For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

મેસ્મેરાઈઝિંગ : મંત્રમુગ્ધ .

Updated: Jan 23rd, 2024

મેસ્મેરાઈઝિંગ : મંત્રમુગ્ધ                                     .

- શબ્દસંહિતા-પરેશ વ્યાસ

- હવે કોઈ વ્યક્તિ તમને મેસ્મેરાઈઝિંગ લાગે તો એનાં કારણોમાં એનો આત્મવિશ્વાસ, એની પ્રતિભા, એની બુદ્ધિમતા, એની અનુકંપા અને એનો જોશ હોઈ શકે.

ઝાકળ વચ્ચે તડકો કે આ ૨મે તમારું રૂપ.

ભીતર દરિયા ખળભળતા ને તમે કિનારે ચૂપ.

-ફિલિપ ક્લાર્ક

આજનો શબ્દ  મેસ્મેરાઈઝિંગ (Mesmerizing) ભારતનાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબનો પ્રિય શબ્દ છે. ગાયિકા સ્વાતિ મિશ્રાનાં ભજન 'રામ આયેંગે' મેસ્મેરાઈઝિંગ છે એવું તેઓએ એક્સ (ટ્વીટર) પર લખ્યું હતું. થોડા દિવસો પહેલાં તેઓ લક્ષ્યદ્વીપ ગયા હતા. ઈકોનોમિક ટાઈમ્સમાં છપાયેલાં સમાચારનું શીર્ષક હતું : 'સ્નોર્કલિંગ, મોર્નિંગ વોક ઓન બીચિસ : પીએમ મોદી ડીસ્ક્રાઈબ્સ એઝ મેસ્મેરાઈઝિંગ એક્સપિરિયન્સ'. સ્નોર્કલિંગ કરીને પાણીમાં રંગબેરંગી માછલીઓને ઝૂંડમાં તરતા જોવું તેમજ સાગર કિનારે સવારે ટહેલવું-ની પ્રવૃત્તિઓ તેઓને મેસ્મેરાઈઝિંગ લાગી હતી. પછી અલબત્ત માલદીવ્સ વિરુદ્ધ લક્ષ્યદ્વીપનાં સમાચાર  સંદર્ભે સૌ કોઈ મીડિયા/સોશિયલ મીડિયામાં તલવાર લઈને કૂદી પડયા છે. ખેર, મોદી સાહેબે આપણાં અમદાવાદનાં ફ્લાવર શૉને પણ એક્સ (ટ્વીટર) સોશિયલ મીડિયા પર મેસ્મેરાઈઝિંગ ઠરાવતા કહ્યું કે નવા ભારતની વિકાસ યાત્રાની આવી ઝાંખી સૌને આકર્ષે તેવી છે. ગુજરાતી લેક્સિકન અનુસાર 'મેસ્મેરાઇઝ' એટલે દરદીમાં પેદા કરેલી મોહાવસ્થા, સંમોહન વિદ્યા, વશીકરણ કરવું. આ અર્થ કદાચ બરાબર હશે પણ અમને બંધબેસતા લાગતા નથી. કશુંક સરસ સાંભળ્યું કે જોયું અને તમે મંત્રમુગ્ધ થઈ ગયા- એ છે મેસ્મેરાઈઝિંગ શબ્દનો સાચો અર્થ. તેરે ચહેરે સે નજર નહીં હટતી, નઝારે હમ ક્યા દેખે.. માશૂકનો ચહેરો મેસ્મેરાઈઝિંગ છે. યૂ સી! ભગવદ્ગોમંડલ અનુસાર મૂળ સંસ્કૃત ભાષામાંથી આવેલો શબ્દ મંત્રમુગ્ધ એટલે મંત્રથી મુગ્ધ થયેલ, મંત્રથી દિંગ થયેલ, મંત્રથી મોહ પામેલ, મંત્ર વડે બેભાન થયેલ, મંત્ર કે બીજા કશાથી તેના જેવી અસર પામેલ, દિઙમૂઢ, ચકિત. ગુજરાતી શબ્દ 'દિંગ' અને 'દંગ' એક જ છે. આપણે ચકિત થઈએ, આપણને નવાઈ લાગે, આપણે આભા થઈ જઈએ તે.   

