For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

લોકસભાની ચૂંટણી અને વર્તમાન ભારતનું દર્શન .

Updated: Apr 23rd, 2024

લોકસભાની ચૂંટણી અને વર્તમાન ભારતનું દર્શન                           .

- ભારત આઝાદ થયું ત્યારે ૩૪ કરોડની વસ્તી હતી આજે 143 કરોડ પર પહોંચી ગયા છીએ .. જીડીપી રૂ.2.7 લાખ કરોડ હતી અને આજે રૂ.296 લાખ કરોડ છે

- વિવિધા-ભવેન કચ્છી

- લોકશાહીના રેન્કિંગમાં ભારત 46માં ક્રમે છે 

- વિશ્વ યુદ્ધના ભય વચ્ચે ભારતનું વલણ,ચીન સામે કડક દ્રષ્ટિ અને લોકશાહીના મૂલ્યોને વધુ સંગીન બનાવવા તે ભાવિ સરકાર સામે પડકાર રહેશે.

- ભારતમાં લોકસભાની 18મી ચૂંટણીની મતદાન પ્રક્રિયાનો પ્રારંભ થઇ ચૂક્યો છે. લોકસભાની પ્રથમ ચૂંટણી વર્ષ 1951-1952માં થઈ ત્યારે 17.3 કરોડ મતદારોની સંખ્યા હતી. આજે 96.8 કરોડ મતદારો છે.

૧૫ ઓગસ્ટ ૧૯૪૭ના દિવસે આઝાદ થયું ત્યારે  ભારતની વસ્તી ૩૪ કરોડની હતી અને ભારતની જીડીપી રૂ.૨.૭ લાખ કરોડ  હતી. તેના કરતા પણ શરમજનક આંક સાક્ષરતાનો હતો. ભારતમાં ૧૨ ટકા નાગરિકોને જ અક્ષર જ્ઞાાન હતુ. આજે ભારતની વસ્તી ૧૪૩ કરોડ છે. એટલે કે ૭૫ વર્ષમાં ભારતની વસ્તી ચાર ગણી કરતા પણ વધુ વૃદ્ધિ પામી છે. બીજી રીતે કહીએ તો ભારતની ૧૯૪૭માં જેટલી વસ્તી હતી એટલી અમેરિકામાં હાલની વસ્તી છે. ભારતનો વસ્તી વૃદ્ધિ દર ચીન કરતા પણ વધારે રહ્યો છે. ભારતની ૧૯૫૦માં ૩૫ કરોડ સામે ચીનની તે વર્ષમાં ૫૫ કરોડ વસ્તી હતી. ચીનમાં ૭૨ વર્ષમાં વધુ ૮૭ કરોડની વસ્તી ઉમેરાઈ જયારે ભારતમાં  આ સમયગાળામાં ૧૦૫ કરોડની વસ્તીનો ઉમેરો થયો.

ભારતની પ્રથમ ચૂંટણીથી અત્યાર સુધીની પ્રગતિ આર્થિક અને વિકાસના અન્ય પાસાઓની રીતે પ્રસંસનીય તો કહેવાય જ કેમ કે ભારતની વર્તમાન જીડીપી રૂ.૨૯૬ લાખ કરોડ છે. ૫૦થી વધુ ગણો વધારો કહી શકાય. તમે તરત જ મનોમન કહેશો કે ફુગાવાનું શું? તો એમ પણ જાણી લો કે ભારત આઝાદ થયું ત્યારે વિશ્વની કુલ જીડીપીના ત્રણ ટકા જ તે રકમ હતી આજે ભારતની જીડીપી વિશ્વની કુલ જીડીપીના ૮ ટકા કરતાં વધુ છે. જો કોરોનાએ કહેર મચાવ્યો ન હોત તો આ આંક દસ ટકા પર પહોંચી ગયો હોત આમ છતાં હવે ફ્રાન્સને પાછળ પાડીને વિશ્વમાં પાંચમા ક્રમની આર્થિક તાકાત બની ગયું છે. અમેરિકા, ચીન, જાપાન અને જર્મની જ હવે ભારત કરતા આગળ છે.

ભારત આઝાદ થયું  ત્યારે ૧૨ ટકા સાક્ષરતા દર હતો તે હવે ૭૪.૩૭ ટકા થઇ ગયો છે જે જેવી તેવી સિદ્ધી ન કહેવાય. ભારતે બહુમુખી પ્રગતિ કરી તેનો અંદાજ તેના પરથી પણ માંડી શકાય કે ભારત આઝાદ થયું તેના ઘણા વર્ષો સુધી એકલા  કૃષિ સેક્ટરનું જ દેશની જીડીપીમાં ૫૦ ટકા યોગદાન હતું. અન્ય સેક્ટર વિકસિત નહોતા. ભારતનું તે વખતે કૃષિ ઉત્પાદન ૫ કરોડ  ટન હતું. આજે ભારતનું કૃષિ ઉત્પાદન ૨૫ કરોડ ટનથી વધુ છે પણ ભારતની કુલ જીડીપીમાં હવે કૃષિનો હિસ્સો ૧૬ ટકા જ છે જે બતાવે છે કે ભારતનો સર્વાંગી વિકાસ થયો છે.

