For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ઍલ્બટ્રૉસ: ડોકે વળગેલો બોજ .

Updated: May 7th, 2024

ઍલ્બટ્રૉસ: ડોકે વળગેલો બોજ                             .

- શબ્દસંહિતા-પરેશ વ્યાસ

- અપાર કીર્તિ અને લોકપ્રિયતાની પણ એક કિંમત ચૂકવવી પડતી હોય છે. 

નાચું ત્યારે પગ ના ઊપડે;

શું જીવન પણ બોજ કબીરા?                                                                                                                 

- સુરેશ પરમાર 'સૂર'

૩૪ વર્ષની અમેરિકન ગીત લેખિકા અને ગાયિકા ટેયલર સ્વિફ્ટની લોકપ્રિયતા  અનન્ય છે. તાજેતરમાં એનાં અગિયારમાં આલ્બમની સીડી રીલીઝ બાદ સાત જ દિવસમાં ૧૯ લાખ લોકોએ ખરીદી કે ડિજિટલી ડાઉનલોડ કરી. 'ધ ન્યૂયૉર્કર'નાં એક ઇન્ટરવ્યૂમાં ટેયલરે કહ્યું હતું કે એ પોતે પહેલાં ગીત લેખિકા છે અને ગાયિકા પછી છે. એનો અવાજ તો ગીત કવિતાને આગળ પહોંચાડવાનું માધ્યમ માત્ર છે. શબ્દો, શબ્દો અને શબ્દો. અમને જલસો થઈ ગયો. સામાન્ય રીતે અમારી સમજણ એવી કે વિદેશી પૉપ સંગીત એટલે માત્ર રીધમની ધબાધબી. પૉપ ગીતનાં શબ્દોમાં ન હોય કોઈ ઢંગ, ન કોઈ ધડા. પણ ટેયલર સ્વિફ્ટ એક સુખદ અપવાદ છે. આ કવિયિત્રી ગાયિકા પોતાનાં ગીતોમાં અઘરાં પરંતુ યથાયોગ્ય શબ્દો લઈને આવે છે. અમેરિકાની પ્રસિદ્ધ મેરિયમ વેબ્સ્ટર ડિક્સનરીમાં આ  'સ્વિફ્ટિયન' શબ્દોની રસપ્રદ માહિતી અમને મળી. ક્વાઇટ ઇન્ટરેસ્ટિંગ! જેમ કે ક્લેન્ડેસ્ટિન (Clandestine)-ચોરીછૂપી; મેકિયાવેલિયન (Machiavellian)-કશુંક મેળવવા માટે  લુચ્ચાઈ આચરવી; ઈન્કેડેસન્ટ (Incandescent)તપ્તદીપ, ચમકતું, શુદ્ધ;  ઍલટ્રુઇઝમ (Altruism)  પરમાર્થવૃત્તિ; સેલ્ફ-ઇફેસિંગ (Self-effacing)પોતાના તરફ કોઈ ધ્યાન આપે, વખાણ કરે એવી વૃત્તિ જેને ન હોય એવું, એન્ટિથેટિકલ (Antithetical) તદ્દન વિરોધી વાતત મર્ક્યુરીયલ (Mercurial)  જીવંત, ઝડપી, વારંવાર મૂડ બદલાતી રહે એવી વ્યક્તિત  એલિજી (Elegy)  શોકગીત કે દર્દભરી કવિતા વગેરે. આ બધા શબ્દો પાપ મ્યુઝિકની ગીત કવિતાનાં શબ્દો છે. તાજેતરમાં રીલીઝ થયેલાં આલ્બમ  'ધ ટૉર્ચર્ડ પોએટ્સ ડીપાર્ટમેન્ટ'નાં શીર્ષકનો અર્થ થાય 'સતાવેલાં કવિઓનો વિભાગ!'  આ આલ્બમનું એક ગીત શીર્ષક 'ઍલ્બટ્રૉસ' (Albatross) આજનો આપણો શબ્દ છે. 

