For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ઈલેકશનમાં ઈમેજીનેશન કરતો સાયન્સ મેનિફેસ્ટો!

Updated: Apr 23rd, 2024

ઈલેકશનમાં ઈમેજીનેશન કરતો સાયન્સ મેનિફેસ્ટો!

- અનાવૃત-જય વસાવડા

- પ્રદુષણથી લઈને શહેરીકરણ સુધીની દરેક નકારાત્મક બાબતો માટે કદાચ ટેકનોલોજી જવાબદાર હોઈ શકે છે. પણ વિજ્ઞાન નહિ. વિજ્ઞાન એટલે જિંદગીના રહસ્યો પ્રત્યે થતું કૂતુહલ અને એ સંતોષવા માટે થતી શોધ. 

રા મનવમીએ રામલલ્લા (આમ તો બાળ રાઘવ)ના લલાટે સૂર્યતિલક જોઇને દેશ આખો ભાવવિભોર થઇ ગયો. આમ પણ અયોધ્યામાં હવે રામમંદિર ટટ્ટાર ઉભું છે, એ ઘટના જ સદીઓ પછી આપણા વારસા અને મૂળિયાંને તિલક કરે એવી છે. પશ્ચિમમાં કહેવાયું કે 'ધર્મ (એટલે સદાચાર, કલ્યાણ, નીતિમત્તા) વિનાનું વિજ્ઞાન આંધળું છે અને વિજ્ઞાન વગરનો ધર્મ પંગુ છે' એ અગાઉ જ પૂર્વમાં ભારતવર્ષ બેઉનો સંગમ હતો. ઇશાવાસ્ય ઉપનિષદમાં બે શબ્દો છે ઃ વિદ્યા અને અવિદ્યા. વિદ્યા એટલે ભણતર અને અવિદ્યા એટલે કોઈ તંત્રમંત્રવાળી મેલી વિદ્યા એવો અર્થ નથી અહીં. અવિદ્યા એટલે ભૌતિક જગતનું જ્ઞાન. મતલબ સાયન્સ. યાને જીવવા માટે આ લોકમાં ઉપયોગી બાબતો. અને વિદ્યા એટલે અધ્યાત્મિક અનુભૂતિની ખોજ. પ્રેમ, ધ્યાન, અપરિગ્રહ, અહંકાર વિનાના સાહજિક સ્વીકાર અને મૌનનો અલૌકિક આનંદ. એટલે ઉપનિષદના ઋષિ કહે છે કે અવિદ્યા યાને વિજ્ઞાનની સગવડોથી મૃત્યુને જીતો (મતલબ, સુખી જીવન વીતાવો) અને વિદ્યાથી અમૃત પ્રાપ્ત કરો. યાને આ પ્રાકૃતિક સંસારની માયાને પાર પરમાત્માની અનુભૂતિ મેળવો. આમાં ધર્મ એ શિખર હોય તો વિજ્ઞાન એ પાયો છે. બેઉના સંગમથી મંદિર ટકે છે. 

એટલે આપણા મંદિરોમાં કે આપણા ઋષિઓમાં જીજ્ઞાસા અને કળાને મહત્વ અપાતું. પંચાગનું આકાશદર્શન હોય કે દેવીદેવતાઓનું સ્થાપત્ય બધે ધર્મમાં વિજ્ઞાનનો સંગમ થતો ગયો. અયોધ્યાના સૂર્યતિલક માટે તો દેશના ટોચના વિજ્ઞાનીઓની ફોજ કામે લાગેલી. આપણે ભણવામાં આવે છે એ જ અંતર્ગોળ અને બહિર્ગોળ કાચ કે અરીસામાં થતા પ્રકાશના પરાવર્તનના સિદ્ધાંત મુજબ વ્યવસ્થા થઇ. આવા કશા સાધનો નહોતા ત્યારે પણ કોણાર્ક જેવા સૂર્યમંદિરની રચના એવી રીતે થયેલી કે સૂર્યનું કિરણ એના પ્રવેશદ્વારે પડે અને પછી ગર્ભગૃહ ઉજાળે. 

