For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

કુસુમાખ્યાન : પતિએ પત્નીનું જીવનચરિત્ર લખ્યું હોય એવી ગુજરાતીભાષાની વિરલ ઘટના

૬૫ વર્ષના પ્રસન્ન દામ્પત્ય જીવનની યાત્રા વર્ણવતું પુસ્તક

Updated: May 16th, 2018

૧૯મી સદીના સમાજસુધારક અને લેખક મહિપતરામ નીલકંઠે તેમનાં પત્ની વિશે 'પાર્વતીકુંવર આખ્યાન' લખ્યું હતું, એ ઘટનાના વર્ષો પછી 'ગુજરાત સમાચાર'ના કટારલેખક મધુસૂદન પારેખે નવી પહેલ કરીને તેમનાં પત્ની કુસુમબેન વિશે 'કુસુમાખ્યાન' લખ્યું છે.

'કુસુમાખ્યાન' પુસ્તકમાં લેખકે વાગોળેલાં ૬૫ વર્ષનાં ખુશહાલ દામ્પત્ય જીવનના સ્મરણો આજના સમયમાં પતિ-પત્ની વચ્ચે સંબંધોની બદલાતી વ્યાખ્યા વચ્ચે દામ્પત્યજીવનના નવા પાઠ શીખવવા માટે પૂરતાં છે.

કુસુમાખ્યાન : પતિએ પત્નીનું જીવનચરિત્ર લખ્યું હોય એવી ગુજરાતીભાષાની વિરલ ઘટના'કુસુમાખ્યાન'શું છે?

'ગુજરાત સમાચાર'માં છેક ૧૯૬૦થી 'હું શાણી અને શકરાભાઈ' કોલમ લખતા લેખક મધુસૂદન પારેખ 'કુસુમાખ્યાન' પુસ્તકની પ્રસ્તાવનામાં પુસ્તકનો પરિચય આપતા લખે છે : '૧૯૪૯માં લગ્ન પછી અમે (પતિ-પત્ની) અનેક લીલીસૂકીઓ વચ્ચે પરસ્પર પ્રેમથી અને વિશ્વાસથી કેવાં આત્મીય બની રહ્યાં તેની આ કથા છે' '...કોઈપણ સ્ત્રીને વિકસવાની તક મળે તો તે કેવી ઊંચે ઉઠી શકે છે અને પતિના ઘડતર-વિકાસમાં સહયોગ કરી શકે છે તેની મને પ્રતિતિ થઈ છે.

' લેખકના કહેવા પ્રમાણે ખરેખર જ આ તેમના સમગ્ર સહજીવનનો ચિતાર છે. કેવાં સંજોગોમાં તેમનાં લગ્ન થયાં અને લગ્ન પછી કેવી કેવી સ્થિતિમાંથી પસાર થયા ત્યાંથી લઈને ૨૦૧૫માં કુસુમબેનનું નિધન થયું ત્યાં સુધીનો ઘટનાક્રમ પુસ્તકમાં આવરી  લેવાયો છે.

'કુસુમને મળવા હું મારા સસરાના જવાના રસ્તે આંટા મારતો'

એ સમયે જ્યારે કોમ્યુનિકેશનના માધ્યમો મર્યાદિત હતા અને વળી, ભાવિ પત્ની પતિને ઘેર આવી ન જાય ત્યાં સુધી પિયરમાં હોય તો બંને પક્ષે મળવાનું લગભગ અશક્ય હતું. સામાજિક રૃઢિઓ જ એવી હતી કે એક શહેરમાં હોવા છતાં મળવાનું સરળ ન રહેતું. એનો એક રસપ્રદ પ્રસંગ લેખકે ટાંક્યો છે :

'કોઈ કોઈ વાર મારે જરૃરના પ્રસંગે, સૂરત (કુસુમબેનનું પિયર) જવાનું થાય ત્યારે એ અચૂક યાદ આવે જ. એને મળવાનું, એની મુલાકાતો કરવાનું મન થાય, પણ સસરાને એ ગમે ન ગમે - એની અવઢવ. એમને ઘેર પહોંચી જવાનું સાહસ કરવાની તો મારામાં હામ જ નહીં. મારે બે દિવસ સુધી રહેવાનું થાય ત્યારે હું ખુશમન(કુસુમબેનનું પિયરનું નામ)ની મુલાકાત કોઈ રીતે થાય તેનો કસબ અજમાવતો. મારા સસરા સવારે ઘેરથી એમના નક્કી કરેલા રસ્તે બહાર જવા નીકળે.

