For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ઉત્તરપ્રદેશમાં રાજકીય માફિયાગીરીનું વરવું ઉદાહરણ

Updated: Apr 23rd, 2024

ઉત્તરપ્રદેશમાં રાજકીય માફિયાગીરીનું વરવું ઉદાહરણ

- ક્રાઈમવૉચ-મહેશ યાજ્ઞિક

- એમના ધંધાની આ સ્ટાઈલ હતી. પ્રમાણમાં સસ્તા ભાવે બાપા પહેલા જમીન વેચે અને એ પછી અજય નારાયણસિંહ એ ખરીદનારને દબડાવીને, દાદાગીરી કરીને કે ટોર્ચર રૂમમાં લાવીને એની પાસેથી વધારે પૈસા પડાવે!

- અજય નારાયણસિંહ

- જગદીશ નારાયણસિંહ

- વિજય નારાયણસિંહ

- ડૉ.ઘનશ્યામ તિવારી

- નિશા તિવારી

- અજય સિલાવરની ધરપકડ

- મેનકા ગાંધીની નિશાને સાંત્વના

ઉ ત્તરપ્રદેશમાં રાજધાની લખનૌથી એકસો પાંત્રીસ કિલોમીટર દૂર આવેલું સુલતાનપુર શહેર પવિત્ર ગોમતી નદીના કિનારે વસેલું છે. તારીખ ૭-૪-૨૦૨૪, રવિવારની સાંજે સુલતાનપુરમાં ખૂનકા બદલા ખૂન જેવી એક ઘટના બની એની ચર્ચા અત્યારે તો આખા જિલ્લામાં ચાલી રહી છે. એનો તાળો મેળવવા માટે નજીકના ભૂતકાળમાં નજર કરવી પડશે.

સુલતાનપુરમાં રહેતા છપ્પન વર્ષના ડૉ. ઘનશ્યામ તિવારીનું મૂળ વતન તો સખૌલી નામનું ગામ. ત્યાં એમનું પૈતૃક મકાન છે. ડૉ. ઘનશ્યામ તિવારી સુલતાનપુરની નજીક આવેલા જયસિંહપુરના કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં મુખ્ય મેડિકલ ઑફિસર તરીકે નોકરી કરતા હતા. સુલતાનપુરના શાસ્ત્રીનગર વિસ્તારમાં ભાડે રહેતા હતા. એમણે ખૂબ મોટી ઉંમરે લગ્ન કરેલા. એમની પત્નીનું નામ નિશા તિવારી. આજે છપ્પન વર્ષની ઉંમરે ડૉ. ઘનશ્યામ તિવારીને એક માત્ર સંતાન એ એમનો આઠ વર્ષનો પુત્ર. એ ત્રીજા ધોરણમાં અભ્યાસ કરતો હતો. આખા શાસ્ત્રીનગર વિસ્તારમાં ડૉ. ઘનશ્યામ તિવારી પ્રત્યે સહુને આદરભાવ હતો. દરરોજ સવારે પાંચ વાગ્યે ઉઠીને બે કલાક સુધી પ્રભુની સેવા-પૂજા કર્યા પછી એ કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં નોકરી કરવા જતા હતા.

નિવૃત્તિ પછી પણ કાયમી ધોરણે સુલતાનપુરમાં જ રહેવાની એમની ઈચ્છા હોવાથી આ શહેરમાં જ પોતાના પ્લાન મુજબનું ઘર બનાવવા માટે એ સારી જગ્યાએ પ્લોટ શોધતા હતા. શાસ્ત્રીનગરમાં સરસ્વતી વિદ્યામંદિરની પાછળ અડોઅડ આવેલા બે પ્લોટ જોયા પછી ડૉક્ટરને લાગ્યું કે આ જગ્યા મળી જાય તો ત્યાં સરસ મજાનો નાનકડો બંગલો બનાવી શકાય. એમણે તપાસ કરી અને એ પ્લોટના માલિકને મળ્યા. એ પ્લોટના માલિક હતા સુલતાનપુર જિલ્લામાં રાજકીય વર્ચસ્વ ધરાવતા પરિવારના મોભી જગદીશ નારાયણસિંહ. 

