For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

એક સમયના ગાઢ મિત્ર ગણાતા ઇઝરાયેલ-ઇરાનની કટ્ટર દુશ્મની

Updated: Apr 23rd, 2024

એક સમયના ગાઢ મિત્ર ગણાતા ઇઝરાયેલ-ઇરાનની કટ્ટર દુશ્મની

- મીડ વીક- હસમુખ ગજજર

- 1948માં દુનિયાના નકશા પર ઇઝરાયેલનું સર્જન થયું ત્યારે આરબ દેશોના તિવ્ર વિરોધ વચ્ચે ઇરાને એક દેશ તરીકે ઇઝરાયેલને માન્યતા આપી હતી. બંને દેશો વચ્ચેની મિત્રતા એટલી મજબૂત હતી કે જાસૂસી એજન્સીઓએ જોઇન્ટ ટ્રેનિંગ લેવાથી માંડીને ટેકનોલોજીની પણ આપ લે થતી હતી. 

પે લેસ્ટાઇનના આતંકી સંગઠન હમાસના હુમલા પછી ઇઝરાયલે ૪૦ કિમી લંબાઇ ધરાવતા ગાજાપટ્ટી વિસ્તારમાં આતંકીઓની કમરતોડી નાખી છે. પેલેસ્ટાઇન સરહદે હમાસ અને લેબનોન સરહદે હિજબુલ્લાહ આતંકી સંગઠનનો ઇઝરાયેલને હંમેશા ખતરો રહયો છે. પેલેસ્ટાઇન અને લેબનોનના આતંકી સંગઠનોને ઇરાન પરોક્ષ રીતે નાણા અને હથિયારો સહિતની મદદ કરતું રહયું છે. સરહદ પારથી હમાસ અને હિજબુલ્લાહના વધતા જતા રંજાળ માટે ઇઝરાયેલ ઇરાનને જવાબદાર ગણે છે. ગત ૧ એપ્રિલે સીરિયાના દમિશ્કમાં ઇરાનના વાણીજય કાર્યાલય પર થયેલા ઇઝરાયેલી હુમલામાં ઇરાનના રિવોલ્યુશનરી ગાર્ડના જનરલ મોહમ્મદ રડા જાહેદી અને ડેપ્યુટી હાદી હજરિયાહિમી સહિત ૧૩ લોકોના મોત થતા ઇરાન ગુસ્સે ભરાયું હતું. ઇરાને ૧૪ એપ્રિલના રોજ ૧૧૦ બેલેસ્ટિક મિસાઇલ, ૪૫ ક્રુઝ મિસાઇલો અને ૧૭૦ શાહેદ આત્મઘાતી ડ્રોન્સથી ઇઝરાયેલ પર હુમલો કરતા મધ્ય પૂર્વમાં મોટા ભડકાની શરુઆત થઇ છે. ઇઝરાયેલની એર ડિફેન્સ સિસ્ટમ આયરન ડોમ સક્રિય હોવાથી ઇરાનનો હુમલો ખાળી શકાયો પરંતુ આક્રમક ઇઝરાયેલને લાંબા સમય સુધી ચૂપ રાખવું અઘરુ છે. જો મધ્ય પૂર્વમાં ઇઝરાયેલ અને ઇરાન વચ્ચે યુધ્ધ ફાટી નિકળે તો ત્રીજુ વિશ્વયુધ્ધ ફાટી નિકળતા વાર લાગે નથી એવી નિષ્ણાતોને શંકા છે. 