પ્રોબ્લેમ એ છે કે ધર્મના કર્મકાંડો કે માન્યતાઓમાં અંધશ્રદ્ધાથી જેટલો રસ ડરપોક જનતા લે છે, એટલો રસ સાહસ કેળવીને નવું જાણવાના વિજ્ઞાનમાં લેતી નથી ! વિશ્વગુરુ માત્ર આર્થિક ક્ષમતાથી જ બની શકાતું નથી. એ માટે વિશ્વ આખું ઉપયોગમાં લે એવી શોધખોળો કરવાનો મિજાજ કેળવવો પડે. પ્રાચીન ગ્રંથો નવીનતાથી અપગ્રેડ થયા વિના ગોખ્યા કરવાથી જેહાદી ઉલ્લુમુલ્લાઓ જેવી ફાંકાફોજદારી થાય. પછીં સુપ્રીમ કોર્ટમાં સરાજાહેર બાબા રામદેવજીએ હાથેપગે લાગીને એકથી વધુ વાર માફી માંગવી પડી, દરેક અસાધ્ય બીમારી આયુર્વેદના નામે મટાડી દેવાની દવાઓ વેંચવાના બોગસ દાવા માટે એવી ફજેતી થાય જયારે સત્ય ને ન્યાયના અણિયાળા સવાલો ભોંકાય ત્યારે ! જૂની ચોપડીમાં લખાયું એ બધું પરબારું સાચું માની લેવું ને નવું હોય એને શંકા કે ઉપહાસની નજરે જોવું એ તો ત્રાસવાદનું મૂળિયું છે ! 

અને આ યુનિવર્સલ છે. ઈરાન ઇઝરાયેલ પર મિસાઈલમારો કરે એમાં 'મારે મોગલ ને ફૂલાય પિંજારા' જેવા ભારતમાં અમુક મુસ્લિમો વહેતા કરે કે જુઓ દુષ્ટ ઝીઓનિસ્ટો (એટલે યહૂદીઓ) ને પાપી પશ્ચિમ સામે આપણો ધમાકો. આખો  લેખ એક વાર સાબિતી ને નામ સાથે લખેલો કે આ પૃથ્વી પર છેલ્લા ૨૦૦ વર્ષમાં વીજળીથી વિમાન, મોબાઈલથી ઓટોમોબાઈલ... એસી હોય કે ઝીપર, રિસ્ટ વોચ હોય કે ચશ્મા, બ્લડ ટેસ્ટ હોય કે વોટર ફિલ્ટર, ગેસ હોય કે પ્રિન્ટીંગ બધી શોધ કાં તો નાસ્તિકો, કાં શિન્તો (જાપાનીઝ ) જેવા અન્ય આસ્થાવાનો, કાં તો યહૂદીઓ ને કાં તો ખ્રિસ્તીઓએ કરી છે. ધર્મના નામે સૌથી વધુ ધાંધલધમાલ મચાવતા મુસ્લિમો અને ભારતીય ધાર્મિક પ્રજા હિંદુઓ, જૈનો, શીખો વગેરેનો ફાળો ગણીને ૨% પણ નથી. હા અમેરિકન વોટ્સએપ, ટવીટર (એક્સ), ફેસબુક, ઇન્સ્ટા વગેરે મફતમાં વાપરીને આપણે ધર્મની ધજાઓ ને મઝહબની મહાનતાઓ ગૂગલના યુનિકોડ ફોન્ટમાં બહુ ફેલાવ્યા કરીએ છીએ. પણ વિજ્ઞાનીઓ પેદા નથી કરતા લિઓનાર્દો કે આઇન્સ્ટાઇન જેવા. આખી દુનિયાએ વાપરવી પડે એવી પાથબ્રેકિંગ ખોજ (જેમ કે એઆઇ ) કરીને એની પેટન્ટ નથી લેતા સ્વદેશે. 