આપણે અલબત્ત ઇંગ્લિશ શબ્દ 'મેસ્મેરાઈઝિંગ'ની જન્મકુંડળી માંડવાની છે. મેસ્મેરાઈઝિંગ શબ્દ ઇપોનીમ છે. ઇપોનીમ એટલે કોઈક વ્યક્તિ કે જગ્યાનું નામ જે પછી ભાષાનો શબ્દ બની જાય. ઑસ્ટ્રિયન ફિજિશ્યન ફ્રાન્ઝ એન્ટોન મેસ્મેર (૧૭૩૪-૧૮૧૫) દ્વારા એક થીયરી રજૂ થઈ કે જેમાં એવું કહેવામાં આવ્યું કે એક વ્યક્તિ બીજી વ્યક્તિનાં ચેતાતંત્ર ઉપર, એની ઈચ્છાઓ ઉપર કાબૂ મેળવી શકે, એવું શક્ય છે. અન્ય વ્યક્તિઓને વશીભૂત કરવાની પણ એક કલા હોય છે. આપણે જેને હિપ્નોટાઈઝ કહીએ છીએ. મેસ્મરે એને 'એનિમલ મેગ્નેટિઝમ' (પ્રાણી ચુંબકત્વ) નામ આપ્યું હતું.  મેસ્મરનો દાવો હતો કે દાંતનાં દુ:ખાવાથી લઈને બહેરાશ જેવી અનેક બીમારીની સારવાર આ પદ્ધતિથી કરી શકાય છે. ફ્રાન્સની રાણી મેરી એન્ટોઈનેટ સહિત ઘણાં નોંધપાત્ર લોકોનો મેસ્મરને સાથ મળ્યો. અલબત્ત એનાં ટીકાકારો પણ હતા. વળી ઉચ્ચ કક્ષાએ બેઠેલાં કેટલાંક સત્તાધારીઓ પણ મેસ્મરનાં દુશ્મન બની ગયા. તેઓએ મેસ્મેરને નીમહકીમ કે ઘોડાડોકટર તરીકે પણ ઠેરવ્યો હતો. એ જે હોય તે, પણ એ નક્કી કે મેસ્મેરાઈઝિંગ શબ્દ મેસ્મેર અટક પરથી જ આવ્યો છે. શરૂઆતમાં મેસ્મેરાઈઝિંગ એટલે વશીકરણ (હિપનોટાઈઝ) કરે એવો અર્થ હતો. પણ હવે આ શબ્દ 'અચંબિત કરે એવું (એમેઝિંગ)' અથવા 'ચિત્તાકર્ષક (કેપ્ટિવેટિંગ)'નાં અર્થમાં વપરાય છે. 

