For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

નિક્સન : કુછ ના કરો, કુછ ભી ના કરો!

Updated: Apr 16th, 2024

નિક્સન : કુછ ના કરો, કુછ ભી ના કરો!

- શબ્દસંહિતા-પરેશ વ્યાસ

- ગાડી, બંગલો, કાર, બેન્ક બેલન્સ સઘળું છે પણ મનને રાહત નથી. શું કરવું? ડચ લોકો પાસે એક રામબાણ ઈલાજ છે. નિક્સન.

શાંતિથી બેસવું,

કાંઈ ન કરવું,       

વસંત આવશે,

ઘાસ ઊગશે એની મેળે 

-જાપાનીઝ કવિ મેત્સુઓ બાશો (૧૬૪૪-૧૬૯૪)

વ ર્ષ ૨૦૨૪માં ફિનલેન્ડ, ડેન્માર્ક, સ્વિટ્ઝરલેન્ડ, આઈસલેન્ડ, નેધરલેન્ડ, નૉર્વે, સ્વીડન ખુશખુશાલ દેશોની સ્પર્ધામાં ટોપ ટેનમાં આવ્યા છે. હેપ્પીનેસ ઇન્ડેક્સમાં ભારત છેક ૧૨૬માં ક્રમે છે. પાકિસ્તાન? ૧૦૮માં ક્રમે. ઈકોનોમી સાવ ખાડે ગઇ પણ તો ય આપણાં કરતા પાકિસ્તાનનાં લોકો વધારે ખુશ છે. લો બોલો! અમે ડેન્માર્ક દેશનો શબ્દ હુગા અથવા હાઈગ(Hygge) વિષે લખી ગયા છીએ. અર્થ થાય : સુખકર લાગણી, માણસને સંતુષ્ટિ રહે, વ્યાધિ ઉપાધિથી મુક્તિનો અહેસાસ થાય. આવો જ એક શબ્દ સ્વીડન પાસે છે  : લૉગોમ (Logam). અર્થ થાય  જીવનમાં બધું જ સંયમ અને સંતુલનથી કરવાની માનસિકતા. મળે છે એટલે બધું જ લઈ લેવું- એવું જરા ય નહીં. ખુશીમાં ખાઉધરવેડા ન હોવા જોઈએ. આ શ્રેણીમાં નેધરલેન્ડ પાસે પણ એવો જ એક શબ્દ છે કે જે એને હેપ્પી દેશોમાં ટોપ ટેનમાં સ્થાન અપાવે છે. એ છે નિક્સન (Niksen). ના, ઇંગ્લિશ ભાષાની ડિક્સનરીએ હજી એને અપનાવ્યો નથી પણ મોડો વહેલો અપનાવશે. ડચ ભાષાનાં 'નિક' અને ઇંગ્લિશ ભાષાનાં 'નથિંગ' શબ્દો સમાનાર્થી શબ્દો છે. 'નિક્સિંગ' ડચ ક્રિયાપદ છે, જેનો અર્થ થાય છે : કાંઈ ન કરવું!

હું ખૂબ વ્યસ્ત માણસ છું. એટલે જ તો ત્રસ્ત છું. હું મારી જાતને બહુ અગત્યનો માણસ ગણું છું. મારે કરવાનાં કામની યાદી લાંબી છે અને લાંબી થતી જાય છે. માનસિક તાણ, ચિંતા ઘેરી લે છે. જાણકારો કહે છે કે વ્યાયામ કરો. ખાવામાં કાળજી લો. લોકોને મળો. હરો ફરો. આનંદમાં રહેવાની કોશિશ કરો. મારી પાસે ગાડી, બંગલો, કાર, બેન્ક બેલન્સ સઘળું છે પણ મનને રાહત નથી. શું કરવું? ડચ લોકો પાસે એક રામબાણ ઈલાજ છે. નિક્સન. કાંઈ નઈં કરવાનું. અરે ભાઈ! આપણે તો ઊંઘીએ છીએ ત્યારે પણ નસકોરાં બોલાવીએ છીએ. આ 'કાંઈ ન કરવું' એટલે? સ્થિર થઈને બારીની બહાર કોઈ પણ કારણ વિના આકાશ તરફ ટગર ટગર જોયા કરવું તે? આઇસક્રીમ ખાવાની ઈચ્છા થાય તો? નહીં ખાવાનું. કારણ કે કશું કરવાનું જ નથી. આઇસક્રીમ પણ ન ખવાય. ડૂઇંગ નથિંગ, યૂ સી! 

