For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

અનિષ્ટો સામે અણનમ રહેવા સાત મુદ્દા .

Updated: Feb 27th, 2024

અનિષ્ટો સામે અણનમ રહેવા સાત મુદ્દા                       .

- એક જ દે ચિનગારી-શશિન્

- માનો કે તમે કોઈ પરિસ્થિતિ બદલી શકો તેમ ન હો તો તેને બદલવાની અભિલાષા છોડી દો.

આ પણને કુદરતે એવી શક્તિ આપી છે, જે આત્મબળ રૂપે આપણને મદદ કરે છે. અને ડર્યા વગર પડકારોનો સામનો કરો તો બગડેલી બાજી પલટાવી પણ શકો છો. એટલે જો ભાવતું ન મળે તો જે મળે છે, તેને ફાવતું ને ભાવતું માનતાં આપણને કોણ રોકે છે ? ડેલ કાર્નેગીને બચપણમાં એક દુ:ખદ અકસ્માત નડયો હતો. તે વખતે તે મિસૌરીના મકાનમાં રહેતો હતો. એ ઘર લાકડાનું બનેલું હતું.

એક દિવસ તે મિત્રો સાથે ઘરના સૌથી ઉપરના ભાગમાં આવેલા ઓરડામાં રમત રમી રહ્યો હતો ત્યારે નીચે ઉતરતી વખતે તેણે બારીના ચોકઠા પર પગ મૂક્યો અને તેનો પગ લપસી ગયો. નીચે પડતી વખતે તેના ડાબા હાથની તર્જની આંગળી પરની એક વીંટી ખિલામાં ફસાઈ ગઈ. જે બની રહ્યું છે તેની સામે પોતે લાચાર હતો. દર્દ એટલું બધું અસહ્ય હતું કે કારનેગીને લાગતું હતું કે પોતે મરી જશે. ડાકટરી સારવારથી આંગળી પર મલમ-પટ્ટી કરવામાં આવી. પણ ઘવાયેલી એક આંગળીનું ઓપરેશન કરવું પડયું. હવે તેની પાસે ચાર નહીં પણ ત્રણ જ આંગળીઓ બચી હતી. કારનેગીએ જે બન્યું તેનો સ્વીકાર કરી લીધો એટલે તે ચિંતામુક્ત બની ગયો. દુર્ભાગ્યે જે કાંઈ ઘટિત થયું છે તેનો સહજ ભાવે સ્વીકાર કરી આત્મબળ ટકાવી રાખવું એ જ પડકારોનો સામનો કરવાની સાચી રીત છે.

ઈન્સાન પોતાના દિમાગની દુષ્ટતા, ઈર્ષ્યા, દ્વેષ, વેરવૃત્તિ, હિંસાવૃત્તિને કારણે આ સંસારને બગાડે છે. એટલે નકારાત્મક વિચાર છોડી દેવા એ જ હિતાવહ છે. વૉલ્ટ વાઈટમેનની સલાહ છે કે અંધકાર, તોફાન, ભૂખ, અપમાન, અકસ્માત અને વિરોધનો જે પ્રકારે માણસ ઉપસ્થિત પરિસ્થિતિનો સ્વીકાર કરી લે છે. પશુ-પક્ષીઓ આંધી, તોફાન, ભૂખ વગેરે ધૈર્યપૂર્વક સહન કરી લે છે એને કારણે તેઓ માનસિક રોગનાં કે અલ્સરનાં શિકાર બનતા નથી. આફતો સામે લડતા રહેવું એ જ સાચા પુરુષાર્થીનું લક્ષણ છે. 'હું ધારું તો મારા જીવનનો નકશો બદલી શકું છું' એવો આશાવાદ માણસે ટકાવી રાખવો જોઈએ. તમે પરિસ્થિતિ બદલી શકો તેમ ન હો, તો તેને બદલવાની અભિલાષા છોડી દો, એ જ શ્રેયસ્કર છે. કારનેગીએ કોલમ્બીઆ યુનિવર્સિટીના ડીન હોકસનું એક વાકય ટાંક્યું છે, જે ખૂબ જ પ્રેરક છે :-

