પોપુરી : સુગંધી સૂકી ફૂલ પાંદડીઓ ઉપરાંત એક ઊલટો અર્થ પણ..


- શબ્દસંહિતા-પરેશ વ્યાસ

- અઢારમી સદીમાં આ જ દુર્ગંધવાચક શબ્દ ફૂલોની સુગંધમાં બદલાઈ ગયો. 

ઉંચકી સુગંધ એક ઊભું ગુલાબ

એની વેદનાની વાતોનું શું?

કાંટાંથી છોલાતી લાગણી ને સપનાંઓ

ઉંઘ છતાં જાગવાનું શું?- 

- ભાગ્યેશ જહા

દિ લ્હીમાં એક રૂમનો ફ્લેટ, જેમાં મે મહિનાથી બે જણ ભાડેથી રહે. એક છોકરો, ઉંમર વર્ષ ૨૮, નામ ઃ આફતાબ પૂનાવાલા. બીજી છોકરી, ઉંમર વર્ષ ૨૭, નામથી શ્રદ્ધા વાલ્કર. મૂળ મુંબઈનાં, ત્યાંથી ભાગીને આવ્યા પછી તેઓ અહીં રહેતા હતા. સંબંધ? લિવ-ઇન પાર્ટનર.લિવ-ઇન પાર્ટનર એટલે? એટલે એમ કે ગુલઝાર સાહેબનાં શબ્દોમાં 'પ્યારકો પ્યાર હી રહેને દો, કોઈ નામ ન દો'. લગ્નનાં બંધન વિના જોડે રહેજો રાજ ગીત ગાતા ગાતા મુક્ત મન અને મુક્ત તનથી જલસા કર્યા કરવા તે. તેઓ સાવ જિહાલ-એ-મિસ્કીન તો નહોતા. જિહાલ એટલે હાલત અને મિસ્કીન એટલે ગરીબ વ્યક્તિ. પણ તેઓ પૈસાદાર પણ નહોતા. કોઈ ફિલ્મી સ્ટોરીની જેમ- પ્રેેમમાં પૈસા ન હોય તો ચાલે. હેં ને? અને જિહાદ-એ-લવ? હોઈ શકે. પણ આડોશપાડોશમાં રહેતા લોકોએ છોકરીને શરૂઆતનાં ત્રણ દિવસ પછી ક્યારેય પણ જોઈ નહોતી. આફતાબનો ઇન્સ્ટાગ્રામ પર એક ફૂડબ્લોગ, નામે'હન્ગ્રી છોકરો' છે, જેનાં ૨૮૫૦૦ તો ફોલોઅર્સ છે. આફતાબ મૂળે ખાનસામો અને પોતાને ખાણીપીણીનો શોખ. મટન ખીમો બનાવાતા એને આવડે એટલેએણે પાર્ટનરની ઠંડે કલેજે હત્યા કર્યા પછી એની લાશનાં શ્રદ્ધાપૂર્વક ઝીણા ઝીણા ટૂકડા કર્યા, ફ્રીજમાં ભર્યા અને એની દુર્ગંધ અટકાવવા ધૂપ, અગરબત્તી કર્યા અને સાથે એક બાઉલમાં પોપુરી પણ ભરી. સૂકાયેલા સુગંધી ફૂલોની પાંદડીઓ. શ્રદ્ધાનો વિષય હોય તો  પુરાવાની શી જરૂર?  એટલે શરીરનાં ટૂકડાઓ એ ક્રમશઃ નિર્જન સ્થળે વેરતો ગયો. પણ એ પકડાયો. હત્યાની ઘટના પરથી પડદો આહિસ્તા આહિસ્તા ઉઘડયો. નિકલતા આ રહા હૈ આફતાબ આહિસ્તા આહિસ્તા.. ગુનો ઉઘાડો પડયો. હવે આ સમાચાર બહુચર્ચિત બની ચૂક્યા છે. આમ પણ ક્રાઇમ તો નહીં પણ ક્રાઇમનાં સમાચાર આપણને ગમે છે. કેમ? ખબર નથી. કદાચ ગુનો છૂપાવવાની કોશિશ અને પછી પકડાઈ જવું વગેરે વાત આપણને સનસનીખેસ હૈરતઅંગેઝ લાગે છે. આજે એવા શબ્દની વાત કરવી છે જે સુગંધીદાર છે. પુરાવા પર ઢાંકપીછોડો કરવા જેનો સમાચારમાં ઉપયોગ થયો છે. દુર્ગંધ આપણને ગમતી નથી. સુગંધ ગમે છે. આજનો શબ્દ સુગંધીદાર છે, ભલે એ ગુનાનાં સમાચારમાંથી આવ્યો છે. 