જો કે ભારત હજુ પણ વિશ્વની નજરે ગરીબ કે ત્રીજા વિશ્વના દેશ તરીકે જોવાય છે તેનું એક કારણ એ છે કે ભારતમાં આવકની વહેંચણી ભારે અસમાન રીતે થયેલી જોવા મળે છે. ભારતની કુલ સંપત્તિના ૯૨ ટકા પર આઠ ટકા શ્રીમંતો કબજો જમાવીને બેઠા છે. ભારતની માથાદીઠ આવક ૨૦૦૦ ડોલરની આસપાસ મનાય છે જે પહેલી નજરે  ઠીક ઠીક સુખદ લાગે પણ ખરેખર તેના કરતા ત્રીજા ભાગની પણ ૬૦ ટકા નાગરિકો સુધી પહોચતી નહીં હોય. ભારત કહેવાય વિશ્વની પાંચમી આર્થિક તાકાત પણ માથાદીઠ આવક તેઓ કરતા ભૂતાન (૩૨૦૦ ડોલર), માલદીવ્સ (૧૦૦૦૦ ડોલર) અને બાંગ્લા દેશની (૨૮૦૦ ડોલર) વધુ છે. ફરી તમે આ ટચુકડા દેશની તુલના ન કરાય તેમ કહેશો તો જાણી લો કે ભારત જેટલી જ વસ્તી ધરાવતા ચીનની માથાદીઠ આવક ભારત કરતા ચાર ગણી વધારે છે.

અમેરિકા ૧૭૮૮માં લોકશાહી તંત્રની સ્થાપના થઇ એટલે સૌથી વધુ  ૨૩૪ વર્ષ જૂની આવી સીસ્ટમ તે ધરાવે છે. નોર્વે (૧૮૧૪), નેધરલેન્ડ (૧૮૧૫), બેલ્જીયમ (૧૮૩૧), ડેન્માર્ક (૧૮૪૯), કેનેડા (૧૮૬૭), લક્ષમબર્ગ (૧૮૬૮), ઓસ્ટ્રેલીયા (૧૯૦૧), મેક્સિકો(૧૯૧૭) અને ઓસ્ટ્રીયા (૧૯૨૦) આ દસ દેશો વિશ્વની સૌથી જૂની લોકશાહી ધરાવે છે. કુલ ૧૪ દેશો જ વિશ્વમાં એવા છે કે જેમની લોકશાહી સિસ્ટમને ૧૦૦ કે વધુ વર્ષ વીતી ચુક્યા છે. જો કે ભારત ૧૪૦ કરોડની વસ્તી સાથે અને અમેરિકાની મહાસત્તા અને આથક તાકાતને જોતા આ બે દેશો લોકશાહી ધરાવતા હોઈ  ભાવિ વિશ્વને દિશા આપવામાં મહત્વના મનાય છે. અમેરિકા અને સાથી  રાષ્ટ્રો કે જે લોકશાહી મૂલ્યો સાથેનું વિશ્વ ઝંખે છે તેઓ અને ચીન, રશિયા નોર્થ કોરિયા જેવા સરમુખત્યાર, સામ્યવાદી કે બિન લોકશાહી દેશો એકજુટ થઈને સામસામે મોરચો માંડીને બેઠા છે.રશિયા - યુક્રેેન , ઇઝરાયેલ -પેલેસ્ટાઇન- ઈરાનને  લીધે પણ  વિશ્વ યુદ્ધનો ભય પેદા થાય તેમ ઘર્ષણ વધતું રહે છે ત્યારે ભારતનું વલણ અને મનોબળ પણ નિર્ણાયક બનશે. ભારત સામે ચીન અને  ચીન સાથે પાકિસ્તાન છે. ભારત પહેલો હુમલો કરવામાં કે વિસ્તારવાદમાં નથી માનતું. ભારત સંસ્કારની રીતે ખંધી રાજનીતિ કે પીઠ પાછળ ખંજર નથી ભોંકી શકતું. અહિંસાનું ગોત્ર પણ વચ્ચે આવે આની સામે ચીન એવું તમામ કરી રહ્યું છે અને કરશે જે ભારોભાર અંચઈ અને હલકાઈની હદ વટાવતું કહી શકાય. ચીન ભારતને આર્થિક રીતે ફટકો પહોંચાડવા પણ તેજ ગતિ અને મેલી મુરાદ સાથે યુદ્ધની નોબત લાવશે. લદાખ, અરુણાચલ પ્રદેશ, સિક્કિમ સુધી તેઓ દબાણ કરી ચુક્યા છે. પાકિસ્તાન જોડે હાથ મિલાવી કાશ્મીર સહિત ભારતમાં આતંકવાદી ગતિવિધિ તેજ બની શકે છે. કાશ્મીરમાં સિવિલ વોરની પણ નોબત આવી શકે છે. ભારતના બજેટમાં  વિકાસ કરતા સંરક્ષણમાં જ ફાળવણી  વધતી રહે તેવી પણ ચીનની ચાલ છે.  ભારતમાં સત્તા પર કોઈપણ પક્ષ હશે ચીન ભારતનો એકડો કાઢી નાંખી અમેરિકાને પણ ચેકમેટ કરવાની યોજનામાં આગળ ધપી રહ્યું છે. આગામી ૨૫ વર્ષ ભારતને અંદરથી અને બહારથી ખોખરો તેમજ ખોખલો કરી નાંખવાની સાઝીશ રચાશે. ભારતના ટોચના નેતાઓને તેમની સલામતીની રીતે પણ સાવધ રહેવું પડશે. ભારત કાશ્મીર, પાકિસ્તાન હસ્તકના કાશ્મીર અને બલુચિસ્તાન મોરચે કેવી રણનીતિ અને સફળતા પ્રાપ્ત કરે છે તે પણ ભારતને નિર્ણાયક પોઝીશન પર લાવશે. ભારત રશિયા જોડે પણ સંબંધ રાખતુ હોઈ અમેરિકા ભારતને સાથ ન પણ આપે. ભારતે તેના પોતાના બળ પર જ પ્રભુત્વ અને સરસાઈ મેળવવાની તાકાત કેળવવી પડશે.

