For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

મચ્છર પાસે ડંખ ખાવાના 50 પૈસા ચૂકવાતા અને થઇ મલેરિયાની શોધ!

Updated: Apr 23rd, 2024

મચ્છર પાસે ડંખ ખાવાના 50 પૈસા ચૂકવાતા અને થઇ મલેરિયાની શોધ!

- સેલિબ્રેશન-ચિંતન બુચ

- 25 એપ્રિલ-મલેરિયા દિવસ

ભારતમાં  છેલ્લા ચાર વર્ષમાં ભારતમાં 5.94 લાખ લોકો મલેરિયાની ઝપેટમાં આવ્યા છે અને 338ના મૃત્યુ થયાં છે

ઈ. સ. ૧૮૯૫ની વાત છે. એક અંગ્રેજ ડોક્ટર રોનાલ્ડ રોસ બ્રિટનથી ભારત પહોંચ્યા. ઈન્ડિયન સિવિલ સર્વિસની જેમ એ વખતે ઈન્ડિયન મેડિકલ સવસ હતી. ડો. રોનાલ્ડ રોસ ઇન્ડિયન મેડિકલ સર્વિસ હેઠળ પોતાની સેવા આપવા માટે આવ્યા હતા અને તેમનું પ્રથમ પોસ્ટિંગ મદ્રાસમાં થયું. ભેજવાળા વાતાવરણથી મદ્રાસમાં મચ્છરનો ઉપદ્રવ ખૂબ જ વધારે હતો અને તેના કારણે મચ્છરજન્ય બીમારી પણ ઘરે-ઘરે જોવા મળતી. આમ, મદ્રાસમાં રહેવું તે વિદેશથી આવતા ડોક્ટર માટે જાણે 'પનિશમેન્ટ ટ્રાન્સફર' સમાન ગણાતું. અધૂરામાં પૂરું દર્દીઓની સંખ્યા એટલી વધારે કે ડોક્ટરને ફૂરસદની બે ઘડી પણ મળે નહીં. આ દરમિયાન ડો. રોનાલ્ડ રોસને એક ટેલિગ્રમ આવ્યો કે, 'તમારી રાજસ્થાનમાંટ્રાન્સફર કરવામાં આવે છે....'  અન્ય કોઇ ડોક્ટર હોત તો આ સમાચાર મળતાં 'હાશ, મદ્રાસ અને મચ્છરથી મુક્તિ મળી' તેવા વિચાર સાથે ઉજવણી કરત. પરંતુ ડો. રોસ અલગ માટીના હતા. તેમણે મદ્રાસથી ટ્રાન્સફર કરવા સામે વાંધો ઉઠાવ્યો. ઈન્ડિયન મેડિકલ સર્વિસે ટ્રાન્સફર અટકાવવાથી ઈન્કાર કર્યોે તો તેમણે રાજીનામું આપવાની પણ ધમકી આપી દીધી. ડોક્ટરની આ જીદ પાછળ કારણ હતું તેમનો મચ્છરપ્રેમ. તેઓ મલેરિયાનું કારણ તપાસવા માટે અંતિમ તબક્કામાં હતા અને તેના માટે તેમનું મદ્રાસમાં રહેવું જરૂરી હતું. હવે મલેરિયાના સંશોધન પાછળ પોતાનું જીવન સમર્પિત કરનારા ડો. રોસે આગળ જતાં શું કર્યું તે અગાઉ મલેરિયા વિશે થોડી વાત કરીએ.

મલેરિયા અતિ પ્રાચીન રોગ છે જે માનવજાતિ સાથે લગભગ ૭,૦૦૦-૧૨,૦૦૦ વર્ષ પહેલાંથી અસ્તિત્વ ધરાવે છે. ઇતિહાસકારો માને છે કે, આફ્રિકામાં જ્યારે અચાનક જ તાપમાન ખૂબ વધવા લાગ્યું અને ભેજમાં વધારો થયો ત્યારે પાણીના નવા સ્રોત ઊભા થયા. આ સિવાય ખેતી માટે મિડલ ઈસ્ટ અને નૉર્થ ઈસ્ટ આફ્રિકામાં પાણીના ઘણા નવા સ્રોત તૈયાર કરવામાં આવ્યા હતા જેને કારણે મચ્છરો અને સાથે-સાથે મલેરિયાના પરાસાઇટ બન્ને જન્મે એવું એમને અનુકૂળ વાતાવરણ ઊભું થયું. મલેરિયા નામ ઇટાલિયન શબ્દો પરથી આવ્યો છે. સ્ચન એટલે કે ખરાબ અને ચિૈચ એટલે હવા. આમ મલેરિયાનો અર્થ ખરાબ હવા કે બગડી ગયેલી હવા કરી શકાય. આવું નામ રાખવા પાછળ એ કારણ હતું કે લોકો શરૂઆતમાં એટલું સમજી શક્યા હતા કે બારી-બારણાં બંધ રાખવાથી અને સાંજે બહાર ન નીકળવાથી મલેરિયાથી બચી શકાય છે. ભારતમાં વૈદિક સમયમાં મલેરિયાને તમામ રોગનો રાજા ગણાતો. સદીઓ બાદ મલેરિયાની ઘાતકતા ભલે ઘટી હોય પણ તેનો ખૌફ આજે પણ બરકરાર છે. છેલ્લા ચાર વર્ષમાં ભારતમાં મલેરિયાના ૫.૯૪ લાખ કેસ નોંધાયા છે અને ૩૩૮ના મૃત્યુ થયા છે. 