પોપુરી (Potpourri) શબ્દ મૂળ ફ્રેંચ શબ્દ છે. પ્રસ્તુત ફોટો આફતાબનાં  ફ્લેટની ઓરિજિનલ સુગંધી ફૂલપાંદડીનો છે. પોપુરી શબ્દનાં સ્પેલિંગમાં ટી સાયલન્ટ છે. એટલે એ બોલાતો નહીં. ગુજરાતી લેક્સિન એનો અર્થ 'ગુલકંદ' એવો કરે છે પણ એ અર્થ સદંતર ખોટો છે. ગુ.લે.માં ગુજરાતી 'ગુલકંદ' શબ્દ છે. ગુલકંદ એટલે ગુલાબનાં ફૂલોની પાંખડીઓનો ખાંડ ભેળવી અને તડકો આપી કરવામાં આવતો ગુણકારી આથો (આ બનાવતાં પાંખડીઓનો ૧ થર, એના ઉપર ખાંડનો ૧ થર, એ પ્રમાણે ટોપના મથાળા સુધી થરો કરવામાં આવ્યા પછી વાસણ ઉપર કપડું બાંધી તડકામાં કેટલાક દિવસ રાખવામાં આવે છે.) હે પ્રિય ગુલે, પોપુરી શબ્દનો આ અર્થ નથી જ નથી. હા, સૂકાયેલાં ફૂલોની પાંદડીઓ જેમાં સુગંધ હજી બાકી હોય અથવા એની ઉપરકોઈ સુગંધી દ્રવ્ય છાંટયું હોયકે જેથી પોપુરીની બરણી કે બોક્સ જ્યાં રાખ્યું હોય એ ઓરડો સદા મઘમઘતો રહે- એવો અર્થ ચોક્કસ છે.ફૂલોની પાંદડીઓ ઉપરાંત જડીબૂટી કે મરીમસાલાની પણ આવા પોપુરીમાં સેળભેળ કરવામાં આવે છે. એ વાત અલગ છે કે કોઈ કોઈને એવી સુગંધી ન પણ ગમે. પણ પોપુરી શબ્દને તપાસીએ તો સુગંધ અને દુર્ગંધ-એમ બંને અર્થનું મૂળ અહીં આ શબ્દમાંથી નીકળે છે.  અગાઉ લખ્યું એમ આ ફ્રેચ શબ્દ છે, જેનો સત્તરમી સદીમાં અર્થ થતો હતો ઃ 'પ્યૂટ્રિડ પોટ' ઉર્ફે કહોવાયેલું, સડેલું, ગંધાતું પાત્ર. એક પ્રકારની બાફેલા માંસની વાની, જે ગંધાતી હોય- એવો અર્ર્થ ત્યારે થતો. પણ પછી અઢારમી સદીમાં આ જ દુર્ગંધવાચક શબ્દ ફૂલોની સુગંધમાં બદલાઈ ગયો. તે સમયે લખાયું હતું કે 'એક બીજા ઉપર વ્યંગ કરતાં મહાનુભાવોનો વાણીવિલાસ જાણે સુગંધ અને દુર્ગંધનાં વિવિધ ફૂલો અને એ એટલે પોપુરી'. એટલે એમ કે આફતાબ-શ્રદ્ધાનાં સાંપ્રત સમાચારનાં સંદર્ભમાં જો આપને સુગંધ કરતા દુર્ગંધ વધારે અનુભવાતી હોય તો આપે પોપુરી શબ્દનાં મૂળ સુધી જવું જોઈએ. આપોઆપ બદબૂ આવી જ જશે! પોતાની જ સાથીને મારીને એનાં શરીરનાં માંસનાં ટૂકડાં કરતાં રહેવા અને નિર્જન સ્થળે વેરતા રહેવા- એ પોપુરીનાં ઓરિજિનલ અર્થ પ્યૂટ્રિડ પોટ ઉર્ફે કહોવાયેલું, સડેલું, ગંધાતું પાત્રને દર્શાવે છે.

