For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ચીટિંગ : શબ્દા ઠગ લેંગે .

Updated: Mar 5th, 2024

ચીટિંગ : શબ્દા ઠગ લેંગે                        .

- શબ્દસંહિતા - પરેશ વ્યાસ

-પ્રેમસંબંધમાં ત્રણ નિયમ હોય છે. જૂઠ્ઠું ન બોલવું, છેતરવું નહીં અને એવું વચન ન આપવું, જે નિભાવી ન શકાય. 

પંદર નવાના કાર્ડ પર આનંદમાં છું હું, કુશળ હશો તમે,

શબ્દના છળકપટને સમજવાનું હોય છે, વિસરવાનું હોય છે. 

- નયન દેસાઈ

પં દર પૈસાનાં પોસ્ટકાર્ડ પર આનંદ કુશળ સમાચારની ઔપચારિક આપલે થતી રહે છે. સઘળું આનંદ કુશળ ખરેખર હોય જ, એ જરૂરી નથી. મૂર્ધન્ય કવિ નયનભાઈ ઠાલાં શબ્દને સમજવાની અને ભૂલી જવાની વાત કહે છે. શબ્દનો અર્થ ઘણી વાર ભેદી હોય છે! એમાં એક શબ્દ છળકપટ કરી ગયો-નાં સમાચાર છે. અમને 'કભી ખુશી, કભી ગમ' ફિલ્મનું ગીત યાદ આવે છે. બોલે  ચૂડીયા, બોલે  કંગના.. શું બોલ્યાં? કંગના રૈનોટ બોલ્યાં કે... સરકારે સારું કર્યું કે  'એન્ટિ-ચીટ' કાયદો લઈ આવી. ફિલ્મી સ્ટાર્સની પત્નીઓએ તો સરકારનો આભાર માનવો જોઈએ. ફિલ્મ સ્ટાર્સ પરણિત હોવા છતાં અન્યત્ર લફરાં કરે છે એ સંદર્ભ અને આ આડકતરો ઈશારો રિતિક રોશન તરફ હતો. કોઈ વ્યક્તિ ખોટી ખાત્રી આપીને પાર્ટનરને છેતરે, એને દસ વર્ષની જેલ અને એક કરોડ સુધીનો દંડ. લોકસભાએ કાયદો પસાર કર્યો. ખોટી રીતે ડેટિંગ કરીને છોકરીને તરછોડે એ પુરુષે ભરણપોષણ આપવું ફરજિયાત. કંગના બેન તો એટલે સુધી સોશિયલ મીડિયા પર બોલ્યાં કે સ્કૂલ જતા છોકરા છોકરીઓ વચ્ચે સેક્સ સંબંધ પર પ્રતિબંધ હોવો જરૂરી. પણ... આ બધું લખ્યા પછી કંગનાબેને પોતાનું જ લખાણ ડીલીટ કર્યું. કારણ? કારણ કે આ તો આંધળે બહેરું કૂટાયું હતું. વાત જાણે એવી હતી કે લોકસભામાં 'એન્ટિ-ચીટ' કાયદો-૨૦૨૪ પસાર તો ચોક્કસ થયો. એ સમાચારને લઈને કોઈએ ઇન્સ્ટાગ્રામ ઉપર વ્યંગ લેખ લખ્યો અને એ વાંચીને કંગનાબેન એવું સમજ્યા કે આ એન્ટિ-ચીટ કાયદો પ્રેમસંબંધનાં ચીટિંગ વિરોધી કાયદો છે. દરઅસલ નોકરી માટે જે પરીક્ષા લેવામાં આવે છે એનાં પેપર્સ છાશવારે ફૂટી જાય છે. એ છેતરપીંડીનાં કસૂરવારોને કડક સજા થાય એનો કાયદો હતો, પણ કોઇકનાં વ્યંગ લખાણને સાચું માનીને કંગના બેન પોતે જ ચીટાઈ(!) ગયા. અલબત્ત આપણને શબ્દ મળી ગયો. ચીટિંગ (ભરીચૌહય). 