બે બિસ્વાનો પ્લોટ એટલે લગભગ ત્રણસો ચોરસ વાર. એ ખરીદવા માટે ઘનશ્યામ તિવારી નારાયણપુર વિસ્તારમાં રહેતા જગદીશ નારાયણસિંહને મળ્યા. ભાવમાં થોડી રકઝક પછી પચાસ લાખ રૂપિયામાં સોદો ફાઈનલ થયો. ડૉક્ટરે ચેક આપ્યો અને જમીન વેચાણના દસ્તાવેજમાં સહીસિક્કા થઈ ગયા અને સરકારી કચેરીમાં દસ્તાવેજનું રજિસ્ટ્રેશન પણ થઈ ગયું. ઘનશ્યામ તિવારીએ એક પરિચિત એન્જિનિયરને એ પ્લોટ બતાવીને પોતાને કેવું મકાન જોઈએ છે એ જરૂરિયાતો સમજાવીને કહ્યું કે નિરાંતે પ્લાન બનાવજો.

ડૉ. ઘનશ્યામે પ્લોટ ખરીદીને પૈસા તો ચૂકવી આપ્યા, પરંતુ એના થકી આવનારી ઉપાધિઓને એમને અણસાર નહોતો. જગદીશ નારાયણસિંહના ભાઈઓ પૈકી એક ભાઈ સુલતાનપુર જિલ્લા ભાજપના અધ્યક્ષપદે રહી ચૂકેલા હતા અને અત્યારે બીજા ભાઈ એ હોદ્દો સંભાળી રહ્યા હતા. એ બંને ઉપર ખંડણી અને લેન્ડ ગ્રેબિંગ જેવા ગંભીર આરોપના મુકદ્દમા થઈ ચૂક્યા છે. એમના સંતાનો પણ ભાજપ યુવા મોરચામાં હોદ્દા સંભાળી રહ્યા હતા. એમાંના એકે તો સરકારી જમીન ઉપર કોઈ જ પરવાનગી વગર ભાજપ યુવા મોરચાની ઑફિસનું મકાન પણ બનાવી નાખ્યું હતું!

આ બધામાં સૌથી ખતરનાક પાત્ર તો જગદીશ નારાયણસિંહના પુત્ર અજય નારાયણસિંહનું! કાકાઓની રાજકીય તાકાત ઉપર એ બેફામ દાદાગીરી કરતો હતો.  પૈસા પુષ્કળ હતા એટલે એનો ધંધો વ્યાજે પૈસા ફેરવવાનો. ગરજવાન લોકોને એ મહિને દસ ટકાના વ્યાજે પૈસા આપતો અને વ્યાજની એની ઉઘરાણી પણ ક્રૂર હતી. કોઈ વ્યાજ ના ચૂકવે અથવા એની સાથે ઝઘડે એને પાઠ ભણાવવા માટે એક મકાનમાં એણે ટોર્ચર રૂમ બનાવ્યો હતો. અજય નારાયણસિંહના પઠ્ઠાઓ એ માણસને ઉઠાવી લાવે અને ટોર્ચર રૂમમાં એની સરભરા કરવામાં આવે. એ ઓરડામાં દંડાઓ અને દારૂની બાટલીઓનો સ્ટોક રહેતો હતો.

અજય નારાયણસિંહનો બીજો મોટો કારોબાર સરકારી જમીન હડપવાનો. એક વિશાળ સરકારી પ્લોટ પર એણે લગ્ન માટેનો હોલ અને પાર્ટીપ્લોટ બનાવ્યો હતો! બીજી સરકારી જમીનો ઉપર પણ એણે કબજો કરેલો હતો.

