For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

અપૉલજી : હમકા માફી દઈ દો.. .

Updated: Apr 9th, 2024

અપૉલજી : હમકા માફી દઈ દો..                                           .

- શબ્દસંહિતા-પરેશ વ્યાસ

- અપૉલોજી ત્રણ વાક્યની હોય છે. પહેલું વાક્ય- આઈ એમ સોરી. બીજું વાક્ય- ભૂલ મારી છે. અને ત્રીજું વાક્ય-  ભૂલ સુધારવા હું શું કરું?

છો પ્યારથી આવ્યા અહીં, આફત ન આ યારી હશે, નાઉમેદીની હવે માફી મગાતી યે નથી.-કલાપી 

સ્ટેન્ડ અપ કોમેડિયન કુણાલ કામરાએ સલમાન ખાનને 'ચૂ**' કહ્યો. અલબત્ત પોતાની કોમેડીનાં  ભાગ રૂપે કહ્યો. પ્રેક્ષકો હસ્યા. પછી એવું કહેવા બદલ સલમાનની માફી માંગવાની કુણાલે ના પાડી. હવે સલમાન એની ઉપર બદનક્ષીનો દાવો ઠોકવા વિચાર કરી રહ્યો હોવાનાં અહેવાલ છે. માફી માટે ઈકોનોમિક ટાઇમ્સે 'અપૉલોજી'(Apology) શબ્દ વાપર્યો.  આ એકવીસમી સદી છે. પણ આ ઘટના જો પંદરમી સદીમાં બની હોત તો કુણાલ કામરાએ ચોક્કસ અપૉલોજી આપી જ હોત. કારણ કે એ સમયે અપૉલોજી શબ્દનો અર્થ 'માફી માંગવી' એવો નહોતો. પંદરમી સદી કે એ પહેલાં જો કુણાલ કામરાએ કોમેડી માટે પુરુષ સ્ત્રીનાં જનનાંગને લગત શાબ્દિક ગાળથી સલમાન ખાનને જાહેરમાં નવાજયો હોત અને સલમાને કહ્યું હોત કે માફી માંગ, તો કુણાલ અપૉલોજી રૂપે કહેત કે પોતે જે બોલી ગયો એ યોગ્ય જ છે. જે તે સમયે સ્વબચાવમાં જે કહેવાતું એ 'અપૉલોજી' હતી. કુણાલે કહ્યું કે હું ઊડતું પંખી નથી કે સ્થિર ફૂટપાથ નથી કે મારે માફી માંગવી પડે. આ કાળિયાર હરણનો શિકાર અને ફૂટપાથ પર બેઠેલાં લોકોને કારથી ટક્કર મારવાનાં ભૂતકાળનાં બનાવોનો સંદર્ભ હતો. આ માફી માંગી છે-એવું નથી. પણ પંદરમી સદીમાં માફી નહીં માંગવાનો બચાવ કરવાની વાત 'અપૉલોજી' કહેવાતી. લો બોલો!

ઈ. સ. પૂર્વે ૩૯૯માં ગ્રીક ફિલોસોફર સોક્રેટિસ પર યુવાનોને ખોટે રસ્તે દોરવવા માટે કેસ ચાલ્યો. સોક્રેટિસે સ્વબચાવ કર્યો પણ જ્યુરીએ એને ગુનેગાર માનીને દેહાંત દંડની સજા કરી. પોતાનાં બચાવની દલીલો અંગે સોક્રેટિસનાં શિષ્ય પ્લેટોએ એક પુસ્તક લખ્યું, જેનું શીર્ષક હતું : અપૉલોજી ઓફ સોક્રેટિસ. પણ આનો અનુવાદ 'સોક્રેટિસની માફી' એવો જરાય કરવો નહીં. આ તો સોક્રેટિસે પોતે સ્વબચાવમાં જે દલીલો કરી એની વિસ્તૃત નોંધ હતી. તો પછી આ અપૉલોજી શબ્દનો અર્થ માફી ક્યારે થયો? આ માટે વિલિયમ શેક્સપીયર (૧૫૬૪-૧૬૧૬) જવાબદાર છે. શેક્સપીયર મહાન નાટયકાર અને અનેક શબ્દોનો સર્જક તરીકે વિખ્યાત છે. અન્કમ્ફર્ટેબલ, મેનેજર, ફેશનેબલ,કોલ્ડ બ્લડેડ વગેરે શબ્દો જે આપણે રોજબરોજ બોલીએ છીએ એ શબ્દો શેક્સપીયરનું સર્જન છે. ચમકે એટલું સોનું નહીં- ઓલ ધેટ ગ્લિટર્સ ઈઝ નોટ ગોલ્ડ જેવો મુહાવરો પણ તેઓનું જ સર્જન. પણ નવા શબ્દોની સાથે જૂના શબ્દોને સાવ નવા જ અર્થમાં રજૂ કરવાની જબરી ધૃષ્ટતા તેઓ ઘણી વાર કરી છે. 'રિચાર્ડ ૩' નાટકમાં એક સંવાદ 'માય લોર્ડ, ધેર નીડ્સ નો સચ અપૉલોજી..'માં પહેલી વાર આ શબ્દ માફીનાં અર્થમાં રજૂ થયો. અલબત્ત માફીની કોઈ જરૂરત નથી- એ અર્થમાં વપરાયો અને પછી તો અપૉલોજી શબ્દ માફી માટે જ વપરાવા લાગ્યો. આપણે અલબત્ત આ આધુનિક અર્થમાં જ અપૉલોજી શબ્દની વાત કરવી છે. 

