For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ડી જ્યુરે એન્ડ ડી ફેક્ટો : કાયદો અને હકીકત

Updated: Feb 27th, 2024

ડી જ્યુરે એન્ડ ડી ફેક્ટો : કાયદો અને હકીકત

- શબ્દસંહિતા-પરેશ વ્યાસ

- 'ડી ફેક્ટો' એટલે કોઈ વસ્તુ કાયદાનુસાર હોય પણ વાસ્તવિકતા કદાચ જુદી પણ હોય

કોઈને ના આપવું, લેવું નહીં, 

મારે નામ દાન કે દેવું નહીં.

- જયંત પાઠક

આવું કવિ કહી શકે પણ નેતા નહીં. ચૂંટણીમાં લડવા પૈસા જોઈએ, પેટી જોઈએ, ખોખાં જોઈએ, એનાથી ઓછું નહીં ! પહેલાં ચૂંટણી ફંડ સ્યૂટકેસમાં ભરાઈને રાજકીય પક્ષો સુધી પહોંચતું હતું. બ્લેક મની, યૂ સી ! પણ પછી વહીવટી પારદર્શિતાનાં સિદ્ધાંતને અનુસરીને મારો જન્મ થયો. મારું નામ પડયું... ધ નેઇમ ઇઝ બોન્ડ, ઇલેક્ટોરલ બોન્ડ ! સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા મારું મેટરનીટી હોમ. મારા જન્મદાતા મોટે ભાગે કોર્પોરેટ કંપનીઓ પણ તેમનું નામ અનામ. રાજકીય પક્ષને હું દાન પેટે દેવામાં આવી. મારી લાઈફ ૧૫ દિવસની. રાજકીય પક્ષો એ અવધિમાં મને વટાવી શકે. મારા જન્મદાતા વિષે કશું જ જાહેર નથી. પણ હું કાળું નાણું નથી. અને છતાં જુઓને, સુપ્રીમ કોર્ટે ચૂકાદો આપ્યો કે... હું ગેરકાયદેસર છું. મારું અનામીપણું હવે ૧૩ માર્ચે છતું થઈ જવાનું છે. ઇન્ડિયન એક્સપ્રેસનાં એક લેખમાં સુપ્રીમ કોર્ટનો આ ચૂકાદો ભારતની લોકશાહી માટે 'મિસજજમેન્ટ' છે, એવું પણ છપાયું. મને ક્યારેક વિચાર આવે છે કે કોઈ પણ કોર્પોરેટ રાજકીય પક્ષને દાન આપે જ શું કામ ? સ્વાભાવિક છે કે કશુંક બદલામાં મળે એવી અપેક્ષા તો હોય જ ઓ ઇશ્વર ભજીએ તને મોટું છે તુજ નામ ગુણ તારા નિત ગાઈએ. (પણ શા માટે ?) થાય અમારા કામ.. ! પહેલાં તો નફા કરતી કોર્પોરેટ જ મને જન્મ આપી શક્તી હતી. પછી તો સરકાર એવો કાયદો લાવી કે ખોટ કરતી કોર્પોરેટ પણ મને જન્મ આપી શકે. હવે જો કે સુપ્રીમ કોર્ટે મારી ઉપર ચોકડી જ મારી દીધી છે. હવે તો માહિતી અધિકાર સર્વોચ્ચ છે. સૌને ખબર તો પડે કે કોણ કોના ખોળે બેઠું છે ? આપ તો જાણો છો કે પોતાનું દળદર ફીટે એવી અપેક્ષા લઈને સુદામા કૃષ્ણને મળવા ગયા ત્યારે તાંદુલની પોટલી લઈને ગયા હતા. મોદી સાહેબે તાજેતરમાં જ કહ્યું કે એવી ઘટના આજે બની હોત અને કોઈએ વીડિયો ઉતારીને સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી કરી હોત તો ચૂકાદો આવત કે ભગવાન ભ્રષ્ટાચાર કરી રહ્યા છે. પણ કોર્પોરેટ કાંઈ સુદામા નથી અને હોય તો પણ આ તો જાણો છો કે એ તાંદુલનાં બદલામાં ભગવાન શ્રી કૃષ્ણએ સુદામાની ઝૂંપડીને મહેલમાં તબદીલ કરી દીધી હતી. એ જ રીતે હું પણ ઇલેક્ટોરલ બોન્ડ છું. અને મને દઈને કોર્પોરેટ એનાં બદલામાં રાજકીય પક્ષ પાસે કશુંક એવું જ ઇચ્છે છે, એ સ્વાભાવિક છે. નામદાર સુપ્રીમ કોર્ટેને આ જ વાંધો છે અને મને અનૌરસ સંતાન ઘોષિત કરતા ચૂકાદામાં પાંચ જ્જ સાહેબોએ બે લેટિન શબ્દોનો ઉપયોગ કર્યો. ડી જ્યુરે (De Jure) અને ડી ફેક્ટો (De Facto). તેઓએ કહ્યું કે મારા જન્મદાતા કોર્પોરેટનું નામ જાહેર થાય તો મતદારોને ખબર પડે કે ચૂંટણી ફંડમાં દાન સંદર્ભે સરકારે નીતિમાં એવો ફેરફાર કર્યો કે જેનાથી મારા જન્મદાતા કોર્પોરેટને લાભ થાય. વહીવટ પારદર્શક હોવો જોઇએ ! સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું કે મારા જન્મદાતાની ઓળખ ડી જ્યુરેની દૃષ્ટિએ ખાનગી છે પણ ડી ફેક્ટો જોઈએ તો રાજકીય પક્ષ, ખાસ કરીને શાસક પક્ષને ખબર પડી જાય કે આ દાનેશ્વરી કોણ છે ? સ્ટેટ બેન્ક અમથી ય સરકારી બેન્ક છે. સરકારને તો ખબર પડે જ ને કે કોણ, કોને કેટલાં પૈસા આપ્યા ? ટૂંકમાં, સીસ્ટમ ફૂલપ્રૂફ નથી. હું ગેરકાયદેસર ભલે નથી પણ હું ગેરબંધારણીય છું. એવું સુપ્રીમકોર્ટ કહે છે. આપણે અલબત્ત શબ્દોનો અર્થ સમજવાનો છે.

