રોજર ફેડરર : તેં મને પૂર્યો સમયમાં અંત ને આરંભ દઈ મેં ક્ષણોને પાર કરવા આ જનમ લીધો હતો!


- અનાવૃત-જય વસાવડા

- રમતનું એક પાસું આય છે કે રમવાને લીધે પરાજય પચાવવાની પ્રેક્ટિસ પડે. કોઈ બાબતમાં સતત તમે જીતી ન શકો, એ વાસ્તવનો સ્વીકાર જ એન્ટી ડિપ્રેશન થેરેપી છે

એ છોકરો ભારે ગુસ્સાવાળો. ક્રોધ આવે એટલે જબરા તોફાન કરે. ટેનિસની ટેલેન્ટ બચપણમાં દેખાઈ, પણ સ્વીત્ઝર્લેન્ડ જેવા શાંત પ્રદેશમાં આ મગજ ચૂલે ચડેલી તપેલી જેવું રાખતા છોકરાથી બધા થાકી જાય. એક વાર તો એના મેચ હાર્યા પછીના ઉધામા બંધ કરવા અને દિમાગ ઠંડુ કરવા રીતસર એના પિતાએ એનું માથુ ચોમેર પથરાયેલ બરફમાં દાબી દીધું હતું. પણ તો ય ભાઈ ભારે ક્રોધી મેચમાં પાસા પોબાર ન પડે ને ખીજાય તો રેકેટના મનફાવે તેમ ઘા કરે. ચીસો પાડે, રડે- એકવાર તો રેકેટથી નેટ તોડી નાખેલી !

જી હા, આપણે વાત ટેનિસ લીજેન્ડ રોજર ફેડરરની જ કરી રહ્યા છીએ. સ્પોર્ટ્સ બાબતે એક મિત્રે બહુ અદ્ભુત વાત કરેલી : 'સ્પોર્ટ્સ આપણને હારતા શીખવાડે છે !' વાહ, રમતગમતના શારીરિક ફાયદા છે જ. રમવા ને જોવાવાળા બે ય પક્ષને જોરદાર જલસો પડી જાય, એ ય ખરું. મજા મૂળ તત્ત્વ છે રમતગમતનંા પણ રમતનું એક પાસું આ ય છે કે રમવાને લીધે નાનપણ કે યુવાનીથી પરાજય પચાવવાની પ્રેક્ટિસ પડે. 'લાઇફ ઇઝ એ ગેઇમ એન્ડ યુ કાન્ટ વિન ઓલ્વેઝ ઇન એની ગેઇમ.' આટલું સૂત્ર સમજાઈ જાય તો ય ઘણું છે. કોઈ બાબતમાં સતત તમે જીતી ન શકો, એ વાસ્તવનો સ્વીકાર જ એન્ટી ડિપ્રેશન થેરેપી છે.

બસ, રોજર ફેડરરમાં વર્લ્ડ ચેમ્પિયન તો છુપાયેલો હતો, પણ એની આડે આ રમતમાં ધાર્યું ન થાય તો વિસ્ફોટક એંગ્રી મેન બની જવાની દીવાલ હતી. ટિપિકલ ચાંપલી સમજાવટને બદલે એના પિતાએ થોડો 'દેશી' કહી શકાય એવો રસ્તો લીધો. યાદ રાખજો, બહુ રૃઢ થઈ ગયેલી કોઈ આદત બદલવી હોય, તો એ સલાહસૂચનથી ન બદલે પણ કોઈ મોટો આંચકો કે ધક્કો લાગે, ત્યારે ભીતરથી બદલાવ આવે. કિશોર વયના રોજરને એક વાર ગુસ્સૈલ નખરાં ટેનિસ કોર્ટમાં પ્રેક્ટિસ દરમિયાન કરતો જોઈ પપ્પા બરાબર અકળાયા. ઉભા થઈને સિનિયર ફેડરરે જુનિયરને પાંચ સ્વીસ ફ્રાન્ક આપીને કહ્યું : 'હવે જાતે ઘેર આવજે, હું નથી રોકાતો.' એ જગ્યાએથી રોજરનું ઘર ટ્રામ કે બસમાં ય જાવ તો કલાકની સફર થાય એટલું દૂર હતું. રોજરને થયું કે પપ્પા મજાક કરે છે, હમણાં આવશે. એ મૂંઝાઈને વીસેક મિનિટ ઉભો રહ્યો. પણ કોઈ દેખાયું નહિ. પાર્કિંગ લોટમાં જઈ જોયું તો પપ્પા સાચે જ નીકળી ગયેલા ત્યાં ગાડી નહોતી. કોઈ દિવસ આટલું લાંબુ એકલા ન ગયેલા બાળકને ગભરામણ થઈ.