સામાન્ય રીતે બે પાડોશી દેશો વચ્ચે સરહદી વિવાદો હોય છે પરંતુ ઇરાન અને ઇઝરાયેલ વચ્ચે કોઇ જ સરહદ ના હોવા છતાં વર્ષોથી શેડો વૉર લડી રહયા છે. ઇરાનનું વર્તમાન શાસન ઇઝરાયેલને છોટા શૈતાન જયારે અમેરિકાને મોટો શૈતાન ગણે છે. આ છોટા અને મોટાને મધ્યપૂર્વથી દૂર રાખવાની નીતિ ઇરાને અપનાવી છે. છેલ્લા ૪ દાયકાથી ઇરાન અને ઇઝરાયેલ વચ્ચેના સંબંધો ચડાવ ઉતાર ભરેલી તંગદિલીવાળા રહયા છે પરંતુ એ જાણીને નવાઇ લાગશે કે એક સમયે ઇઝરાયેલ અને ઇરાન વચ્ચે ગાઢ મિત્રતા પણ હતી. એ રીતે  જોઇએ તો ઇરાન અને ઇઝરાયેલ બે દોસ્તોની દોસ્તી અને દુશ્મનીની કહાની છે. આંતરરાષ્ટ્રીય રાજકારણ એટલું પેચિંદુ હોય છે કે દોસ્તી દુશ્મનીમાં ફેરવાતા વાર લાગતી નથી.  બંને દેશો વચ્ચે શરુઆતના ૩૧ વર્ષ દોસ્તી અને ૪૫ વર્ષથી સંબંધો વણસેલા રહયા છે. ૧૯૪૮માં  ઇઝરાયેલની રચના થઇ ત્યારે આરબોને ઇઝરાયેલ આંખના કણાની જેમ ખુંચતું હતું. તુર્કી પછી ઇરાન જ એક માત્ર દેશ હતો જેને ઇઝરાયેલને સ્વતંત્ર દેશ તરીકે માન્યતા આપવાની પહેલ કરી હતી. ઇઝરાયેલના સંસ્થાપક અને પ્રથમ સરકારના પ્રમુખ ડેવિડ બેન ગુરિયને ઇરાન સાથે દોસ્તીનો હાથ લંબાવ્યો હતો. ઇઝરાયેલનો ઉદય થયો ત્યારે ઇરાનમાં પહલવી વંશના શાસકો રાજ કરતા હતા જે મધ્ય પૂર્વમાં અમેરિકાના સહયોગીઓ હતા. અમેરિકાના સહયોગી તરીકે  ઇરાન અને ઇઝરાયેલ પણ સહજ મિત્ર બની ગયા હતા. ઇઝરાયેલે ઇરાનને શસ્ત્રો આપ્યા જયારે  ઇરાને તેના બદલામાં ક્રુડ ઓઇલ આપવા માંડયું હતું. બંને દેશો વચ્ચેની મિત્રતા એટલી મજબૂત બની કે જાસૂસી એજન્સીઓએ જોઇન્ટ ટ્રેનિંગ લીધી અને ટેકનોલોજીની પણ આપ લે કરી હતી. ૧૯૫૭માં ઇરાનના શાહે રાષ્ટ્રવાદી, વામપંથી અને અસંતુષ્ટોથી ચિંતિત થઇને ઇઝરાયેલી જાસુસી સંસ્થા મૌસાદની મદદથી  મધ્ય પૂર્વની સૌથી કુખ્યાત અને ક્રુર એજન્સીઓમાંની એક સાવકની સ્થાપના કરી હતી. ૧૯૬૦ થી ૧૯૭૦ના દશકા દરમિયાન ઇઝરાયેલ અને અરબ દેશો વચ્ચે તણાવ વધ્યો ત્યારે પણ ઇરાન-ઇઝરાયેલના આર્થિક, રાજનીતિક અને સૈન્ય સંબંધો સ્થિર રહયા હતા. ક્રુડનું ઉત્પાદન કરતા આરબ દેશોએ જયારે ઇરાન પર પ્રતિબંધ જાહેર કર્યા હતા ત્યારે ઇરાને ગુપ્ત રીતે પાઇપલાઇન પરિયોજનાના માધ્યમથી ઇઝરાયેલ સુધી ક્રુડ ઓઇલ પહોંચાડયું હતું. બંને દેશો વચ્ચે લાંબા સમય સુધી ચાલેલા સૈન્ય સહયોગની ગૂપ્ત માહિતી છેેક ઇરાની ક્રાંતિ પછી બહાર આવી હતી.

