For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

આવતીકાલની ચિંતા એ આજની અશ્રદ્ધા છે!

Updated: Apr 23rd, 2024

આવતીકાલની ચિંતા એ આજની અશ્રદ્ધા છે!

- ઝાકળ બન્યું મોતી-કુમારપાળ દેસાઈ

ખુ દાના સાચા બંદા જેવા વૃદ્ધ ફકીરે એની પુત્રીને ભારે જતનથી ઉછેરી હતી. બાળપણમાં એની માતા ગુજરી ગઈ હતી, પણ ફકીરે એને માતાની ખોટ સાલવા દીધી નહીં. છોકરી ઉંમરલાયક થઈ. ફકીર એના લગ્ન માટે એક મુરતિયો શોધતો હતો.

એક સાંજે એની ઝૂંપડીએ એક યુવાન ફકીર આવ્યો. એ યુવાન ફકીર અલ્લાહની બંદગીમાં મસ્ત હતો. એની આંખમાંથી ઈશ્વર તરફનો પ્રેમ નીતરતો હતો. આ યુવાન ફકીર સાથે પેલા વૃદ્ધ ફકીરે પોતાની પુત્રીનાં લગ્ન કરાવ્યાં. પિતાની દુવા મેળવીને નવદંપતિ પોતાના ઘેર આવ્યાં.

ગરીબ ફકીરને ત્યાં બીજું હોય પણ શું ? એણે જોયું તો આજુબાજુ ચાર દીવાલ અને માથે છાપરું એ જ એનું ઘર. ખૂણામાં એક માટલી પડી હતી. અ માટલી પર કશુંક ઢાંકેલું હતું.

પેલી સ્ત્રીએ જુવાન ફકીરને પૂછયું, 'અરે! પેલી માટલી પર શું છે ? એમાં તમે શું મૂક્યું છે ?'

યુવાન ફકીરે જવાબ આપ્યો, 'ઓહ, એ તો આજે સવારે જે ભોજન મળ્યું હતું, તેમાંથી જે બચ્યું તે છે.'

'પણ છે શું એ તો કહો ?' પેલી સ્ત્રીએ પૂછયું.

યુવાન ફકીર કહે, 'આ તો આવતી કાલે સવારે ખાવા માટે રાખેલા બે રોટલા છે.'

યુવાન ફકીરના આ શબ્દો સાંભળીને સ્ત્રીની આંખમાંથી આંસુ ઊમટી આવ્યાં.

યુવાને વિચાર્યું કે નક્કી મારી આ ગરીબી જોઈને આ સ્ત્રીની આંખમાં આંસુ આવ્યાં છે, આથી યુવાને પોતાનો બચાવ કરતાં કહ્યું,

'જો હું તો ગરીબ હતો જ, મેં તારા પિતાને સાફ સાફ મારી હાલત 

બતાવી હતી. એમને કહ્યું પણ હતું કે મારી પાસે પૈસા કે ઘરવખરી નથી. સાવ મુફલીસ છું. આમ છતાં એ તારાં લગ્ન કરાવવા માટે તૈયાર થયા હતા. આથી આમાં કોઈની ભૂલ હોય તો એ તારા પિતાની છે, મારી નથી.'

પેલી સ્ત્રીએ કહ્યું, 'હું તમારી ગીરીબી માટે રડતી નથી. આપણી આ હાલતથી તો હું પૂરેપૂરી વાકેફ હતી. મને દુઃખ તો બીજી વાતનું થાય છે.'

'એવું તે બીજું કયું કારણ છે કે જેનાથી તારી આંખોમાં આંસુ ઉમટી પડયાં ? યુવાન ફકીરે પૂછયું.'

સ્ત્રી કહે, 'મને દુઃખ એ વાતનું થાય છે કે મારા પિતાએ તમારી આંખોમાં જે ઈશ્વરપ્રેમ જોઈને મને તમારી સાથે પરણાવી એ ઈશ્વરપ્રેમની ઊણપ જોઈને હું રડું છું. મારા પિતાએ મને એક ફકીર સાથે પરણાવી, પરંતુ જેને ખુદાની આવતીકાલની દાન ભાવના પર શ્રદ્ધા છે, તેની સાથે નથી પરણાવી. આપણે તો એ સિદ્ધાંત અપનાવ્યો છે કે જેણે આપણને જન્મ આપ્યો છે, તે આપણા આવતી કાલના રોટલાની પણ ફીકર કરે છે. '

યુવાન ફકીરનું હૈયું પોતાની પત્નીની ઈશ્વરશ્રદ્ધા જોઈને ગદ્ગદિત થઈ ગયું. અલ્લાહ પર એને કેટલો બધો એતબાર છે ! એણે પોતાની પત્નીને કહ્યું, 'ધન્ય છે તારી ઈશ્વરશ્રદ્ધાને. કહે, તારી આંખોમાં આવેલાં આંસુ લૂછવા હું શું કરું ?'

સ્ત્રીએ કહ્યું, 'તમે તમારી જાતને ખુદાને સોંપી દો. આ આવતી કાલ માટે સંઘરી રાખેલા રોટલા અબઘડી લઈ જાઓ અને કોઈ ભૂખ્યાને આપી દો. હું તમારી દરિદ્રતામાં આનંદ પામીશ, પણ તમારી અંધશ્રદ્ધા તો મારે માટે અસહ્ય બનશે.'

યુવાન ફકીર પોતાની પત્નીની દ્રઢ પ્રભુશ્રદ્ધા જોઈ મનોમન ખુદાનો અહેસાન માનવા લાગ્યો.

આ પ્રસંગનો મર્મ એ છે કે આજે ઈશ્વરની ઉપાસના ચોતરફ ચાલે છે, પરંતુ સાચી શ્રદ્ધા ક્યાંય શોધી જડતી નથી. માનવીને ઈશ્વરમાં શ્રદ્ધા નથી. શ્રદ્ધાને બદલે એ ઈશ્વરની કસોટી કરવામાં પડયો  છે. ઈશ્વરે ભલે માનવીને બનાવ્યો હોય, પણ આ માનવી ઈશ્વરને બનાવે છે. સાચો શ્રદ્ધાવાન તો સઘળું ઈશ્વરને સોંપે છે. એ ઈશ્વરના તેજનાં કે સતનાં કદી પારખાં કરતો નથી.

Gujarat