For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

મારું જીવન મારી સેન્ડવિચ! .

Updated: Mar 26th, 2024

મારું જીવન મારી સેન્ડવિચ!                                  .

- શબ્દસંહિતા-પરેશ વ્યાસ

- કલ, આજ અને કલનાં બે 'કલ'ની વચ્ચે 'આજ' ભીંસાય- એ સેન્ડવિચ જનરેશન.

बोइल्ड मेश्ड बटाटम्

स्मोल गोल आकारम्

बेसनस्य बेटर लपेटम्

तेलाप डीप डीप फ्रायम्

बर्गर बन सें डविच पावम्

मिर्ची चटणी सवे सर्व्हम्

- अज्ञात

આ નંદો! દુનિયાભરની સ્વાદિષ્ટ સેન્ડવિચની સ્પર્ધામાં આપણાં વડાપાઉં ટોપ ટ્વેન્ટીમાં આવી ગયા. શ્રદ્ધા કપૂરે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું કે યે ખબર દિલકો છૂ ગઇ. હમારા વડાપાઉં દુનિયાભરમેં નામ રોશન કર રહા હૈ. મહારાષ્ટ્ર ટૂરિઝમ તો કહે જ છે કે વડાપાઉં માત્ર ફૂડ નથી, એ એક લાગણી છે. પણ કેટલાંક ચાહકોને લાગ્યું કે વડાપાઉં તો વડાપાઉં છે, એનો પોતાનો એક ક્લાસ છે, એ સેન્ડવિચ નથી. અમને થયું કે ચાલો, વડાપાઉંનાં સંદર્ભમાં સેન્ડવિચ શબ્દનું સંશોધન કરીએ. શી ખબર, એમાંથી કોઈ જવાબ મળે.

સેન્ડવિચ (Sandwich)  ઈંગ્લેન્ડનાં કેન્ટ પ્રદેશનાં એક નગરનું નામ છે. એના  અમીરઉમરાવ 'અર્લ' કહેવાય છે. જ્હોન મોન્ટાગ્યુ સેન્ડવિચ નગરનાં અર્લ બન્યા ત્યારે એની ઉંમર માત્ર દસ વર્ષની. પછી મોટા થયા ત્યારે અનેક સરકારી ઉચ્ચ હોદ્દા ઉપર બિરાજ્યા પણ આજે તેઓને આ હોદ્દા માટે નહીં પણ સેન્ડવિચનાં શોધક તરીકે યાદ કરવામાં આવે છે. સને ૧૭૬૨ની વાત છે. તેઓ રીઢા જુગારી પણ હતા. એક દિવસ પત્તાની રમત ખૂબ લાંબી ચાલી. જુગારનું ટેબલ છોડી જવાની અર્લને જરાય ઈચ્છા નહીં પણ ભૂખ લાગી તો શું કરે? એણે નોકરને આદેશ કર્યો કે બે બ્રેડની વચ્ચે માંસની સ્લાઈસ મૂકીને લઈ આવ. એટલે એમ કે ફૂડ આઇટેમને એક હાથમાં પકડીને ખાઈ શકે અને બીજા હાથે પત્તાની રમત રમી શકે. ઉપર નીચે બ્રેડની સ્લાઈસ હોય એટલે માંસનાં તૈલી પદાર્થથી હાથ ચીકણાં થવાની ચિંતા નહીં. ઉચ્ચ કુળમાં તે સમયે છરી કાંટા વિના, હાથથી ખાવું અભદ્ર ગણાતું. પણ સેન્ડવિચ નગરનાં અર્લ આ રીતે ખાતા એટલે સૌ મિત્ર વર્તુળ પણ એવું કહેવા લાગ્યા કે અમને પણ આપો, આ અર્લ ઑફ સેન્ડવિચનાં જેવું ખાવાનું. અને એટલે એ ફૂડ આઇટેમનું નામ પડયું સેન્ડવિચ. વોલ સ્ટ્રીટ જનરલ અનુસાર પાકશાસ્ત્રનાં વિષયમાં ગ્રેટ બ્રિટન દ્વારા દુનિયાને આપેલું સૌથી મહાન પ્રદાન સેન્ડવિચ છે.