એ ઘેર તો પહોંચી ગયો, પણ ત્યાં સુધીમાં બદલાયેલો હતો. છોકરમત કરતા છોકરડામાંથી એક હેબતાવી દેતા અનુભવે એને મેચ્યોર જવાન બનવા તરફ એકઝાટકે ધકેલી દીધો હતો. પછી સ્વભાવ સાવ ન જાય, એમ ગુસ્સો ઘણો ઓછો થઈ ગયો પણ હજુ પરાજયથી ફ્રસ્ટ્રેટ થવાનું ચાલુ હતું. આવા સમયે માત્ર સુવાક્યો કે સલાહો કામ નથી આવતી. નજીક રોજબરોજના જીવનમાં કોઈ નિકટ પાત્ર જોઈએ, જે તમને સંભાળે, સાચવે અને પ્રેમથી સચ્ચાઈ હળવેક રહીને ગળે ઉતરાવતા તમને જોરદાર જુસ્સો ફીલ કરાવે. પેલું 'કાલિયા'નું ગીત હતું ને, 'તુમ સાથ હો જબ અપને, દુનિયા કો દિખા દેંગે...' એમ.

એ કામ રોજરની ગર્લફ્રેન્ડ અને પછી પત્ની બનેલી એનાથી ત્રણ વર્ષ મોટી જીવનસાથી મિરકાએ કર્યું. એ ખુદ ટેનિસ પ્લેયર હતી. ઈજાને લીધે એણે રમવાનું છોડયું ત્યારે વિમેન્સ રેન્કિંગમાં ૭૬મા નંબરે પહોંચેલી. એને ખેલનું પ્રેશર ઇનસાઇડ આઉટ ખબર હતી એ મોટો ફાયદો. એટલે દૂર બેઠા બેઠા ફિલોસોફિકલ ડહાપણ ડહોળવાનું નહોતું. ચેક રિપબ્લિક જ્યારે સામ્યવાદના સાણસામાં હતું ત્યારે મિરકાના પેરેન્ટસ એને એક વર્ષની લઈને સુખની તલાશમાં રળિયામણા સ્વીત્ઝર્લેન્ડ આવ્યા હતા. મિરકાએ ફ્રેડરરને પહેલીવાર જોયો ત્યારે એને 'બેબી' લાગેલો. ને ફેડરરે ફ્યુચર પ્રેમિકાને પહેલીવાર જોઈ ત્યારે એ છ- છ કલાક પ્રેક્ટિસ કરતી હતી. એક કલાકમાં જ કંટાળી જતા તરુણ રોજરને થયું કે આ કરે છે તો આપણે ય જરા લાંબુ ટકવાની જરૃર ખરી.

જ્યાં પ્રથમ ચુંબન એકમેકને કરેલું, એ ૨૦૦૦ની સાલની સિડની ઓલિમ્પિક્સની જેમ બંને ઘણીવાર ભેગા રમવા જતા. ફેડરરના ફેવરિટ કોચ ઓસ્ટ્રેલિયન પીટર કાર્ટરને એ માન આપતો, એટલે એ એને શાંત રાખતા. ફેડરરના મમ્મી સાઉથ આફ્રિકાના. એમના આગ્રહથી પોતાના હનીમૂન માટે કોચ પીટર સાઉથ આફ્રિકા ગયા અને કમનસીબે કાર અકસ્માતમાં એમનું નિધન થઈ ગયું. ખલાસ. રોજર પર આ વજ્રાઘાત હતો. ગિલ્ટ અને ગમે એને ઘેરી લીધો. જીવનની રહસ્યમય વિકરાળતા એને સફળતાની સાથોસાથ દેખાઈ ગયા. બસ, પછી રહીસહી એંગ્ઝાયટી પણ જતી રહી અને આજે દુનિયા જે જોઈને વખાણે છે, એવો કૂલ પરફેક્ટ જેન્ટલમેન રોજર ફેડરર આપણને મળ્યો !