ગુજરાતી લેક્સિકન અનુસાર 'ઍલ્બટ્રાસ' એટલે રાક્ષસી કદનું લાંબી પાંખોવાળું એક દરિયાઈ પક્ષી. એ અર્થમાં ઉમેરણ કરું તો આ પક્ષી સફેદ રંગનું હોય છે, જેની પાંખો છેવાડે કાળી હોય છે, જે ખૂલે ત્યારે એ ઘેરાવો ૧૧ ફૂટ જેટલો થાય. ઍલ્બટ્રૉસ એક વાર પાંખો ફફડાવે પછી કલાકો સુધી હવામાં પાંખો ફફડાવ્યા વિના સરકતું રહે, ઉડ્ડયન કરતું રહે. મૂળ અરેબિક શબ્દ 'અલ-ક્વાડસ' એટલે ડૂબકીખોર. આ શબ્દ પોર્ચુગીઝ ભાષામાં થઈને ઇંગ્લિશમાં પહોંચ્યો ત્યારે 'અલ્કાટ્રેઝ' બની ગયો. વિશાળકાય દરિયાઈ પક્ષી ફ્રીગેટબર્ડ માટે આ શબ્દ શરૂઆતમાં વપરાતો રહ્યો. પણ ફ્રીગેટબર્ડનો રંગ કાળો હતો.  જ્યારે સફેદ રંગનાં વિશાળકાય દરિયાઈ પક્ષીનાં નામકરણની વાત આવી ત્યારે એ શબ્દ 'ઍલ્બટ્રૉસ' બન્યો. લેટિનમાં 'ઍલ્બસ' એટલે સફેદ. ઍલ્બટ્રૉસ એટલે વિશાળકાય દરિયાઈ પક્ષી જે રંગે સફેદ છે.   

ફેબુ્રઆરી-૨૦૨૪માં મ્યુઝિક માટે અલ્ટિમેટ ગણાતા ગ્રામી એવોર્ડ સમારોહમાં ટેયલર સ્વિફ્ટને શ્રેષ્ઠ પૉપ ગાયિકાનો એવોર્ડ મળ્યો ત્યારે  એણે પહેરેલો સફેદ ડ્રેસ અને કાળાં હાથમોજાં ઍલ્બટ્રૉસની ઊડાન દર્શાવતી હતી. પણ પછી એપ્રિલમાં ગીત રજૂ થયું ત્યારે ગીતમાં ઍલ્બટ્રૉસ શબ્દનો અર્થ 'સફેદ દરિયાઈ પક્ષી' નહોતો. એનો અર્થ કે આ શબ્દનો બીજો કોઈ અર્થ પણ છે. 

મેરિયમ વેબ્સ્ટર ડિક્સનરી અનુસાર 'ઍલ્બટ્રૉસ' એટલે એવો પ્રોબ્લેમ જે આપણને કાંઈ  કરવા જ ન દે, જેનો કોઈ ઉકેલ જ ન હોય, જે સતત આપણે માથે જ હોય અને એ સંજોગોમાં કશું ય હાંસલ કરવું અત્યંત અઘરું કે અશક્ય બની જાય. એક પક્ષીનું નામ મેટાફર (રૂપક) તરીકે 'ઉકેલ વિનાનો પ્રોબ્લેમ' બની ગયો. ટેયલર સ્વિફ્ટની 'ઍલ્બટ્રૉસ' ગીત કવિતાનાં આખરી પંક્તિઓ છે: સો ક્રોસ યોર થોટલેસ હાર્ટ, શી ઈઝ ધ ઍલ્બટ્રૉસ, શી ઈઝ હીયર ટૂ ડિસ્ટ્રોય યૂ.. ગુજરાતીમાં કહીએ તો... એ યુવતી ઍલ્બટ્રૉસ છે અને અહીં તારો નાશ કરવા આવી છે. 