સેન્ડવિચ સાચે જ મસ્ત મસ્ત ચીજ એટલાં માટે છે કે એ ખાવામાં ન તો તમને ડિસ જોઈએ, ન તો છરી, કાંટા કે ચમચા. એ પ્યોર વાનગી છે, જે હાથથી પકડીને મોંમાં સીધી આરોગી શકાય છે. અમારા એક મિત્ર એનો ગુજરાતી અનુવાદ 'રેતીની ડાકણ' કરતાં. અહીં 'વિચ' (Witch)એટલે ડાકણ એવો સ્પેલિંગ જો કે નથી. પણ 'સેન્ડ' એટલે રેતી એવો અર્થ જરૂર છે.  વિચ (Witch) એટલે રહેણાંક અથવા એવું મકાન જ્યાં ધંધો થતો હોય. સેન્ડવિચ નગરનું નામ આ રીતે પડયું હતું; પણ હવે તો સેન્ડવિચ શબ્દ સંભળાય એટલે ખાવાની આઇટેમ જ યાદ આવે. હા, એક અર્થ એવો પણ છે કે બે વ્યક્તિઓ, બે વિષયો  કે બે વસ્તુઓ વચ્ચે ભીંસાવું એટલે સેન્ડવિચ થઈ જવું! એક આખી પેઢી ય એવી છે. માબાપનું ય સાંભળવાનું અને છોકરાઓનું ય સાંભળવાનું. કલ, આજ અને કલનાં બે 'કલ'ની વચ્ચે 'આજ' ભીંસાય- એ સેન્ડવિચ જનરેશન. કોઈ યુવાન પ્રેમી બે પ્રેમિકાઓ વચ્ચે દબાતો હોય તો એ ય સેન્ડવિચ કહેવાય. ફિલ્મ 'કભી કભી'માં વિકી (ઋષી કપૂર) ડાઈનિંગ ટેબલ ઉપર બેઠો છે. એની એક બાજુ પિન્કી (નીતુ સિંઘ) અને બીજી બાજુ સ્વીટી (નસીમ) હોય છે. વિકી પિન્કીને પ્રેમ કરે છે અને સ્વીટી વિકીને. જ્યારે સામે બેઠેલાં અમીત મલ્હોત્રા (અમિતાભ બચ્ચન) વિકીને એની અસુવિધાનું કારણ પૂછે છે તો સેન્ડવિચ સામે જોઈને એ જવાબ આપે છે કે સેન્ડવિચ ભી ક્યા ચીજ હૈ...ઉપર ડબલ રોટી, નીચે ડબલ રોટી ઔર બીચમેં બિચારે ટમાટર! અમેરિકન લેખક પેજેટ પોવેલ કહેતા કે પથારીમાં પેશાબ થઈ જાય એવી બે સમયગાળા વચ્ચેની પ્રવૃત્તિઓની સેન્ડવિચ એટલે આપણી આ જિંદગી! 

વડાપાઉં સેન્ડવિચ નથી. પાઉં પોર્ટુગીઝ શબ્દ 'પાઓ' પરથી આવ્યો છે. જો કે ઘણાં એવું પણ માને છે કે પાઉંનો લોટ પગથી ગૂંદીને બંધાતો એટલે એને પાઉંરોટી કહે છે. વર્ષો પહેલાં મુંબઈમાં મીલ કામદારો માટે બટાકાવડાં અને બટાકાપૌંઆ વેચાતા. એક વાર ગ્રાહકને બટાકાવડાં આપવાની ડિસ નહોતી. વેચનારે બાજુની બેકરીમાંથી પાઉં લીધા અને એની વચ્ચે મૂકીને બટાકાવડાં આપ્યા અને આમ વડાપાઉંની શોધ થઈ. આને  સેન્ડવિચ કેવી રીતે કહેવાય? અમેરિકન ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન અનુસાર જેમાં ઓછામાં ઓછું ૩૫% રાંધેલું માંસ હોય અને બ્રેડનો ભાગ ૫૦% થી વધુ ન હોય એ જ ઓપન સેન્ડવિચ કહેવાય.  બ્રિટિશ સેન્ડવિચ એસોસિએશનની વ્યાખ્યા અનુસાર કોઈ પણ બે બ્રેડનાં ટૂકડાઓ વચ્ચે ઠંડુ પૂરણ હોય એ સેન્ડવિચ. એસોસિએશનની વ્યાખ્યા અનુસાર 'હોટડોગ' જેવી આઇટેમ -જે ગરમાગરમ પીરસાય છે- એ સેન્ડવિચ નથી. જો હોટડોગ સેન્ડવિચ નથી તો વડાપાઉં કેવી રીતે સેન્ડવિચ હોઈ શકે? આમ તો રોટલી સાથે શાક ખાઈએ એ ય સેન્ડવિચ થઈ જાય. એ જે હોય તે પણ વડાપાઉંની આંતરરાષ્ટ્રીય સ્તરે નોંધ લેવાઈ એટલે એ ખાવાથી હવે ગીલ્ટી ફીલ નહીં થાય. વડાપાઉં 'એની ટાઈમ' ફૂડ છે. સવાર, બપોર, સાંજ ગમે ત્યારે ખાઈ શકાય. વડાપાઉં 'એવ્રીવ્હેર' મળે છે. ખરીદવા ઝાઝું દૂર જવું ન પડે. કિંમત સૌને પોષાય. પેટ પણ ભરાઈ જાય. અને સ્વાદિષ્ટ તો ખરા જ. જોઈને મોંમાં પાણી આવે પણ વડાપાઉં/સેન્ડવિચ દેખીતી રીતે અપપૌષ્ટિક અને અસાત્વિક છે. સિવાય કે મોદી સાહેબની પ્રેરણાથી કોઈ જણ મિલેટ રોટી વચ્ચે ફણગાવેલા કઠોળ મૂકીને ખાય તો એ સેન્ડવિચની વાત જુદી છે. 

કહે છે કે સંબંધમાં સેન્ડવિચ સિદ્ધાંતને અનુસરવું. સામાન્યતઃ કોઇની ટીકા કરવી નહીં. કરવી પડે તેમ હોય તો ટીકાને વખાણની બે બ્રેડની સ્લાઈસ વચ્ચે મૂકીને કરવી!   

શબ્દ સંહિતા :

'જિંદગી મઝાની છે જ્યારે તમારા હાથમાં સ્વાદિષ્ટ સેન્ડવિચ છે.' - કેનેડિયન એક્ટર કેનૂ રીવ્સ

Gujarat