અજય નારાયણસિંહ અત્યંત ક્રૂર હતો. એની બિભસ્ત ક્રૂરતાનું એક ઉદાહરણ તો આજે પણ એ વિસ્તારના લોકો ભૂલ્યા નથી. ઈ.સ. ૨૦૧૩માં એના ખેતરમાં કોઈક કુંભારના ગધેડાઓ ઘૂસી ગયા હતા. ગુસ્સે થયેલા અજય નારાયણસિંહે અત્યંત ક્રૂરતાથી એ બત્રીસ ગધેડાઓને બાંધીને કુહાડી અને તલવારથી કાપી નાખ્યા હતા! એ માટે એના ઉપર કેસ પણ થયેલો.

બાપાએ પચાસ લાખમાં ડૉક્ટરને પ્લોટ વેચ્યો તો ખરો, પણ હવે એ મામલો અજય નારાયણસિંહે સંભાળી લીધો. એમના ધંધાની આ સ્ટાઈલ હતી. પ્રમાણમાં સસ્તા ભાવે બાપા પહેલા જમીન વેચે અને એ પછી અજય નારાયણસિંહ એ ખરીદનારને દબડાવીને, દાદાગીરી કરીને કે ટોર્ચર રૂમમાં લાવીને એની પાસેથી વધારે પૈસા પડાવે!

એ ત્રણસો વારના પ્લોટમાં પોતાનું મકાન બનાવીને રહેવાની ડૉક્ટરને હોંશ હતી, પરંતુ હવે ડૉક્ટર પાસે વધારાના દસ લાખની માગણી કરીને અજય નારાયણસિંહે લુખ્ખી ધમકી આપી કે આ પૈસા નહીં મળે ત્યાં સુધી પ્લોટમાં જો પગ મૂકશો તો પગ ભાંગી નાખીશ! સીધાસાદા ડૉક્ટર આ ધમકીથી ગભરાઈ ગયા અને અજય નારાયણસિંહને મળ્યા. વધારાના એક લાખ રૂપિયા એમણે અજય નારાયણસિંહને આપ્યા. એણે એ પૈસા લઈ લીધા, છતાં બાકીના પૈસા માટે ફોન ઉપર ધમકી આપવાનું ચાલુ રાખ્યું. પોતે બ્રાહ્મણ અને સામે ઠાકુર રાજકીય નેતાનો ભત્રીજો, એટલે પોલીસ પોતાની ફરિયાદ સાંભળવાની નથી એવું લાગવાથી ડૉક્ટરે પોલીસને જાણ નહોતી કરી. પોતે ખાનદાન ડૉક્ટર છે અને વધારાના લાખ રૂપિયા પણ આપ્યા છે એટલે મકાન બનાવવામાં વાંધો નહીં આવે એવી એમની ગણતરી હતી.

તારીખ ૨૩-૯-૨૦૨૩ની સાંજે સાડા ચાર વાગ્યે એ ઘેર આવ્યા અને પત્ની નિશા પાસેથી સાડા ત્રણ હજાર રૂપિયા લઈને એમણે કહ્યું કે એન્જિનિયરને મળીને આ પૈસા આપવાના છે. એણે રફ પ્લાન તો બનાવી રાખ્યો છે, એ જોવા માટે લેતો આવીશ. આટલું કહીને એ ઘેરથી નીકળ્યા.