હવે ડો. રોસ તરફ પાછા ફરીએ. તેમનો જન્મ ૧૩ મે ૧૮૫૭ના ઉત્તરાખંડના અલ્મોરામાં થયો હતો. ૧૮૮૩માં તેમનું પ્રથમ પોસ્ટિંગ બેંગાલુરુમાં થયું ત્યારે એક વાત તેમના ધ્યાનમાં આવી. બેંગાલુરુમાં અન્ય લોકોના બંગલા કરતાં તેમના બંગલામાં વધારે મચ્છર થતાં . જેની તેમણે તપાસ કરી તો ધ્યાનમાં આવ્યું કે તેમના બંગલાની બહાર પાણી ભરાયેલું હતું અને તેના પર મચ્છરો હતા. જેમાં તેમને મચ્છરના લારવા પણ મળી આવ્યા હતા.  તેમણે આ પાણીનો નિકાલ કર્યો અને એ સાથે જ મચ્છરનો ઉપદ્રવ પણ ઘટી ગયો. તેમણે આ અંગે ટ્રોપિકલ મેડિસિનના પિતામહ ગણાતા પૈટ્રિક મૈનસનને આ અંગે વાત કરી. પૈટ્રિક મૈન્સને તુરંત જ રોનાલ્ડને કહ્યું 'તારા માટે મલેરિયાના સંશોધન કરવાની આ ઉમદા તક છે. ભારતમાં મલેરિયાનું ખૂબ જ સારું સંશોધન થઇ શકશે અને તે આવનારી પેઢી માટે ખૂબ જ મદદરૂપ થશે.' તેમની વાત ડો. રોસે ગાંઠે બાંધી લીધી અને દિવસના કલાકો સુધી મલેરિયા પર સંશોધન કરતાં. આ દરમિયાન કેટલાક સંશોધકો એવી થિયરી પણ લાવ્યા કે મલેરિયા એક પરજીવીથી થાય છે, જે જમીનમાં મળી આવે છે. પરંતુ ડો. રોસે તર્કબદ્ધ રીતે આ થિયરીને ખોટી પાડી. આ દરમિયાન ડો. રોસની ઉટીમાં ટ્રાન્સફર થઇ. જુલાઇ ૧૮૯૭માં તેમની મુલાકાત મલેરિયાપીડિત હુસૈન ખાન સાથે થઇ. તેમણે હુસૈનને એક વિચિત્ર નોકરી આપી. વિચિત્ર એટલા માટે કે આ નોકરીમાં હુસૈનને માત્ર મચ્છરનો ડંખ  સામનો કરવાનો હતો. એક મચ્છર કરડે તો હુસૈનને ૫૦ પૈસા મળતા. વિવિધ ૨૦ પ્રકારના મચ્છર હુસૈનને કરડયા અને જેના પરથી છેવટે ડો. રોસ સંશોધન બાદ એ તારણ પર આવ્યા કે એનાફિલીઝ જાતિનો મચ્છર પોતાની અંદર મલેરિયાના વાહક સાથે ફરતો હોય છે. ડિસેમ્બર ૧૮૯૭માં તેમનું રીસર્ચ પેપર બ્રિટિશ મેડિકલ જર્નલમાં પ્રસિદ્ધ થયું. ૧૯૦૨  વર્ષમાં તેમને મલેરિયા પરની શોધ બદલ નોબલ પુરસ્કારથી સન્માનિત કરાયા હતા. 

જે દેશમાં સળંગ ૩ વર્ષ સુધી મલેરિયાનો એક પણ કેસ નોંધાય નહીં તેને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા 'મલેરિયા મુક્ત દેશ' ગણવામાં આવે છે. આ યાદીમાં માલ્દિવ્સ, શ્રીલંકા, ઓસ્ટ્રેેલિયા, ન્યૂઝીલેન્ડ, જાપાન, ચીન, સિંગાપોર, અમેરિકા, સ્વિત્ઝર્લેન્ડ, ઈઝરાયેલ, ઈટાલી સહિત ૮૦થી વધુ દેશ છે. હવે આ યાદીમાં આપણું સ્થાન મુશ્કેેલ છે પણ અશક્ય નહીં અને તેના માટે એક જ મંત્ર છે, 'સ્વચ્છતા'.

Gujarat