એટલી હદે કે ૨૦૦૯માં એને ઇન્જરી થઈ ત્યારે એ બાઉન્સ બેક થયો. વળી દીકરીઓને નવડાવવામાં પગમાં કડાકો બોલ્યો ૨૦૧૬માં ને ત્યારે કારકિર્દીનો અંત આવે એમ હતો, તો ય એ રેર ગણાતી ઈજાનો મક્કમ મુકાબલો કરી ફરી ઉભો થઈ જીત્યો. સ્પોર્ટ્સમાં હરીફો સામે જીતી શકાય છે, ઉંમર સામે નહિ. અંતે ફેડરરે છેલ્લી ટુર્નામેન્ટ રમીને નિવૃત્તિની જાહેરાત કરી ત્યારે વીસ ગ્રાન્ડસ્લેમ જીતનાર રોજરથી આગળ ૨૨ ગ્રાન્ડ સ્લેમ સાથે રહેલા કાયમી પ્રતિસ્પર્ધી રાફેલ નાદલ અને એની બરાબર પાછળ ૨૧ ગ્રાન્ડ સ્લેમ સાથે રહેલા જોકોવિચ- બેઉએ ખેલદિલીથી એકદમ ઇમોશનલ ટ્રિબ્યુટ્સ આપી, અને લખ્યું કે, 'યાર, તારા વિના રમવાની પહેલા જેવી મજા નથી.' નાદાલ- ફેડરરનો વિમ્બલ્ડન ફાઇનલ તો ટેનિસ ઇતિહાસનો એક અવિસ્મરણીય અદ્ભુત મેચ હતો. નાદાલ પાસે ય બહુ વર્ષો નથી. કદાચ લાંબા સમય સુધી સૌથી વધુ ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ્સ (વિમ્બલ્ડન, ફ્રેન્ચ- યુ.એસ.- ઓસ્ટ્રેલિયન ઓપન) જીતવાનો રેકોર્ડ યોકોવિચ પાસે રહેશે. પણ ભારત આવીપંજાબી નાન ખાઈ જોકોવિચ- સાનિયા મિર્ઝાની જોડી સામે દીપિકા પાદૂકોણ સાથે જોડી બનાવી રમનાર ફેડરર જેવું લોકોના દિલમાં સ્થાન વધું વિક્રમી વિજયો છતાં નાદાલને નહિ મળે.

અહીં રોજર ફેડરર જીતી જાય છે ! માત્ર વિમેન્સ ટેનિસ જોનારી ને મેન્સમાં મેકેનરો, કોનર્સ, સામ્પ્રાસ, અગાસીની ધમાલ જ એન્જોય કરનારી જગતની એક આખી પેઢીમાં રોજર ફેડરર સચીન જેવો આઈકોન બની રહ્યો ! કૈસે ?

સ્પોર્ટ્સ જીતવા માટે રમાય. મોજ માટે રમાય. કસરત માટે રમાય. પણ કેટલાક અપવાદરૃપ ચેમ્પિયન્સ એવા હોય છે, જે સ્પોર્ટ્સમાં સૌંદર્ય ઉમેરે, રમતમાં બ્યુટી પ્લસ કરે ! જાણે કોઈ સરસ સંગીતના લય અને તાલ હોય, જાણે કોઈ યૌવનમસ્ત રૃપાંગનાની લચકતી ચાલ હોય, જાણે કોઈ નવજાત શિશુના ગુલાબી ગાલ હોય, જાણે કોઈ કુશળ ચિત્રકારે કરેલી મેઘધનુષી રંગોની કમાલ હોય એવું જ એ ખેલાડીની રમત પર ઉભરાતું વ્હાલ હોય !

