For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

નસીબની બલિહારી .

Updated: Apr 23rd, 2024

નસીબની બલિહારી                                   .

- વહેતું જીવન-ડૉ. હર્ષદ કામદાર

- 'અમારા કિઆનને તો રાઇડની બીક લાગતી હતી, ને તેમાં બેઠો કઈ રીતે?'

'પ પ્પા, મારૂ રિઝલ્ટ બે દિવસમાં જ આવશે, મને બહુ ડર લાગે છે. હું બોર્ડમાં ફેઇલ જ થઈશ, મારા પેપરો બહુ ખરાબ ગયા છે.' ફેનિલે રડવા જેવા અવાજે કહ્યું, 'બેટા, પરીક્ષામાં પાસ કે ફેઇલ તો થઈ શકાય જે પરિણામ આવે તે સારૂ જ આવશે, તેનાથી ડરવાની જરૂર નથી.' પપ્પા અશોકભાઈએ ફેનિલને બેસાડી સમજાવતા કહ્યું.

'પપ્પા, મને તો રાતે ઊંઘ પણ નથી આવતી. હું ફેઇલ થઈશ તો કોઈને મોઢું બતાવવા લાયક નહીં રહું' ફેનિલ કહેતા કહેતા રડી પડયો.

બધુ સારૂ જ થશે, તારુ પરિણામ સારૂ જ આવશે, જરાય ચિંતા ના 'કર' કહેતા અશોકભાઇ પોતે જ ચિંતામાં પડી ગયા. તેને એકનો એક દિકરો ફેનિલ ભણવામાં હોશિયાર હતો, પણ કમનસીબે તેના બે પેપર બોર્ડની પરીક્ષામાં બગડી ગયા હતા. એકમાં તેની તૈયારી વગરનું બધું પુછાયું હતું, તો એક પેપરમાં તેને ટાઈમ ખુટયો હતો. હોશિયાર વિદ્યાર્થી ફેઇલ થવાની બીકથી વધારે નિરાશામાં પડી જાય છે. અને ખરેખર એવું જ થયું. પાંચ મિનિટ પછી પાછો ફેનિલ પપ્પા પાસે આવીને રડી પડયો. 'પપ્પા, હવે મારે જીવવાનો કોઈ જ અર્થ નથી, હું હવે મરી જવા માગું છુ, મને તેની પરવાનગી આપો.' સાવ છેલ્લે પાટલે ફેનિલની વાતો સાંભળી અશોકભાઇ મનમાં ગભરાયા. હવે શું કરવું? હજી તો પરીણામને એક દિવસ છે, ત્યાં સુધીમાં આ છોકરો કાંઇ ખરાબ પગલું ભરી લે તો શું? હવે આ દિવસ તેના ખાસ મિત્ર કિઆનને સાથે જ રાખવો પડશે. કિઆનને વળી તેના દિકરાથી પણ હોશિયાર હતો. તેમણે મોબાઇલ જોડયો.' તુ તરતજ  મારી પાસે આવ. ખુબ અર્જન્ટ વાત છે.

કિઆન તરત જ દશ મિનિટમાં હાજર! 'બોલો અંકલ, શું થયું છે?' તેણે અશોકભાઈને પુછયું.

અશોકભાઈએ બધી વાત વિગતે સમજાવી કહ્યું 'જો તારે કાલના પરિણામ સુધી ફેનિલની સાથે જ રહેવાનુ છે. તેને કયાય એકલો છોડતો નહિ, નહિતર તે ખોટું પગલું ભરી બેસશે.'

'સારૂ અંકલ, હું તેની સાથે જ રહીશ' કિઆને બાબત સમજી, વિચારીને કહ્યું. 

'જો તેના મનના આનંદ માટે ફરવા કાંકરીયા લઈ જા,  ત્યાં રાઈડો નવી જ થઈ છે, તેમાં બેસાડજે. તેનું મન આનંદમાં રહેશે તો પરિણામની વાત ભુલી જશે. પણ તેની સાથે જ રહેજે, કાંકરિયામાં કાઇ અજુગતું ના કરી બેસે.' અશોકભાઈને કિઆનને સમજાવતા કહ્યું.

'હા અંકલ હું તેને છોડીશ નહીં, પણ મને રાઈડોમાં બહુ બીક લાગે છે, હું તેમાં નહીં બેસું.' કિઆને તેની મુંઝવણ રજૂ કરી.