પોપુરીનો એક અન્ય અર્થ પણ છે. ગુજરાતી લેક્સિકન અનુસાર એ છે ઃ  સંગીત કે સાહિત્યનો પરચૂરણ સંગ્રહ. મસૂરીમાં રહેતા ઇન્ડો-બ્રિટિશ લેખક રસ્કિન બોન્ડની ટૂંકી વાર્તાઓનાં સંગ્રહનું નામ 'પોપુરી' છે. અલગ અલગ સૂર છે આ વાર્તાઓમાં, ક્યાંક વાસ્તવિક વાતો, ક્યાંક અલૌકિક વાતો, કોઈ વાર્તામાં પ્રેમ તો કોઈમાં નફરતની પરાકાષ્ટા. એટલે વાર્તાસંગ્રહનું શીર્ષક 'પોપુરી' છે કારણ એમાં સંગ્રહિત વાર્તાઓનો થીમ વિવિધતાસભર છે. ઇંગ્લિશ શબ્દ મેડલી (Medley) આપણે જાણીએ છીએ. જુદી જુદી વસ્તુઓનું મિશ્રણ. સંગીતમાં ગાયક ઘણાં બધા ગીતોનાં ટૂકડા ( કે મુખડાં!) સળંગ ગાઈ જાય, એ મેડલીને ય પોપુરી કહેવાય છે. માઇકલ જેક્સન યાદ છે? અમેરિકન ગાયક, ગીતકાર, નર્તક. કિંગ ઓફ પોપ મ્યુઝિક.

 એ કહેતો કે 'હું હંમેશા સંગીતની પોપુરી લખું છું. મહાન સંગીતનાં કૌતુક થકી હું દુનિયાને પલાયનવાદની ભેટ આપવા માંગું છું અને એ રીતે હું બહોળા જનસમુદાય સુધી પહોંચવા માંગુ છું.' પલાયનવાદ શબ્દ અમને ગમે છે. ભાગી છૂટવાની વૃત્તિ. આવો અર્થ જો કે 'પોપુરી' શબ્દનો પ્રતીકાત્મક અર્થ છે. ઘણાં અલગ પ્રકારનાં સૂકાયેલા ફૂલોની સુગંધનો અર્થ એ પોપુરીનો સામાન્ય અર્થ છે. 

અણગમતી ગંધને ડામી દેવા માટે આપણે સુગંધીનો સરંજામ આપણી ચોગરદમ વિખેરતા રહીએ છીએ. પણ દુર્ગંધ ઢાંકવી પડે એવું કામ જ શા માટે કરવું? કાશ, શ્રદ્ધા સૂર્યથી આકર્ષાઈ ન હોત. કાશ, એણે એનાં પોતાનાં કુટુંબમાં શ્રદ્ધા રાખી હોત.. 

શબ્દશેષ :

'એક માણસનો ઝેરી કચરો એ બીજા માણસની પોપુરી છે.' -સને ૨૦૦૦માં રીલીઝ થયેલી 'હાઉ ધ ગ્રીન્ચ સ્ટોલ ક્રિસમસ' ફિલ્મમાં લીડ એક્ટર જિમ કેરી 

City News

Sports

RECENT NEWS