લિયોનાલ મેસી કે રોજર ફેડરર આ કેટેગરીમાં આવે. ફેડરરની રમત જ્યારે પણ જુઓ એમાં એક ખાસ છટા જોવા મળે. સાગરની લહર જેવી, પંખીના ટહૂકા જેવી. સ્પેશ્યલ ટચ. ઉર્દૂમાં વપરાતો સુંદર શબ્દ યાદ કરીએ 'નજાકત.' બસ, આ કારણે ફેડરર મહાન છે. જેમ યુદ્ધમાં માત્ર હિંસા માટે જ કોઈ યોદ્ધો અમર બનતો નથી. શક્તિશાળી હોવા ઉપરાંત ભરપૂર હિંમત અને ચબરાક વ્યૂહરચના એ શૂરવીરને અમર બનાવે, એવું જ કંઈક. કાર દોડતી તો બધી હોય, પણ અમુક ડિઝાઇન કેવી ચિત્તાકર્ષક હોય ?

ફેડરરની ટેનિસ ગેઇમમાં એક કાઇનેટિક એનર્જી હતી, ફોર્સ કરતા વધુ રોલ એનો હતો એની જીત પાછળ. મૂળે એક્ટિવ એથ્લેટિક સ્પોર્ટસ તો સૈનિકો રમતા (ગ્રીક ઓલિમ્પિક્સનો ઇતિહાસ ભૂલી ગયા ?) એટલે રમતમાં એક વાઇલ્ડ, જંગલી, એગ્રેશન જોવું હંમેશા ગમે. સેહવાગ હોય કે હાર્દિક. પણ વચ્ચે કોઈ ફેડરર આવે જે શાંત ઠહરાવ સાથે પણ એવું જ પરફોર્મ કરે. એનું બાળક તરીકે ફૂટબોલ રમતા કેળવાયેલું ફૂટવર્ક પણ એવું જ મસ્ત. ન્યુયોર્ક ટાઇમ્સના એક સમીક્ષકે વર્ષો પહેલાં ફેડરરના ફોરહેન્ડ માટે અફલાતૂન ઉપમા આપેલી : લિક્વિડ વ્હીપ. યાને પ્રવાહી ચાબૂક ! મતલબ હવામાં સરકતો ફટકો ! અને બેકહેન્ડ ? સ્લાઇસ ઑફ બટર. માખણને કાપતી ધારદાર છરી !

જાણકારો કહે છે કે ક્વોલિટી ટેનિસને માણવા માટે એના મેચ લાઇવ જોવા પડે. બેઝલાઇન વચ્ચેની ૭૮ ફીટની લંબાઈમાં લંબાઈ અને પહોળાઈ સાથે જે ઉંડાઈ રચાય, એ કદી ટુ ડાયમેન્શલ ટી.વી. કવરેજમાં જોવા ન મળે ! લાઇવ જોવાથી રમતની પેસ અને સ્ટ્રેન્થ સાચી પકડાય. ટી.વી.માં ટેનિસસુંદરીઓનાં ઝુલ્ફાં કે ચુસ્ત પિંડીઓ જોવાની મજા આવે. ક્લોઝ અપને લીધે પણ રમત જીવંત જુઓ તો એની ચપળતા અને તાકાત ઝીલી શકો.

આ બ્યુટી ઉપરાંત ફેડરર પાસે ચેમ્પિયનોને છાજે એવું બીજું ભૂષણ હતું : ઇન્ટેલિજન્સ. જે રીતે સામે સબળ અને તેજ હરીફ હોય તો પણ ગેપ જોઈને સપાટાબંધ કાઢી શકતો, એ જોવામાં એફર્ટલેસ લાગે- પણ હકીકતમાં અદ્ભુત માસ્ટરી હતી. સામાની પોઝિશનનો ઘડીભરમાં અંદાજ લગાવી એક આગવો એંગલ પેદા કરવો, એ ફેડરર મોમેન્ટ હતી. માઇકલ જોર્ડન (બાસ્કેટ બૉલ) અને મોહમ્મદઅલી (બોક્સિંગ)ની માફક ફેડરર ગ્રાઉન્ડ પર કોઈ અવતારી પુરુષ લાગતો.

