જન્મદાત્રી એવમ્ કર્મદાત્રી .


- વામાવિશ્વ-અનુરાધા દેરાસરી

- અભણ, અક્ષિતિ અને મધ્યમવર્ગની કેટલીક માતાઓ શિવાજીની માતા જીજીબાઈ જેટલી જ બહાદુર ને હિમ્મતવાળી હોય છે

જી વનમાં કેટલીક વ્યક્તિઓ એવી હોય છે કે, જે પોતાની વ્યક્તિના મૃત્યુને પણ જીવંત બનાવી દે, ને ઉત્સવમય બનાવી દે.

આજે વાત કરવી છે એવી જ એક વીરાંગનાની, જેણે પોતાના શહીદ સૈનિક પતિના મૃત્યુને અને તેની શહાદતને જીવંત બનાવી દીધી અને પોતાના જીવન દ્વારા પ્રેરણાદાયક ચીલો ચીતરી દીધો.

વાત છે સામાન્ય ગૃહિણીમાંથી લેફટનન્ટ અને પછી ઓફિસર બની, ભારતીય લશ્કરમાં મહિલા તરીકે ભરતી થઈ, માભોમની રક્ષા કરવાની કાર્ય કેડી પર હિમ્મતપૂર્વક ચાલનાર શહીદ દીપક નેતીવાલની પત્ની, જ્યોતિ નેનીવાલ.

દેહરાદૂનના સામાન્ય મધ્યમવર્ગમાંથી આવતી જ્યોતિ, સામાન્ય ગ્રેજ્યુએટ થઈ, ભારતીય લશ્કરમાં સૈનિક તરીકે ફરજ બજાવતા દીપક નેનીવાલને પરણી. લગ્નના ૬ વર્ષ દાંમપત્ય જીવન જીવી, છતાં પતિની સરહદ પરની ફરજને લીધે બહુ થોડો સમય પતિ દીપક સાથે વીતાવી શકતી હતી. ઘર, કુટુંબને બાળકોનો ઉછેર તેની જિંદગી હતી. ફક્ત બજારમાં ખરીદી કરવા સિવાય તે બીજી કોઈ જગ્યાએ ગઈ ન હતી. જ્યોતિ એક સામાન્ય મધ્યમવર્ગની ગૃહિણીનું, કોઈ પણ સ્વપ્ન અને અપેક્ષા વગરનું જીવન જીવી રહી હતી.

દીપક નેનીવાલ, મહર રેજીમેન્ટ (જે લશ્કરની સૌથી બહાદુર ને ચાલાક રેજીમેન્ટ) ગણાતી હતી તેનો સૈનિક હતો. ખૂબ જ જાંબાજ અને હિમ્મતવાન સોલ્જર તરીકે તેની પ્રતિષ્ઠા હતી. કાશ્મીરમાં તેનું પોસ્ટીંગ થયું હતું. આ તેની છેલ્લી સરહદ પરની ફરજ હતી, પછી તે પોતાના કુટુંબ સાથે સ્થાયી જીવન જીવી શકે તે માટે પોતાને વતન પાછો ફરવાનો હતો.

પરંતુ કુદરતને કંઈ જુદુ જ મંજૂર હતું. કાશ્મીરના જિલ્લામાં આતંકવાદીઓ સામે સામનો કરી લડતા લડતા, કરોડરજ્જુના નીચલા ભાગમાં ગોળીઓ વાગી આથી ઘવાયેલા દીપક નેનીવાલને પ્રથમ દિલ્હી અને પછી ખડકવાસલાની આર્મી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો અને તેની પત્ની જ્યોતિને બોલાવવામાં આવી.

જ્યોતિ હિમ્મત રાખી, ખડકવાસલા આર્મી હોસ્પિટલમાં તો પહોંચી, પરંતુ સર્જરી કરેલા પતિને જોઈ જ્યોતિની હિમ્મત તૂટી ગઈ. જ્યોતિને ઢીલી પડેલી જોઈ ઘવાયેલા પરંતુ જાંબાઝ દીપક નેનીવાલના શબ્દો હતો :

''તુમ ફોજી કી બીબી હો યા સીવીલયન કી, ઐસા મુહ બનાકે ક્યું ખડી હો, તુમ્હે તો હોંસલા રખના ચાહીએ અગર મુઝે કુછ હો ગયા તો, તુમ્હેં આર્મીમેં ભરતી હોના હૈ ઔર બચ્ચોંકો ભી વો રાસ્તે પર ચલના શીખાના હૈ.''

