For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ઓલિમ્પિક્સ પર આતંકવાદી હુમલાના ઓછાયા

Updated: Apr 23rd, 2024

ઓલિમ્પિક્સ પર આતંકવાદી હુમલાના ઓછાયા

- ટોપ્સીટર્વી-અજિત પોપટ

- ઓપનિંગ સેરિમની ઓપન એરમાં કરવાનો નિર્ણય ફ્રાન્સની સરકારે લીધો હોવાથી દેખીતી રીતે જ જોખમ વધુ છે

મા ર્ચની બાવીસમીએ મોસ્કોના ક્રોકસ સિટિ હોલમાં ચાલી રહેલા સંગીત સમારોહમાં આઇએસઆઇએસના આતંકવાદીઓ ઓચિંતા ત્રાટક્યા. સૂરલયની રમઝટમાં મસ્ત હજારો સંગીત રસિકોને કશો ખ્યાલ આવે એ પહેલાં એકસો ત્રીસ વ્યક્તિના ઢીમ ઢળી ગયા. બીજા સેંકડોને નાનીમોટી ઇજા થઇ. 

રશિયામાં થયેલા આ હુમલાએ સમગ્ર યૂરોપને સફાળું ચેતવી દીધું છે. આ વર્ષના જુલાઇમાં ફ્રાન્સના પાટનગર પેરિસમાં ઓલિમ્પિક્સ રમતોત્સવ યોજાઇ રહ્યો છે. રશિયામાં થયેલા આતંકવાદી હુમલાના પગલે ફ્રાન્સ પણ સાવચેત થઇ ગયું છે. છેક ૨૦૦૧માં અમેરિકાના વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર થયેલા આતંકવાદી હુમલાથી માંડીને રશિયા પર થયેલા આતંકવાદી હુમલાએ એક વાત સ્પષ્ટ કરી દીધી છે કે પોતાને જિહાદી ગણાવતા આ હુમલાખોરો પીઠ પાછળથી હુમલા કરે છે, સામી છાતીએ સીધી લડાઇ કરતા નથી. 

ફ્રાન્સને ડર  છે કે આ કહેવાતા જિહાદીઓ ઓલિમ્પિક્સ પર આવો હુમલો કરે તો ખુવારી ખૂબ મોટી થઇ શકે. ઓલિમ્પિક્સમાં એક તરફ દુનિયા આખીના વિવિધ રમતોના ખેલાડીઓ હોય અને બીજી તરફ હજારો રમતરસિકો ઓડિયન્સ તરીકે હાજર હોય. 

આતંકવાદીઓને રમતોત્સવ કે સંગીત સમારોહ કે બીજા કોઇ પ્રસંગની શેહ-શરમ નડતી નથી. અત્યાર અગાઉ તમને યાદ હોય તો ૧૯૭૨માં પશ્ચિમ જર્મનીના મ્યુનિચમાં યોજાએલા ઓલિમ્પિક્સમાં પેલેસ્ટીનીયન આતંકવાદીઓ ત્રાટક્યા હતા. ૧૯૭૨ના સપ્ટેંબરની પાંચમીએ આઠ આતંકવાદીઓ ત્રાટક્યા હતા. આ હુમલામાં અગિયાર ઇઝરાયેલી ખેલાડીઓ માર્યા ગયા હતા. લગભગ ૨૩ કલાક સુધી આતંકવાદીઓ અને સિક્યોરિટી દળો વચ્ચે અથડામણ થઇ હતી

જો કે ઇઝરાયેલે તરત વળતું પગલું લીધું હતું. આઠમી સપ્ટેંબરે ઇઝરાયેલી બોમ્બર વિમાનોએ સિરિયા અને લેબેનોનમાં આવેલા પીએલઓ (પેલેસ્ટીનીયન લિબરેશન ઓર્ગેનાઇઝેશન)નાં મથકો પર બોમ્બમારો કરીને બસોથી વધુ આતંકવાદીઓને ઊડાવી દીધા હતા. અલબત્ત, આ હુમલામાં થોડા નાગરિકો પણ માર્યા ગયા હતા.હોલિવૂડમાં આ આખીય ઘટનાને ધ્યાનમાં રાખીને કેવિન મેક્ડોનાલ્ડે વન ડે ઇન સપ્ટેંબર નામે ફિલ્મ પણ બનાવી હતી. આ ફિલ્મમાં મ્યુનિચની ઘટનાને નાટયાત્મક રીતે રજૂ કરી હતી. ફિલ્મ હિટ નીવડી હતી.

મ્યુનિચના હુમલાને અને તાજેતરના મોસ્કોના હુમલાને ધ્યાનમાં રાખીને ફ્રાન્સે અત્યારથી સિક્યોરિટી કડક કરવા માંડી છે. પેરિસમાં સીન નદીના તટે યોજાનારા ઓલિમ્પિક્સના ઉદ્ઘાટન સમારોહને સ્ટેડિયમને બદલે પ્રસંગે બહાર ખુલ્લામાં યોજવાની વિચારણા પણ થઇ. ફ્રાન્સે અત્યારથી સંજોગોને સાચવી લેવાની પૂર્વતૈયારી આદરી દીધી છે. ફ્રાન્સના હોમ મિનિસ્ટર ગેરાલ્ડ ડાર્મેનિને દેશની ખુફિયા એજન્સીના વડા અને વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સાથે તાજેતરમાં એક બેઠક યોજી હતી અને ઓલિમ્પિક્સના ઉદ્ઘાટન સમારોહ પ્રસંગે કેવી સિક્યોરિટી રાખવી એની વિગતવાર ચર્ચા કરી હતી.