ગુજરાતી લેક્સિકન અનુસાર 'ચીટિંગ' એટલે છળકપટ, ફરેબ, વંચના, ઠગાઇ, છેતરપીંડી. આ ઉપરાંત ધોખાધડી, જાલસાઝી એવા ફિલ્મી શબ્દો પણ આ અર્થમાં આપણે જાણીએ છીએ. ટૂંકમાં કોઈ પણ એવી વૃત્તિ કે પ્રવૃત્તિ, જે પ્રામાણિક, સરળ, નિખાલસ કે નેક ન હોય, એ ચીટિંગ છે. જે ચીટિંગ કરે એને બ્રિટિશ ઇંગ્લિશમાં 'ચીટ', અમેરિકન ઇંગ્લિશમાં 'ચીટર' અને ગુજ્જુ ઇંગ્લિશમાં 'ચીટરિયો' કહે છે. ચીટિંગ અત્ર તત્ર સર્વત્ર થાય છે. ભોળાં લોકો આસાનીથી ઠગાય છે. પરીક્ષામાં ચીટિંગ કરવું એટલે જેઓ લાયક છે એને અન્યાય કરી ખોટાં માણસને લાભ કરાવવો તે. અને પ્રેમ સંબંધમાં તો ચીટિંગ કરવું સામાન્ય બની ચૂક્યું છે. આ ઉપરાંત આજકાલ રમતગમતમાં ચીટિંગ થતું રહે છે. ચીટિંગ વગર જુગારમાં ય જીતાતું નથી. પૈસાની લેણદેણમાં પણ ચીટિંગ થાય છે. 'ઇનસાઇડર ટ્રેડિંગ' શબ્દો આપણે જાણીએ છીએ. અંદરનાં લોકોને દા. ત. કર્મચારીઓને પોતાનાં ધંધાની ખબર હોય એટલે તેઓ જ શેરબજારમાં ટ્રેડિંગ કરે. અન્ય લોકો પાસે માહિતી હોય નહીં એટલે એ છેતરાઈ જાય. એ જ રીતે રાજકારણમાં વ્યક્તિપૂજા અને ધર્મમાં અંધશ્રદ્ધા ચીટિંગ માટે પ્લેટફોર્મ પૂરું પાડે છે. ટૂંકમાં, ચીટિંગ માત્ર પુરુષ અને સ્ત્રી વચ્ચેનાં નાજુક સંબંધોમાં જ થાય છે, એવું નથી. પણ હા, એટલું ચોક્કસ છે કે પ્રેમસંબંધોમાં ચીટિંગ ઝાઝું થાય છે. અને આ ગેરસમજણમાં કંગના બેન ચીટાઈ ગયા. એમાં જો કે એમનો વાંક નથી. એમનો પોતાનો અનુભવ પણ એવો જ હતો. અને સાહેબ,  પ્રેમની ગ્રહદશા અઘરી હોય છે.

પંદરમી સદીમાં મૂળ જૂની ફ્રેંચ ભાષામાં 'એસચીટ' શબ્દ હતો. કોઈ વ્યક્તિ વારસદાર વિના મૃત્યુ પામે તો એની માલમિલકત સરકાર જપ્ત કરે. 'બને' કે 'થાય' એવા અર્થમાં આ શબ્દ વપરાતો રહ્યો. હવે જે અધિકારી કાયદા અનુસાર આવી 'એસચીટ' એટલે કે જપ્તીની કાર્યવાહી ન કરે એ 'ચીટ' કરે છે, એવો અર્થ થવા લાગ્યો અને એ રીતે  'ફ્રોડ' કે અપ્રામાણિક વ્યવહારનાં અર્થમાં ચીટ શબ્દ ઇંગ્લિશ ભાષામાં આવ્યો. પ્રેમ સંબંધોમાં બેવફાઇ માટે જો કે ચીટ શબ્દ વર્ષ ૧૯૩૪થી ઉપયોગમાં આવ્યો છે. 'ચીટ ઓન' એટલે લગ્નેતર સેકસ સંબંધ બાંધવા તે. આમ તો આ બેવફાઇ માટે  ઇન્ફિડેલિટી (ૈંહકૈગીનૈાઅ) શબ્દ તો હતો જ, પણ 'ચીટિંગ' શબ્દ ચલણમાં વધારે પ્રચલિત છે. એટલે જ, કંગના બેન એન્ટિ-ચીટ કાયદાને પ્રેમસંબંધ ઠગાઇ વિરોધી કાયદો સમજ્યા, એવી અમારી સમજણ છે.

કહે છે કે પ્રેમસંબંધમાં ત્રણ નિયમ હોય છે. જૂઠ્ઠું ન બોલવું, છેતરવું નહીં અને એવું વચન ન આપવું, જે નિભાવી ન શકાય. હવે તમે જ કહો, આવું કરવા જઈએ તો પ્રેમ થાય જ કઈ રીતે?!!! પણ છતાં ચીટિંગ ન કરો તો સારું. જો હું ચીટિંગ કરું તો મને પોતાને મનોમન સારું તો ન જ લાગે. અને જ્યારે સામેવાળાને ચીટિંગ સમજાય ત્યારે ન થવાનું થાય. સામેવાળો મારી સાથે પછી એવો જ વ્યવહાર કરે. બદલો, ઈન્તકામ, પ્રતિશોધ, વૈરશોધન, વેરની વસૂલાત વગરે વગરે. માની લો કે એવું ન કરે તો પણ મારી કેવી હાલત થાય જ્યારે કોઈ  મારી ઉપર વિશ્વાસ ન જ મૂકે. મારી પ્રતિષ્ઠા ખરડાઇ જાય. મારી ક્વોલિટી ઑફ લાઈફની પત્તર ઠોકાઈ જાય. અને સૌથી ખરાબ વાત એ કે ચીટિંગ મારી આદત બની જાય. આપણને ત્યાં કહેવત છે ઃ કપટ ત્યાં ચપટ. કર્મની થીયરી સાચી છે, સાહેબ. 

શબ્દ શેષ 

 'ચીટિંગ ચોઈસ છે, મિસ્ટેક નથી.' - અજ્ઞાાત

Gujarat