For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

રૂડું રૂડું રે માધવપુર રૂડું રે... .

Updated: Apr 23rd, 2024

રૂડું રૂડું રે માધવપુર રૂડું રે...                              .

- અક્ષરનો અજવાસ-જયેન્દ્રસિંહ જાદવ

- જેમ રુકમણીએ કૃષ્ણને લખેલ પત્ર એ દુનિયાનો પહેલો પ્રેમપત્ર છે તેમ માધવપુર વિશ્વનું પ્રથમ વેડિંગ ડેસ્ટીનેશન છે.

સા માન્ય રીતે લગ્ન વર-વધુના ગામ કે શહેરમાં વાડી, હોલ કે પાર્ટી પ્લોટમાં યોજાય છે. પરંતુ આજકાલ વેડિંગ ડેસ્ટીનેશનની બોલબાલા છે. પોતાના ગામ કે શહેરથી દૂર પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતા, હેરીટેજ ભવનોમાં લગ્નોનું આયોજન કરવા માટે હવે અનેક વેડિંગ ડેસ્ટીનેશન પ્રખ્યાત છે. કહેવાય છે કે પશ્ચિમના લોકોએ દરિયાકિનારે કે આવા પ્રાકૃતિક સ્થળોએ લગ્ન કરવાના શરૂ કર્યા એ જોઇને આપણને તેનું અનુસરણ કર્યું. પરંતુ આ વાત સાચી નથી. હજારો વર્ષો પહેલા દ્વારકાના રાજા શ્રીકૃષ્ણ, વિદર્ભના રાજા ભીષ્મકની પુત્રીને કોંડીચપુરથી હરણ કરી લઇ આવ્યા અને વિવાહ કર્યા. આ વિવાહ કર્યા તે સ્થાન એટલે માધવપુર. જે નહોતી કૃષ્ણની રાજધાની કે નહોતું રુકમણીજીનું ગામ. જેમ રુકમણીએ કૃષ્ણને લખેલ પત્ર એ દુનિયાનો પહેલો પ્રેમપત્ર છે તેમ માધવપુર વિશ્વનું પ્રથમ વેડિંગ ડેસ્ટીનેશન છે.

ભગવાનનાં આ વિવાહની યાદમાં હજારો વર્ષોથી માધવપુર ખાતે મેળો ભરાય છે. ભારતના પૂર્વોત્તર અને પશ્ચિમની સંસ્કૃતિને એક તાતણે બાંધતો માધવપુરનો મેળો અનેક પ્રાચીન કથાઓ સાથે જોડાયેલો છે. ચૈત્ર સુધ નવમીથી શરુ થતો આ મેળો તેરસ સુધી ચાલે છે. જ્યાં માધવરાયજીની જાન આવે છે, સૌ જાનમાં જોડાય છે. શ્રીકૃષ્ણ અને રુકમણીજીના લગ્ન થાય છે અને હવે તો દ્વારકા ખાતે રીસેપ્શન પણ યોજાય છે. આજે હજારો વર્ષો પછી પણ આપણે ગાઈએ છીએ કે ''માધવપુરનો માંડવો ને, જાદવકુળની જાન, પરણે રાણી રૂક્ષ્મણી, વર વાંછીત શ્રી ભગવાન'' આવા અનેક લગ્ન ગીતો માધવપુરના મેળાના માધુર્યમાં વધારો કરે છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ તો માધવપુરના મેળામાં ગવાતા આ લગ્નગીતોની એક પુસ્તિકા પણ બહાર પાડી છે. હજારો વર્ષો પછી પણ આ લોકગીતો અને લગ્નગીતો લોકહૈયામાં સચવાઈ રહ્યા છે. કદાચ તમને માનવામાં નહીં આવે કે ગુજરાતમાં ગવાતા કૃષ્ણ ગીતોનો પડઘો અરુણાચલના ગીતોમાં પડઘાય છે. અરુણાચલ પ્રદેશ અને ઉત્તર પૂર્વના અન્ય રાજ્યોમાં મુખોપમુખ અને લોક શૈલીમાં ગવાતા અને ભજવાતા લોકગીતો અને લોકનૃત્યોમાં પણ શ્રી કૃષ્ણ અને રુકમણીજીનો ઉલ્લેખ જોવા મળે છે. આજે પણ આસામના કલાકારો માજુલી ટાપુમાંથી મળેલી પૌરાણિક ચિત્રમય હસ્તપ્રતો સાથે તેમના લોકનાટક રુક્મિણીહરણની ભજવણી કરે છે. મણીપુરના સંગીતમાં વૃંદ ખુલ્લોંગ ઇશેઇ અને નટશૈલીમાં રુક્મિણીને લગતા ગીતો અતિપ્રચલિત છે. આવી જ રીતે મણીપુર અને અરુણાચલની ઇદુ મીષ્મી આદિજાતિના લોકનૃત્યોમાં પણ શ્રીકૃષ્ણ-રુક્મિણીની કથાનું આલેખન જોવા મળે છે. આ મેળામાં ઉત્તર-પૂર્વ અને ગુજરાતના નૃત્યોની ઝાંખી દર્શાવવામાં આવે છે.