રાત્રે સાડા નવ વાગ્યે એક ઈ-રિક્ષા એમના ઘર પાસે આવીને ઊભી રહી. લોહીથી લથબથ ડૉક્ટર ઘનશ્યામની હાલત એવી હતી કે નિશા પણ એમને પહેલી નજરે ઓળખી ના શકી. બુશર્ટ ફાટેલો હતો, બંને હાથ ભાંગેલા હોવાથી લટકતા હતા અને બંને પગમાંથી ધોધમાર નીકળેલા લોહીને લીધે બૂટમાંથી પણ લોહી બહાર છલકાતું હતું. ઊભા રહેવાની પણ એમની શક્તિ નહોતી. પાડોશીઓ તરત ભેગા થઈ ગયા. રિક્ષા ડ્રાઈવરે કહ્યું કે એ ચાર રસ્તા પર લોહીલુહાણ હાલતમાં પડયા હતા એટલે હું એમને ઉઠાવીને લઈ આવ્યો. પાડોશી યુવાનોને શંકા પડી એટલે એમણે રિક્ષા ડ્રાઈવરની બોચી પકડીને ઝૂડવાનું શરૂ કર્યું એટલે એણે કબૂલાત કરી કે અજય નારાયણસિંહે મને આ કામ સોંપેલું! ડૉક્ટરે પણ તૂટક તૂટક અવાજે કહ્યું કે અજય નારાયણસિંહ અને બીજા બે માણસોએ મને માર્યો છે! પાડોશીઓ અને નિશા મળીને ડૉક્ટરને હોસ્પિટલમાં લઈ ગયા. વધુ પડતું લોહી વહી ગયેલું એટલે એક કલાકની સારવાર બાદ ડૉક્ટર ઘનશ્યામ તિવારીના શ્વાસ અટકી ગયા!

પોલીસને જાણ કરેલી એટલે પોલીસ પણ હોસ્પિટલમાં આવી ગઈ હતી. ડૉક્ટરની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી. આખા શરીર ઉપર દસેક ગંભીર પ્રહાર થયેલા હતા. બંને હાથમાં ફ્રેક્ચર્સ હતા. અજય નારાયણસિંહની ક્રૂરતા દર્શાવતી સૌથી ગંભીર ઈજા તો બંને સાથળમાં થયેલી હતી. ડ્રિલ મશીનથી બંને સાથળમાં ડ્રિલિંગ કરવામાં આવેલું હતું! એને લીધે જ પુષ્કળ લોહી વહી ગયેલું.

પતિની આવી ક્રૂરતાથી હત્યા થઈ એ પછી નિશાની હાલત દયાજનક હતી. એણે પોલીસને જણાવ્યું કે અજય નારાયણસિંહ અને એના સાથીઓએ મારા પતિની હત્યા કરી છે. પોલીસે એક કોરા કાગળ ઉપર નિશાની સહી લીધી અને પોતાની રીતે ફરિયાદ લખી નાખી. પોતાના આઠ વર્ષના દીકરાને વળગીને હૈયાફાટ રૂદન કરતી નિશાએ પોલીસને કહી દીધું કે તમે અજય નારાયણસિંહને નહીં પકડો ત્યાં સુધી મારા પતિના અંતિમ સંસ્કાર નહીં કરું.

અજય નારાયણસિંહ ફરાર થઈ ચૂક્યો હતો. એક સેવાભાવી તબીબની આવી ક્રૂર રીતે હત્યા થઈ હતી એટલે જિલ્લાના પોલીસ વડા, કલેક્ટર અને અન્ય અધિકારીઓ નિશાને મનાવવા આવ્યા. ગુનેગારોને પકડીને એમને આકરી સજા કરવામાં આવશે, તમને સરકારી નોકરી ઉપરાંત એક કરોડ રૂપિયાનું વળતર આપવામાં આવશે-આવા સરકારી વચનોની ખાતરી આપવામાં આવી, એ પછી ડૉક્ટરની અંતિમ વિધિ કરવામાં આવી. આ હત્યાને લીધે આખા જિલ્લામાં ચકચાર જામી હતી. ઉત્તરપ્રદેશમાં તો દાયકાઓથી બ્રાહ્મણો વિરૂધ્ધ ઠાકુરોનું વાતાવરણ છે. અજય નારાયણસિંહ ઠાકુર અને ડૉક્ટર ઘનશ્યામ તિવારી બ્રાહ્મણ-એટલે જિલ્લાના બ્રહ્મસમાજે પણ દસ હજાર બ્રાહ્મણોની સભા કરીને પોલીસને તાકીદ કરી કે આરોપીઓને પકડો. એમના સહકારથી નિશાએ બીજી FIR નોંધાવીને એમાં અજય નારાયણસિંહના પિતા અને કાકાના પુત્રોના નામ પણ આરોપી તરીકે દર્શાવ્યા. પોલીસે અજય નારાયણસિંહને પકડવા માટે પચાસ હજારનું ઈનામ જાહેર કર્યું.

