For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

હેપ્પી આવરઃ ખુશખુશાલ ઘંટા! .

Updated: Jan 9th, 2024

હેપ્પી આવરઃ ખુશખુશાલ ઘંટા!                                     .

- શબ્દસંહિતા-પરેશ વ્યાસ

- હું દિલથી કામ કરું છું એ દરેક કલાક મારે માટે હેપ્પી આવર છે. સવારે ઊઠું અને કસરત કરું, એનાથી ખુશખુશાલ કલાક બીજો કયો હોઈ શકે?

હવે ક્યાં આગ્રહ છે કે 'સૈફ' સાકી હો મદિરા હો,

હવે તો શાંત ખૂણો પણ મળે તો એ સુરાલય છે.- 'સૈફ' પાલનપુરી

સૈ ફ સાહેબ શાંત ખૂણાને સૂરાલય ગણવા માટે ઇજન કરે છે. ગાંધીનાં ગુજરાતમાં સાકી કે મદિરાનો આગ્રહ રાખવાનું જોખમ કોણ લે? પણ ભલૂ થાજો સરકારનું. ગુજરાતમાં રસહીનધરા પણ નથી અને દયાહીન નૃપ પણ નથી. દારૂબંધી હતી, પણ હવે ગિફ્ટ સિટી પૂરતી છૂટછાટ છે. ના, છાકટાં થવાની છૂટછાટ તો નથી જ. પણ હા, તમે હવે છૂટથી છાંટોપાણી કરી શકશો. મદિરા ય છે અને સાકી નહીં તો કોઈ સાકો તો હશે જ. અને દારૂ પીતા હોય તો હવે પોલિસ તમને પકડશે નહીં. જે મદિરા વર્ષોથી અછૂત હતી તે મદિરા ગાંધીનગરનાં ગિફ્ટ સિટીમાં આવીને છૂત થઈ ગઈ. શરતો અલબત્ત લાગુ. હવે તો બોલચાલની ભાષામાં 'ગિફ્ટ' શબ્દનો નવો અર્થ આમેજ થઈ ગયો છે. અત્યાર સુધી ગિફ્ટ એટલે ભેટસોગાદ એવો અર્થ થતો હતો પણ હવે 'ગિફ્ટ આપવી' એટલે ગિફ્ટ સિટીમાં લઈ જઈને દારૂ પીવડાવવો તે. લો બોલો! અને હજી તો ગુજરાતમાં ઘણી જગ્યાએ છૂટછાટ આવશે. આમ પણ બંધન કોઈને ગમતાં નથી. મુક્તિ સૌ ઈચ્છે છે. આખરે વિદ્યા પણ એ જ છે જે બંધનમાંથી મુક્તિ અપાવે. સા વિદ્યા યા વિમુક્તયે, યૂ સી! આજે મુક્તિનો અવસર છે એટલે દારૂ વિષે એક ખુશખુશાલ શબ્દની વાત કરવી છે. હેપ્પી આવર (Happy Hour).  