મોબાઈલ ફોન સાથે સોફા ઉપર આડા પડવું અને મોબાઈલ ફોન વિના સોફા ઉપર આડા પડવું, એ બે અલગ ક્રિયા છે. મોબાઈલ ફોન સાથે હોય તો તો નિક્સન અશક્ય છે. ટેકનોલોજીએ આપણને ગુલામ બનાવી દીધા છે.અને સાહેબ, માહિતીઓની સતત બોમ્બવર્ષા આપણી પર થતી રહે છે. એક રીસર્ચ એવું કહે છે કે આપણું મગજ એક દિવસમાં ૭૪ જીબી ડેટા જેવડી માહિતીઓ જ પ્રોસેસ કરી શકે છે. પછી મગજને થાક લાગે છે. પણ મોબાઈલ ફોન હાથમાં હોય તો સ્થિર થઈને ઘડી ભર બેસી શકાતું નથી. મોબાઈલ ફોન સાથ ેકશું-ય-નહીં-કરવું અશક્ય છે. છતાં કોશિશ કરો. બધા લટકણ અને વળગણને વેગળાં કરીને કાંઈ પણ ન કરો. મન શાંત થશે. નવસર્જન માટે એ જરૂરી છે. 

નિક્સન અવસ્થામાં હોઈએ ત્યારે મુશ્કેલીમાંથી માર્ગ કાઢવાનાં રસ્તા પણ મળી જાય  છે. યોગ, આસન, ધ્યાન વગેરે નિક્સન નથી. કારણ કે એમાં હેતુ છે. કોઈ ક્રિયા છે. મનને જાગૃત કરવાની વાત એમાં છે. એની સાપેક્ષ નિક્સન માણસની બેધ્યાન અવસ્થા છે. આપણે યોગાસનો પછી અંતે શબાસન કરીએ છીએ. શબની જેમ સ્થિર સૂઈ જવું તે. એવું જ છે આ નિક્સન. આજનાં વ્યસ્ત જીવનમાં ખુશ રહેવાની આ અમોઘ ચાવી છે. 

માણસે કશું પણ 'કરવું' જોઈએ એવું આપણાં મનમાં ઠસાવી દેવામાં આવ્યું છે. આપણે 'કરવાથી' ટેવાઇ ગયા છીએ. આપણે કર્મયોગી છીએ. અને કામ તો અનંત છે. રજાનાં દિવસે પણ ઘરનાં જે ઓરડામાં જાઓ, કામ દેખાઈ આવે. પણ સાહેબ, 'હોવું' પણ અગત્યનું છે. કશું ન કરવાથી મનને જે શાંતિ મળે છે, એવી શાંતિ ક્યાંય મળતી નથી. આ ડચ લોકોનો શબ્દ છે. ડચ લોકો ખૂબ કામ કરે છે. નિક્સન કરવા માટે કામ કરવું ચોક્કસ જરૂરી છે. દિવસ દરમ્યાન વ્યસ્તતામાંથી સમય કાઢીને થોડો સમય કાંઈ-ન-કરવું એ નિક્સન છે. નિક્સન રોજ કરી શકાય. પણ રોજ દસ મિનિટ્સથી વધારે સમય માટે નહીં. નિક્સન નકામા અને નવરાં લોકો માટેનો શબ્દ નથી. નિક્સન કલા છે. નિક્સનની કોઈ ફિક્સ રીત નથી. કારણ કે નિક્સન કશું ન કરવાની વાત છે. તમે દિવસની એ બે, પાંચ કે દસ મિનિટ્સમાં તમને ગમે એવી રીતે વીતાવી શકો. બહાર આંટો મારવા જાઓ પણ એ જોજો કે એનો કોઈ નિર્ધારિત રૂટ ન હોય, કોઈ હેતુ કે  ધ્યેય પણ ન હોય. 

આખરે તો આપણે ખુશ રહેવું છે. ખુશ રહેવા માટે શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ હોવું જરૂરી છે. નિક્સન એટલે મન અને તનને રોજિંદા કામકાજમાંથી કામચલાઉ મર્યાદિત સમય માટે રજા. નિક્સન એટલે 'કામ' નહીં અને 'કાજ' તો જરા ય નહીં. ભગવદ્ગોમંડલ અનુસાર 'કાજ' એટલે અર્થ, ઉદ્દેશ, હેતુ, પ્રયોજન. શરૂઆતમાં નિક્સન કરવાથી થોડું ગિલ્ટી ફીલ થવાની સંભાવના છે. આટઆટલું કામ બાકી છે અને એમાં આ કાંઈ ન કરવું? પણ નિક્સન એ વિચારનાં મુક્ત ભ્રમણની ક્રિયા છે. નિક્સન દિવાસ્વપ્ન છે. નિક્સન એ જાદૂઈ આળસ છે. માછલીઘરમાં તરતી માછલી તરફ જોઈ શકાય. ઊડાઊડ કરતાં પંખીઓનો કલબલ સાંભળી શકાય. આકાશમાંથી લૂ વરસતી હોય ત્યારે છાયામાં ઊભા રહીને ગરમીનો દૂરથી અહેસાસ કરી શકાય. મનદુરસ્તી માટે નિક્સન જરૂરી છે. યે અંદરકી બાત હૈ!

શબ્દ શેષ :

'કશું ય પરફેક્ટ નથી. એટલે હું ક્યારેક ક્યારેક કશું ય કરતો નથી.' 

- અજ્ઞાાત

Gujarat