ખ્રિસ્તી ધાર્મિકોએ સ્થાપેલી કેમ્બ્રિજ કે ઓક્સફર્ડની વિદ્યાપીઠોમાં બાઈબલને ચેલેન્જ કરનારા ડાર્વિન કે ન્યુટન જેવા અનેક આવ્યા ને આધુનિકતાની દિશાઓ આપી. ઇસ્લામિક રૂઢિચુસ્તો જે ઈન્ટરનેટ કે મિસાઈલ કે ગન કે બોમ્બ વાપરે છે એ થોડા એમણે શોધેલા છે ? એ બુરખાને બદલે બિકીનીધારી વેસ્ટર્ન વર્લ્ડમાંથી આવે છે, જે પૈસાના જોરે એ અપનાવે છે. એમને ત્યાં શોધાયેલા પેટ્રોલને કાઢવાના સાધનો પણ પશ્ચિમના છે અને રૂપિયાની નોટો છાપવાના મશીનો પણ. મેડિકલથી લઈને સ્પોર્ટ્સ સુધી બધે કોઈકના શોધેલા કોન્સેપ્ટસ આપણે કોપી કરીએ છીએ ને એને સિદ્ધિ માનીને ફુલાઈ જઈએ છીએ. 

અને આવી વાતો કદી આપણે ત્યાં ટોચના નેતાઓને રસ પડતો હોય તો પણ જનતા માટે ચૂંટણીનો મુદ્દો નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અધ્યાત્મમાં રસ છે એટલો સાયન્સ ને ટેકનોલોજીમાં છે. હમણાં એક વાતચીતમાં એમણે ઇન્ટરનેટ પહેલા પણ એમને ગેજેટ્સના મિકેનિઝમ સમજવામાં કેટલો રસ પડતો એની વાત કરેલી. એ લેટેસ્ટ જ નહી ફ્યુચર અપગ્રેડેશનના લીડર છે. પણ એમને ય ખબર હોય એટલા વિચક્ષણ છે કે સાયન્સ કે ટેકનોલોજીના એજયુકેશનના નામે ઈલેકશન ભારતમાં જીતી ના શકાય. પણ વર્ષો પહેલા મોજ ખાતર એક ફેન્ટેસી વિચારેલી. કે ધર્મને બદલે વિજ્ઞાનના નામે ચૂંટણી લડતી કોઈ પાર્ટી હોય ( જગતમાં નથી મુખ્ય ધારામાં ક્યાંય એટલે ખયાલી પુલાવ છે હો ! )  તો એનો ઈલેકશન મેનિફેસ્ટો કેવો હોય ? ચાલો, એ રિવિઝન કરીને વિઝન ખોલીએ. 

પોણી સદીથી  ભારતમાં ઈલેકશન્સની નવાઈ નથી. હા, છેલ્લા દોઢ દાયકામાં વિજ્ઞાને ચૂંટણીનો ચક્રવ્યૂહ ખૂબીથી ફેરવી નાખ્યો છે. વિશ્વની સૌથી મોટી લોકશાહીની ચૂંટણીમાં ડગલેને પગલે વિજ્ઞાનના વિરાટ પડછાયા પડતા ગયા છે. જેમ કે, ઈલેકટ્રોનિક વોટિંગ મશીન્સ. ટેકનોલોજીના આ આવિષ્કારે મતપેટીને રૂખસદ આપી દીધી છે. ચૂંટણી અને મતગણતરીની આખી પ્રક્રિયા જ વિજ્ઞાન બદલાવી નાખશે. જ્યાં હોય બેલેટ પેપર પણ હવે ટ્રેડલ પ્રિન્ટિંગને બદલે કોમ્પ્યુટરાઈઝ્ડ ઓફસેટ પર છપાય છે. મશીન્સ હોય કે મતપેટી વિજ્ઞાને શોધેલા ટ્રાન્સપોર્ટેશન કે પછી કોમ્યુનિકેશન્સની સાધનો વિના એકથી બીજી જગ્યાએ પહોંચે તેમ પણ નથી. ચૂંટણી વિશ્લેષણ માટે ટીવી ચેનલો હરખના હીંચકે ચડીને ઝૂલવા લાગે છે. ગામેગામ પહોંચેલી ઓ. બી. વાનની મદદથી 'સેટેલાઈટ અપલિન્કિંગ' કરીને જ એ લેટેસ્ટ ફેશન બનેલું ઈલેક્શન એનાલિસિસ પીરસી શકે છે. કોમ્પ્યુટર સોફટવેર્સ વિના ચુનાવની આંકડાબાજીના ગ્રાફિકસ કેવી રીતે 'જનતા દરબાર'માં પેશ થયા હોત ? અને આધુનિક ચૂંટણી પ્રચારમાં ય વેબસાઈટસ કે મોબાઈલનો સહારો લેવાતો હોય તો એમાંય 'વિજ્ઞાનમેવ જયતે' જ છે ને !