એ રસ્તાની મને જાણ. હું એમના જવાના રસ્તા પર આંટા મારતો ફરતો રહું. એ થોડીઘણી રાહ જોવડાવીને નીકળે જ. એ મને જુએ એવો કારસો કરી હું સામે જાઉં. એ આશ્વર્ય પામે. મને ઘરે આવવાનું આમંત્રણ આપે એટલે પડ પાસા પોબાર! અલબત્ત, એમને ઘેર ભોજનની તો લાલસા નહિ જ રાખવાની. ખુશમન હજી પ્રમાણમાં નાની. એ મને જમવા ક્યાંથી બોલાવી શકે? મારે માટે એક ડિશમાં સૂરતનું ભૂસું અને મીઠાઈ લઈને આવે. અલપઝલપ અમારી દૃષ્ટિ મળે. એમને ઘેરથી વિદાય લેતાંય બંનેની નજર સંધાય'.

'ગાંધીજીથી પ્રભાવિત થઇને મેં મારા લગ્નમાં ખાદીના કપડાં પહેર્યાં હતા'

૧૯૪૯માં થયેલા લગ્નના પ્રસંગને યાદ કરતા લેખકે લખ્યું છે :  'આ સમયગાળામાં ગાંધીજીના વિચારોથી હું પ્રભાવિત હતો. હું એમનાં પુસ્તકો તો વાંચતો પણ ખાદીય અપનાવી હતી. સ્કૂલમાં ગાંધીજી વિશે વ્યાખ્યાનોય કરાવતો. મારે સૂરત વરરાજાનો મોભો ધારણ કરીને જવાનું હતું. પણ એવા મોભાનો મને કંઈ કરતા કંઈ ભાવ નહોતો. મને એનો કશો બહુ ખયાલ પણ નહોતો.

સંભવ છે કે મારામાં લઘુતાગ્રંથિ હોય. મેં લગ્નમાં રેશમી ખાદીનો ઝભ્ભો અને ખાદીની ટોપી ધારણ કરી હતી; પણ લગ્નસમયે એનને પેટીમાંથી બહાર કાઢતાં નજર પડી તો ઝભ્ભો ચીમળાઈ ગયેલો હતો; અને નવી મોજડી પહેલીવાર પગમાં અજમાવી હતી એટલે એનો ડંખ લાગ્યા કરતો હતો. કરચલીવાળા ઝભ્ભામાં અને ચૂંથાઈ ગયેલી ખાદીની ટોપીમાં હું ચૉરી (લગ્નમંડપ)માં બધાંની નજરમાં કેવો લાગશી તેની ગભરામણ થવા માંડી હતી. સામેની ખુરશીમાં બિરાજેલાં પત્ની સામે ટીકીને જોવાની કે જરીક સ્મિત કરવાનીય મારી મનોદશા નહોતી'.

તે વખતે ગાંધીજીના વિચારોનો સમાજમાં કેટલો ઊંડો પ્રભાવ હતો અને ખાસ તો ભણેલા-ગણેલાં યુવાનોમાં ગાંધીજી અને ખાદીનું મૂલ્ય હતું તે આ ઘટનામાં જોવા મળે છે. ખાદી પહેરીને લગ્ન કરવા જેટલી સાદગી હવે તો માત્રા આવા પ્રસંગો પૂરતી જ મર્યાદિત થઈ ગઈ છે!

