For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ડિન્ક : કમાણી બમણી, સંતાન નહીં .

Updated: Jan 16th, 2024

ડિન્ક : કમાણી બમણી, સંતાન નહીં                             .

- શબ્દસંહિતા-પરેશ વ્યાસ

- ઘડપણમાં બાળકો વિનાનું એકલાપણું ડરામણું બની જતું હોય છે. અને ત્યારે અફસોસ થતો હોય છે કે બાળક હોત તો લાગણીનું બંધન બંધાઈ રહેત

મનજીને (મા'દેવની) અફર માનતા છે ઘરવાળાંની કૂખમાં દીવો થાશે,                                

એટલે એણે ટેક લીધી કે અડવાણા ને અવળા પગે હાલતો કાશી જાશે

ઘ રવાળાંની કૂખે બાળક જન્મે એ માટે ર.પા.ની કવિતાનું પાત્ર મનજી ઓઘડદાસ કેવી અઘરી માનતા લે છે. સંતાનનું હોવું આમ પણ દરેક લગ્નજીવનનું લક્ષ્ય હોય છે. જો કે સંતાન ન હોવાનું લક્ષ્ય લઈને ચાલતા દંપતિઓ વિષે એક શબ્દ ડિન્ક (ઘૈંશણ) અમને જડયો. એ સંક્ષેપાક્ષર છે. 'ડી' એટલે ડયુઅલ અથવા ડબલ, 'આઈ' એટલે ઇન્કમ, 'એન' એટલે નૉ અને 'કે' એટલે કિડ્સ. 'બેવડી કમાણી અને બાળકો નહીં' એવો અર્થ થાય. ડિન્ક શબ્દનાં મૂળ અર્થ જો કે ઘણાં છે. મોટાં જહાજને દોરીને લઈ જતી નાની રબરની હોડી ડિન્ગીને ટૂંકમાં  ડિન્ક કહે છે. ટેનિસની રમતમાં ડ્રોપ શૉટને પણ ડિન્ક કહે છે. બોલચાલની ભાષામાં બબૂચક માણસ ડિન્ક કહેવાય. અમેરિકામાં પુરુષનાં શિશ્નને ડિન્ક કહે છે તો ઓસ્ટ્રેલિયામાં ઈમાનદાર માણસને ડિન્ક કહે છે. આજે અલબત્ત સંક્ષેપાક્ષર ડિન્કની વાત કરવી છે.

'બિઝનેસ ઇનસાઇડર'નાં તાજેતરનાં સમાચાર અનુસાર વેન્ડી અને સ્ટીવ થોમસ વીસ વર્ષ પહેલાં પરણ્યા હતા. આજે પંચાવન વર્ષનાં વેન્ડીબે'ન ઇન્ટીરીયર ડીઝાઇનર અને એકાવન વર્ષનાં સ્ટીવભાઈ ગોલ્ફ ઇક્વિપમેન્ટ સપ્લાયર છે. તેઓ અમેરિકાનાં દક્ષિણ કેલિફોર્નિયામાં રહે છે, જ્યાંની લાઈફ સ્ટાઈલ ઉર્ફે ખાવું, પીવું, રહેવું, જલસા કરવું વગેરે પ્રમાણમાં મોંઘું છે.  વેન્ડીબેન શરૂઆતમાં સ્કૂલમાં શિક્ષિકા તરીકે પણ નોકરી કરી ચૂક્યા હતા. તેમણે ત્યારે જોયું હતું કે સ્કૂલમાં ભણતાં બાળકોનાં માબાપ ઉપર આર્થિક બોજ ઘણો વધારે છે. માબાપ ઉપર માનસિક દબાણ પણ ઘણું હોય છે. સોશિયલ મીડિયાની દેખાદેખી પણ એમાં જવાબદાર છે. વેન્ડીબેને નક્કી કર્યું કે લગ્ન કરવા પણ બાળકોની જરૂર નથી. સ્ટીવભાઈ સહમત થયા. બાળકો જ ન હોય તો એનાં ઉછેરને લગત કોઈ જવાબદારી પણ ન હોય. પતિ પત્ની પોતાની  મનગમતી પ્રવૃત્તિઓ માટે વધારાનો સમય ફાળવી શકે. વાત તો સાચી છે. આપણે ત્યાં એક જમાનો હતો જ્યાં સૌ કોઈ સરકારી શાળામાં ભણતા હતા. નજીવા ખર્ચે સૌને સારું જ્ઞાાન મળતું હતું. પણ હવે ખાનગી શાળાનું આંતરરાષ્ટ્રીય સ્તરનું શિક્ષણ આવ્યું અને લાગે છે કે હવે પૈસાદાર હોય એનાં જ બાળકો ભણી શકે. અથવા મધ્યમ વર્ગનાં માબાપને બાળકો ભણાવવાનો અભરખો જાગે તો પેટે પાટા તો બાંધવા જ પડે. પણ હવે ડિન્ક સંસ્કૃતિનો ઉદય થયો છે. બાળકો જ નહીં હોવા જોઈએ. શેર માટીની ખોટની કોઈ વાત નથી. વાંઝિયા મેણું અહીં ચર્ચાનો વિષય નથી. 'વાંઝિયા' એટલે સંતતિ ન થતી હોય તેવું અને 'મેણું' એટલે મહેણું, ટોણું, ટૂંબો, ઊમકુંચૂમકું, ટોક, ટપ્પો, કોઈની લાગણી દૂભાય એવું વચન. મોર્ડન મનજી ઓઘડદાસોને શેર માટીની ખોટનો અફસોસ નથી. આત્મનિર્ભર કુંટુંબ નિયોજન. સરકારની ચિંતા એટલી ઓછી, હેં ને?!!  

