For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

આઇકોનિક : ઉત્તમ, અદ્ભુત, સીમાચિહ્ન

Updated: Feb 13th, 2024

આઇકોનિક : ઉત્તમ, અદ્ભુત, સીમાચિહ્ન

- શબ્દસંહિતા-પરેશ વ્યાસ

- આપણે શબ્દ 'આઇકોનિક'નો અતિશય ઉપયોગ કરીને એની અસર ઘટાડી દીધી છે. 

ઓસરે છે લકીર પાણીમાં,

પથ્થરોમાં લકીર બોલે છે.એ જ માણસ અલગ તરી આવે

એનું જ્યારે ખમીર બોલે છે!

- મનસુખવન ગોસ્વામી

આપણે જીત્યા. જસપ્રીત બુમરાહ મેન ઓફ ધ મેચ ઘોષિત થયા. ઈંગ્લેન્ડની પહેલી ઇનિંગમાં બુમરાહની બોલિંગ અદ્ભૂત હતી. એમાં પણ યોર્કર દડે ઓલી  પાપની વિકેટ તો....ઓહો, વાહ ક્યા બાત હૈ! બે સ્ટમ્પ્સ ઉખડયા અને બંને ગિલ્લીઓઅદ્ધર હવામાં ઊછળી. સચીન તેંડુલકરે એક્સ પર લખ્યુંથ 'શું વાત છે, બુમરાહ ભાઈ. મઝા આવી ગઇ.' આ ઇંગ્લિશ લિપિમાં ગુજરાતી ભાષાની કોમેન્ટ હતી જેમાં  'છે'-ની જગ્યાએ ૬ લખ્યું, એ એની પહેલી ઇનિંગમાં લીધેલી છ વિકેટનાં વખાણ થયા. મૂળ પંજાબી શીખ કુટુંબમાં અમદાવાદમાં જન્મ્યો હતો જસપ્રીત. એનાં પિતા મૃત્યુ પામ્યા ત્યારે એની ઉંમર માત્ર પાંચ વર્ષની. શિક્ષિકા માતાએ જસપ્રીતને ઉછેર્યો. ક્રિકેટમાં ફાસ્ટ બોલર તરીકે ગુજરાત તરફથી રણજી ટ્રોફીમાં એણે પદાર્પણ કર્યું. અને પછી તો આપણે જાણીએ છીએ. ટેસ્ટ ક્રિકેટ ઇતિહાસમાં ૬૦૪  વિકેટ્સ લેનાર હાલ રીટાયર્ડ ઇંગ્લિશ ક્રિકેટર સ્ટુઅર્ટ બોર્ડનો એક્સ ઉપરનો પ્રતિભાવમાં માત્ર એક શબ્દ હતો. આઇકોનિક (Iconic). અને આ શબ્દમાં ખરેખર સઘળું આવી ગયું.

મૂળ શબ્દ 'આઇકન'. ગુજરાતી લેક્સિકન અનુસાર'આઇકન' એટલે મૂર્તિ, પ્રતિમા, બાવલું, પૂતળું. ખ્રિસ્તી ધર્મમાં કોઈ ધાર્મિક સંતનું ચિત્ર પણ આઇકન કહેવાય. એ અર્થમાં કોઈ એવી વ્યક્તિ જે એનાં કામમાં કે ધંધામાં કાંઇક એવું કરી બતાવે કે લોકો એનો દાખલો આપે એ આઇકન. ઇન્ટરનેટની ભાષામાં કશુંક મોટું દર્શાવવા કશીક નાની સંજ્ઞાા કે ચિત્ર દર્શાવો એ પણ આઇકન. આપણે હસવું આવે છે-ની જગ્યાએ આપણે  સ્માઇલી ફેઇસનો ઇમોટિકોન ક્લિક કરીએ છીએ. 'ઇમોટિકોન' (Emoticon) એટલે ઇમોશન+આઇકન. મૂળ ગ્રીક શબ્દ 'ઈએકન', જેનો અર્થ થતો હતો એનાં જેવું અથવા તો ચિત્ર કે છબી.'આઇકોનિક'એટલે મૂર્તિ પ્રતિતાત્મક, મૂર્તિ પ્રતિમા વિષેનું. કોઈક પ્રતિમા જેવું.આ સાચો અર્થ છે ખરો પણ આ શબ્દ હવે આ અર્થમાં બોલાતો નથી. આઇકોનિક શબ્દ અલબત્ત વિશેષણ તરીકે વપરાય છે. જેને માટે વપરાય એ વ્યક્તિ કે વસ્તુની કોઈ વિશેષતા બયાન કરે એ વિશેષણ. અહીં વિશેષતા શું છે? બુમરાહની પોતાની આગવી બોલિંગ એક્શન. જે પિચ સ્પિનર્સ માટે બની હોય ત્યાં પણ આ ફાસ્ટ બોલર રીવર્સ સ્વિંગ કરીને વિકેટ્સ લે છે. આ ફાસ્ટ બોલર બેટ્સમેન ઉપર મનોવૈજ્ઞાાનિક રીતે હુમલો કરે છે. કાંઈ સમજાય નહીં કે આ બોલ અંદર આવશે કે બહાર જશે. અને એટલે બેટ્સમેન આઉટ થતા જાય છે. ટૂંકમાં, બુમરાહની એક પોતાની જ સ્ટાઈલ છે. આઇકોનિક એટલે લાક્ષણિક, બીજાથી કશુંક અલગ. એવી બોલિંગ જે એની ઓળખ બની જાય. આઇકોનિક શબ્દનાં સમાનાર્થી ઘણાં શબ્દો છે ઇંગ્લિશ ભાષામાં. લેજેન્ડરી (Legendary)  એટલે સુપ્રસિદ્ધ, રોમાંચક, અદ્ભૂત. લેન્ડમાર્ક (Landmark) એટલે સીમાચિહ્ન, સંસ્મરણીય ઘટના. કવિન્ટેટિસેન્સલ (Quintessential) એટલે સારસત્વરૂપ, ઉત્તમનો અર્ક વગેરે. 