ગુજરાતી લેક્સિકનમાં 'હેપ્પી એન્ડિંગ' શબ્દસમૂહનો અર્થ આપ્યો છે પણ 'હેપ્પી આવર' શબ્દસમૂહ નથી. હવે મળેલી છૂટછાટને અનુસાંગિક મારી વહાલી ગુ. લે. ડિક્સનરીને 'હેપ્પી આવર' એક શબ્દસમૂહ તરીકે શામેલ કરવા મારી ગુજારીશ છે! એક શબ્દસમૂહ તરીકે 'હેપ્પી આવર' વિશ્વની કુલ ૨૨ ડિક્સનરીઝમાં ઉપલબ્ધ છે. 'હેપ્પી આવર' શબ્દસમૂહ સને ૧૯૫૯થી ચલણમાં છે. 'હેપ્પી' એટલે ખુશ, નસીબદાર, સંતુષ્ટ, સુખી અને 'આવર' એટલે સમય માપવાનું પરિમાણ કલાક. હેપ્પી આવર એટલે ખુશખુશાલ ઘંટા! આમ બપોર પછીનો કે વહેલી સાંજનો સમય કે જ્યારે દારૂનું પીઠું ઘરાકોને દારૂનાં ભાવમાં ડિસ્કાઉન્ટ આપે. જેટલું ઝાઝું પીઓ એટલી ઝાઝી બચત! હેપ્પી આવર એવા નાનકડાં માનવ સમૂહને પણ કહે છે જે વહેલી સાંજે વિશ્રાંત થઈને કોઈ પણ ચિંતા વિના આરામથી હળવે હળવે મદ્યપાન કરે. હેપ્પી આવર વીતી જાય એટલે દારૂ એ જ રહે પણ એનાં ભાવ વધી જાય. જો કે હેપ્પી આવરનો કલાક ૬૦ મિનિટ્સનો જ હોય, એ જરૂરી નથી. મદિરાલયનો માલિક દોઢ કે બે કલાક કે એથી વધારે કલાકનો હેપ્પી આવર પણ રાખી શકે. એને બહુવચન એટલે કે  'હેપ્પી આવર્સ' કહેવું જોઈએ પણ વ્યાકરણવાદીઓ પણ એવી જિદ કરતાં નથી. અહીં પણ છૂટછાટ છે! એટલે ગમે તેટલાં કલાક હોય હોય એ એકવચનમાં આવર જ કહેવાય છે. હેપ્પી આવર શબ્દો ક્યારેક નોન-કોમર્શિયલ વાતચીતમાં પણ વપરાય છે. અલબત્ત દારૂ પીવો એવો અર્થ તો છે જ. પણ પૈસા ચૂકવવાનાં ન હોય તો પણ એ હેપ્પી આવર કહેવાય. દાખલા તરીકે, કોઈ પોતાના ઘરે, સાંજનાં ટાણે, ગોરજ સમયે  છાંટોપાણી કરવા નિમંત્રે તો એ પણ હેપ્પી આવર જ કહેવાય. અહીં ડિસ્કાઉન્ટ નથી બલકે અહીં તો પૈસા જ આપવાનાં નથી પણ સાંજે સાથે બેસીને કેફી પીણું પીવું અને ખુશ થવાનું આ ટાણું 'હેપ્પી આવર' તરીકે ઓળખાય છે. તમે સાંજે પાંચથી છ વચ્ચે શું વિચારો છો, એની કોઈને પડી હોતી નથી. 'નોકરી' શબ્દની એક અનોખી વ્યાખ્યા છે. 'હેપ્પી આવર' પહેલાંનું આઠ કલાકનું ગધ્ધાવૈતરું એટલે નોકરી. અમારી માંગણી અને લાગણી છે કે દિનભરની નોકરી પછી તો દરેકને ખુશહાલ થવાનો કલાક ઉર્ફે હેપ્પી આવર મળે એવો મૂળભૂત બંધારણીય અધિકાર હોવો જોઈએ. કહે છે ખુશીને તો ખરીદી શકાતી નથી પણ તમે બીયર ખરીદી શકો છો. અને આખરે એ બધું એક જ છે! પ્રેમ, મનની શાંતિ અને હેપ્પી આવર. અમેરિકન મ્યુઝિશિયન જીમ્મી બફેટ (૧૯૪૬-૨૦૨૩)નાં એક ગીતનાં શબ્દો છેઃ ઇટ્સ ઓન્લી હાફપાસ્ટ ટ્વેલ્વ, બટ આઈ ડોન્ટ કેર, ઇટ્સ ફાઇવ ઓ' ક્લોક સમવ્હેર. અત્યારે બપોરનાં સાડા બાર થયા છે પણ મને કોઈ પડી નથી. ક્યાંક તો પાંચ વાગ્યા જ હશે. હેપ્પી આવર.. યૂ સી!  ઔર જીનેકો ક્યા ચાહિયે ?

હેપ્પી આવર એ દારૂ વેચવાવાળાનાં કોમર્શિયલ નૂસખાં છે. સાંજે ઘરાકી ઓછી હોય એટલે હેપ્પી આવરમાં પૈસા બચાવવા ય લોકો દારૂ પીવા આવે. ઓછે નફે બહોળો વેપાર. અને અમદાવાદીઓ તો આવે જ. પણ સાહેબ લખી રાખો, દારૂ એ બરબાદી સિવાય બીજું કાંઈ નથી. અને હેપ્પી થવા માટે મારે દારૂ જોઈએ જ શું કામ? અરે ભાઈ, હું દિલથી કામ કરું છું એ દરેક કલાક મારે માટે હેપ્પી આવર છે. સવારે ઊઠું અને કસરત કરું, એનાથી ખુશખુશાલ કલાક બીજો કયો હોઈ શકે? આમ પણ દારૂ એ પૈસાવાળાનાં ફિતૂર છે. અને વિદેશીઓનાં નખરાં છે. દારૂડિયાઓ દાખલો આપે છે કે ખુશવંત સિંઘ નિયમિત દારૂ પીતા તો ય ૯૬ વર્ષ સુધી જીવ્યા. અરે ભાઈ, એ દારૂ પીવાથી નહીં, એમની સેન્સ ઓફ હ્યુમરને કારણે લાંબુ જીવ્યા. દારૂથી બરબાદ થઈ જતાં લોકોની યાદી ઘણી લાંબી છે. અને કોઈને મોતની ગિફ્ટ આપવાનો મને કોઈ શોખ નથી. આમ પણ મારી ખુશી માટે મને દારૂનું વ્યસન હોવું જરૂરી હોય તો ધિક્કાર છે મને. ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ ફક્ત આજથી શરૂ થતી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનાં વિદેશી મહેમાનોને આકષત કરવા માટે છે. આપડે તો વાંચીને ખુશ થાવું, ઈ આપડો હેપ્પી આવર. તઈં શું? 

શબ્દ શેષઃ

''હેપ્પી આવર સાચો રસ્તો છે કારણ કે તબીબી ઉપચાર ઘણો મોંઘો છે!''  - અજ્ઞાત 

Gujarat