For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ગેરંટી : મૈં હૂં ના! .

Updated: Mar 19th, 2024

ગેરંટી : મૈં હૂં ના!                                               .

- શબ્દસંહિતા-પરેશ વ્યાસ

- પરસેવો વળશે, મહેનત કરવી પડશે, અને કોઈ ગેરંટી નથી કે સફળતા મળશે જ. પણ હું મહેનત નહીં કરું તો નિષ્ફળતાની તો ગેરંટી છે જ! 

કવિતા લખવી હોય તો લખો,                                                                                                                                   

લખો તમારી ગરજે.

લખશો એટલે કવિતા થશે જ,

એની કોઈ બાંયધરી નહીં આપી શકે.

પોતે પણ નહીં.

-સુરેશ દલાલ 

કવિ રાજકારણી નથી. એ ગેરંટી ન આપી શકે. પણ રાજકારણી માટે કોઈ બાધ નથી. ગેરંટી (ય્ેચચિહાીી) શબ્દ મૂળ ઇંગ્લિશ છે પણ ગુજરાતી લેક્સિકને અપનાવ્યો છે. સાર્થ જોડણીકોશમાં નથી પણ ભગવદ્ગોમંડલમાં છે. ગેરંટીનો અર્થ આપણે જાણીએ છીએ. આ પહેલાંની ચૂંટણીમાં વાયદા થતા હતા. વચન અપાતા હતા. 'દિલ કા ક્યા કસૂર' (૧૯૯૨) ફિલ્મનું ગીત યાદ છે? વાદા કભી ન કરના,વાદા તો તૂટ જાતા હૈ!એટલે હવે પ્રોમિસ (ઁર્સિૈજી) શબ્દની અવેજીમાં ગેરંટી શબ્દ રમણે ચડયો છે. ટાઈમ્સ ઑફ ઈન્ડિયા અનુસાર કર્ણાટક કોંગ્રેસ કહે છે કે અમે રાજ્યમાં ગૃહ જ્યોતિ, ગૃહલક્ષ્મી, અન્નભાગ્ય, શક્તિ અને યુવાનિધિ મળીને ૫ ગેરંટી સ્કીમ ગયા વર્ષે લોન્ચ કરી હતી. એમાંથી બીજેપીએ 'ગેરંટી' શબ્દ અપનાવી લીધો અને એને રી-બ્રાન્ડ કરીને 'મોદીની ગેરંટી' કરી નાંખ્યો. 'ધ પ્રિન્ટ' અનુસાર ગયા અઠવાડિયે તૃણમૂલ કોંગ્રેસનાં સુપ્રીમો મમતાદીદીનાં ભત્રીજા અભિષેક બેનર્જી ભરી સભામાં બોલ્યાં કે મોદીની ગેરંટીની ઝીરો વૉરંટી છે. અમને આ ન ગમ્યું. ગેરંટી અને વૉરંટી આમ સરખા શબ્દો છે પણ ફેર તો છે. અમને લાગે છે કે વૉરંટી ભલે ઝીરો હોય પણ જો ગેરંટી હોય તો મોદી સાહેબ પર વિશ્વાસ મૂકવો જોઈએ. આપણે જો  કે 'ગેરંટી' શબ્દની વાત કરવાની છે. 

ગુજરાતી લેક્સિકન અનુસાર ઇંગ્લિશ શબ્દ 'ગેરંટી' એટલે બાંયધરી આપવી. જવાબદારી લેવી. વચનથી બંધાવું. દુનિયાભરની ૫૭ ડિક્સનરીઝમાં આ શબ્દનો અર્થ આપ્યો છે. 'ગેરંટી' એટલે એવું કાંઈ પણ જે ચોક્કસ પરિણામની ખાતરી આપે. તો પછી વૉરંટી (Warranty) એટલે? એટલે પણ ખાતરી કે બાંયધરી. તો ફેર શું છે? ગેરંટી વિશાળ અર્થમાં છે. જ્યારે વારંટી માલસામાનની હોય છે. એમ કે માલ પોતાનો છે અને સારી હાલતમાં છે, એવી માલ વેચનારની ખાતરી અને અમુક મુદત સુધી દુરસ્તી કરવાની જવાબદારી સાથેનું પ્રમાણપત્ર. વૉરંટીમાં માલ બરાબર ન હોય નવો માલ ન આપે. જ્યારે ગેરંટીની વાત નિરાળી છે. ન ચાલે તો નવું આપે. ગેરંટીમાં સામાન્ય રીતે કોઈ વધારાનાં પૈસા ચૂકવવા પડતા નથી. ગેરંટી ફ્રી છે. જ્યારે વૉરંટીનું કામ વીમા જેવું છે. પ્રીમિયમ ભરો ત્યાં સુધી. પછી રામ રામ. એની સાપેક્ષ ગેરંટી અમર્યાદ સમય માટે વેલીડ હોય છે. વૉરંટી કાયદા અનુસાર બંધનકર્તા છે, તેમ છતાં અમને ગેરંટી ગમે છે. 