પણ 'જય વિજ્ઞાન'ના નારાઓ ગમે તેટલા પોકારવામાં આવે, ચૂંટણી ધન કે ધાનના મુદ્દા પર લડાય છે, લશ્કરના જવાન કે ખેતરના કિસાનના નામે લડાય છે, રામજીના ભજન કે કોમવાદના રૂદનના નામે લડાય છે. ઉદ્યોગોના સર્જન કે ચારિત્ર્ય ખંડનના નામે લડાય છે... પણ આ ભારતવર્ષમાં ઈલેકશન કદી વિજ્ઞાનના નામે લડાતું નથી ! દરેક પક્ષે પોતાનો ચૂંટણી ઢંઢેરો ઢોલનગારા વગાડીને ચગાવ્યો છે. એમાં આર્થિક વિકાસની તોતિંગ યોજનાઓના હવાલા આપીને વિજ્ઞાનની પ્રગતિના ગીતો ગવાય છે. બસ, આંબે આવ્યો મો'ર ને વાત કહેશું પો'ર ! અને સાયન્સ કદી મેઈન ઈસ્યુ બને જ નહિ ! બધી ચૂંટણી 'ડેવલપમેન્ટ'ના મુદ્દા પર લડવાની છે, એવું ગાઈવગાડીને કહેવામાં આવે છે. તો પછી સાયન્સને 'નંબર વન પ્રયોરિટી' આપીને ચૂંટણીમાં કેમ કોઈ પક્ષ ઝૂકાવતો નથી ? સાયન્સ એન્ડ ટેકનોલૉજીનું ખાતું કેમ આરંભકાળના મંત્રીમંડળમાં નહોતું. બોલો ! જે દેશના રાષ્ટ્રપતિપદે એક પ્રખર વિજ્ઞાની રહી ચૂક્યા હોય, ત્યાં દેશના લોકો કેમ સમજતા નથી કે પ્રગતિ કદી માત્ર સંસ્કૃતિની પ્રશસ્તિથી નહિ, પણ વિજ્ઞાનની ગતિથી જ આવે છે ! ચંદ્રયાન 'ચાંદામામા'ના ગીતોથી ઉડતું નથી !

ફરગેટ ઈટ. વિજ્ઞાનની ગતિ અને પ્રગતિમાં સપનાનું ખૂબ મહત્ત્વ છે. વિજ્ઞાની દુનિયાએ ન કલ્પેલી કોઈ ચીજ અંગે કલ્પના કરે છે, અને કાગળપર પહેલાં એ સિદ્ધાંતનો આવિષ્કાર કરે છે. વિજ્ઞાનમાં પહેલા વિચાર છે, પછી આચાર છે. તો પછી આપણે પણ એક ખ્વાબ જોઈએ. 'ધારો કે શબ્દ ગણિત-વિજ્ઞાનનો પાયો છે. ધારો કે... એક પક્ષ છે ઃ 'રાષ્ટ્રીય વિજ્ઞાન પાર્ટી'.  એનો એજેન્ડા છે. વિજ્ઞાન. કબૂલ કે માત્ર વિજ્ઞાનથી દેશ ઘડાય નહિ. પણ આજે આ અનિવાર્ય જરૂરિયાત છે. આ દેશમાં ૧૦ વર્ષ સુધી ફરજીયાતપણે ધાર્મિકતાનો ત્યાગ કરીને વૈજ્ઞાનિકતા અપનાવવી પડે. એક વાર વિજ્ઞાનને લોહીમાં ભેળવી લીધા પછી બીજું જે કંઈ સમજવું- અપનાવવું હોય તેની છૂટ છે. કારણ કે, પછી નજર ભૂતકાળની ખીણમાં ખોડાયેલી નહિ રહે પણ, ભવિષ્ય તરફ ગગનગામી રહેશે. એમાં અધ્યાત્મના આદર્શ હશે પણ ધાર્મિકતાની ભીડ અને છેતરપિંડી નહી હોય. 