કોઈ દ્રશ્ય મેસ્મેરાઈઝિંગ હોય. કોઈ શ્રાવ્ય પણ મેસ્મેરાઈઝિંગ હોય. ટૂંકમાં પાંચે ય જ્ઞાાનેન્દ્રિયથી કશુંક મનોરમ્ય કે મોહક લાગે એ મેસ્મેરાઈઝિંગ.  એક લડકીકો દેખા તો ઐસા લગા... કશીક એવી ભૂરકી નાંખે કે એ જ દેખાય અને અન્ય કોઈ દેખાય જ નહીં. એ યાદ રહે કે મેસ્મેરાઈઝિંગ હંમેશા પોઝિટિવ ફીલિંગ છે. નેગેટિવ ફીલિંગ માટે ઇંગ્લિશ ભાષામાં સ્ટન્ન્ડ (જીોહહીગ) શબ્દ છે. હવે કોઈ વ્યક્તિ તમને મેસ્મેરાઈઝિંગ લાગે તો એનાં કારણોમાં એનો આત્મવિશ્વાસ, એની પ્રતિભા, એની બુદ્ધિમતા, એની અનુકંપા અને એનો જોશ હોઈ શકે. સેન્સ ઓફ હ્યુમર અને બોડી લેંગ્વેજ પણ વ્યક્તિને મેસ્મેરાઈઝિંગ બનાવવામાં મદદરૂપ થાય છે. હું એવા અનેક લોકોને જાણું છું જે મોદી સાહેબથી મેસ્મેરાઇઝ થઈ ગયા છે. તેઓની સામે મોદી સાહેબ વિષે જરા ય આડી અવળી વાત કરો તો તમારી વાટ લાગી જાય! મોદીનાં ટીકાકાર આજકાલ દેશદ્રોહી ગણાઈ જતાં હોય છે. હવે જુઓને, મોદી સાહેબે કોઈ પણ ભારતીયને માલદીવ્સ જવાની ના તો પાડી નથી પણ તમે જઈ તો જુઓ..અને જઈ આવો તો તમે પોતાને કોઈ અક્ષમ્ય અપરાધ કર્યાની લાગણી થઈ આવે. રામમંદિરનાં પ્રાણપ્રતિષ્ઠા સમારોહમાં આખો દેશ ભક્તિમય થયો. રામ તો કારણ છે જ પણ મોદીનું વ્યક્તિત્વ પણ ચોક્કસ મેસ્મેરાઈઝિંગ છે. પોઈન્ટ ટૂ બી નોટેડ ડીયર રીડર કે આવી લાગણી અલબત્ત ભાજપા સહિત દરેક પક્ષનાં અન્ય રાજકારણીઓ માટે જરાય નથી. એ સઘળાં તો દેશને લૂંટવા બેઠાં છે. બધા જ ચોર છે ચોર, એવું લોકો માને છે. પણ મોદી એટલે... મોદી. આ સાર્વત્રિક મંત્રમુગ્ધતાની સ્થિતિનું સર્જન થઈ ચૂક્યું છે. સોશિયલ મીડિયાનાં દરેક ચોરે અને દરેક ચૌટે આ જ ગુણગાનનું અસ્ખલિત ગાયન ચાલુ છે. વહેતી ગંગામાં સૌ કોઈ આચમન કરી લેવા તત્પર છે. આમ પણ મેસ્મેરાઈઝિંગ શબ્દ ફ્રાન્ઝ મેસ્મેરનાં નામ પરથી આવ્યો છે. મને લાગે છે કે ભક્તજનો હવે મેસ્મેરાઇઝ માટે 'મોદીમુગ્ધ' નામક નવો શબ્દ સર્જે તો નવાઈ નથી. અમે અલબત્ત શબ્દને સમજાવીએ છીએ. એક વિદ્વાન મિત્રએ દાખલો આપીને શબ્દને સમજાવવા અમને સલાહ આપી હતી. મેસ્મેરાઈઝિંગ શબ્દ માટે સાંપ્રત સમયમાં અમને નરેન્દ્ર મોદીથી વધારે ઉપર્યુક્ત દાખલો મળતો નથી. હા, એક જમાનામાં મોહન જરૂર હતા. એક વાંસળીવાળા અને બીજા રેંટિયાવાળા. એ ચોક્કસ છે કે એમ મેસ્મેરાઈઝિંગ વ્યક્તિવનું  હોવું આસાન નથી. અંગત સ્વાર્થ જ્યારે હોય નહીં અને લોકોનાં હિત માટે એ વ્યક્તિ પાસે અમર્યાદ સમય હોય અને અપાર શક્તિ હોય તો જ લોકો મંત્રમુગ્ધ થતાં હોય છે.  

શબ્દ શેષ :

'તમે એવી જિંદગી જીવતા હો કે તમારા પોતાનાં બાળકો પણ તમારાથી મંત્રમુગ્ધ ન થાય  તો તમારું જીવવું વ્યર્થ છે.'  - અજ્ઞાત

Gujarat