શબ્દ તરીકે 'ગેરંટી'ભલે વ્યાપક અર્થમાં અને 'વૉરંટી'ભલે એક ચોક્કસ અર્થમાં છે; પણ મેરિયમ વેબ્સ્ટર ડિક્સનરી અનુસાર બંને શબ્દો ભૂતકાળમાં એક જ શબ્દ હતા. બંને ઇંગ્લિશ શબ્દો મૂળ ફ્રેંચ ભાષામાંથી આવ્યા છે. જેમ આપણી હિંદી ભાષાનું મૂળ સંસ્કૃત છે એમ ઇંગ્લિશ કે ફ્રેેંચ ભાષાઓનું મૂળ સામાન્ય રીતે લેટિન હોય છે પણ ગેરંટી અને વૉરંટી શબ્દોઆજની ડચ ભાષાની પૂર્વજ ભાષા ફ્રાંકોનિયનમાંથી નીપજ્યા છે. એમાં એક શબ્દ હતો 'વૉર્જન (Warjan)'. અર્થ હતો : સત્યની ખાતરી.  આમ તો પહેલો અક્ષર 'ડબલ્યૂ' પણ જર્મન ઉચ્ચાર 'જી સાથે ડબલ્યૂ'એમ બે અક્ષરો જેવો થતો. વર્ષો થયા ક્યાંક 'ડબલ્યૂ' રહી ગયો તો ક્યાંક 'જી' રહી ગયો અને આમ આ એક શબ્દ ઇંગ્લિશ ભાષામાં 'વૉરંટી' કે 'ગેરંટી' એમ બે શબ્દો રૂપે પહોંચી ગયો. 

મોદી સાહેબ ભલે ગેરંટી આપે પણ અમને ગેરંટી જોઈતી નથી.આજનાં શબ્દની ફિલસૂફી એ છે કેકાલ કોણે દીઠી છે? ન જાણ્યું જાનકીનાથે, સવારે શું થવાનું છે?ગેરંટીને શું ઘોળવી? હોલિવૂડ ફિલ્મ 'રૂકી' (૧૯૯૦)માં અમારા ફેવરીટ હીરો ક્લિન્ટ ઈસ્ટવૂડ એનાં જુનિયર નવાં નિશાળિયા પોલિસ ઓફિસર ચાર્લી  સીનને કહે છે કે  '...કોઈ ગેરંટી નથી; ગેરંટી જોઈતી હોય તો ટોસ્ટર ખરીદ.' અને આપણાં મોદીસાહેબ છે કે ગેરંટી પર ગેરંટી દઈ રહ્યા છે. વરિષ્ઠ પત્રકાર શેખર ગુપ્તા કહે છે કે મોદી સાહેબ અત્યારે એવા રાજ્યોમાં પણ ખાતમુહૂર્ત લોકાર્પણ કરી રહ્યા છે, જ્યાં બીજેપીનો કોઈ પ્રભાવ નથી. તેઓ ખરેખર તો અત્યારથી ૨૦૨૯ની લોકસભાની ચૂંટણીનો પ્રચાર કરી રહ્યા છે. આ તો ગજબ ગેરંટી છે! પણ વિચારો કે રાજા લાંબુ જુએ છે એટલે ગેરંટી આપી શકે છે. આપણે પામર પ્રજા છીએ. આપણે આજમાં રાચીએ છીએ. આજનો દહાડો હારો ગ્યો એટલે ભયો ભયો. કાલે કદાચ તકલીફ પડશે, પરસેવો વળશે, મહેનત કરવી પડશે, અને કોઈ ગેરંટી નથી કે સફળતા મળશે જ. પણ હું મહેનત નહીં કરું તો નિષ્ફળતાની તો ગેરંટી છે જ! અમેરિકન બંધારણમાં નાગરિક હેપ્પી જ રહે, એનીકોઈ ગેરંટી નથી. હા, હેપ્પીનેસ પ્રાપ્ત કરવા દોડતા રહેવાની ગેરંટી અલબત્ત છે. મોદી સાહેબરોજ આટલાં લાખ કરોડ રૂપિયાનાં પ્રોજેક્ટ્સ/યોજનાની ગેરંટી આપતા રહેછે. અમને તો ખબર જ છે કે આ સઘળું ચોક્કસ આકાર લેશે. પણ સાહેબ, પરજા સભાવે સંતોષી છે. અમોને ઝાઝા સપનાં ન દેખાડો, એને ઝાઝી ગેરંટી ન દો તો સારું. તમે જ કહો, અમારે બસ આમ ખોટેખોટું દોડયે જ રાખવું. તમે બુલેટ ટ્રેન ચાલુ કરો એટલે અમારે એની ટિકિટ જેટલાં પૈસા કમાવવા પડે. પછી અમારા સંતોષનું  લેવલ વધી જાય. આ દારૂડિયા જેવું છે. પહેલા એક પેગમાં નશો ચઢી જતો. હવે એ લેવલનો નશો મેળવવા અનેક પેગ પીવા પડશે,એટલું કમાવું ય પડશે. જો ગેરંટી જ આપવી હોય તો ચપટીક ખુશીની ગેરંટી આપો. અમને સખથી જીવવા દો ને સાયેબ!

શબ્દશેષ :

'પૈસાનું ન હોવું તમને દુ:ખી કરી શકે પણ એનાથી ઊલટું થાય અને તમને સુખ  મળે જ, એવી કોઈ ગેરંટી નથી.' 

- અમેરિકન ફિલ્મ ડાયરેક્ટર ફિલિપ કોફમેન 

Gujarat