પોલીસે જગદીશ નારાયણસિંહની ધરપકડ કરી. એ પછી પોલીસને જાણકારી મળી કે હત્યામાં અજય નારાયણસિંહના કાકાનો દીકરો વિજય નારાયણસિંહ પણ સામેલ હતો. એનું લોકેશન રાજસ્થાનનું મળ્યું એટલે પોલીસે રાજસ્થાન જઈને છઠ્ઠી ઓક્ટોબરે વિજય નારાયણસિંહની ધરપકડ કરી. એની પત્ની ખુશ્બુ સિંહે પત્રકારોને કહ્યું કે વિજય તો રાજસ્થાનમાં ખાંટુશ્યામના દર્શન કરવા ગયેલો, એ નિર્દોષ છે, છતાં પોલીસે એને પૂરી દીધો છે!

નિશાને વળતર રૂપે એક કરોડ રૂપિયા અને સરકારી નોકરીનું વચન અપાયેલું પરંતુ સરકારી અધિકારીઓ દસ લાખનો ચેક લઈને ગયા એટલે નિશા વિફરી પછી રડી પડી. માસિક છ હજારના પગારવાળી નોકરીની ઓફર અને દસ લાખનો ચેક સ્વીકારવાની એણે ના પાડી. એણે કહ્યું કે બ્રાહ્મણ છું, પણ આવી ભિક્ષા નથી જોઈતી.

 તમે અજય નારાયણસિંહને પકડીને જેલમાં નહીં પૂરો ત્યાં સુધી મને મારી અને મારા દીકરાની સલામતીની ચિંતા છે.

નિશા પ્રત્યે સહાનુભૂતિ દર્શાવવા વિવિધ રાજકીય પક્ષના આગેવાનો પણ આવ્યા. અખિલેશ યાદવે રાજ્યની કાયદાની વ્યવસ્થાની ટીકા કરી. મેનકા ગાંધી આવી ત્યારે નિશાએ ઉગ્રતાથી બળાપો ઠાલવ્યો. મામલો યોગી સુધી પહોંચ્યો હતો એટલે ભાગેડુ અજય નારાયણસિંહની તમામ મિલકતો જપ્ત કરવા સર્વે શરૂ થયો અને એણે જે જે જમીન ઉપર ગેરકાયદેસર બાંધકામ કરીને કબજો મેળવેલો એ બધું તોડી નાખવામાં આવ્યું. એના પિતરાઈએ ભાજપ યુવા મોરચાની ઑફિસ બનાવેલી એ પણ બુલડોઝરથી તોડી નાખવામાં આવી. આ માહિતી મળ્યા પછી સત્તરમા દિવસે અજય નારાયણસિંહે પોલીસની શરણાગતિ સ્વીકારી લીધી. જગદીશ નારાયણસિંહ, અજય નારાયણસિંહ, એનો ડ્રાઈવર અને વિજય નારાયણસિંહ-એ ચારેય ઉપર ગેંગસ્ટર એક્ટ પણ લગાવવામાં આવ્યો.

નિશાને સાંત્વના આપવા રાજ્યના નાયબ મુખ્યમંત્રી વ્રજેશ પાઠક આવ્યા અને એમની સમજાવટ પછી નિશાએ સહાયનો દસ લાખનો ચેક સ્વીકાર્યો. 

એ પછી સુલતાનપુરમાં પરિસ્થિતિ થાળે પડી ગઈ હોય એવું લાગતું હતું. વિજય નારાયણસિંહ તારીખ ૧૪-૩-૨૦૨૪ના દિવસે જામીન મેળવીને જેલમાંથી બહાર આવી ગયો હતો.