માર્કેટિંગ કંપનીઓ ડિન્ક યુગલને ટારગેટ બનાવે છે કારણ તેઓની નિકાલજોગ આવક (ડિસ્પોઝેબલ ઇન્કમ). તેઓ પાસે ખર્ચ કરવા વધારાનાં પૈસા છે. એશઆરામ, ભોગવિલાસ, ઇન્દ્રિયસુખ વગેરે તેઓને પોષાય. અલબત્ત પૈસાની છૂટ હોવી એ જ એકમાત્ર કારણ નથી. સાથી સાથે ગુણવત્તાસભર સમય વીતાવવો જો જીવનનું લક્ષ્ય હોય તો ડિન્કપણું મદદરૂપ થાય છે. બંને પાર્ટનર પોતાની મનગમતી કારકિર્દી ઘડી શકે. આગળ વધી શકે. પણ બાળકો ન પેદા કરવાનું નક્કી કરવું અને એ નિર્ણયને નિભાવવું સહેલું નથી. દુનિયાનો કોઈ પણ ધર્મ જાણી જોઈને આજીવન વાંઝિયા રહેવાની પરવાનગી આપતો નથી. બલકે સંતતિ પવિત્ર ફરજો પૈકી એક છે. ડિન્કપણું સામાજિક કલંક ગણાય અને ડિન્ક યુગલ ઉપર સામાજિક દબાણ પણ વધારે હોય છે. જીવનમાં ક્યારે કપરો સમય આવે, કહેવાય નહીં. એવે સમયે સઘળું પૈસાથી ખરીદી ન શકાય. ઘડપણમાં બાળકો વિનાનું એકલાપણું ડરામણું બની જતું હોય છે. અને ત્યારે અફસોસ થતો હોય છે કે બાળક હોત તો લાગણીનું બંધન બંધાઈ રહેત. ડિન્ક યુગલને બાળકો નથી પણ ગૃપમાં લગભગ બધાને બાળકો છે. તેઓની પ્રાથમિકતા અને તેઓનો આનંદ એક અલગ જ છે, જેની સાથે ડિન્ક યુગલને મેળ પડતો નથી. અને આમ જુઓ તો એકલું એકલું ય કેવું જીવવું? અબજોપતિ અને અગિયાર સંતાનોનો પિતા ઇલોન મસ્ક ડિન્ક પ્રથાનો વિરોધી છે. જાણી જોઈને એક પણ બાળક ન થવા દેવા, એ મસ્કનાં મતે ભયંકર નૈતિકતા છે; સમાજ અને સંસ્કૃતિ સામે આ અત્યાર સુધીનો સૌથી મોટો પડકાર છે. એ તો કહે છે કે ડિન્ક યુગલ વૃદ્ધ થશે ત્યારે એનો હાથ કોણ ઝાલશે? 

ડિન્ક યુગલ જો કે હવે હકીકત છે. તો જ આ શબ્દ આવ્યો છે. બાળકો ભલે નથી પણ સાથી તો છે જ. કામ અને ફુરસતને બેલન્સ કરવું જરૂરી છે. પૈસા અલબત્ત વધારે હોય  એટલે વેડફવાની માનસિકતા પણ બરાબર નથી. ડિન્ક યુગલને સમજી શકે એવાં મિત્રો ઓછા રહી જાય છે. કુંટુંબ કબીલાવાળા મિત્રો ડિન્ક યુગલને અસ્પૃશ્ય ગણે એમ પણ બને.  એટલે સમજીને મિત્રો બનાવવા/નભાવવા હિતાવહ છે. ડિન્ક યુગલ પાસે સમય વધારે હોય પણ એ સમય સર્જનાત્મક દિશામાં વ્યતીત થાય તો સારું. આખરે ફરી ફરીને, રખડી રખડીને થાકી જવાતું હોય છે. છેવટે દુનિયાનો છેડો ઘર હોય છે. કશુંક કરતાં રહેવું, ગીતસંગીત, બાગકામ, ચિત્રકળા, વાંચનલેખન વગેરે, નહીં તો આસાન નથી હોતી પાછલી ઉંમરને વીતાવવી. 

અમે અલબત્ત શબ્દની વાત કહીએ છીએ. અમે શબ્દ સુધારક છીએ, સમાજ સુધારક નથી!  

શબ્દ શેષ :

'બાળકો ન થવા દેવા એ એક પ્રકારની પસંદગી જ હોય છે, પસંદગી ઉદાસીમાં બદલાઈ ન જાય ત્યાં સુધી.' 

-ઇટાલિયન ફિલ્મ ડાયરેક્ટર બર્નાર્ડો બર્ટોલ્યુસી    

Gujarat