પતિએ પત્નીને ફરીથી ઉચ્ચ અભ્યાસની મોકળાશ કરી આપી

આજે ૨૧મી સદીમાં ય યુવતીઓ માટે એવું કહેવાય છે કે લગ્ન પહેલાં જેટલું ભણાયું એટલું ભણાયું. એ પછી તો જવાબદારીનો બોજ એટલો વધી જાય કે આગળનો અભ્યાસ શક્ય ન બને. ત્યારે આ વાત તો ૧૯૬૦ના દશકાની છે. ચાર-પાંચ વર્ષના દીકરાની માતા બન્યા પછી કોઈપણ સ્ત્રી માટે આગળનો અભ્યાસ બહુ મુશ્કેલ બની રહે - એક તરફ ઘરની જવાબદારી, એક તરફ બાળકની, બાળકના અભ્યાસની અને બીજી તરફ પોતાના અભ્યાસની જવાબદારી ઉપાડવાનું કામ કપરું બની જાય.

પરંતુ કુસુમબેનના વાંચન-લેખનના શોખને ધ્યાનમાં રાખીને પતિ મધુસૂદનભાઈએ તેમને ઉચ્ચ અભ્યાસની મોકળાશ કરી આપી. તો સામે કુસુમબેન પણ તમામ જવાબદારી સ્વીકારીને આગળના સ્ટડી માટે તૈયાર થયાં. કુસુમબહેને એક્સ્ટર્નલ વિદ્યાર્થી તરીકે બી.એ.ની પરીક્ષા આપી અને પાસ થયાં.

'ગુજરાત સમાચાર'માં 'હું શાણી અને શકરાભાઈ'ની કોલમ શરૃ થઈ

'ગુજરાત સમાચાર'ની કોલમ મળવા અંગે મધુુસૂદનભાઈએ લખ્યું છે : '૧૯૬૦માં એક નવી દિશા મારે સારું ખૂલી. 'ગુજરાત સમાચાર'માં મને દર રવિવારે 'હું શાણી અને શકરાભાઈ' શીર્ષકથી કટારલેખનની કામગીરી મળી. પ્રૉફેસર તરીકે મોભો મળ્યો એ મહત્વની બાબત તો હતી જ, પણ લેખક તરીકે સમાજમાં પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવી એ બહુ મોટી વાત છે. સમાજનો વિશાળ વર્ગ મને 'ગુજરાત સમાચાર'ના લેખક તરીકે નવાજતો થયો. અરે, કુસુમને પણ કેટલાક 'શાણી' નામથી નવાજતા!'લેખકે નોંધ્યું છે કે કુસુમબેન 'ગુજરાત સમાચાર'માંથી 'હું શાણી અને શકરાભાઈ'ની કોલમના કટિંગ સાચવી રાખતા અને એમાંથી પછી થોડા સમયમાં એ કોલમમાંથી પ્રથમ પુસ્તક પ્રકાશિત થયું.

કુસુમાખ્યાનમાં શું છે?

કુસુમાખ્યાનમાં એક પત્ની કઈ રીતે ખરાં અર્થમાં પતિની સહાયક બને છે તે અને સામે પત્નીના ઉચ્ચ અભ્યાસ સહિતની બાબતોમાં પતિ કેવી અને કેટલી ભૂમિકા ભજવે છે, તે આખો ઘટનાક્રમ આલેખાયો છે. પતિના આખા જીવનમાં પત્નીનું એટલું સમર્પણ છે કે પતિના અસ્તિત્વ પત્નીનું અસ્તિત્વ એકાકાર થઈ જાય છે તેની વાત પુસ્તકમાં દરેક પાને છે. શરૃઆત ૨૦૧૫ના ફેબુ્રઆરી માસની ૧૭મી તારીખથી થાય છે. તે દિવસે મધુસૂદન પારેખનાં પત્ની કુસુમબેનનું નિધન થયું હતું. નિધનની ઘટનાથી લેખકે વાત શરૃ કરી છે અને પછી દામ્પત્યજીવનના એક પછી એક પ્રકરણો ખુલતા જાય છે.

પત્નીના વિરહથી શરૃ થયેલી વાત સગાઈ, લગ્ન, સંતાનપ્રાપ્તિ, પત્નીનું ઉચ્ચ શિક્ષણ, પતિની કારકિર્દીના વિકાસમાં મૌન રહીને પત્નીએ કરેલો સહયોગ વગેરે ઘટનાઓથી ખૂબ જ સરળ અને રસાળ ભાષામાં લેખકે બયાઁ કરી છે. સગાઈ પછી ભાવિ પત્ની માટે ખાસ જિજ્ઞાાસા કે આતુરતા નહોતી એવું લેખક શરૃઆતમાં જ સ્વીકારે છે, પણ પછી તબક્કાવાર ભાવિ પત્ની માટે તેમનો સ્નેહ ઉત્તરોત્તર વધતો ગયો. બંને વચ્ચે પત્રવ્યવહાર શરૃ થયો પછી કઈ રીતે ક્રમશ: બંને એમબીજાને ઓળખતા થયા તેનું વિગતવાર વર્ણન પુસ્તકમાં થયું છે.