ઇરાનમાં શાહ શાસનના વિરોધીઓને ઇઝરાયેલ સાથેના સારા સંબંધો પસંદ ન હતા. ઇરાનના ઇસ્લામી વામપંથી ઓ અને કટ્ટર ઇસ્લામવાદીઓ જોર્ડન અને લેબનોનના 'ફતહ' આંદોલનના કેમ્પમાં જોડાઇ ગયા હતા. આ ફતહ આંદોલન પેલેસ્ટાઇનમાં ઇઝરાયેલી સેનાનો સામનો કરવા શરુ થયું હતું. ગેરિલા યુધ્ધનો સારો એવો અનુભવ લઇને ઇરાન પાછા ફરેલા વિદ્રોહીઓ ઇરાન સરકાર માટે માથાનો દુખાવો બનવા લાગ્યા. આ વિદ્રોહીઓમાંના જ એક અલી અકબર ફરહાનીને પેલેસ્ટાઇન મુકિત સંગઠનના યાસર અરાફત સાથે ઘનિષ્ઠ સંબંધો હતા. અલી અકબરે ઇરાનમાં આવીને શાહ શાસન વિરોધી સશસ્ત્ર બળવાના આયોજનમાં ભૂમિકા ભજવી હતી. ૧૯૭૧માં થયેલી એક અથડામણમાં ફાયરિંગથી અલી અકબરનું મોત થયું હતું.  ઇરાનના કટ્ટર રાજનીતિજ્ઞા અને ધાર્મિક નેતા આયાતોલ્લાહ રુહુલ્લાહે ખોમેની પણ ઇઝરાયેલની કડક ટીકા કરીને પેલેસ્ટાઇનનો પક્ષ તાણવા માંડયા હતા.

ખોમેનીના કટ્ટર ઇસ્લામવાદી વિચારો ઇઝરાયેલ સાથેના રાજકીય અને આર્થિક સંબંધોની વિરુધમાં હતા. ઇરાનીઓને ઇઝરાયેલથી આવતી વસ્તુઓનો ઉપયોગ કરવી હરામ ગણાવી હતી. સત્તા સંઘર્ષમાં ખોમેનીએ વિદેશ વસવાટ કરવો પડયો પરંતુ ૧૯૭૯માં તેમના નેતૃત્વમાં થયેલી ધાર્મિક ઇરાની ક્રાંતિ પછી ઇઝરાયેલ સાથેના સંબંધોના અંતની શરુઆત થઇ હતી. સફળ ઇસ્લામિક ક્રાંતિ પછી પેલેસ્ટાઇની નેતા યાસર અરાફત તહેરાન આવ્યા ત્યારે ઇરાનની ક્રાંતિ પેલેસ્ટાઇનીઓ માટે એક મોટી જીત સમાન ગણાવી હતી. પેલેસ્ટાઇનીઓના સમર્થનમાં હજારો ઇરાનીઓએ સૂત્રોચ્ચાર કરીને અરાફતનું  ઉષ્માભર્યુ સ્વાગત કર્યુ હતું. ઇરાની ક્રાંતિ પછી ઇરાનમાં ઇઝરાયેલ વિરોધી લાગણીઓ બળવત્તર બનતી જતી હતી તેમ છતાં અમેરિકાએ ઇરાન અને ઇરાક વચ્ચે ૧૯૮૦ થી ૧૯૮૮ સુધી ચાલેલા લાંબા યુદ્ધમાં ઇઝરાયેલના માધ્યમથી ૨ બિલિયન ડોલરના શસ્ત્રો ઇરાનને આપ્યા હતા.  જો કે ઇરાનમાં આયાતોલ્લાહ ખોમેનીના ધાર્મિક શાસને પેલેસ્ટાઇનીઓની તરફદારી છોડી ન હતી. પેલેસ્ટાઇનીઓના સમર્થનમાં તહેરાનમાં ફરકતા વાવટાઓથી અરબ જગતમાં જાગૃતિની એક લહેર દોડી હતી તેમ છતાં અમેરિકા અને ઇઝરાયેલ ઇરાન કરતા ઇરાકના સદ્દામ હુસેનને વધારે ખતરનાક સમજતા હતા.. ૧૯૯૩માં યાસર અરાફતે ઓસ્લો સમજૂતી હેઠળ ઇઝરાયેલને એક દેશ તરીકે માન્યતા આપતા ઇરાન અરાફત પર ભડકયું હતું.

 આ નિર્ણય ઇરાની ધર્મગુરુ આયાતોલ્લાહ ખોમેનીએ ઇઝરાયેલનો નાશ કરવાનો નારો આપેલો તેનાથી વિપરિત હતો. હવે  ઇરાને મોરચો સંભાળી લઇને પેલેસ્ટાઇન અને લેબનોનમાં પોતાનો પ્રભાવ મજબૂત બનાવવા માટે નવા ઇસ્લામિક આંદોલન હમાસ અને હિજબુલ્લાહની મદદ કરવાનું નકકી કર્યુ. લેબનોનમાં હિજબુલ્લાહ અને પેલેસ્ટાઇનમાં અલ ફતહની વિરુધ હમાસ આંદોલન શરુ થયું હતું. ઇરાને હિજબુલ્લાહ અને હમાસને રાજકીય અને આર્થિક સમર્થન આપતા ઇઝરાયેલ સાથે દુશ્મની વધી હતી.