દીપક નેનીવાલના આ શબ્દો સાંભળી જ્યોતિમાં જાણે હિમ્મતનું ઝરણું ફૂટયું.

જ્યોતિના શબ્દોમાં જોઈએ તો : ''આ પછીના ૪૦ દિવસ અમે, દિવસ-રાત સાથે રહ્યા. મારા ૬ વર્ષના દાંપત્ય જીવનમાં મેં આટલું સહચર્ય માણ્યું ન હતું. અમે અલકમલકની વાતો કરતા, દીપક બહાદુર સોલ્જર હતો એટલે દુ:ખાવાને ખાસ ગણકારતો નહિ હું કવિતાઓ વાંચતી, એને જે ગમે તે સંગીત સંભળાવતી, અમે એટલા આનંદથી એ ૪૦ દિવસ પસાર કર્યા, જાણે ૪૦ વર્ષનું દાંમ્પત્ય જીવન જીવી ગયા હોઈએ.''

એકતાલીસમા દિવસે શારીરિક મુશ્કેલીઓ વધતા દીપક નેનીવાલનું મૃત્યુ થયું.

જ્યોતિ માટે જાણે દુનિયા જ અટકી ગઈ. તેના પાર્થિવ દેહને લશ્કરી સલામી આપી અગ્નિદાહ દેવામાં આવ્યો. સ્વ. દીપક નેનીવાલના મૃત્યુદેહ પાસે અગિયાર વર્ષની દીકરી લાવણ્યએ કાનમાં કોઈ સંદેશ આપ્યો એ સંદેશો હતો, ડેડી તમારી જેમ હું પણ સૈનિક બની દેશની સેવા કરીશ.

કેટલીક મધ્યમવર્ગની અભણ માતાઓ પણ શિવાજીની માતા જીજીબાઈ જેટલી જ બહાદુર અને હિમ્મતવાળી હોય છે તેણે જ્યોતિને નાસીપાસ થાય તેવા શબ્દો કહેવાને બદલે કહ્યું, ''જ્યોતિ બેટા તું જન્મદાત્રી તો હૈ, અબ તુઝે બચ્ચોં કી કર્મદાત્રી ભી બનના હૈ.'' તું જીવનમેં ઐસા કુછ કરકે દીખા કે બચ્ચે ઊનકે જીવનમેં તુઝે હી રોલમોડલ બનાયે. તુમ્હારે પાસ સે હી જીના શીખે, જીવનમેં આતી મુશ્કીલીઓંકા સામના કરના શીખે, ક્યું વો ઓરો કા સહારા લે ?

માતાના આ શબ્દોથી જ્યોતિમાં પ્રેરણાનું સ્ત્રોત ફૂટી નીકળ્યું. તેને પતિનું સ્વપ્ન યાદ આવ્યું. અને તેણે ભારતીય લશ્કરમાં ભરતી થવાનો મક્કમ નિર્ધાર કર્યો. એટલું જ નહિ દીકરીનો આખરી સંદેશો પણ તેને સ્પર્શી ગયો.

તેના બાળકોએ પણ તેણીને હિમ્મત આપી. તેની દીકરી લાવણ્યએ જણાવ્યું કે તેણે પિતાના મૃતદેહ પાસે એવી કસમ ખાધી કે,

 તેં પણ આર્મીમાં ડૉક્ટર તરીકે જોડાશે જેથી ઘવાયેલા સૈનિકોની સેવા કરી શકે. લાવણ્યના આ શબ્દોએ જ્યોતિમાં ડબલ જોમ પૂર્યું અને તેણીએ ભારતીય લશ્કરમાં જોડાવવાનો નિર્ણય કર્યો.

ભારતીય લશ્કરમાં જોડાવવા માટે એસ.એસ. બી. (સર્વિસ સિલેક્સન બોર્ડ)ની પરીક્ષા આપવી પડે છે. આ ઉપરાંત શારીરિક તાકાતની પણ ખૂબ જરૃર પડે છે. જ્યોતિ માટે આ રસ્તો અતિ કઠીન હતો. પણ જ્યોતિએ તો જાણે પ્રતિજ્ઞા લીધી હતી કે, ''મુશ્કેલી પડે તો ઈતના કષ્ટ કર, ખુદ પે હૌંસલા રખ કે ખુદકા દમ ભર.''

અને શરૃ થઈ જ્યોતિની લશ્કરમાં ભરતી થવાની યાત્રા.