ગુજરાતી લેક્સિકન અનુસાર 'ડી જ્યુરે '(ઉચ્ચાર ડીજુઅરિ પણ થાય છે) એટલે હક પ્રમાણેનું, અધિકારની રૂએ, કાયદા અનુસાર. 'જ્યુર' એટલે કાયદો અને 'ડી' એટલે અનુસાર. સુપ્રીમ કોર્ટ પણ એમ જ કહે છે. ઇલેક્ટોરલ બોન્ડ કાયદા અનુસાર તો છે. પણ વાસ્તવિકતા અલગ છે. 'ડી ફેક્ટો' એટલે કોઈ વસ્તુ કાયદાનુસાર હોય પણ વાસ્તવિકતા કદાચ જુદી પણ હોય. 'ફેક્ટો' એટલે હકીકત. ટૂંકમાં કાયદાપોથીઓમાં લખ્યું હોય એ સઘળું 'ડી જ્યુરે. પણ ૧૪ વર્ષો સુધી ગાદી પર રામની પાદુકા રાખીને ભરતે ડી ફેક્ટો રાજ કર્યું. કોઈ દેશમાં મિલીટરી બળવો થાય. ચૂંટાયેલી ડી જ્યુરે સરકારને તગેડી મૂકાય પછી જે સરકાર આવે એ ડી ફેક્ટો સરકાર. ભારત દેશમાં દહેજ પ્રથા ડી જ્યુરે ગેરકાયદેસર પણ ડી ફેક્ટો લેણદેણ થતી રહે છે. એક અન્ય ઉદાહરણ. ઘરમાં કેટલાં લોકો રહે ? એવો સવાલ પૂછો તો જવાબ મળે. ચાર. માતા પિતા અને એક દીકરો અને દીકરી, કુલ ચાર. એક રસોડે જમે. એકબીજાનું ધ્યાન રાખે. મદદ કરે. પ્રેમ કરે. આ ડી જ્યુરે. પણ ગઈકાલે મુંબઈથી ચાર વ્યક્તિઓ મહેમાન બનીને આવ્યા. હવે પૂછો કે ઘરમાં કેટલાં લોકો ? તો જવાબ આઠ. આ ડી ફેક્ટો. મહેમાન આવ્યા પછી આઠ લોકો ઘરમાં રહે છે એ હકીકત. લિવ-ઇન-રીલેશનશીપમાં છોકરો અને છોકરી પરણ્યાં નથી પણ સાથે રહે છે. ડી જ્યુરે આ લગ્ન નથી. પણ ડી ફેક્ટો ? તેરે મેરે બીંચમે કૈસા હૈ યે બંધન અંજાના.. 'ધણી એટલે પતિ, માલિક, ઇશ્વર. ધાર્યુ ઘણીનું થાય. એ ડી જ્યુરે પણ ધાર્યુ ધણિયાણીનું થાય, એ ડી ફેક્ટો !'

આખરે તો આ તર્ક છે. અને સાહેબ, અહિંસક રીતે કાયદો તોડવાની જે મઝા છે એ તો જે તોડે એ જ જાણે. સુપ્રીમ કોર્ટ ભલેને પછી આકરા પાણીએ હોય. હેં ને ?

શબ્દશેષ : 'તર્કમાં ડી જ્યુરે કોઈ ત્રુટિ નથી પણ ડી ફેક્ટો જોઈએ તો તર્ક રજૂ કરનારાઓ પોતે ત્રુટિરહિત હોતા નથી.'

- ફિલસૂફ પીટર કિલફ

Gujarat