''દરેક બીમારીનો આ સંસારમાં કોઈને કોઈ ઉપાય છે. તમે તેને શોધી કાઢો. અને ઈલાજ ન હોય તો તેની ચિંતા છોડી દો. એક વેપારીએ કાર્નેગીને કહ્યું હતું કે હું નિયતિનો સ્વીકાર કરું છું એ પૈકી પિને સ્ટોર્સના માલિક કે.જે.સી પિનેનું મંતવ્ય એ હતું કે મારી સઘળી સંપત્તિ નષ્ટ થઈ જાય તોય હું ચિંતા નહીં કરું. કારણ કે મને એ વાતની ખબર છે કે ચિંતા કરવાથી કશો જ ફાયદો થતો નથી. હું યોગ્ય કામ કરું છું અને તેનું ફળ આપવાનું ઈશ્વર પર છોડી દઉં છું. જીવન જીવવાની શ્રેષ્ઠ રીત આ જ છે. વિદ્યાર્થીઓ પરીક્ષા આપ્યા પછી પોતાની દ્રષ્ટિએ માર્કસ મળવાની શક્યતાનો વિચાર કરી ઘણી વાર ખોટા પરિણામની ધારણા કરી દુ:ખી થતા હોય છે. સારા માર્કસ મેળવવા પેપર ફોડનારાનો સહારો લેતા હોય છે. પડકારોને ઝિલવાની આવી અક્ષમતા કાયરતા છે. ખૂબ પરિશ્રમ કરો, આયોજનપૂર્વક અભ્યાસ કરો, ગુરુજનોનું માર્ગદર્શન લો પણ મનમાં શ્રદ્ધા તો એ વાતની જ રાખો કે હું ધાર્યા માર્કસ મેળવી શકવાનો જ છું અને માનો કે પરિણામ વિપરીત આવ્યું ને ફર્સ્ટ ક્લાસને બદલે સેકંડ ક્લાસ મળ્યો, તો તેથી નિરાશ કે હતાશ થવાની જરૂર નથી. હજી આગળના અભ્યાસનાં દ્વાર તમને પોકારે છે એટલે નિષ્ફળતાને નિષ્ફળ બનાવવી એ જ વિદ્યાર્થીનો ધર્મ છે. માણસનો અહંકાર, જિદ, હઠ કે અભિમાન એને પરિસ્થિતિઓનો સ્વીકાર કરતાં રોકે છે. પરિસ્થિતિઓ સાથે નમતું જોખવાની તૈયારી જ આપણા માટે રક્ષક સાબિત થાય છે. આંધી, તોફાન, ભયાનક વરસાદ વખતે ઘાસ નમ્રતાપૂર્વક બધું સહી લે છે અક્કડ સ્વભાવનાં વૃક્ષો ધરમૂળથી ઉખડીને જમીનદોસ્ત થઈ જાય છે. સોક્રેટિસે નિયતિના નિર્માણનો સ્વીકાર કર્યો હતો એટલે વિષપાનની સજા એમણે વિના સંકોચ સ્વીકારી લીધી હતી. જેલરે તેમને ઝેરનો કટોરો આપતાં કહ્યું હતું. નિયતિના નિર્માણ સહજ ભાવે સહન કરી લો. જેલરના શબ્દો હર કોઈ માટે પ્રેરક છે જે થવાનું છે તેનો સહજભાવે સ્વીકાર કરી લો. અનિષ્ટો સામે ટકવા માટે કઈ સાત બાબતો મદદરૂપ થઈ શકે ?

૧. દ્રઢ મનોબળ અને પ્રબળ આત્મબળ. ૨. કશુંક ખરાબ થવાનું છે એવા વિચારનો ત્યાગ. ૩. શંકાને બદલે શ્રદ્ધાશીલ રહેવાનો પ્રયત્ન. ૪. જે થવાનું છે, તે થવાનું જ છે, એવી સમજ કેળવી જીવનમાં બનતી ઘટનાઓનો વિનમ્રભાવે સ્વીકાર. ૫. પ્રત્યેક પરિસ્થિતિમાં પ્રસન્ન રહેવાનું મનોબળ. ૬. સંસાર બગડી ગયો છે, એવી ભગવાનને ફરિયાદ કરવાને બદલે તમે પોતે જ સજ્જન બનો. ૭. ચિંતાને તિલાંજલિ આપી વ્યર્થ આંસુ ન વહાવો. 

Gujarat