'બેટા, તુ સાથે નહીં હોય તો તે રાઈડમાં પણ ઉપરથી પડતું મુકશે. માટે તેની સાથે જ રહેજે' અશોકભાઇ ચિંતામાં બોલ્યા.

'સારૂ' કિઆનને રાઈડમાં નહોતું બેસવું પણ પરાણે હા પાડી.

કાંકરીયા પહોચીને ફેનિલ અને કિઆને મોજ કરી. પ્રાણી સંગ્રહાલયમાં ફર્યા, લારીની ભેળ ખાધી અને છેવટે રાઇડમાં બેઠાં. તેણે ફેનિલનો હાથ પકડી જ રાખ્યો હતો. ફેનિલ સમજી ગયો કે પપ્પાએ મારી ચોકીદારી માટે દોસ્તને મોકલ્યો છે.

મોટી રાઇડ ઉપર નીચે થતી હતી તેથી કિઆનને તેમાં બીક લાગવા માડી. અચાનક કિચુડ, કિચુડ અવાજ ચાલુ થયો અને ધડામ. બન્ને જેમાં બેઠાં હતાને બોક્ષનો જોઇન્ટ હતો તે સળીયો અવાજ સાથે બટકી ગયો. રાઈડનું બોક્ષ જોરથી ફાંગોળાયું અને દુર ફેકાયું.

જોરથી ફેંકાવાથી કિઆનનું માથું સીધું અથડાયું સામેના લોખંડના થાભલા સાથે અને તેની ખોપડીના કુરચા ઊડી ગયા, સ્થળ પર જ તેનું મોત થઈ ગયું. જ્યારે બાજુમાં બેઠેલો ફેનિલ આબાદ બચી ગયો. તેનો હાથ સહેજ છોલાયો, બસ બાકી સલામત રીતે તે ઊભો થઈ ગયો. પોતાના દોસ્તની આ હાલત જોઈ તે દોડાદોડી કરવામાં તેનું દુઃખ ભુલી ગયો.

કિઆનના માતાપિતા કાંકરીયા આવી હૈયાફાટ રૂદન કરતાં બોલ્યા, 'અમારા કિઆનને તો રાઇડની બીક લાગતી હતી, ને તેમાં બેઠો કઈ રીતે?'

'આન્ટી તે મારી સાથે મારી મદદે અને જરૂર પડે બચાવવા આવ્યો હતો. તે તો ના જ પાડતો હતો. મને પરિણામની બીક લાગતી હોવાથી, કોઈ ખરાબ પગલુ ના ભરૂ એટલે પપ્પાએ તેને મારી સાથે જ રહેવા સુચના આપી હતી.'

કિઆનના મમ્મી જોરથી રડતાં બોલ્યા 'અરેરે જેને બચાવવા આવ્યો હતો તે જ નાની ઉમરે ઉપર પહોચી ગયો. ઉપરવાળાની લીલા અપરમપાર છે.' આ નસીબની બલિહારી નહીં તો બીજું શું છે.

કિઆનની સ્મશાનયાત્રા શરૂ થતી હતી ને રેડીયો પર ગીત ચાલુ થયું.

'ક્યા સે ક્યા હો ગયા.' ફેનિલના પપ્પા અશોકભાઇ પણ ઊંડા શોકમાં ડુબી ગયા. તેમણે વિચાર્યું, મે કિઆનને પરાણે રાઈડમા બેસાડી ખોટું કર્યું અને તે ઊંડી હતાશામાં ઉતરી પડયા. તે કિઆનના માતાપિતા પાસે પહોચી હાથ જોડી માફી માગવા લાગ્યા કે હું જ તેના મોત માટે જવાબદાર છુ.

બીજા દિવસે સવારે પરિણામ આવતાં ફેનિલ પાસ તો થઈ ગયો પણ કિઆન એટલા સારા માર્કસ સાથે પાસ થયો કે તેને કોઈપણ કોલેજ સામેથી એડમિશન આપવા તૈયાર છે, પણ આ કેવું નસીબ?

લાસ્ટ સ્ટ્રોક 

ખરેખર જીવનમાં ક્યારે શું થશે, તે કહેવું ખુબ મુશ્કેલ છે. 

Gujarat