જ્યોતિ નેનીવાલે શારીરિક તાકાત મેળવવાના બધા જ પ્રયત્નો શરૃ કર્યા. સવારે વહેલી ૪.૩૦ વાગે ઊઠી, બાળકો માટે રસોઈ તૈયાર કરી, શાળાએ જવાની તૈયારી કરી ને વહેલી સવારે ટ્રેક પેન્ટ પહેરીને દોડવાનું શરૃ કર્યું. શરૃઆત ૧૦ મીટરથી કરી જેથી ધીરે ધીરે ૫૦ મીટર સુધી દોડી શકે.

દીપક નેનીવાલના મૃત્યુને ફક્ત ૬ મહિના જ થયા હતા આથી આસપાસના રૃઢિચુસ્ત લોકો ટીકા કરવા લાગ્યા કે, હજુ પતિના મૃત્યુને ૬ મહિના પણ નથી થયાને, આ સ્ત્રીની હિમ્મત તો જો ? કોઈ લાજ-શરમ નથી. વગેરે વગેરે પરંતુ જ્યોતિએ તો દરેક મુશ્કેલીને હસી કાઢવાની ભેખ લીધી હતી આથી જે વ્યક્તિ ટીકા કરતી તેને તે હસીને હાથ ધરી દેતી કોઈપણ જવાબ આપ્યા વિના. દોડ પૂરી કરીને તે જીમમાં જતી, જ્યાં પુલઅપ્સ વગેરે કરીને શરીરની તાકાત વધારતી પછી, ઘેર આવી ઘરનું કામ કરી, જ્યોતિ લેખિત પરીક્ષા માટે તૈયારી કરતી.

આમ તેણીએ ત્રણ ટ્રાયલ લઈ પરીક્ષા આપી પણ તે સતત નાપાસ થતી. તેની નિષ્ફળતાનું કારણ હતું તેનું નબળું અંગ્રેજી. દહેરાદૂનના હિન્દી મિડીયમમાં ભણેલી અને ઘરેલું જીવન જીવેલી, જ્યોતિને અંગ્રેજી સાથે બારમો ચંદ્રમાં હતો.

જ્યોતિની ધગશ જોઈ, મહેર રેજીમેન્ટના બે કમાન્ડર ઓફિસરો તેની મદદે આવ્યા. જ્યોતિને દરરોજની એક ચોપડી આપતા, જ્યોતિ વાંચી તેની નોટસ તૈયાર કરતી ને ત્રીજે દિવસે તેના પ્રશ્નો પૂછવામાં આવતા. જ્યોતિએ આ રીતે અંગ્રેજી તૈયાર કર્યું અને એસ.એસ.સી. બોર્ડની પરીક્ષા આપી ને જ્યોતિ સારા માર્કે ઊર્તિણ થઈ અને ચેન્નાઈમાં તેને ટ્રેનીંગ માટે જવાનું થયું.

તેની આ સફરમાં તેની માતા અને ભાઈનો જબરજસ્ત સપોર્ટ રહ્યો. ભાઈએ જ્યોતિ પરીક્ષા પાસ કરીને લશ્કરમાં ભરતી ના થાય ત્યાં સુધી અપરણિત રહેવાનું નક્કી કર્યું.

ચેન્નાઈમાં ટ્રેનીંગ માટે કુલ ૧૫૬ કેડેટસ હતા, જેમાંથી ૨૫ વિદેશના અને ૨૫ ભારતીયોને લેવાના હતા. આ ૨૫ કેડેટસમાં ૯ મહિલાઓ હતી તેમાં જ્યોતિ એકલીની પસંદગી થઈ.

ટ્રેનિંગમાં જ્યોતિનું પરફોર્મન્સ દરેક જગ્યાએ અવ્વલ રહ્યું. જ્યારે બધા જ કેડેટની પરીક્ષા લેવામાં આવી ત્યારે ૫૦ મીટર દોડમાં જ્યોતિ પ્રથમ આવી, એટલું જ નહિ પરંતુ જમીન પર સૂઈને શૂટીંગમાં પણ તે પ્રથમ આવી. જ્યોતિનું પરફોર્મન્સ સૌથી વધારે સારું રહ્યું.

જ્યોતિના ટ્રેનીંગ હેડનું કહેવું હતું, જે વ્યક્તિ દરેક પરીક્ષામાં પ્રથમ આવી તેને લેફટનન્ટને ઓફિસર બનતા કેવી રીતે રોકી શકાય ?

અને જ્યોતિ ઓફિસર બની, લશ્કરમાં ભરતી થઈ, પતિનું સ્વપ્ન અને માતાની શીખે તેને સફળ બનાવી.

City News

Sports

RECENT NEWS