'કુસુમને પહેલી વખત મેં લેડીઝ રૃમાલ ગિફ્ટ કર્યો હતો'

એ દિવસોમાં થોડીક પળોનું પ્રિયજનોનું મિલન પણ કેટલું મહત્વનું બની રહેતું તેનો પ્રસંગ પુસ્તકમાં વર્ણવાયો છે. બંને વચ્ચે સ્નેહનો તાંતણો મજબૂત થઈ રહ્યો હોવાની પ્રતિતિ એ પ્રસંગમાંથી મળે છે : 'કોઈ વાર સગાસંબંધીના લગ્નપ્રસંગે સૂરત જવાનું મળે ત્યારે એની પણ સમારંભમાં હાજરી હોય. ખાનગીમાં મળવાની મારી કે કદાચ એનીય હિંમત ન હોય. મંડપમાં જ અમારું થોડી મિનિટ તારામૈત્રક રચાય. એનું સુંદર ગોરું મુખ, એની જરાક લજ્જાભરી આંખો મને ગમી જાય.

મંડપમાં કોઈનું ખાસ ધ્યાન ન જાય એવી, કોઈ ખૂણે જગ્યા શોધીને પાંચેક મિનિટ પ્રેમમિલનનો લહાવો પામીએ. મને થોડો ખ્યાલ ખરો કે લગ્ન પૂર્વ વિવાહિતા સાથે મુલાકાત વખતે કશીક ભેટ લઈ જવી જોઈએ. એને કેવી ભેટ ગમે તેની કશી ખબર કે સમજ નહિ. છેવટે મારી જ અક્કલ ચલાવી અમદાવાદથી લેડીઝ રૃમાલ ખરીદીને તેને ભેટમાં આપ્યો હતો. એની મુલાકાતથી મન ખુશ થતું હતું, પ્રસન્નતા થતી હતી'.

'ગેરસમજમાં દેરાણી-જેઠાણીનો સંબંધ તૂટી ગયો'

સંયુક્ત પરિવારમાં દેરાણી-જેઠાણી વચ્ચે મતભેદ થવાના બનાવો પણ બનતા હોય છે. એ બનાવો પણ લેખકે પુસ્તકમાં આલેખ્યાં છે : 'હંસા  (કુસુમબેનનાં દેરાણી) કમાતી વહુ તરીકે આવી એટલે એના માનપાન વધારે. કુસુમ માત્ર મેટ્રિક. હંસા આગળ પરિવારમા એનો મોભો નહિ. હંસા માટે જરા સરખી પણ કુસુમને ઈર્ષા નહિ.'

સંયુક્ત કુટુંબમાં ઘણી વખત મતભેદો થાય પછી કે સ્થિતિ બદલાતી જાય પછી જે પરિવર્તન આવતું હોય એનો પણ લેખકે મોકળા મને સ્વીકાર કર્યો છે : 'ઘરમાંય અમારું (પતિ-પત્નીનું) માન નહિ અને નિશાળમાં શિક્ષકનો ધંધો એ જમાનામાં (ચોથા-પાંચમાં દશકામાં) માનપાત્ર નહિ. હું પોતેય ટયૂશનો કરી ખાતો હતો. પણ મજબૂરી - ઘરમાં તેમ જ બહાર'.

સંબંધોમાં ગેરસમજ વિશે આગળ લખાયું છે : 'અમારે ત્યાં પુત્રનો જન્મ થયો. કુસુમની દેરાણી હંસાય અશોકને વહાલ કરતી. દેરાણી-જેઠાણીમાં સહીપણાં વધવા માંડયા. ..પણ દેરાણી-જેઠાણીનો સુખસંબંધ લાંબો ચાલ્યો નહિ. કશીક ગેરસમજમાં એ સંબંધનો તંતુ તૂટી ગયો. ..કુટુંબનું વાતાવરણ ડહોળાઈ જવા માંડયું.'