ઓલિમ્પિક્સ રમતોત્સવના ઇતિહાસમાં પહેલીવાર ઓપનિંગ સેરિમની ઓપન એરમાં કરવાનો નિર્ણય ફ્રાન્સની સરકારે લીધો હોવાથી દેખીતી રીતે જ જોખમ વધુ છે. એટલે ડાર્મેનિને ફ્રાન્સની લશ્કરી ગુપ્તચર સેવાના કેટલાક ચુનંદા અધિકારીઓને પણ આ બેઠકમાં સાથે રાખ્યા હતા. બેઠકમાં કેવા અને કયા નિર્ણય લેવાયા એની હાલ મિડિયાને જાણ કરાઇ નથી. જો કે બેઠક પછી ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોંએ મિડિયા સાથે વાતો કરી હતી. પરંતુ સિક્યોરિટીનાં પગલાં વિશે એમણે કોઇ માહિતી મિડિયાને આપી નહોતી. તેમણે મિડિયાને કહ્યું હતું કે લંડન, માડ્રીડ અને પેરિસમાં યોજાએલી ચેમ્પિયન્સ લીગ મેચીસ વખતે પણ આઇએસઆઇએસ દ્વારા હુમલાની ધમકી આપવામાં આવી હતી એટલે આપણને ગાફેલ રહેવાનું પોષાય નહીં.

સીન નદીના તટે આશરે સાડા ત્રણ પોણા ચાર માઇલના રુટ પર દુનિયાભરના દેશોમાંથી આવેલા દસ હજારથી વધુ ખેલાડીઓ બોટ દ્વારા શોભાયાત્રા કાઢશે. આ પ્રસંગે આતંકવાદીઓ હવાઇ હુમલો પણ કરી શકે, જળમાર્ગે પણ હુમલો કરી શકે. પેરિસની પોલીસ આ વ્યવસ્થામાં વ્યસ્ત હોય એનો લાભ 

લઇને આતંકવાદીઓ પેરિસમાં અન્યત્ર પણ હુમલો કરી શકે. ફ્રાન્સના ગૃહ પ્રધાન ડાર્મેનિને મિડિયા સાથે વાત કરતાં એટલી માહિતી આપી કે જુલાઇની ૨૬મીએ સીન નદીમાં ૯૪ બોટમાં ખેલાડીઓ ઓપનિંગ સેરિમનીમાં સહભાગી થશે. એમની આજુબાજુ  અન્ય ૮૦ બોટમાં મિડિયામેન અને સિક્યોરિટી દળો હશે. કેટલાક સિક્યોરિટી મેન અને કમાન્ડો સાદા વેશમાં હશે. કોઇ પણ પરિસ્થિતિને પહોંચી વળવા આ કમાન્ડો તૈયાર હશે. ૪૫ હજારથી વધુ હથિયારધારી પોલીસ આ બોટ્સ સાથે વળાવિયા તરીકે હશે. આશરે સવા બે લાખ લોકો કિનારે ઊભા રહીને આ ઓપનિંગ સેરિમની નિહાળતા હશે અને બીજા બેથી અઢી લાખ કલોકો પોતપોતાના મકાનોની બાલ્કની કે બારીમાંથી આ અજોડ સમારોહને માણી રહ્યા હશે. આ પ્રસંગે મકાનોના ધાબા પર પણ સિક્યોરિટી દળો હશે. આ સિક્યોરિટીમાં સ્નાઇપર્સ (અચૂક નિશાનબાજો)નો પણ સમાવેશ કરાશે. સાથોસાથ મિલિટરી હેલિકોપ્ટર સતત હવાઇ નિરીક્ષણ કરતાં હશે. અમે સહેજ પણ ગાફેલ રહેવા માગતા નથી. આ સમારોહ પ્રસંગે ઘટનાસ્થળની આસપાસ દોઢસો કિલોમીટર જેટલા વિસ્તારમાં એરસ્પેશ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવશે. ડ્રોન એટેકને ખાળવાની તૈયારી પણ અમે કરી લીધી છે.

આ પૂર્વતૈયારી છતાં ફ્રાન્સના ગુપ્તચર ખાતાને આંખમાં તેલ આંજીને સતત સજાગ રહેવાની તાકીદ કરી દેવામાં આવી છે. ૨૦૨૪ના ઓલિમ્પિક્સ રમતોત્સવને કોઇ પણ સંજોગોમાં શાંતિપૂર્ણ રીતે પાર પાડવા ફ્રાન્સે કમર કસી લીધી છે.

Gujarat