'ઍલ્બટ્રૉસ'નો આ અર્થ સમજવા માટે પૂર્વકાલીન કવિ સેમ્યુઅલ ટેયલર કૉલરિજની કવિતા 'રાઇમ ઑફ ધ એનિસિયન્ટ મરીનર' (૧૭૯૮) વાંચવી પડે. દરિયાઈ પ્રવાસે નીકળતા વહાણ  આગળ ઍલ્બટ્રૉસ ઊડી રહ્યું હોય તો એ શુભ નિશાની ગણાતી. પણ એક નાવિકે આડા ધનુષ્યથી તીર ચલાવીને એ ઍલ્બટ્રૉસને મારી નાંખ્યું.  અને પછી તો વહાણનાં આખા પ્રવાસમાં અનેક આફતોનો પહાડ સર્વે નાવિકો ઉપર તૂટી પડયો. જાણે કે તેઓને ઍલ્બટ્રૉસનો શાપ લાગ્યો હતો. સૌને લાગ્યું કે ઍલ્બટ્રૉસનો હત્યારો નાવિક આ માટે જવાબદાર હતો. શાપમાંથી બચવા સૌ નાવિકોએ મૃત ઍલ્બટ્રૉસનું હાડપિંજર પેલાં ખૂની નાવિકની ડોકમાં બાંધી દીધું. ગુનેગાર હોવાની એની આ સજા. તે ઉપરથી એ દોષિત છે જેની ડોકમાં ઍલ્બટ્રૉસ બંધાયું છે-એવી લોકવાયકા બની ગઇ. આ એવો બોજ કે જે જીવનભર વેંઢારવો પડે, અમેરિકન હેરિટેજ ડિક્સનરી અનુસાર 'ઍલ્બટ્રૉસ' એટલે ચિંતા કે આપત્તિનું મૂળ અથવા તો એવો બોજ, જે સફળતા મેળવવામાં અંતરાય બની જાય. 

'ન્યૂયૉર્ક ટાઈમ્સ' લખે છે ટેયલર સ્વિફ્ટનું નવું આલ્બમ આત્મકથાત્મક વિષયને લઈને આવ્યું છે. આ વિષય એની સ્પેશ્યાલિટી છે. ફરીથી દિલ તૂટવાની દ્વેષપૂર્ણ કહાણી અને એ અંગેની લખાયેલી કવિતાનાં શબ્દો કે જેનું અર્થઘટન કરવા ચાહકો આતુર છે. કવિતાનું રસદર્શન અલબત્ત અઘરો વિષય છે. જો કે અહીં મહદ અંશે એવો અર્થ થાય છે કે અપાર કીર્તિ અને લોકપ્રિયતાની પણ એક કિંમત ચૂકવવી પડતી હોય છે. ટેયલર સ્વિફ્ટની પોતાની લવ લાઈફ અઘરી રહી છે. જેની લાઈફ પાર્ટનર રીચ એન્ડ ફેમસ હોય એ ભાયડાની સ્થિતિ કફોડી હોય છે. ડેટિંગનાં મામલામાં હાલનાં પ્રેમી ટ્રેવિસ કેલ્સી માટે ટેયલર સ્વિફ્ટની લોકપ્રિયતા ઍલ્બટ્રૉસ બનીને ડોક ઉપર વળગી છે, એવો અર્થ અહીં છે.   

લેખક એલન કોહેનનાં મતે તમે ભૂતકાળને જો દુશ્મન ગણતા હો તો એ અલબત્ત ઍલ્બટ્રૉસ  છે. પણ જો તમે એને દોસ્ત ગણો તો એ જ તમને પાંખ આપશે આગળ ઊડાન ભરવા માટે. ઇતિ. 

શબ્દ શેષ:

'કેવો ભારે બોજ બની જાય છે એ નામ, જે વધારે પડતું વિખ્યાત હોય.' 

- ફ્રેચ લેખક, ફિલસૂફ, વ્યંગકાર વૉલ્તેર (૧૬૯૪-૧૭૭૮)  

Gujarat