જો રાષ્ટ્રીય વિજ્ઞાન પાર્ટી બનવા કોઈ પક્ષ તૈયાર હોય તો તેના ચૂંટણી ઢંઢેરાના મુખ્ય મુદ્દા કયા હશે ? લેટસ ટેઈક એ લૂક.

(૧) અમે પ્રજાને 'સાયન્સ' અને 'ટેકનોલાજી' વચ્ચેનો ભેદ પૂરો સમજાવીશું. આપણે ત્યાં મોટે ભાગે 'વિજ્ઞાન'ને ટેકનોલાજી સમજીને એની ભરપૂર ટીકા થાય છે. ઠંડા પાણીના રેફ્રીજરેટરથી લઈને સેટેલાઈટ ટેલીવિઝન સુધીની દરેક બાબતો કેવી અનર્થકારી છે, એની ચર્ચા લોકો કરે છે. અને પછી... 'દોષ કા ઠીકરા વિજ્ઞાન કે સર પર ફોડતે હૈ!' પ્રજા અને પ્રજાને દોરનારાઓએ સમજવું જોઈએ કે આ બધી 'ટેકનોલોજી' છે, 'સાયન્સ' નથી. પ્રદુષણથી લઈને શહેરીકરણ સુધીની દરેક નકારાત્મક બાબતો માટે કદાચ ટેકનોલાજી જવાબદાર હોઈ શકે છે. પણ વિજ્ઞાન નહિ. વિજ્ઞાન એટલે વિસ્મય. વિજ્ઞાન એટલે વિચાર. વિજ્ઞાન એટલે વિશ્લેષણ, વિજ્ઞાન એટલે વિશિષ્ટતા. વિજ્ઞાન એટલે જિંદગીના રહસ્યો પ્રત્યે થતું કૂતુહલ અને એ સંતોષવા માટે થતી શોધ. વિજ્ઞાન એટલે જીવનને વધુ સરળ તથા સફળ બનાવવા માટે થતું જ્ઞાનનું ઉપાર્જન અને સગવડોનું સર્જન. યંત્રો તો માત્ર વિજ્ઞાનવૃક્ષની એક ડાળી એવી ટેકનોલોજી પર પાકેલા ફળો છે. એનો વિરોધ એટલે વિજ્ઞાનનો વિરોધ નહિ. અમે માનીશું કે વિજ્ઞાન એ વિનાશ નથી, પણ વિનાશમાંથી બચવાનું કવચ છે. એટલે જ અમે કસમયે આઝાનોકીર્તનોના ધ્વનિપ્રદુષણ પર પ્રતિબંધ મૂકીશું ! બકરી ઈદની કત્લેઆમ હોય કે પતંગના દોરીથી પક્ષીઓ કપાય, બધા સરખા ગુના રાખીશું. નદીના પાણીને ધર્મના નામે ગંદુ નહિ થવા દઈએ. 