'પ્રોફેસર બન્યો એટલે આર્થિક તંગદિલી ઘટી'

દુ:ખના, વિષાદના દિવસોમાં હિંમતથી ટકી જનારને સુખનો સ્વાદ મળતો હોય છે. શિક્ષક તરીકે કામ ગમતું બંધ થયું હતું અને સંયુક્ત પરિવારમાં પણ મતભેદો વધ્યા હતા. તે દરમિયાન કુસુમબેનનો ખૂબ સાથ મળ્યો. પત્નીએ હિંમત બંધાવી એટલે એક તરફ પીએચડીનું કામ  શરૃ થયું તો બીજી તરફ શિક્ષકમાંથી પ્રોફેસર પણ બની ગયા. તે સાથે જ આર્થિક તંગદિલી પણ ઘટી ગઈ. પરિવારનું જીવન ધોરણ વધુ ઊંચું આવ્યું. લેખકનું સ્વાસ્થ્ય છેલ્લાં દિવસોમાં કથળ્યું હતું તે પણ ફરીથી સારુ થયું. આર્થિક અને માનસિક સ્થિતિ ઘણી બદલાઈ ગઈ. સંતાપનું સ્થાન સંતોષે લેવા માંડયું હતું.

'આપણે હવે નવા સ્વરૃપે મળીશુ'

પુસ્તકમાં જીવનના તમામ ચડાવ-ઉતારને આવરી લેવાયા છે. સંતાનોના જન્મથી લઈને અભ્યાસ અને અભ્યાસ પછીની ઉજ્જવળ કારકિર્દી થઈને સંતાનો દ્વારા થતી માતા-પિતાની માવજત સહિતનો ઘટનાક્રમ લાગણીશીલ રીતે પુસ્તકમાં લેખકે રજૂ કર્યો છે. યુવકનો યુવતી સાથે પરિચય થાય, પતિ-પત્ની બને ત્યારથી લઈને જીવનના ૯૦ના પડાવે પણ એક-મેક માટે એકધારો પ્રેમ વરસાવતા રહે ત્યાં સુધીનો ઘટનાક્રમ એમાં વર્ણવાયો છે.

લેખક મધુસૂદન પારેખે તેમનાં પત્ની કુસુમબેનના નિધન પછી તેમને જે અનુભવો થયા તેનો ય બહુ ભાવપૂર્વક ચિતાર આપ્યો છે. એક તબક્કે તો લેખક પુર્નજન્મ પુનર્મિલન સુધીની વાત કરતા લખે છે : 'કોઈ પણ બૌદ્ધિક સહેજે અસ્વીકાર કરે પણ હું મારી અનુભૂતિ કહીશ. કુબા(કુસમબેનનું ઘરમાં અને પરિચિતોમાં સંબોધાતું નામ)ના અવસાન પછી મારી એમને ફરી પામવાની ઝંખના વરતી જઈને મને સધિયારો આપવાનો હોય તેમ અનુભૂતિ થઈ હતી કે 'આપણે હવે પછી નવા સ્વરૃપે મળીશું'. ભલે આ બધી વાત ભ્રમણામાં ખપે, પણ મારે માટે એ સત્ય છે'

આ પુસ્તકમાં દરેક પાને પતિ-પત્ની વચ્ચેના લાગણીભીના દામ્પત્ય જીવનની સોડમ વર્તાય છે. ૬૫ વર્ષનાં ખુશહાલ દામ્પત્ય જીવનના સ્મરણો આજના સમયમાં પતિ-પત્ની વચ્ચે સંબંધોની બદલાતી વ્યાખ્યા વચ્ચે નવા પાઠ શીખવવા માટે પૂરતાં છે. મુગ્ધવયે યુગલ વચ્ચે જેવો પ્રેમ હોય એવો જ પ્રેમ એકધારા ૬૫ વર્ષના સહજીવન પછી ય પાછલી વયે અકબંધ રહે છે તેનો આ દસ્તાવેજ છે.
 

Gujarat