ફરજ પડી. જબ તક નીતિશ કુમાર જૈસે રાજકારણી રહેંગે તબ તક સ્નોલીગોસ્ટર શબ્દ, તેરા નામ રહેગા! જુગ જુગ જીઓ શબ્દ સ્નોલીગોસ્ટર!

ઇસપ કથાઓમાં એવું કહ્યું છે કે આપણે નાના ચોરને ફાંસી પર ચઢાવીએ છીએ અને મોટા ચોરને ચૂંટી કાઢીએ છીએ. હ્યુમરિસ્ટ વિલ રોજર્સ એવું કહેતા કે જમાનો બદલાઈ રહ્યો છે. લોકો કોમેડિયન્સને સીરિયસલી લે છે અને રાજકારણીઓની વાતને જોક માને છે. રાજકારણી એવા લોકો છે જે દેશને માટે લોકોનો જાન ન્યોછાવર કરે છે. છતાં અમને રાજકારણી ગમે છે. તેઓ ચર્ચાનો વિષય આપે છે. રાજકારણી જ ન હોય તો લોકો વાત શાની કરશે?

રાજકારણમાં સઘળાં ગઠબંધન લાભાધીન અને કામચલાઉ હોય છે. આજે કોઈ તો કાલે કોઈ બીજા સાથે ઊઠકબેઠક હોય છે. આજે જે આપણાં છે, એ કાલે પારકાં થઈ જાય છે. કોઈ શરમ લાજ જેવું રાજકારણમાં હોતું નથી. નફ્ફટાઈ એક ક્વોલિફિકેશન છે. દોષ નીતિશ કુમારનો નથી. નીતિશ કુમારની લાલસાનો છે. 

વિરોધપક્ષનાં 'ઈન્ડિયા'નાં નેતા તેઓને ન બનાવાયા. અહીં આપણું ભવિષ્ય હવે નથી. પૂજે જનો સૌ ઊગતા નરેન્દ્રને! અને...

દુષ્યંત કુમારનો શે'ર છે કે 'મસ્હલત-આમેજ હોતે હૈ સિયાસતકે કદમ, તૂ ન સમજેગા સિયાસત તૂ અભી નાદાન હૈ'.  મસ્હલત-આમેજ એટલે જેમાં કોઈ સલાહ કે કોઈ પરામર્શ સામેલ હોય. આ તો સિયાસત છે. રાજકારણ સમજવા માટે આપણે નાદાન છીએ. શબ્દ સમજાય એટલે ઘણું!

શબ્દ શેષ :

'એક માણસનો અવસરવાદ એ બીજા માણસનું મુત્સદ્દીપણું છે.' - નોબેલ પારિતોષિક વિજેતા ઇકોનોમિસ્ટ મિલ્ટન ફ્રીડમેન

Gujarat