(૨) અમે પૂરા પાંચ વર્ષ સુધી નવા ધર્મસ્થાનકોને બદલે પ્રયોગશાળાઓ બાંધીશું. એકની એક વાતનું વારંવાર પુનરાવર્તન કરનારા ધાર્મિક સાહિત્યમાં વપરાતા કાગળોનો બગાડ અટકાવી એમાં વિજ્ઞાનને સમજાવતાં શ્રેષ્ઠ પુસ્તકો છાપીશું. આપણે ત્યાં બાળકને બચપણમાં 'સાયન્સ ફિક્શન' યાને વિજ્ઞાનકથા આધારિત ફિલ્મો કે વાર્તાઓ ભાગ્યે જ મળે છે. માટે એ મોટો થાય ત્યાં સુધીમાં એની 'એટિટયુડ' સાયન્ટિફિક થવાને બદલે એન્ટી- સાયન્સ થઈ જાય છે. જયાં જ્યાં વિજ્ઞાન નિષ્ફળ જાય, ત્યાં ભારતીય નાગરિક તાળીઓ પાડે છે. અમે સાયન્સ કે સાયન્સ ફિક્શન લખનારાઓને સરકારી સહાય આપીશું. ટેકસ્ટબૂકસમાં એને દાખલ કરીશું. બાળક નાનું હોય ત્યારથી જ જીવનની પ્રત્યેક કસોટીમાં વિજ્ઞાનનો હાથ પકડતું થાય એવું વાતાવરણ બનાવીશું. ટેકનોલૉજીના ઉપયોગ ઉપરાંત નાગરિક ટેકનોલૉજીની પ્રક્રિયાથી પણ સજ્જ રહે એ માટે 'ચિંતન બેઠક કરીશું અને હા અમે એકના એક ઐતિહાસિક ચરિત્રોના પૂતળાઓને બદલે પ્રાચીન કે અર્વાચીન વિજ્ઞાનીઓના પૂતળા રચીશું, ચોક બનાવીશું, માર્ગો, સંસ્થાઓ, ઍરપૉર્ટ વગેરે બનાવીશું. ભાસ્કરાચાર્ય હોય કે સી.વી.રામન... નોટ પર ક્યારેક એ પણ આવે એવું કરીશું !

(૩) અમે વિજ્ઞાનના એકેએક પાઠયપુસ્તકોને નવેસરથી લખાવીશું. ઘણી વાર આપણે ત્યાં વિજ્ઞાનના 

અભ્યાસ માટેનો વિષય ઉત્તમ હોય છે, પણ એની રજુઆત કંગાળ હોય છે. અઘરા શબ્દો અને ખુદ લેખક જ વિજ્ઞાન ન સમજયો હોય એવી આ બૂકસમાં કશુંય વાંચીને યાદ રહે કે રસ પડે એવું હોતું નથી. વિજ્ઞાનના ક્ષેત્રે ગોખણપટ્ટી ન ચાલે. આ ક્ષેત્ર જ મૌલિકતાનું છે. વિજ્ઞાન તો વાર્તારસથી છલોછલ શાસ્ત્ર છે. એની બાબતોને ચાસણીમાં ઝબોળેલા મુરબ્બાની જેમ રજુ કરવી જોઈએ. એના પુસ્તકો સરકારે મોટી જાહેરાતોમાં વેડફાતા પૈસા બચાવીને ચળકતા રંગીન પાનાઓ પર છાપવા જોઈએ. કારણ કે, વિજ્ઞાનમાં ગ્ર્રાફિકસનું અનેરું મહત્વ છે. આપણે ત્યાં વિજ્ઞાન જ નહિ, શિક્ષણમાં સુધારા પણ રાજકારણના એજેન્ડામાં સાગયે બેઠા હોય છે. અમારી જેમ વિજ્ઞાનશિક્ષણને વધુ આધુનિક બનાવીશું. અને ધાર્મિક અહંકારથી આવતી અંધશ્રધ્ધા કે ભૂવાભૂતના તૂત જ્યાં વધુ હોય, એ દેશ કદી સુપરપાવર ન બને શકે, એ વાસ્તવિક્તા છે. વાત દિમાગને ખોલીને વિચારશક્તિ અસરકારક બનાવવાની છે. સાયન્સ કરતા કોમર્સ-આર્ટસના વિદ્યાર્થીઓને પણ પાયાનું વિજ્ઞાન સમજાવવું અમારી પહેચાન છે. માટે જ અમે 'સાયન્સ' ને પોપ્યુલર બનાવતા તાજાં તજજ્ઞાો પાસે આધુનિક માતૃભાષામાં વિજ્ઞાનસંદર્ભો રચાવીશું.