ગુજરાતી લેક્સિકન અનુસાર 'અપૉલોજી' એટલે ગુનાનો ખેદપૂર્વક સ્વીકાર, ખુલાસો, બચાવ, સમર્થન, ક્ષમાયાચના. દિલગીરી કે દુઃખ દર્શાવીને ભૂલ, ઉદ્ધતાઈ કે અસભ્યતાનો એકરાર એટલે અપૉલોજી. માફી એટલે આપવા લેવામાંથી જતું કરવું તે. હું તમારા માટે કાંઈ કરી ન શકું તો ય હું અપૉલોજી માંગી શકું. હું વિચારીને અપૉલોજી માંગુ તો સંબંધ સચવાઈ જાય. ટૂંકમાં,અપૉલોજી ત્રણ વાક્યની હોય છે. પહેલું વાક્ય- આઈ એમ સોરી. બીજું વાક્ય- ભૂલ મારી છે. અને ત્રીજું વાક્ય-  ભૂલ સુધારવા હું શું કરું? હું એવું કહું કે આઈ એમ સોરી પણ.. તો એ અપૉલોજી નથી. અપૉલોજીમાં કિંતુ પરંતુ ન હોય. જો કે પત્ની એવું કહે તો વાંધો નથી. સામન્ય રીતે પત્ની અપૉલોજી માંગે પણ એમાં વાંક પતિનો હોય! હું અપૉલોજી માંગ્યા પછી એવું કહું કે.... મારા કહેવાનો આ મતલબ નથી તો પણ એ અપૉલોજી નથી. કારણ કે કારણ આપીને હું અપૉલોજીને નષ્ટ કરું છું. અને હા, એ પણ છે કે હું વિચાર્યા વિના અપૉલોજી માંગુ તો તકરાર સમૂળગાની વધે. મારી માફી અસરકારક ત્યારે જ હોઈ શકે જ્યારે મારી અને તમારી વચ્ચે એક સમજૂતિ બને કે મારી વર્તણૂંકમાં શું એવું થયું જેનાથી તમને ચોટ પહોંચી. કુણાલે કહેવું જોઈએ ભાઈ સલમાન, આ તો કોમેડી છે. હસવામાં લઈ લેવું જોઈએ. તેમ છતાં મારી અપૉલોજી છે. સલમાને પણ સમજવું જોઈએ કે આ કોમેડીથી એને પોતાને કાંઈ નુકસાન નથી. બીજાને ભલે લાગે કે સલમાન ભાઇકો કોઈ ઐસા કૈસે કહ શકતા હૈ?!  એવું પણ છે કે માત્ર આઈ-એમ-સોરી એવું કહેવું પૂરતું છે. જો ખરેખર અપૉલોજી માંગવી હોય તો સાથે એવું ય કહેવું પડે કે હે સલમાનભાઈ, મારો કોઈ ઇરાદો નહોતો. તમને ખરાબ લાગ્યું હોય તો હું દિલગીર છું. હવે પછી આવું નહીં થાય. પણ કુણાલ કામરા એવું કહે કે આઈ એમ સોરી. હું તો મસ્તી કરતો હતો. આવું તો થયા કરે, ભાઈ. માફ કરી દો, નહીં તો જે તોડવું હોય એ તોડી લો! આ અપૉલોજી નથી જ નથી. કોઈ  કેવી રીતે કહે છે? શું કહે છે? એની બોડી લેંગ્વેજ તે સમયે કેવી છે? આ સઘળું મળીને અપૉલોજી બને છે. સમય પણ અગત્યનો છે. સમય વીત્યે માફી માંગવી એ ન માંગવા બરાબર છે. અપૉલોજી જે તે લોકોનાં સ્વભાવ કે સંસ્કૃતિ પર પણ આધારિત છે. હું હોઉં તો માફી માંગી જ લઉં. નાહક તો ઝઘડો અને એ ય ભાઈ સલમાન સાથે..? ના રે ના! પણ કુણાલ કદાચ એવું માને કે માફી માંગુ તો એ એની નબળાઈ ગણાઈ જાય. કાલે ઊઠીને એનાં જોક ઉપર પછી કોઈ હસે નહીં. વ્હાય અપૉલોજી?

શબ્દ શેષ

''કોઈએ માંગી જ નથી એવી માફીનો તમે સ્વીકાર કરી લો તો જીવવું સરળ થઈ જાય.'' 

-અમેરિકન ઓપેરા સિંગર આર. બ્રાઉલ્ટ

Gujarat