For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

કમ્પૅરિઝન : થાય સરખામણી તો..

Updated: Jan 30th, 2024

કમ્પૅરિઝન : થાય સરખામણી તો..

- શબ્દસંહિતા-પરેશ વ્યાસ

- જો હું દેખાદેખી કરું તો મારી પોતાની ક્ષમતાનું હું અપમાન કરું છું. સરખામણી સૃજન ક્ષમતાને મારી નાંખે છે

रेखते के तुम्ही उस्ताद नहीं हो गालिवस्त्र।

कहते हैं अगले जमाने मे कोर्इ मीर भी था ।।

- मिर्जा गालिब

વા ત જાણે એમ બની કે રામલલ્લા પ્રાણપ્રતિષ્ઠા સમારોહમાં કોષાધ્યક્ષ ગોવિંદદેવ ગીરીએ પ્રધાનમંત્રી મોદી સાહેબને રાજર્ષિ પદવી આપી અને તેઓની તુલના શિવાજી મહારાજ સાથે કરી. એમ કે પ્રધાનમંત્રીએ પહેલાનાં ૧૧ દિવસો સુધી જે તપ કર્યું હતું, એવું તપ શિવાજી મહારાજે કર્યું હતું. મહારાષ્ટ્રનાં વિરોધ પક્ષનાં નેતાઓ આનાથી નારાજ થયા અને કહ્યું કે છત્રપતિ શિવાજીની તુલના કોઇની સાથે થઈ જ ન શકે. આપણે અલબત્ત હંમેશા સરખામણી કે તુલના કરતા જ રહીએ છીએ. 

મૂળ લેટિન શબ્દ 'કમ્પારેશન' પરથી એન્ગ્લો ફ્રેંચ શબ્દ 'કમ્પૅરિઝન' (Comparison) આવ્યો છે. સરખામણી કરવાની પ્રક્રિયા એ કમ્પૅરિઝન. બે વ્યક્તિઓ કે વસ્તુઓ વચ્ચે શું સમાન છે? શું અલગ છે? એની ચકાસણી કરવી એ કમ્પૅરિઝન. ટૂંકમાં ગુણવત્તા, પ્રમાણ અથવા તો એ બે વચ્ચે શું સંબંધ છે? એ કમ્પૅરિઝન. સરખામણી કરવી કુદરતી છે. માણસ અને માણસ વચ્ચે સરખામણી થવી જોઈએ? તો જવાબ 'ના' છે પણ એટલું ચોક્કસ છે કે કોઇની સાથે હું મારી સરખામણી કરી એની સારી વાતને મારા જીવનમાં ઉતારી શકું તો એ સરખામણી સારી છે. અને મારે કોઈ વસ્તુ ખરીદ કરવી હોય તો ય હું સરખામણી તો કરું જ. સારી વસ્તુ જ મને જોઈએ તો સરખામણી કરવી જરૂરી. રૈદાસ કહી ગયા હતા કે પ્રભુજી તુમ ચંદન હમ પાની, જાકી અંગ અંગ બાસ સમાની. પ્રભુજી ચંદન છે, હું પાણી છું. આમ તો કશું ય સરખું નથી. પણ ચંદનની સુવાસ મારા અંગ અંગમાં સમાઈ જાય છે. 