રવિવાર, તારીખ ૭-૪-૨૦૨૪ની સવારે દીપક મિશ્રા અને જયંત મિશ્રા નામના મિત્રોએ કોન્ફરન્સ ફોન કરીને વિજયને કહ્યું કે સાંજે દરિયાપુર ત્રણ રસ્તા પાસે પલ્લવી હોટલમાં પાર્ટી રાખી છે, તું આવી જજે. વિજય નારાયણસિંહ પોતાના બીજા બે મિત્રો-દીનેશકુમાર (બબલુ) અને વિનય તિવારી સાથે પલ્લવી હોટલ પર પહોંચ્યો. એ પહોંચ્યો એટલે દીપક મિશ્રાએ એક ફોન કર્યો અને અજય કમલાપ્રસાદ સિલાવર નામનો યુવાન બાઈક પર બીજા બે યુવાનને લઈને ત્યાં આવી ગયો. અજયે તો આવીને સીધું જ ફાયરિંગ શરૂ કર્યું. વિજય નારાયણસિંહના શરીરમાં ત્રણ બુલેટસ્ ધરબાઈ ગઈ અને એ ત્યાં જ ઢળી પડયો. એની બાજુમાં બેઠેલા અનુજ શર્માને પણ એક ગોળી વાગી. વિજય નારાયણસિંહ ત્યાંને ત્યાં જ મરી ગયો! અનુજ શર્માની ઈજા ગંભીર નહોતી, એને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો.

આ ઘટના બની એટલે વિજયના મોટાભાઈ સતીશ નારાયણસિંહે હત્યાના કાવતરાની ફરિયાદ નોંધાવી છે. ડૉક્ટર ઘનશ્યામ તિવારીની પત્ની નિશા ઉપરાંત ડૉક્ટરના બંને ભાઈઓ, અજય કમલપ્રસાદ સિલાવર, દીપક મિશ્રા અને જયંત મિશ્રા- આ બધાએ સાથે મળીને બદલો લેવાના ઈરાદાથી કાવતરું કરીને મારા ભાઈ વિજયની હત્યા કરી છે. 

ગોળીબાર કરીને હત્યા અજય કમલપ્રસાદ સિલાવરે કરી હતી એટલે પોલીસે સૌથી પહેલા એને પકડવાની કવાયત હાથ ધરી. એક ખબરીએ બાતમી આપી કે અજય સિલાવર બાઈક લઈને લખનૌ જવા માટે તૈયારી કરે છે. પોલીસે લખનૌ તરફ જતા રસ્તાઓ પર નાકાબંધી ગોઠવી દીધી. તારીખ ૯-૪-૨૦૨૪ રાત્રે એ બાઈક લઈને જતો હતો અને પોલીસે એને રોક્યો. ઊભા રહેવાને બદલે એણે પોલીસ ઉપર ફાયરિંગ કર્યું. પોલીસે સામે ફાયરિંગ કર્યું એમાં અજયને પગમાં ગોળી વાગી અને એ ફસડાઈ પડયો. પોલીસે એને પકડી લીધો. એની પાસેથી રિવોલ્વર અને કારતૂસો જપ્ત કરી લીધા. એ પછી પોલીસ બંદોબસ્ત સાથે પગની સારવાર માટે એને લખનૌની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. 

વિજયની સાથે આવેલા બે મિત્રો-દીનેશકુમાર (બબલુ) અને વિનય તિવારી આ સમગ્ર ઘટનાને નજરે જોનારા સાક્ષી છે. એ બંને બ્રાહ્મણ હોવાથી કોર્ટમાં શું કહેશે? હોસ્પિટલમાંથી સાજો થયા પછી પોતાની કબૂલાતમાં અજય કમલપ્રસાદ સિલાવર શું કહેશે? પોતે અંગત દુશ્મનાવટમાં વિજય નારાયણસિંહની હત્યા કરી છે એવું કહેશે? કે ડૉ. ઘનશ્યામ તિવારીના પરિવારે વિજયને મારવા માટે સોપારી આપી હતી એવી કબૂલાત કરશે? આ બધા સવાલોના જવાબ તો આવનારો સમય જ આપશે!

Gujarat