સ્થાન વિશેષ તરીકે માધવપુર અત્યંત પૌરાણિક સ્થાન છે. માધવપુરમાં આવેલ માધવરાયજીનું મંદિર એ તેરમી સદીનું હોવાનું જણાય છે. આ મંદિર એ ગુજરાતના પુરાતાત્વિક સૌંદર્યનો નમૂનો છે. આ સ્થળે જ ભગવાન વિષ્ણુ એ મધુ નામના દૈત્યનો નાશ કરેલો એટલે આ સ્થાન મધુવન તરીકે ઓળખાય છે. આ માધવપુર ઘેડમાં મહાપ્રભુ વલ્લભાચાર્ય પધાર્યા છે, અહીં રામાનુજાચાર્યજી આવ્યા છે, ગુરુ ગોરખનાથના પાવન પગલાં અહીં થયા છે. તો કબીર પણ આ ભૂમિ પર પધારી ચૂક્યા છે. આ રીતે માધવપુર આધ્યાત્મિક, સાંસ્કૃતિક અને પ્રાકૃતિક સમન્વયનું સ્થાન છે.

માધવપુરના વિસ્તારને ઘેડ વિસ્તાર કહેવામાં આવે છે. ઘેડ એટલે ઘડો. ઘડાની માફક પાણી ભરાઈ રહે તેવા વિસ્તારને સામાન્યતઃ ઘેડ કહેવામાં આવે છે. આમ, પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ઉત્તર બાજુ બરડાનાં ડુંગરો પુરા થતાં સોરઠી અને વરતુ નદીના દોઆબના પ્રદેશને અને દક્ષિણ બાજુ ભાદર, ઓજત અને મધવંતી નદીઓનાં પ્રદેશને ઘેડ કહે છે. જ્ઞાનપીઠ પુરસ્કૃત સર્જક રઘુવીર ચૌધરી માધવપુર માટે કહે છે કે સૌરાષ્ટ્રનું વૃંદાવન એટલે માધવપુર. માધવપુરમાં ભાદર, ઓજત અને મધુવંતી એમ ત્રણ નદીઓનો ત્રિવેણી સંગમ થાય છે. માધવપુરનો મેળો એ સંસ્કૃતિ, પ્રકૃતિ અને પ્રગતિનો ત્રિવેણી સંગમ થાય છે. માધવપુરનો મેળો એ સંસ્કૃતિ, પ્રકૃતિ અને પ્રગતિનો ત્રિવેણિી સમન્વય છે. અત્યંત મનમોહક અને રસાળ આ પ્રદેશનું પ્રાકૃતિક વાતાવરણ અત્યંત રમ્ય છે.

કહેવાય છે કે ભાષા, ભૂષા, ભોજન અને ભૂગોળનો સમન્વય એટલે સંસ્કૃતિ. આ મેળામાં ભાષા, ભૂષા અને ભોજનનો પણ સંગમ થયો છે. તેથી જ સાહિત્યકાર ઝવેરચંદ મેઘાણીજીએ માધવપુરના મેળાને 'સોરઠી સુવાસને માણવાનો મેળો' કહ્યો છે. સમયની સાથે હવે સરકાર અને નાગરિકોના પ્રયાસથી, માધવપુર મેળામાં નવા-નવા આયામો દ્વારા ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક કેનવાસને વધુ રંગબેરંગી બનાવવાનો સુંદર પ્રયાસ થઇ રહ્યો છે. આપણે ત્યાં કન્યા પક્ષને 'માંડવાવાળા' કહેવાય છે. આ મેળામાં હવે ઇશાન ભારતથી એટલે કે રુકમિણીજીના પિયરથી 'માંડવાવાળા' પણ આવવા લાગ્યા છે. આ મેળામાં વિવિધ રાજ્યોના વસ્ત્રો, હેંડીક્રાફ્ટ, ભોજનના વ્યંજનો, પ્રવાસનના માધ્યમથી સંસ્કૃતિનું દર્શન કરાવવામાં આવી રહ્યું છે. માધવપુરના આ મેળામાં ચણિયાચોળીના આભલામાં ગાલે-ગાલુંં (અરુણાચલમાં મહિલાઓ પહેરે તે) દેખાય છે. સાથે આસામની મેખલા અને ગુજરાતની બાંધણીનો 

સુંદર સમન્વય થાય છે. આ મેળામાં મોહનથાળની સાથે પીઠા (આસામના મીઠા ભાત)ની મીઠાશ ભળે છે ત્યારે 'એક ભારત, શ્રેષ્ઠ ભારત'નું સ્વપ્ન સાકાર થતું દેખાય છે. જાણીતા ઇતિહાસવિદ નરોત્તમ પલાણની પંક્તિઓ સાથે માધવપુરના મેળામાં મ્હાલીએ.

અહીં રુકમણી ભક્તિ છે,

અહીં દેવહૂતી જ્ઞાન છે !

અહીં શ્રી કૃષ્ણ વસંત છેઃ

કપિલ એની શોભા છે !

અહીં શ્રી વલ્લભની વાણીમાં

ભક્તિ અને જ્ઞાનનું શુદ્ધ અદ્વૈત રચાયું છે!

અંતે,

પક્ષીને માળો,

કરોળિયાને જાળું,

માણસને મૈત્રી !!

- વિલિયમ બ્લેક

Gujarat