ઇંગ્લિશ ભાષામાં સરખામણી અંગેનાં કેટલાંક રસપ્રદ મુહાવરા છે. કોઈ બે વ્યક્તિઓ કે વસ્તુઓ સાવ જ જુદા હોય, કોઈ સરખામણી થઈ જ ન શકે તેમ હોય તો આપણે કહીએ છીએ કે ઉત્તર દક્ષિણ છે. ઇંગ્લિશમાં એને માટે પૉલ્સ એપાર્ટ (Poles Apart) શબ્દો છે. ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ, યૂ સી. પણ એવા જ અન્ય મુહાવરા પણ છે જેમ કે ચૉક એન્ડ ચીઝ (Choke and Cheese). એક સાવ સૂકું અને બીજું અત્યંત ચીકણું. સ્વભાવ સાવ જુદા. બોલીવૂડનાં શ્રેષ્ઠ લગ્નજીવન પૈકી જેઓની ગણના થાય છે એ અક્ષય કુમાર અને ટ્વિંકલ ખન્ના બંને સ્વભાવે સાવ જુદા છે. બંનેનાં રાજકીય અભિપ્રાય એક બીજાથી સાવ અલગ છે. ટ્વિંકલ ખન્ના સામાજિક મુદ્દાઓ પર બેખૌફ પોતાના વિચારો રજૂ કરે છે, સરકારની ટીકા કરે છે. અક્ષય કુમારે મોદી સાહેબનો ઇન્ટરવ્યૂ કર્યો હતો ત્યારે મોદી સાહેબે કહ્યું હતું કે તેઓ અક્ષય કુમાર અને ટ્વિંકલ ખન્ના બંનેનાં ટ્વીટર એકાઉન્ટ જુએ છે. પછી હસતાં હસતાં અક્ષય કુમારને કહ્યું કે તમારા લગ્ન જીવનમાં તો શાંતિ જ રહેતી હશે કારણ કે તમારા પત્ની બધો ગુસ્સો સરકાર ઉપર જ કાઢી લે છે! ઈન્ડિયા ટૂડેએ લખ્યું હતું કે  બંને ચૉક એન્ડ ચીઝ છે પણ જુઓને, અસમાન ધ્રુવનાં લોહચુંબક એકબીજાને આકર્ષે છે. તદ્દન અસમાન સરખામણી માટે આ ઉપરાંત એપલ્સ એન્ડ ઓરેન્જીસ (Apples and Oranges) અને ડે એન્ડ નાઈટ (Day and Night)- એવા મુહાવરા પણ છે. કોઈ કહે કે ભણતર તો ભણતર છે સ્કૂલ અને કોલેજમાં શું ફેર? અરે ભાઈ! બંને સાવ જુદા છે. સ્કૂલમાં વિષય પસંદ થઈ નથી શકતા. કોલેજમાં એ સ્વતંત્રતા છે. પરીક્ષા પદ્ધતિ પણ ઘણી અલગ હોય છે. સ્કૂલમાં શિસ્ત ઘણી જ છે. કોલેજમાં... સઘળું ચાલે! જાવ ન જાવ. કેટલીક યુનિવર્સિટીઝમાં તો ક્લાસમાં વિદ્યાર્થીઓ ભણતાં ભણતાં નાસ્તો ય કરી શકે. આવી કોઈ કાયદાશાસ્ત્રની વિદ્યાર્થીની ઇન્ટર્નશિપ માટે હાઇકોર્ટમાં ગઇ હતી, ત્યાં ચાલુ સુનાવણીએ નાસ્તો કાઢીને ખાવા ગઇ તો જજ સાહેબે ગુસ્સે થઈ ગયા. કોર્ટની આમન્યા તો જળવાવી જોઈએ. યુનિવર્સિટી અને હાઇકોર્ટમાં પણ ફેર છે, સાહેબ. 

હવે એવી  કમ્પૅરિઝન હોય કે જેમાં બંને સરખા જ હોય તો? એને આપણે કાર્બન કોપી (Carbon  Copy) કહીએ છીએ. અથવા ઝેરોક્સ (Xerox) કોપી.  ઝેરોક્સ જો કે કોપીઅર મશીનનું નામ હતું પણ ફોટોકોપીની જગ્યાએ 'ઝેરોક્સ' શબ્દ આપણને કોઠે પડી ગયો છે. ઇંગ્લિશમાં પીઝ ઈન અ પૉડ (Peas in a Pod) એવો મુહાવરો પણ છે. એક શીંગનાં વટાણાં તો સરખા જ હોવાના. હવે કોઈ બે વ્યક્તિઓ કે બે વસ્તુઓ આમ અલગ લાગે પણ સરવાળે ઝાઝો ફેર ન હોય તો? સિક્કાની બે બાજુઓ અથવા ટૂ સાઇડ્સ ઓફ અ કોઈન (Two sides of a Coin) કહેવાય. અથવા કહેવાય સ્વિંગ્સ એન્ડ રાઉન્ડ અબાઉટ્સ (Swings and Roundabouts). હીંચકા અને ચકડોળ. એક ઉપર નીચે જાય અને બીજું ગોળ ગોળ ફરે. પણ સરવાળે બાળકોને રમવાની મઝા પડે. આમ એકંદરે ઝાઝો ફરક નથી. જેમ કે બે સફરજન. રંગ થોડો જુદો છે. પેદાશ પણ અલગ અલગ જગ્યાઓની હોય. કદાચ સ્વાદમાં થોડો ફેર હશે. કિંમતમાં ઝાઝો ફેર નથી. સ્વિંગ્સ એન્ડ રાઉન્ડ અબાઉટ્સ!  

સરખામણી કરવી જોઈએ. કોઇની સાથે નહીં. પોતાની સાથે. મરીઝ સાહેબે કહ્યું છે તેમ 'નવરાશ છે હવે જરા સરખામણી કરું, કેવો હતો અસલ હું, મને એ ચિતાર દે'. હું ક્યાં હતો? અને હવે ક્યાં છું? મને ખબર તો પડે કે મારે કેટલી મહેનત કરવી જરૂરી છે? પણ જો હું દેખાદેખી કરું તો મારી પોતાની ક્ષમતાનું હું અપમાન કરું છું. સરખામણી સૃજન ક્ષમતાને મારી નાંખે છે. વ્યક્તિ વિશેષતા માટે પણ એ ઘાતક છે. હું કોણ છું- એ બીજા નક્કી કરશે? દરેકની પોતાની મુસાફરી છે, પોતાની મુશ્કેલીઓ છે, પોતાની જીત છે, હાર છે. સરખામણી હું કરતો નથી. મારા માટે સરખામણી એ અળખામણી છે!

શબ્દ શેષ :

'સરખામણી ધૃણાજનક છે.' - વિલિયમ શેક્સપીયર, 'મચ એડો અબાઉટ નથિંગ'માં 

Gujarat