મેરિયમ વેબ્સ્ટર ડિક્સનરી અનુસાર આઇકોનિક એટલે કોઈ એવી વ્યક્તિ જેનાં એટલા બધા વખાણ થાય કે એ પોતે એક આઇકન બની જાય. આ આધુનિક અર્થમાં દુનિયાભરની એડવર્ટાઈઝ અને પબ્લિસિટી કંપનીઓએ આઇકોનિક શબ્દ ભરપૂર ઉપયોગ કર્યો છે. આ જાહેરાત કર્તાઓ, ટીવી હોસ્ટસ વગેરે આપણાં  મનમાં એવું ઠસાવવાની કોશિશ કરે કે આ ચીજ પ્રથમ પંક્તિની છે. આમાં કોઈ ખામી છે જ નહીં. આ આઇકોનિક છે. તેઓ આપણને કહે કે ફલાણી વ્યક્તિ કે વસ્તુ એક અલગ તરાહથી ઉત્તમ છે. આ રીતે આ શબ્દ આ અર્થમાં અત્યારે ચલણમાં છે. સમાચાર છે કે ફ્રાંસનાં એફિલ ટાવરમાં એક સમારંભમાં ભારતનાં યુપીઆઈ પેમેન્ટનું ગ્લોબલ લોન્ચ થયું. ભારતીય દૂતાવાસે એક્સ પર લખ્યું કે 'આ લોન્ચિંગ આઇકોનિક એફિલ ટાવર પરથી થયું.'એટલે એમ કે એફિલ ટાવર તો આઇકોનિક છે, એમ અમારું યુપીઆઈ પણ આઇકોનિક છે. અયોધ્યામાં લતા મંગેશકરની યાદમાં એક ચોક છે જે પરિસરનું ઉદઘાટન થયું ત્યારે 'પ્રધાનમંત્રીએ આઇકોનિક ગાયિકાને યાદ કર્યા', એવું ઈન્ડિયા ટીવીએ લખ્યું. અને જ્યારે નવા સંસદ ભવનનું ઉદઘાટન થયું ત્યારે પ્રધાનમંત્રીએ એક્સ પર લખ્યું હતું કે 'નવા ભવનમાં જઈએ ત્યારે જૂની આઇકોનિક સંસદને યાદ કરીએ, જે માત્ર ઈંટ પથ્થરનું માળખું નહોતી, વર્ષોથી દેશનાં સમૃદ્ધ લોકતાંત્રિક વિરાસતનું પ્રમાણ હતી'. 

ટૂંકમાં, આઇકોનિક હોય એ એકદમ અસલ હોય, મૌલિક હોય, પ્રભાવશાળી હોય, અનોખું હોય. ઘણાં બધા લોકોને એ ગમે એવું હોય અને નીવડેલું હોય. આમ 'ક્લાસિક' (Classic) જેવું જ પણ હા, આઇકોનિકમાં સામાન્ય રીતે નજીકનાં ભૂતકાળની વાત હોય છે. આઇકોનિક હોય એ અલગ તરી આવે. આપણું સ્ટેચ્યૂ ઓફ યુનિટી આઇકોનિક કહી શકાય. જાહેરાતમાં ગણીએ તો અમૂલ બ્રાન્ડ પણ આઇકોનિક છે. આપણું સફેદ રણ, આપણો ગરબો, આપણી વાવ પણ આઇકોનિક છે. એવું ય છે કે આપણે શબ્દ 'આઇકોનિક'નો અતિશય ઉપયોગ કરીને એની અસર ઘટાડી દીધી છે. ગૂગલ ઉપર 'આઇકોનિક'શબ્દ લખીને ક્લિક કરો ૦.૩૭ સેકન્ડ્સમાં ૧.૬૯ અબજ વેબસાઇટ્સનું લિસ્ટ ખૂલે છે. વર્ષો પહેલાં 'સેવન યર્સ ઈચ' ફિલ્મમાં મેરિલીન મુનરોએ પહેરેલો હવા ભરાઈને ફૂલીને ઉઘડતો જતો સફેદ ડ્રેસ અલબત્ત આઇકોનિક હતો પણ અત્યારે ફેશન ફુદ્દીઉર્ફી જાવેદની ડ્રેસ સેન્સને આઇકોનિક કેવી રીતે કહી શકાય? ઉર્ફી જાવેદ તો કિવિ ફ્ટની સ્લાઈસનું બ્લાઉઝ અને કપડાં સૂકવવાની ક્લિપ્સનું સ્કર્ટ પણ પહેરી ચૂકી છે. આ આઇકોનિક છે? આ તો શબ્દ ભવાડો છે. આઇકોનિક એટલે જેને બધા જાણે. એ જે પોતાના સ્થાન પર અધિકારપૂર્વક બીરાજે. નક્કી આપણે કરવાનું છે કોણ આઇકોનિક છે? અને કોણ ઓડનરી?

શબ્દશેષઃ

'આઇકોનિક અને અલગ તરી આવે એવી વ્યક્તિ તરીકે લોકો મને યાદ કરે એવું કામ હું કરી જવા માંગુ છું' - અપરંપરાગત મ્યુઝિકનો રચયિતા કેનેડિયન સિંગર ધ વીકન્ડ 

Gujarat