(૪) જો યાત્રાઓ કાઢવાની ખંજવાળ જ આવતી હોય, તો અમે 'વિજ્ઞાનરથ' ફેરવીને ફાળો તથા જનમત બંને એકઠાં કરીશું. પછી એમાંથી નગરી નગરી દ્વારે દ્વારે સક્રિય એવા વિજ્ઞાનકેન્દ્રો, સાયન્સ મ્યુઝિયમ્સ અને ટેકનોપાર્કસ બનાવીશું. સરકારી ઈચ્છાશક્તિ વિના સાયન્સસિટી બની શકતા નથી. પણ મોટે ભાગે અરસિક અધિકારીઓના કે અભણ જનપ્રતિનિધિઓના  હાથમાં જે વસ્તુ આવે છે,  એમાં ક્રિએટિવિટી ઉડનછૂ થઈ જાય છે. કરપ્શન વધે છે. એનું મુખ્ય કારણ તો એ છે કે સરકારમાં જ વિજ્ઞાન ભણેલા કે વિજ્ઞાન સમજતા નેતાઓની સંખ્યા 'લિમિટ એકસ અને ટેન્ડસ ટુ ઝીરો' (એ શું જાણવા માટે પણ ગણિત-વિજ્ઞાનની ખબર પડવી - જોઈએ !) જેવી હોય છે. માટે અમે વિજ્ઞાન ભણેલા ઉમેદવારોને વધુ - સંખ્યામાં ટિકિટ ફાળવીશું. સાયન્ટીસ્ટ, ડોક્ટર કે ઍન્જિનીયરને ચૂંટી કાઢવો એ કોઈ ૨૫ વર્ષથી રાજકારણનો અનુભવ લેનારને ચૂંટવા કરતાં સારું, એ અમે - જનતાને સમજાવીશું. અમે અન્ય ક્ષેત્રોના અમારા જ આગેવાનોને સાચું - વિજ્ઞાન શીખવવાની તાલિમશિબિરમાં જોડીને પહેલા એમને વૈજ્ઞાનિક બનાવીશું. કારણ કે, જયાં સુધી દેશનો નેતા અંધશ્રદ્ધાળુ હશે ત્યાં સુધી દેશની પ્રજાના નસીબમાં ભોપાળું જ ચિતરાયેલું રહેશે !

(૫) 'આપણે મહાન હતા', 'આપણા પૂર્વજો મહાન હતા', 'આપણી પાસે જ બધું જ્ઞાન છે', 'આપણાથી શ્રેષ્ઠ કોઈ છે જ નહિ', 'આપણું જ બધું ચોરીને પશ્ચિમે વિજ્ઞાન વિકસાવ્યું છે'... આવી તમામ માન્યતાઓ બુદ્ધિના બારદાનો એમના જેવા બાળકબુદ્ધિ બેવકૂફોના દિમાગમાં પશ્ચિમના શોધેલા મોબાઈલ ને નેટની મદદથી  નાખ્યા કરે છે. અમારો પક્ષ સમજે છે કે ધર્મ  વીતેલી ગઈ કાલનું શાસ્ત્ર છે, અને વિજ્ઞાન આવનારી આવતીકાલનું શાસ્ત્ર  છે.  અમે પ્રજાને ભૂતકાળની ભવ્યતાના અફીણી કેફમાંથી બહાર કાઢીને સામ વર્તમાનની વાસ્તવિકતાથી પરીચિત કરાવીશું. દુનિયાની દરેક સંસ્કૃતિના ઈતિહાસમાં કંઈક ને કંઈક અદ્ભુત હોય જ છે, એટલે તો તેના નામ ટક્યા છે - એ હકીકત પહેલા તો અમે આત્મસાત કરીશું. જે - પ્રાચીન હોય એ શ્રેષ્ઠ હોય તો પણ વીતી ગયેલું છે, એ સ્વીકારીને અમે નવા જમાનાનું નવું વિજ્ઞાન અપનાવીશું. હિન્દુત્વ જેમ ધર્મ નહિ પણ એક વિચાર, એક જીવનશૈલી છે... એમ વિજ્ઞાન પણ એક કોન્સેપ્ટ છે, એક લાઈફસ્ટાઈલ છે. 'વિજ્ઞાનં શરણં ગચ્છામિ' કરનારી પ્રજા આજે પણ ધાર્મિકતાના કેફમાં જીવતા ટોળા કરતા ભૌતિક રીતે વધુ સુખી છે અને નૈતિક રીતે વધુ પ્રામાણિક છે. અને સરકારનું મુખ્ય કામ પ્રજાને ભૌતિક સુખસગવડ આપવાનું છે, માત્ર વાતોથી આધ્યાત્મિક શાંતિ આપવાનું નહિ ! જો ભૌતિકતાના સ્વરૂપ જેવી સત્તા  ગમતી ન હોય તો પછી ચૂંટણી જ શા માટે લડવી જોઈએ? અમે ધર્મના ન્યાયને આગળ કરીશું, ઝનૂનને જ્ઞાનથી ઓગાળીશું.