આઝાદીના ૬૫ વર્ષ સુધી સોશિયલ મીડિયા પરની વોરનો પ્રભાવ નહોતો પણ છેલ્લા દસ વર્ષમાં અને હવે  તો પ્રત્યેક વીતી રહેલ વર્ષ સાથે દેશમાં  જાતિ, ધર્મ અને પ્રાંતવાદના નામે જે વૈમનસ્ય ફેલાઈ રહ્યું છે તે પણ દેશને અંદરથી તોડી પાડવાનું ષડયંત્ર હોય તેમ પુરવાર થતું જાય છે. અમેરિકા અને ભારત અનુક્રમે સૌથી જૂની અને સૌથી મોટી લોકશાહી જરૂર છે પણ નાગરિકોના જુદા જુદા વર્ગ પોતે લોકશાહી દેશમાં રહેતા હોય તેવી મુક્ત અભિવ્યક્તિ કે સલામતી અનુભવે છે કે કેમ તે રીતે જોઈએ તો બંને દેશોએ આત્મમંથન કરવા જેવું છે. ઇકોનોમિસ્ટ  ઇન્ટેલિજન્સ યુનિટ નામની સંસ્થાએ વર્ષ ૨૦૨૧માં લોકશાહી દેશોમાં ખરેખર કેવી લોકશાહી પ્રવર્તે છે તેના ઇન્ડેક્ષ આપ્યા હતા જેમાં એક જ વ્યક્તિ બે કે વધુ હોદ્દા ધરાવતી હોય તેવી સ્થિતિ , સરકારની કાર્યપધ્ધતિ, રાજકીય પક્ષો સ્થાપવા માટે અનુકુળ વાતાવરણ, રાજકારણીઓની સભ્યતા, નાગરિકોને મળતું સ્વાતંર્ત્ય અને ચુંટણી પ્રક્રિયા જેવા માપદંડ રાખવામાં આવ્યા હતા. ભારતનો ૪૬મો અને અમેરિકાનો ૨૬મો  ક્રમ આવ્યો હતો. ભારતનો રેન્ક અગાઉના વર્ષો કરતા નજીવો સુધારા પર છે. બંને દેશોમાં લોકશાહીના  મુલ્યોની જાળવણીની રીતે ઘણી ત્રુટિઓ જણાઈ હતી. ભારતને ૧૦માંથી સરેરાશ ૬.૯૧  ટકા  અને અમેરિકાને ૭.૮૫  ટકા મળ્યા હતા.

જો કે  પાડોશી દેશોની તુલનામાં ભારતમાં નાગરિકોની ગુણવત્તા, અભિવ્યક્તિનું સ્વાતંત્ર્ય, ચુનાવ પ્રક્રિયા તેમજ વહીવટ શાસન વ્યવસ્થાની રીતે ઘણી ઘણી સારી સ્થિતિ જોવા મળે છે.

હજુ ઘણા પડકારો છે. નાગરિકો તેમની ફરજ કે નાગરિક શિસ્તમાં વિકસિત દેશોની તુલનામાં ઘણા પાછળ છે, પ્રામાણિકતા અને નૈતિક ધોરણ પણ ૨૧મી સદીના નાગરિક જેવું નથી. રાષ્ટ્ર નિષ્ઠા અને દેશને માટે શું કરી શકું તેવી ભાવના ખાસ વિકસી નથી. 

Gujarat