ઇન્ટેલીજન્ટલી, ફેડરર જીનિયસ હતો. જે પોતાની શક્તિને એવી બખૂબી પરોવી લેતો કે જ્યાં એક મૂવ પોસિબલ હોય ત્યાં ત્રણ કરે. એની રમત 'ફ્લોટિંગ' યાને તરતી હોય એવી લાગતી. ઇન્ટેલિજન્સ પ્લસ સ્ટ્રેન્થ. મેરેડોના માફક ડેલિકેટ લાગતી પર્સનાલિટી છતાં એ ટફ ટાઇટ મેચમાં સામેનાને ડિસ્ટ્રોય કરી શકવાનું સામર્થ્ય ધરાવતો હતો. અને યાદ રહે આ સ્ફૂર્તિ અને આ શક્તિ એને કેટલીક કાયમ માટે વ્હેલા સંન્યાસ લેવો પડે એવી ઈજાઓ છતાં કેવળ મનોબળ અને મહાવરા (પ્રેક્ટિસ)થી કેળવી અને જાળવી રાખી હતી. ફિનિક્સ પંખીને જેમ એ રાખમાંથી ફરી ફરી બેઠો થઈ જીતી જતો.

બ્યુટી, ઇન્ટેલીજન્સ, સ્ટ્રેન્થ ઉપરાંત મહાન ચેમ્પિયન્સના સિંહાસનને એક ચોથો પાયો હોય છે, જે એમને લોંગલાસ્ટિંગ ટકાઉ બનાવે છે. એક છે નોબિલિટી. ખાનદાની. જેન્ટલમેન્સ એપ્રોચ. નાહક વિવાદોમાં ફેડરર ખરડાય નહિ. ગાળાગાળી કે ધરાર બૂમબરાડા કરતા એનાં આંસુઓ ને સ્મિત વધુ યાદ આવે. સફળતાનું શિખર એનું જેમ જેમ ઊંચુ થતું ગયું, એમ એ વધુ ને વધુ વિનમ્ર થતો ગયો. પોતાની સરળતા અને સહજતા અબજોપતિ થયા પછી, વિશ્વવિખ્યાત થયા પછી એણે છોડી નહિ વિલિયમ્સ કરતા વધુ મોટું વિદાયમાન મળ્યું, એનું એક કારણ આ પણ. સંસ્કૃત શબ્દ છે : મિતભાષી. અદ્દલ આપણા લિટલ માસ્ટર સચીન જેવો.

દ્રવિડ જેવો એટલે નથી લખ્યું કે દ્રવિડ શાંત અને હોંશિયાર પણ એની રમતમાં ગ્રેસ ખરો, બ્યુટી નહિ જોવી ગમે એવી અને ફોર્સ પણ નહિ આક્રમક ! સચિનમાં એ બધું જ હતું. એટલે જ વારંવાર અકળાતો, રજાઓ લેતો, ચીસો પાડતો, વિરાટ આટલા જ્વલંત રેકોર્ડસને ઉત્તમ બેટિંગ છતાં બાળક જેવો લાગે વામિકાની માનસિક ઉંમરનો અને સચિન બાળક હતો, ત્યારે પણ પીઢ લાગતો. બહારથી જ નહિ, ભીતરથી પણ ખામોશ. છતાં તાકાતવાર તોખાર.

વારંવાર આવા જલવા જોવા નથી મળતા. એના ઘણા સાથીઓએ કહ્યું એમ સદ્ભાગી કે આપણે આવા ખેલાડીઓના સમયમાં રહ્યા. સચિને કહ્યું કે ફેડરર એક આદત છે, ને એ આદત છૂટી નથી શકતી. ફેડરરના એક પૂર્વ કોચના અલંકાર મુજબ 'પિકાસો વિથ રેકેટ'ને હવે નિરાંતે ફેમિલી લાઇફ માટે શુભેચ્છા. 

(શીર્ષક : અશરફ ડબાવાલા)

ઝિંગ થિંગ

'જીતની એક ક્ષણ માટે કલાકો, દિવસો, મહિનાઓ, વર્ષો પરસેવો પાડી મહેનત કરવી પડે છે, જે દુનિયાને અચાનક દેખાય એવો ભાગ્ય લાગે છે. '(સેરેના વિલિયમ્સ)

City News

Sports

RECENT NEWS