(૬) અમે જાહેરસભાઓમાં એકની એક ભાષણોની વાત કહીને લોકસંપર્કના નામે લોકોને હેરાન નહિ કરીએ. અમે માત્ર ટેલિવિઝન, મોબાઈલ,  ઈન્ટરનેટના માધ્યમે પ્રચાર કરીશું. અમે એવા મતદાતાઓ કેળવીશું જે 'સાઈબરસેવી' યાને ઈન્ટરનેટથી પરિચિત હોય. જેથી અમને પણ ઘેર બેઠા તત્કાળ મતદાતાઓની લાગણી અને માંગણી જાણવા મળે ! વિજ્ઞાનની વાતોના વડા કરવાથી કશું વળવાનું નથી. અમે વિજ્ઞાનનો ભરપૂર ઉપયોગ કરી એનું મહાત્મય ગાઈને એનો પ્રચાર કરીશું ! અમે સમજીશું કે ગ્રહોની ગતિ જાણવી એ વિજ્ઞાન છે, પણ એ ગતિ ક્યાંથી આવી એ અનુભવવું એ આસ્થા છે. એટલે અમે થોટ્સથી માત્ર નોનસેન્સ દૂર કરીશું, શ્રધ્ધા અને અધ્યાત્મ ખીલવવાની સાચી ભૂમિ ખેડીશું. 

(૭) અમે ભારતની બાયોડાઈવર્સિટી, ઔષધિ, ચિકિત્સા, યોગ જેવી બાબતોનું ખુલ્લા મનથી વૈજ્ઞાનિક પરીક્ષણ કરી એની શ્રેષ્ઠતા માટે ગર્વ લેશું, અને સાથે એની બનાવટી અહોભાવથી દંતકથાઓથી મુક્ત થઈશું! કારણ કે, વૈજ્ઞાનિક હોવું એટલે જ તટસ્થ અને સંતુલિત હોવું! અમે સત્તામાં આવીશું, ત્યારે જ્ઞાતિવાદી-પ્રાંતવાદી સમીકરણોને બદલે, ભૂતકાળનું સંશોધન મોકળા મનના સત્યશોધનનો વૈજ્ઞાનિક અભિગમ ધરાવનાર હોદ્દેદારોની જ સ્થાનિકથી રાષ્ટ્રીય સ્તરે નિમણૂક કરીશું, અને અંગત આસ્થાને જાહેર અંધશ્રદ્ધાનો વિષય બનાવતા વહીવટી અપિકારીઓને ફરજમુક્ત કરીશું. અમે ભારતના ભવ્ય વારસાનું ઉડું સંશોધન કરી, એમાં જે ઝગમગતા રત્નો મળશે, તેને આધુનિકતાના પાસા પાડી 'સાયન્ટિફિક' સાબિતી સાથે 'ગ્લોબલ' પ્લેટફોર્મ પર મૂકીશું. અને જે કાચના ટૂકડા મળશે એનો નીડરતાથી ભૂક્કો બોલાવીશું! અમે પ્રાચીનતાનો પુરસ્કાર કરીશું, આધુનિકતાનો સ્વીકાર કરીશુ અને વૈજ્ઞાનિકતાનો જયજયકાર કરીશું !

દિલ કો બહેલાને કે લિયે 'ખ્વાબ' અચ્છા હૈ... નહી ? 

ઝિંગ થિંગ 

'જો તમારો ધર્મ વિજ્ઞાનવિરોધી લાગે અને વિજ્ઞાન ધર્મ વિરોધી લાગે તો સમજવું કે તમને ખોટો ધર્મ ને અધૂરું વિજ્ઞાન ભણાવવામાં આવે છે !' (એપ્રિલ પાપકે) 

Gujarat