ઇરાન પ્રેરિત ઇઝરાયેલ વિરોધી જેહાદી સંગઠનો લેબનોન,પેલેસ્ટાઇન ઉપરાંત સિરિયા, ઇરાક અને યમન સુધી ફેલાયેલા છે. ઇઝરાયલે ઇરાનની પરોક્ષ ભૂમિકાને પારખી લઇને ઇરાન સમર્થિત આતંકી જુથો પર સૈન્ય કાર્યવાહી કરવા માંડી. ઇઝરાયલે સરહદ પાર અનેક સાહસપૂર્ણ સૈન્ય ઓપરેશનો શરુ કર્યા પરંતુ આરબ-ઇઝરાયેલનું સદીઓ જુનું વેર અને જીઓ પોલિટિકસ શાંતિ સ્થાપનામાં મોટો અવરોધ છે. ઇરાન ફારસી અને શિયા છે જયારે બાકીનું અરબ જગત સુન્ની બહુમતિ ધરાવે છે પરંતુ ઇઝરાયેલની વાત આવે ત્યારે લગભગ એક સરખું માનસ ધરાવે છે. ઇરાન અને ઇઝરાયેલ અત્યાર સુધી કોઇ ત્રીજા દેશમાં પરોક્ષ રીતે લડતા રહયા છે પરંતુ હવે આમને સામને આવી  ગયા છે. ઇરાન અણુબોંબ તૈયાર કરવાની મહત્વકાંક્ષા ધરાવે છે જયારે ઇઝરાયેલ-અમેરિકા  કોઇ પણ ભોગે ઇરાનના પરમાણુ કાર્યક્રમને રોકવા માંગે છે. અણુ ટેકનોલોજીનો ઇસ્લામિક દેશોમાં પ્રસાર ઇઝરાયેલને પોતાના અસ્તિત્વ માટે જોખમી લાગે છે. વર્ષ ૨૦૧૧માં સીરિયાના ગૃહયુધ્ધમાં સીરિયાના રાષ્ટ્રપતિ બશર અલ અસદના વિરોધીઓને હરાવવા ઇરાને નાણા, શસ્ત્રો અને તાલિમ પામેલા માણસોને મોકલ્યા હતા. સીરિયાના રસ્તેથી જ લેબનોનના કટ્ટર ઇઝરાયેલ વિરોધી હિજબુલ્લાહ સંગઠનને મદદ પહોંચાડવી સરળ છે. અમેરિકા, ઇઝરાયેલ અને તેમના સહયોગીઓ સીરિયામાં ઇરાનના પગપેસારા પર બાજ નજર રાખે છે. ઇઝરાયેલ જરુર પડે સૈન્ય કાર્યવાહી કરવામાં જરાંય ખચકાતું નથી. ઇઝરાયેલના મજબૂત પ્રતિકારથી ઇરાન અને ઇઝરાયેલની દુશ્મની દરિયામાં પણ વધવા લાગી છે. ઓમાનની ખાડીમાં જહાજો પર થતા હુમલા માટે ઇઝરાયેલ ઇરાનને જવાબદાર ગણે છે જયારે ઇરાન પણ લાલસાગરમાં જહાજો પર થતા હુમલા માટે ઇઝરાયેલ પર આરોપ મુકે છે. ૭ ઓકટોબર ૨૦૨૩ના રોજ હમાસે ઇઝરાયેલ પર હુમલો કર્યો જે અભૂતપૂર્વ ઘટના હતી. જેમાં ઇઝરાયેલના ૧૭૦૦થી વધુ નાગરિકો અને સૈનિકોના મોત થયા હતા. ઇઝરાયેલ હમાસના વિનાશના સોગંધ ખાઇને ગાજાપટ્ટીમાં સૈન્ય કાર્યવાહી ચલાવે છે તેની પીડા અંદરખાને ઇરાન અનુભવી રહયું છે. ઘણા સમયથી ઇરાન-ઇઝરાયેલ ટકરાશે એવી આશંકા વ્યકત કરવામાં આવતી હતી જે સાચી પડી રહી છે. બદલાયેલી પરિસ્થિતિમાં હમાસ અને ઇઝરાયલની લડાઇ કયાંક ઇરાન-ઇઝરાયેલમાં ફેરવાઇ ના જાય તેવો ભય ઉભો થયો છે. 

Gujarat